Alkesh Shah

Others

3  

Alkesh Shah

Others

વડીલોનો વડલો

વડીલોનો વડલો

20 mins
242


વડલો, વડીલોનું વૃદ્ધાશ્રમ કહો કે યાત્રાધામ. શહેરથી દૂર શાંત વાતાવરણમાં આશરે એક એકરમાં પથરાયેલું આ વૃદ્ધાશ્રમ વડલા તરીકે જાણીતું છે. ૫૦ રૂમનું બનેલું આ વૃદ્ધાશ્રમ નું વાતાવરણ ખૂબ જ રમણીય છે. બિલ્ડિંગમાં દાખલ થતાં એક મોટો હોલ છે. હોલમાં એક સુંદર કલાત્મક ગણપતિની મૂર્તિ છે. ગણપતિજીની મૂર્તિ ઉપર લાઈટોવાળુ ઝુમ્મર છે.

 હોલમાં ત્રણે તરફ રૂમોમાં જવા માટેના પેસેજ છે. દરેક રૂમમાં બે વ્યક્તિ આરામથી રહી શકે તેવી વ્યવસ્થા છે. ટોઈલેટની સગવડ રૂમમાં ટીવી તથા નાના ફ્રીઝની સગવડ પણ રાખેલ છે. લગભગ ૨૫ રૂમમાં એસીની સગવડ પણ છે.

આ વૃદ્ધાશ્રમની બહારની જગ્યા મોટા ઘટાદાર વૃક્ષોથી બનેલી છે. બહાર ત્રણ નાના નાના ગાર્ડન વડલાની સુંદરતામાં વધારો કરે છે.

વડલાના ગેટ તથા ગાર્ડન તરફ જતાં સાત ફૂટ પહોળી પગદંડી છે. તેની બંને બાજુ પાંચ ફૂટ ઉચી રેલિંગ છે. પગડંડી પર દર પાંચ ફૂટના અંતરે લાઈટો છે.

ગાર્ડનમાં વડીલોને બેસવા માટે આરામદાયક ઝૂલા છે. મધ્યમાં વર્તુળાકારે 10 થી 12 બેન્ચીસ છે. સંગીત સાંભળવા ગાર્ડનમાં સ્પીકર છે.

 અમદાવાદના પ્રસિદ્ધ વકીલ અમરીશભાઈ સોની તેમની ઓફિસમાં બેઠા હતા. ચાલીસી વટાવી ચૂકેલા અમરીશભાઈ દેખાવે, ઊંચો બાંધો તથા પાતળી કાયા ધરાવતા હતા. મોટુ કપાળ પાણીદાર આંખ, લાંબુ નાક એમના ચહેરાની પ્રતિષ્ઠા વધારતું હતું. એક વકીલ ને શોભે તેવુ તેમનું વ્યક્તિત્વ હતું.

તેમના આસિસ્ટન્ટ અમર સક્સેનાની તેઓ રાહ જોઈ રહ્યા હતા. ઘડિયાળ તરફ જોતા બોલ્યા અગિયાર વાગી ગયા છે. હજી સકસેના આવ્યો કેમ નથી. તેઓને એક ક્લાયન્ટ પાસે જવાનું હતું.

વિચારોમાં મગ્ન એવા અમરીશભાઈ એ ફોનની રીંગ વાગતા ફોન ઉપાડ્યો.

અમરીશ બોલું છું આપ કોણ ?

સામેથી જવાબ આપ્યો હું સતીશ બોલું છું, વડલાનો મેનેજર.

વડલાનો મેનેજર ?

સર અમારું ગાંધીનગર તરફ જતાં એક વૃદ્ધાશ્રમ છે જેનું નામ વડલા છે.

ઓકે, તો બોલો હું શું મદદ કરી શકું આપની.

એક વડીલભાઈ છે, તેમને આપની ખાસ જરૂર છે. વધુ વિગતો તેઓ પોતે જણાવશે. તમારી પાસે ટાઈમ હોય તો આજે ચાર વાગ્યા પછી આવી શકશો ?

 ઘડિયાળમાં જોતા અમરીશભાઈ બોલ્યા મારે એક ક્લાઈન્ટ ને મળવા જવાનું છે,આપનું એડ્રેસ મારા મોબાઈલમાં શેર કરો, હું ચાર વાગે લગભગ આવી જઈશ.

ઓકે સર, કહેતા સતિષભાઈએ ફોન મુક્યો.

કેબિનમાં દરવાજો ખોલતા જ સકસેના સોરી, ટ્રાફિક જામ થયો હતો, બોલતા અંદર આવ્યા.

હા તો ચાલો આપણે નીકળીએ કહેતા અમરીશભાઈ અને સકસેના બંને જણ તેમના ક્લાયન્ટને મળવા નિકળ્યા.

સકસેના આપણે આજે ચાર વાગ્યે ગાંધીનગર નજીક આવેલા વડલા વૃદ્ધાશ્રમમાં જવાનું છે.

આશ્ચર્ય ચકિત થઈને સકસેના બોલ્યા ત્યાં વળી શું કામ?

વૃદ્ધાશ્રમના એક વડીલને મારું કામ છે.

 તો આજનું કામ ફટાફટ પતાવવું પડશે ?

 અરે જરૂરી નથી ચાર વાગે જ પહોંચવું પડે !

ઓકે તો ફાઈન....


ચાર વાગ્યે અમરીશભાઈ તથા સક્સેના ગાંધીનગર નજીક આવેલા વડલા વૃદ્ધાશ્રમમાં જવા નીકળ્યા.

