કાયમી નથી
કાયમી નથી
જગતમાં છે સૌ કામચલાઉ કોઈ કાયમી નથી.
મોતનો છે માનવમાત્રને હાઉ, કોઈ કાયમી નથી.
કર્મસંજોગે લેણદેણ સંબંધે બધા ભેગા થાયને,
લઈ લ્યોને મિલન તણો લ્હાવ, કોઈ કાયમી નથી.
વાદવિવાદ, વેરવૈમનસ્યને મૂકોને એકબાજુ તમે,
છે ગણતરીના દિનનો પડાવ, કોઈ કાયમી નથી.
અહીં રાવણ જેવો રાવણ પણ વેડફે છે જિંદગી,
પ્રગટાવો પરમેશથી પ્રેમભાવ, કોઈ કાયમી નથી.
છે જીવન ક્ષુલ્લક પાણીના પરપોટા જેવું આખરે,
કરી છૂટીએ કોઈ કામ પ્રભાવ, કોઈ કાયમી નથી.
તકને ઝડપીને વીજચમકારે મોતીને પરોવવાનું છે,
જોજો ક્યાંક ઊંધો પડે ન દાવ, કોઈ કાયમી નથી.