ગુજરાતવાસીઓ
ગુજરાતવાસીઓ


'ગરવી ગુજરાત'ના નારે હરખતા ગુજરાતવાસીઓ.
ગુજરાતને સર્વેસર્વા સદા સમજતા ગુજરાતવાસીઓ.
આતિથ્ય જેનું અદકેરું ઈશ પણ મહેમાની ઝંખતાને,
સાગરકાંઠે દ્વારિકાધીશ બિરાજતા ગુજરાતવાસીઓ.
મધુરભાષા ગુજરાતી ગરિમા રાજ્યની વધારનારીને,
સર્જકો અંતરના ઊંડાણેથી લખતા ગુજરાતવાસીઓ.
ઉત્સવોને પર્વો આનંદ ઉલ્લાસથી ઊજવતાં સૌજનો,
આસ્થા અદ્ભુત ઈશ્વરમાં રાખતા ગુજરાતવાસીઓ.
હળીમળીને સૌ હેત પ્રસારતા ના ભેદભાવ દેખાતા,
વિવિધતામાં એકતાને સૌ પ્રગટાવતા ગુજરાતવાસીઓ.
ભોજનવૈવિધ્ય વ્યંજનોસભર જેનું તુષ્ટિને અર્પતું,
સાધુસંતો સંગ સર્વ ઈશ આરાધતા ગુજરાતવાસીઓ.
દેશના હાર્દ સમું છે આ રાજ્ય દુઃખે રહે અડીખમ,
આફતને પણ અવસર જે ગણાવતા ગુજરાતવાસીઓ.
સ્થાપના દિને મબલખ શુભેચ્છાઓ અંતરથી મારી,
સમય સાથે સદા કદમને એ મિલાવતા ગુજરાતવાસીઓ.