ચાર વાગ્યાને ૪૦ મીનીટે તેમની ગાડી વડલા માં દાખલ થઈ. બપોરની ગરમીમાં પણ ત્યાં તેમને શીતળતાનો અનુભવ થયો.

ગાડીમાંથી ઉતરતા જ, વાહ શું સુંદર જગ્યા છે. અમરીશભાઈ બોલી ઉઠ્યા. પ્રકૃતિની મઝા માણતા તેઓ હોલમાં દાખલ થતા અમરીશભાઈ એ ગણપતિની મૂર્તિ ને નતમસ્તકે કરી મેનેજર ની ઓફિસમાં પ્રવેશ કર્યો.

 સતિષભાઈ ઉભા થઈ અમરીશભાઈ ને આવકાર આપી બેસવા કહ્યું.

બેલ મારી સતીશભાઈએ ઓફિસ બોય ને બોલાવી પાંચ નંબરના રૂમવાળા રણછોડભાઈ ને લઈ આવવા કહ્યું.

પાંચ મિનિટમાં રણછોડભાઈ ધીમી ચાલે લાકડીના સહારે ઓફિસમાં આવ્યા.

આવો રણછોડભાઈ, તમારા કહેવા મુજબ મેં વકીલ ને બોલાવી રાખ્યા છે.

ખખડધજ વ્યક્તિત્વ ધરાવતા રણછોડભાઈ સતિષભાઈની સામેની ખુરશી પર બેઠા.

૭૦ વર્ષની ઉંમરે પહોંચેલા રણછોડભાઈ માનસિક રીતે પડી ભાંગ્યા હોય તેમ લાગતું હતું.

હા બોલો રણછોડભાઈ શું કામ હતું મારું ?

અમરીશ ભાઈ બોલ્યા.

આંખો બંધ કરી વિચાર કરતા તુટક શબ્દો માં રણછોડભાઈ બોલ્યા.

જ્યારે હું અને મારી પત્ની નિવૃત્ત થયા, ત્યારે અમને થોડા પૈસા મળ્યા. મારી પત્નીના આગ્રહથી, મારે મારા દીકરાને ડોક્ટર બનવાની ઈચ્છા હોવાથી ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવી જોઈએ તેવી ભાવના થી મેં તેની ફી માટે ૭ લાખ રૂપિયા ચૂકવ્યા, અને ૩ લાખ રૂપિયા સાથે મેં મારા ફ્લેટ પરની લોન ભરપાઈ કરી હતી. બાકીના ૩ લાખ જ્યારે મારી પત્નીએ અમારી પુત્રીના લગ્ન માટે તેના પૈસા બચાવ્યા હતા. 

 જ્યારે મારો દીકરો ડોક્ટર બન્યો અને ડોક્ટર પત્ની સાથે લગ્ન કર્યા, ત્યારે બંનેએ અમને અવગણવાનું શરૂ કર્યું. અમે માનસીક રીતે ભારે ધવાયા હતા. થોડા વર્ષો પછી, મારી પત્નીને હાર્ટ એટેક આવ્યો અને તેનું અવસાન થયું.

 ઘીમે,ઘીમે તેઓ મને હડધૂત કરવા લાગ્યા. એક વરસમાં તો.... ત્યારબાદ તેઓએ મને વૃદ્ધાશ્રમમાં લઈ આવ્યા, મારી મારા પોતાના ફ્લેટમાં રહેવાની ઈચ્છા હોવા છતાં, તેઓની મરજી નથી.

 ઘણા પુત્ર તેના માતાપિતાને રાખવા સમર્થ હોવા છતાં શા માટે વૃદ્ધાશ્રમમાં મોકલે છે તેની ખબર પડતી નથી. અમરીશ ભાઈ બોલ્યા. હં..તમે હવે શું કરવા માંગો છો? 

 મને એમ થાય છે કે મારો છોકરો એવું માને છે કે મેં મારા મારા પિતાજીને મૂરખ બનાવ્યા છે. મારી પરસેવાની કમાણીથી બનાવેલ ફ્લેટ મારા પછી તો તેને જ મળવાનો હતો ને, વધુમાં વધુ મારી દીકરી ને ફ્લેટ કિંમતના 40 ટકાની રકમ આપવી પડત. પણ તેને મને ઘરની બહાર કાઢવામાં જ રસ હતો... અને....

શું તમે વીલ બનાવી રાખ્યું છે, કે ફ્લેટ તેના નામે કરી દીધો છે ?

ના હજી સુધી મેં કશું જ કર્યું નથી અને ફ્લેટ તેના નામે કર્યો પણ નથી. બસ મને આમ જ ઘરમાંથી બહાર કાઢ્યો છે.

 પણ તમારે શા માટે નીકળવું જોઈએ. તેઓ મને કોઈ પણ હિસાબે ઘરની બહાર કાઢવા માગતા હતા અને જબરજસ્તી થી ફ્લેટ તેમના નામે કરાવવા માગતા હતા.

 તો એનો અર્થ એમ થયો કે તમારા પુત્રએ તમારો ફ્લેટ જબરજસ્તી લઈ લીધો છે.

હા મારે તે પરત તો જોઈએ છે, ફક્ત અને ફક્ત એમને સબક શીખવાડવા માટે ?

ઓકે હું બધા કાગળીયા તૈયાર કરું છું.

હા તો સક્સેના, રણછોડભાઈ પાસેથી બધા જ ડોક્યુમેન્ટ પ્રાપ્ત કરી લે.

