હરિ સાદ તારો
હરિ સાદ તારો


મયૂરતણા પોકારે સંભળાયો હરિ સાદ તારો,
કોકિલના ટહૂકારે સંભળાયો હરિ સાદ તારો,
વરસ્યાં વાદળો અનરાધારે ધરાને ધરવી દીધી,
ઝરણાંના રણકારે સંભળાયો હરિ સાદ તારો,
ઘનઘોર નિશા મેઘલી કાળાડીબાંગ અંધકારે,
દાદુર તણા ડચકારે સંભળાયો હરિ સાદ તારો,
આવી વસંતને ખીલી ગૈ વનરાજી પૂરબહારે,
ને ભ્રમરના ગુંજારે સંભળાયો હરિ સાદ તારો,
દીઠાં બાલકુસુમો સાવ ભોળાં હસતાં એકદા,
કાલાઘેલા ઉચ્ચારે સંભળાયો હરિ સાદ તારો.