તમે તમારું મકાન તો તમારા પોતાના રૂપિયાથી જ તૈયાર કર્યું છે ને ? અને હા, તમે લોન પણ લીધી હોય તો, અને ક્યારે ભરપાઈ કરી તેની પણ વિગત જોઈશે.

હા મારી પાસે બધું છે, બધા જ ડોક્યુમેન્ટ મારી પાસે છે.

વાંધો નહિ તમારું કામ પતી જશે.

દુઃખી સ્વરે અમરીશભાઈ બોલ્યા સતિષભાઈ વૃદ્ધાશ્રમ માં કેટલા વડીલોને તકલીફ છે ? એક કામ કરો આપણે બધાને ભેગા કરીએ અને તેમની વિગતો જાણીએ. જરૂરી કાનૂની મદદ હું આપવા તૈયાર છું. સક્સેનાએ રણછોડભાઈ પાસેથી મકાનના બધા કાગળીયા તથા બેંકની ડિટેઈલ લઈ લીધી.

સતિષભાઈ આપણે હવે પછીના સોમવારે મળીએ. અને વડલાના ટ્રસ્ટીને પણ બોલાવી રાખજો. બધા જ વડીલ મિત્રોને ભેગા કરીને તેમના પ્રોબ્લેમ જાણીશું. અને એજ દિવસે તેઓના દીકરા દીકરીઓને પણ બોલાવી લો. હા પણ તેમના માતા પિતા ને આ વાતની જાણ ના કરશો. અમરીશભાઈ અને સક્સેના વડલામાં થી રવાના થયા 

આ બાજુ અમરીશભાઈ એ રણછોડ ભાઈ ના પુત્ર મનીષને તે જે ઘરમાં રહે છે તે પોતાનું છે કે નહીં એ સાબિત કરવા નોટિસ ફટકારી. નોટિસ મળતા જ તરત મનીષે અમરીશભાઈ વકીલ ને ફોન કર્યો. 

અમરીશભાઈ એ તાત્કાલિક જો પોતાનું ઘર ન હોય તો,ખાલી ખાલી કરી દેવા જણાવ્યું, અને જો ખાલી નહીં થાય તો કાયદેસર ના પગલા લેવામાં આવશે. અને ઘર ખાલી કરીને તાત્કાલિક તેમના પિતા રણછોડભાઈ ને ઘરની ચાવી આપી દેવા જણાવ્યું.


અઠવાડિયામાં બે દિવસ વડલાના ટ્રસ્ટીઓ રાઉન્ડ મારવા આવતા હતા. અને આજે સોમવારે અમરીશ ભાઈ આવવાના હોઈ સતિષભાઈ એ તેમને સાંજના પાંચ વાગ્યે બોલાવી લીધા.

આ બાજુ સતીશભાઈએ વડલા ના બધા જ વૃદ્ધજનોને ગાર્ડનમાં મિટિંગ માટે બોલાવી લીધા.

 25 જણાના કુટુંબમાં 15 પુરુષો અને 10 સ્ત્રીઓ હતી. દરેકને ઉંમર ૬૫ થી ૭૫ વર્ષની હતી. ચાર વૃદ્ધ પુરુષો તેમની પત્ની સાથે રહેતા હતા.

પાંચ વાગ્યા સુધીમાં તો બધાજ વડીલો ગાર્ડનમાં ભેગા થઈ ગયા. તેમનો રોજનો પાંચ વાગ્યા નો પ્રોગ્રામ ગાર્ડનમાં જ ફરવાનો હોય છે. કેટલાક વડીલ તો નાની મોટી કસરત, યોગ કરતા હોય છે.

વડલાના ટ્રસ્ટીઓ કમલેશભાઈ તથા પ્રવીણભાઈ આવી ગયા,આવતાની સાથેજ તેઓ સીધા ગાર્ડનમાં પહોંચ્યા.

ગાર્ડનમાં 25 ખુશીઓ ગોઠવાયેલી હતી વૃદ્ધ સ્ત્રી પુરુષો ગાર્ડનમાં ગોઠવેલ ખુરશી ઉપર બેસી ગયા હતા, અને કેટલાક પુરુષો ગાર્ડનમાં આંટો મારી રહ્યા હતા.

 સતિષભાઈ એ બંને ટ્રસ્ટીઓને અમરીશભાઈ વકીલ વિશે જણાવી દીધેલું હતું.

કમલેશભાઈ તથા પ્રવીણભાઈ અને તેમના ચાર મિત્રોના માતાપિતા નાની ઉંમરે ગુજરી ગયા હોઈ તેમણે માતાપિતાનો પ્રેમ મળ્યો ન હતો.

બધા મિત્રો ભેગા થઈ ને વૃદ્ધાશ્રમ ખોલવાનો વિચાર કર્યો હતો. અને તેમને સ્પષ્ટ રૂપે એક વર્ષમાં વૃદ્ધાશ્રમ નું નિર્માણ કરી વડલા ટ્રસ્ટની સ્થાપના કરી હતી.

દરેક મિત્રો આવા દિલના દિલાવર,, અઠવાડિયામાં બે વખત વારાફરતી વૃદ્ધાશ્રમની મુલાકાત લેતા,અને દરેકની સારસંભાળ થાય છે કે નહીં એ પણ જોતા. વર્ષ માં ર્એક વખત તો બધા જ વડીલો ને લઈને એક નાની ટ્રીપ ગોઠવતા.

વૃદ્ધાશ્રમ ચલાવવા માટે આવેલ વડીલ પાસેથી તેઓ માસિક રૂપિયા 15000 નું ટોકન લેતા. બાકીના રૂપિયા ટ્રસ્ટમાં આવેલ ડોનેશન માંથી ખર્ચ કરતા. દરેક વ્યક્તિ અહીં વડલાનો ફેમીલી મેમ્બર ગણાતો.

 કમલેશભાઈ અને પ્રવીણભાઈ અમરીશભાઈ જોડે વાતો કરતા ઊભા હતા. અમરીશભાઈ એ જણાવ્યું અહીંના ફેમીલી મેમ્બર વૃદ્ધોની હું કાનૂની હેલ્પ કરવા માંગુ છું.

ચોક્કસ ચોક્કસ અમરીશભાઈ તમે વડલાની ફેમિલી ને મદદ કરો તો ખુબજ સારુ.

વડલો ચલાવતા કમલેશભાઈ એ અમરીશ ભાઈ ને વાત કરતા કહ્યું, ધરમૂળથી બદલાતી સામાજિક વ્યવસ્થા અને ધીમે ધીમે લુપ્ત થતા નૈતિક મૂલ્યો, વૃદ્ધાશ્રમના અસ્તિત્વ માટે જવાબદાર છે. 

 60 થી 85 વર્ષની વય જૂથના કેટલાક લોકો તેમના અંતિમ દિવસો વડલા કે અન્ય વૃદ્ધાશ્રમના માં પસાર કરી રહ્યા છે.

આ ત્યજી દેવાયેલા વડીલોનું જીવન,તેમના આરોગ્યની સંભાળ, સતત તબીબી સારવાર તેમના પુત્રો કરી શકતા નથી.

 તમે નહી માનો અમરીશભાઈ, મોટાભાગના વૃદ્ધ માં બાપ, વૃદ્ધાશ્રમ માં સમાપ્ત થાય છે. દીકરાઓ તેમને સ્મશાને લઈ જવા આવે છે.. જવાદો અમુક તો આવતા પણ નથી..

જે માતાપિતાએ તેમને એક સારું શિક્ષણ આપવા માટે તમામ મુશ્કેલીઓનો સામનો કરી જિંદગીમાં આગળ વધતા શિખવ્યુ ,અને આ જનરેસન હવે માને છે, કે જો તેમના માતાપિતા તેમની સાથે રહે તો તેમનું જીવન જટિલ બને છે. આ બદલાતા સામાજિક-વાતાવરણ જવાબદાર છે જ. સાથે સાથે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબમાં બદલાવ આવવાથી એકબીજાને કોઈ કહેવાવાળું મળ્યું નહીં.

 પહેલા તો ચાર/પાંય ભાઈઓ સાથે રહેતા અને ઉંમર થતાં પણ સાથે રહેતા, અને તેમના બાળકો હળી મળીને તેમના માબાપની સેવા કરતા. અને હવે આ રહ્યું નથી.

આ નવું જનરેશન તેમના માતા-પિતાને જવાબદારી/બોજ સમજી રહ્યું છે. બધીજ ભાવનાત્મક બાબતો ભૂલીને જબરજસ્તી થી પોતાની જવાબદારી ન છૂટકે સ્વીકારે છે.

તમે નહી માનો દીકરાઓ સાથે રહેતા પચાસ ટકા માં બાપ રોજ હડધુત થાય છે...ખાસ તો બાપ...સમાજ મા કેવું લાગે,ના ડર થી તેઓ સહન કરે છે...હું ફક્ત સભ્ય સમાજની વાત કરું છું..સમાજ સામે બહાર નીકળતા તે શ્રવણ બની જાય છે. અને ધર મા..માતા પિતા દુશ્મન...

છોકરાઓ તેમના માતા-પિતાને તેમના બાળકોની સારસંભાળ રાખવા માટે મજબૂર કરે છે. તેમની વાતો તેમની ભાવનાઓને તેઓ સ્પર્ધાત્મક દૃષ્ટિએ જુએ છે.

શિસ્તના પાઠ ભણાવવા મા-બાપે કરેલ શિક્ષાને તેઓ મા-બાપની વૃદ્ધાવસ્થામાં બદલાના સ્વરૂપે આપે છે. માં ને રાખવા ઘણા પુત્રો તૈયાર હોય છે...પણ બાપ ને હરગીજ

નહી...તેમને ખબર નથી કે માતા જેટલા પિતા પણ તેમને ઉછેરવા માંટે જે ભોગ આપ્યો છે....તે સરાહનીય હોય છે.

ઘર ચલાવવા માટે, તથા બાળકોને ઉછેરવા તેમની જરૂરિયાત સંતોષવા દિવસ રાત એક કર્યા હશે... કેટલાય ઓવરટાઈમ કર્યા હશે.. કેટલાય ઉછીના કર્યા હશે. એક એક એક રમકડા નાની મોટી સાયકલ તથા સ્કૂલની ફી, કોલેજમાં જવા માંટે વ્હીકલ, કપડા, ગણાય નહીં તેટલી દરેક સગવડો... પોતાનું બાળક બીજાની નજરોમાં ઊંચું આવે તેવા પ્રયત્નો..બાપે હંમેશા કર્યા જ હોય છે... સૂતેલા સંતાન ને માથે હળવેથી હાથ ફેરવ્યો હશે તેની કલ્પના બાળકોને ક્યાંથી હોય.... શિસ્તના પાઠ ભણાવવા, સમાજમાં તેનું યોગ્ય રીતે ઘડતર થાય તે માટે સ્ટ્રીક પણ બન્યા હશે....

બસ સ્ટ્રીક બનવાની ઘટના મોટા થતાં બાળકો માં ઘર કરી ગઈ હોવી જોઈએ. માટે તેઓ પિતાને રાખવા તૈયાર થતા નહીં હોય.... ! ! ! ! !તેઓ એક અજાણી કે અસ્પૃશ્ય વ્યક્તિ ઘરમાં રહેતી હોય તેવું અનુભૂતિ કરાવે છે.

શું વાત કરો છો, અમરીશભાઈ ફાટી આંખે બોલ્યા.

સત્ય હકીકત કડવી જરૂર છે. સાંભળવી કોઈ ને ગમતી નથી.

 હા દૂર, વિદેશમાં નોકરી કરતાં તેમના પુત્રો તેમના માતા-પિતાની સંભાળ રાખવા માટે નછૂટકે વૃદ્ધાશ્રમમાં મોકલે છે,તેની ના નથી. તે છતાં મા-બાપ તો તેમની આંખોમાં તમને જ ઈચ્છે છે. તેમની જ રાહ જોતા હોય છે.

 ધણા વિદેશમાં રહેતા બાળકો તેમના મા-બાપને વિદેશ બોલાવી તેમના બાળકોના કેરટેકર તરીકે જુએ છે. ત્યા રહેતા ધણા ખરા યુવાનો ખુબજ સ્વાર્થી હોય છે. અહી પણ એવુ જ છે.....કામવાળા જોડે સારી રીતે વાત કરી શકે છે...માં બાપ સાથે નહી...આ સત્ય છે.

દરરોજ મે વરિષ્ઠ નાગરિકોની હત્યા, બાળકો તેમના માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવા, ખરાબ વર્તન કરનારા અને તેમને ઘરની બહાર ફેંકી દેવાના ઘણાં હૃદયસ્પર્શી કેસો જોયા છે.

 ઘણા પુત્રો પાસેથી પણ તેમના માતા પિતા વિશે ફરીયાદ રૂપે ઘણું સાંભળ્યું છે.

સાંભળવા જેવું છે.

તેમના માતાપિતા તેમની વારંવાર ટોકે છે.વારંવાર હઠ કરે છે.

નાની નાની બાબતોમાં પંચાત કરીને તેમના દિવસો બગાડે છે. એક ના એક સવાલ વારંવાર પૂછે છે.

કેટલા રૂપિયા આવ્યા, કેટલા ગયા તેનું ધ્યાન રાખે છે.

કોણ આવ્યું છે, કેમ આવ્યું છે, શું કામ આવ્યું છે. તેની દેખરેખ રાખે છે. અમને અમારી રીતે જીવવા દેતા નથી.

બાપા ઘણી વખત કરકસર કરી પૈસા બચાવવાની સલાહ આપતા રહે છે.

ઘણીવાર યુવાનો તેમના માતા-પિતાને મુકવા આવે છે, ત્યારે તેમની ફરિયાદો આ રીતની હોય છે.

જોકે આ વાત નોર્મલ છે. યુવાનો તેમના માતા-પિતાની વાતને આસાનીથી ઈગ્નોર કરી શકે છે. શું તેઓ નાના હશે ત્યારે એકના એક સવાલ પુછ્યા જ હશેને...વારંવાર પ્રશ્નોની ઝડી નહી વરસાવી હોય....

તેમનું મન રાખવા શાંતિથી વાત પણ કરી શકે છે. જુના જમાનામાં જીવન જીવતા વ્યક્તિ મોજશોખ કરતા પુત્રને રોકવા પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે.

 આજકાલનાં બાળકો બચત કરવામાં માનતા ન હોવાથી માતા-પિતા ઘણી વખત તેમને ટોકતા હોય છે.

કેમ કે આજકાલના યુવાનો આજે કમાઈ ને આજે ખાવાનું વિચારે છે, તેઓને બચતમાં વિશ્વાસ જ નથી.

આ કારણે મા-બાપ તમને ટોકતા હોય છે. તેમણે બીજો કોઈ સ્વાર્થ હોતો નથી. શું તમે એમ માનો છો, કે તેમની બચતમાં તેમને લાભ થવાનો છે ? જરાય નહીં, તેઓ જીવવાના છે કેટલુ ? ખાવાના છે કેટલુ ?

તેમના ટૂંકો પગાર હોય તો પણ, માબાપ નું પોષણ કરવુ જોઈએ, ધ્યાન રાખવુ જોઈએ......પણ તે કરતા નથી.

 જ્યારે મા બાપે તેમને પોતાનો કોળીયો છોડી તેમનું પોષણ કર્યુ છે, તેઓ શા માંટે ભુલે છે?

પોતાનું બાળક કાંણુ કે અશક્ત હોય તો મા બાપની છોડી દેતા નથી. બાળકો હેન્ડીકેપ હોવા છતાં પણ તેઓ તેમને છોડતા નથી.

એતો તમારી ફરજ હતી...આવા વાક્યો સાંભળવા મળે છે.

તો બાળકો શા માટે મા-બાપની છોડી દે છે. કેટલું દુ:ખ થતુ હશે માં બાપ..ને.

ધણા બધા રૂપિયા કમાવા છતાં તેઓ તેમનાં માબાપ પ્રત્યે તેમના ખર્ચની અપેક્ષા રાખતા હોય છે. મોંઘવારી વધી ગઈ છે. થોડા રૂપિયા વધારોને, એક કે બે છોકરા નો બાપ તેના રીટાયર્ડ બાપ પાસે જમવાના રહેવાના રૂપિયા માંગતા હોય છે. દરેક જગ્યાએ એવું થતું નહી હોય ! ઘણાં બધા કિસ્સામાં પતિપત્ની કમાતા હોવા છતાંય માંતા પિતાનું પુરુ કરવામાં અસમર્થ બને છે.. શરમ નથી આવા દીકરા ને.....

 અમરીશ ભાઈ બોલ્યા અરે પણ તેઓ સમજતા કેમ નથી કે, વૃદ્ધાવસ્થા એ જીવનના તબક્કાઓ માંથી એક છે. જે દરેકે તેમાથી પસાર થવું પડે છે. અને કોઈ પણ પોતાને આમાંથી બચાવી શકશે નહીં. જ્યારે કોઈ વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે વ્યક્તિને ખરેખર તેમના બાળકોની ભાવનાત્મક ટેકોની જરૂર પડે છે.

 માતા પિતા તેમના બાળકોને પોતે જીવે છે, ત્યાં સુધી હંમેશાં તેમની સંભાળ રાખે છે. પરંતુ બાળકો તેમના જીવન માં માતા પિતાની સંપૂર્ણ અવગણના કરે છે, કે જેના આધારે તેઓ તેમના જીવનમાં ખૂબ સફળ થયા છે. 

વૃદ્ધાવસ્થામાં જ્યારે તેમને ખરેખર તેમના બાળકોનો ટેકો જોઈએ છે, ત્યારે તેઓ કહે છે કે તેઓ તેમના જીવન માં ખૂબ વ્યસ્ત છે, અને તેમની પાસે એટલો સમય નથી.

 અમરીશભાઈ ને જોતા રણછોડભાઈ તેમની નજીક આવ્યા. તેમનો ચહેરો ખૂબ જ આનંદિત હતો. પાસે આવતા જ રણછોડભાઈ બોલ્યા, અમરીશભાઈ થેન્ક્યુ, મારા પુત્ર મનીષે આજે ઘરની ચાવી મોકલાવી દીધી છે.

 હવે હું ચોક્કસ મારા ઘરમાં પરત રહેવા જઈશ. જો એકલતા મને નહીં ગમે તો હું વડલામાં પાછો આવી જઈશ.

બસ રણછોડભાઈ તમે આનંદ માં છો ને. જો તમારા પુત્ર તરફથી કોઈપણ જાતની તકલીફ હોય તો મને તરત જ જાણ કરજો.

વડલાના બધા જ ફેમિલી મિત્રો રણછોડભાઈ ના આ પ્રસંગથી ખુશ માં હતા.

વડલાના ફેમિલી મિત્રો જ્યાં બેઠા હતા ત્યાં કમલેશભાઈ અમરીશભાઈ ને લઈ ગયા અને કહ્યું જુઓ આ કમળાબેન.

છેલ્લાં ઘણાં વર્ષોથી અહીં વૃદ્ધાશ્રમમાં રહે છે. તેણીને હજી પણ તેની વિકરાળ વાસ્તવિકતા સ્વીકારવી મુશ્કેલ લાગે છે. તેને એવુ લાગે છે કે હજી પણ તેના બાળકો તેની પાસે તેના પ્રેમ માટે લડે છે. તે તેના પુત્ર માટે હજી પણ ખરાબ શબ્દો સાંભળવા તૈયાર નથી. દરરોજ સાંજ તેમની આંખો વડલાના ગેઈટ તરફ મંડરાયેલ હોય છે. મારો પુત્ર મને લેવા જરૂર આવશે.....શું આ માતૃ પ્રેમની પરાકાષ્ઠા નથી.

અને આ છે સુમનબેન.

તે કચરાથી ઘેરાયેલા ઝૂંપડાની વચ્ચે રહેતી હતી. અમે તેને અહીં લઈ આવ્યા. અમે સુમનબેનની નજીક પહોંચતા તે બોલી ઉઠ્યા

"મારા દીકરા, મારા પોતાના લોહીએ મને બાકીની જિંદગી ઝૂંપડામાં છોડી દીધી હતી. હું તે પીડા અનુભવવા અને ફરીથી ઘરે જવાની હિંમત પણ કરી શકતી નથી, હું માતા બન્યાની શરમ અનુભવુ છું "

 સુમન બેનની બાજુમાં બેઠેલી બીજી મહિલા અમારી વાતચીત સાંભળી રહી હતી.

અમરીશભાઈ તેની તરફ નજર કરતા તે બોલી ઉઠી "મેં ત્રણ પુત્રોને જન્મ આપ્યો અને જુઓે તેઓએ શું કર્યું ? તેઓ મને વારંવાર માર મારતા અને ધીમે ધીમે મને ઘરથી બહાર ઘક્કો મારી કાઢતા હતા. ઉંડા નિશાશા સાથે અટકીને તે બોલ્યા, તેમાંના એક અધિકારી છે, બીજો એક પાઈલટ છે અને ત્રીજો એક પોતાનો ધંધો ચલાવે છે. તેઓ બધા આર્થિક રીતે વ્યવસ્થિત છે. તેઓએ પોતાને માટે બધું જ મેળવ્યું છે, પરંતુ મારા માટે કંઈ નથી. વારાફરથી તેમના ઘરે રહીને ઓશિયાળી જિંદગી જીવતી હતી. એકી સાથે તે બોલી ગઈ,, તેના અવાજમાં ખૂબ જ ગુસ્સો અને કડવાશ હતી..

 અને આ, અનિતા પાસે જતા બોલ્યા, તેના પતિએ તેમના બાળકોના ગ્રીનકાર્ડ માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે તેમની સંપત્તિ પણ વેચી દીધી હતી.

જ્યારે તેમના પતિનું અવસાન થયું ત્યારે બાળકો તેમની અંતિમ વિધિમાં ભાગ લેવા આવ્યા હતા અને માતાને પિતાની ચીતા પર છોડી દીધા હતા. અમને જાણ કરવામાં આવી અને અમે ત્યાં દોડી ગયા હતા. તે ગંભીર રીતે દાઝી ગઈ હતી.

 અમરીશભાઈ બોલ્યા, ખૂબ જ દુઃખની વાત છે. મારું તો લોહી ઉકળી ઉઠે છે. હું તેમના પુત્રોને સામ-દામ-દંડ-ભેદ થી સમજાવવા માગું છું. એટલે જ મેં તેમને બોલાવ્યા છે. કાંડા ઘડિયાળમાં જોતા તેઓ બોલ્યા, તેઓ આવી જવા જોઈએ.

વડલા માં રહેતા કેટલાક વડીલબંધુ ઓ ખૂબ જ ઉદાસ હોવા છતાં સ્વમાની છે. દિવાળી કે અન્ય કોઈ સામાજિક પ્રસંગે તેઓ તેમના પરિવારને ખૂબ જ યાદ કરતા હોય છે. તેમને ભેટ કે પૈસાની જરૂર નથી. જરૂર છે તો ફક્ત પ્રેમની.

 અહીંના રહેવાસીઓ એકબીજા ને તેમના પરિવારના સભ્યો માને છે - તંદુરસ્ત વૃદ્ધો નબળા અને પથારીવશ લોકોને મદદ કરે છે. 

અને આ જુઓ હરિકાકા,

તેમનો એકનો એક પુત્ર તેને ભણાવી ગણાવીને મોટો કર્યો. સારામાં સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો, તેમનો છોકરો એન્જીનિયર બની ગયો. તેમની મિલકત માં ત્રણ બેડરૂમ, વિશાળ હોલ, બે ગેરેજ, પાઈ પાઈ ભેગી કરીને બનાવેલ આલીશાન બંગલો, તેને જોઈને જ બધાના મોંમાં આંગળા આવી જાય.

પુત્રને ભણાવ્યા બાદ તે નોકરી કરતો થઈ ગયો. અને તેના લગ્ન પણ લઈ લીધા. તેની પત્ની દેખાવે સુંદર અને વધુ પડતી ચતુર પણ હતી. ધીમે ધીમે પુત્રવધૂને આ બંનેની હાજરી ગમતી ન હતી. તેમની ફરિયાદ હતી કે તે સ્વતંત્ર રહી શકતી નથી.છતાં પણ હરિકાકા ના પત્ની રાધાબેન ના મક્કમ સ્વભાવ ને કારણે તેમની પુત્રવધુ ફાવી શકતી ન હતી.

પાંચ વર્ષ પહેલા તેમની પત્નીનું અવસાન થતાં હરિકાકા એકલા પડી ગયા. અને તેમની પુત્રવધુને ફાવતું જડી ગયું. તેના પતી ને ફરિયાદ કરવા લાગી કે બાપુજીની હાજરીમાં હું સ્વતંત્ર રહી શકતી નથી. તેમને બીજે શિફ્ટ કરી શકાય તો કેવું ?

અને તેમણે હરિકાકાને ગેરેજ માં શિફ્ટ કરી દીધા. કરોડોનો આલિશાન બંગલો હોવા છતાં ગેરેજ માં રહેવું કોને ગમે ? આખરે હરિકાકાએ વડલા વૃદ્ધાશ્રમમાં આવીને માનસિક સંતોષ માન્યો.

અમરીશભાઈ બોલ્યા હરિકાકા તમને તમારો હક જોઈતો હોય તો હું જરૂર તમને મદદ કરીશ.તમારા પુત્ર એ જબરજસ્તી એના નામે બંગલો કર્યો હોય તો પણ આપણે લડી લઈશું. હું તમને તમારો હક અપાવી ને જંપીશ.

હું તો બધા માં બાપ ને કહું છું ભુલથી પણ તમારી મિલ્કત તેમના નામે કરશો નહી.....પહેલા તમે, પછી પત્ની અને તમારા બંન્ને પછી જ તમારા પુત્ર, પુત્રી ના નામે કરજો...

તેમની ભલે આર્થીક મજબુરી કેમ ના હોય..પરંતુ છેલ્લી ઉમ્મરે તમે થોડા સ્વાર્થી બનજો.....

કમલેશભાઈ બોલ્યા અમરીશભાઈ તમે આ વડલાની ટીમમાં જોડાઈ જાવ એક વકીલ તરીકે અમે તમને મહેનતાણું અપાવીશું.

ના, ના એવી વાત નથી હું સ્વેચ્છાએ જ કેસ લડીશ. એક સામાજીક નાગરીક તરીકે મારી ફરજ છે. ઘણી વખત માતાપિતા નથી ઈચ્છતા કે તેમના પુત્ર વિરુદ્ધ કેસ થાય. અને આ જ તેમની બદ કિસ્મતી છે.

વૃદ્ધ નાગરિકો સામાજિક પ્રગતિનો સૌથી વધુ ભોગ બન્યા છે. તેઓ તેમના પોતાના બાળકો થકી અવગણવામાં આવે છે. જેેઓ સંપત્તિ અને આરામની શોધમાં છે. આ જ પરિણામે, ઘણા વૃદ્ધાવસ્થામાં તેમના છેલ્લા વર્ષો ગાળે છે.

વડીલોને તેમના બાળકોની યોગ્ય કાળજી અને સ્નેહની જરૂર હોય છે. તેઓએ તેમના જીવનમા નજીકના અને પ્રિય લોકોની સુખાકારી માટે સમર્પિત કર્યું હોઈ, ઘણા વૃદ્ધ વ્યક્તિઓ તેમના બાળકો સાથે રહેવું વધુ ગમે છે. પણ શું થાય? તેમને એકલા જીવવાનું મુશ્કેલ લાગે છે. 

તે છતા પરિવારના સભ્યો પૈસા ચૂકવવા તૈયાર છે, પરંતુ વૃદ્ધોની સંભાળ રાખવા માંગતા નથી.

ઘણાને પસંદગી હોતી નથી છતાં અલગથી રહેવું પડે છે. આ સંજોગોમાં વૃદ્ધાશ્રમ વૃદ્ધોની પસંદગી હોય છે. જોકે વૃદ્ધાવસ્થા કેન્દ્રો બધી સુવિધાઓ પૂરી પાડે છે. પુત્રો તથા પુત્રવધુ ના કટુ વચનો કરતા અહી સુરમ્ય સંગીત અને પ્રેમભાવ મળે છે.

આ બાજુ સતિષભાઈ દસ કપલ (જે વડલા ના કુટુંબ ના પુત્ર તથા પુત્રવધુ) ને લઈને ગાર્ડનમાં આવ્યા. અને કમલેશ ભાઈ જોડે મુલાકાત કરાવી. બાજુમાં જ અમરીશભાઈ ઉભા હતા.

 દરેક કપલ ને સામે ઊભા રાખીને કમલેશભાઈ બોલ્યા આ છે,વડલાના વકીલ શ્રી અમરીશભાઈ. તેઓ તમારા માતાપિતાશ્રી ઓ ને તમારા થકી થતી મુશ્કેલીઓ માં કાનૂની મદદ કરવા માંગે છે.

દોસ્તો તમે સાંભળો અમરીશભાઈ ને.

મિત્રો હું છું એડવોકેટ અમરીશ સોની. ઉંમર મારી તમારા જેટલી જ છે, મને તો લાગે છે કે તમે ઘણી જ મોટી ભુલ કરી રહ્યા છો. મને સાંભળ્યા પછી જો તમને પશ્ચાતાપ થાય તો મને ઘણો આનંદ થશે. તમે તમારું તથા તમારા માતા પિતા નું જીવન આનંદમય બનાવી શકશો.

એડવોકેટ હોવા છતાં કાનૂની કાર્યવાહી કરવામાં હું માનતો નથી. મને નથી લાગતું કે તમે મને હલકામા લેશો.

મારી શોફ્ટ ભાષાને કડક ચેતવણી સમજશો.

આપણા માતાપિતાએ આપણને જીવન આપ્યુ, અને આપણે નાના હતા ત્યાર તેઓ આપણી સંભાળ રાખતા હતા, હવે આ સમય છે. કે તેઓની જીવનભર તેમની સંભાળ રાખવાની.

તેમને પ્રેમ કરવો અને તેમની સંભાળ રાખવી એ આપણી જવાબદારી છે. વૃદ્ધાવસ્થા ની અને વૃદ્ધ લોકોની ઉપેક્ષા કરનારા બધા કૃતજુ બાળકોથી મને શરમ આવે છે.

થોડી વાર અટકીને ચારે તરફ આંખો ફેરવતા અમરીશભાઈ બોલ્યા, પહેલા મને એ કહો કે તમારામાંથી કઈ કઈ વ્યક્તિ વીસ વર્ષની ઉંમરે કમાવાનું શરૂ કર્યું હતું. મારો મતલબ સાફ છે. તમારા માતા-પિતાએ તમને 20 વર્ષ સુધી જતન કરીને મોટા કર્યા, મોટા કરવામાં કરવામાં તેમને પાછું વાળીને જોયું પણ નથી. તમને કેટલાય લાડ લડાવ્યા હશે. તમને મનગમતી ચીજો અપાવી હશે.

તમારા માબાપ ૫૮ વર્ષે રિટાયર્ડ થયા પછી લગભગ ૬૦ વર્ષ સુધી તો શસક્ત હશે જ. અને તેમની પાસે તેમની મિલકત પણ હશે જ. અને જો મિલકત ન હોય તો પણ શું તમે લીધેલા 20 વર્ષ તેમને 60 વર્ષ પછી નહીં આપી શકો?

 ,,,,,તમે લીધેલા 20 વર્ષના કલાકોના અડધા કલાકો પણ તેમને આપશો તો પણ તમારું ઋણ નહીં ચૂકવાય.

આતો મેં સમયની વાત કરી,, તમારી પાછળ ખર્ચેલા રૂપિયા તમે એમની પાછળ ખરચી નહીં શકો. હા તેમના બચાવેલા રૂપિયામાં તમારી નજર જરૂર હશે જ.

જે માણસ પોતાના મા-બાપને રાખી શકતા નથી, અને માનવતાની વાત કરે છે તે મહામૂર્ખ છે. જેઓ ઓફિસમાં,સમાજમાં, સભાઓમાં દરેક જગ્યાએ પોતાની બડાશ મારે છે, તેઓ અંતર મને આંખો બંધ કરીને પૂછો, દલીલોને બાજુ પર મૂકો.

તમારા માટે માતા-પિતાએ કરેલી શિક્ષાત્મક કાર્યવાહી તમારા ભલા માટે જ હશે. તેઓ તમને સમાજમાં ઉચ્ચ સ્થાન આપવા માટે, તમારા માનસ નું ઘડતર કરવા માટે, તમે કદી કોઈના થી પાછળ ન પડો તે માટે,, હોઈ શકે તેની મારી ગેરંટી છે.

 હું નથી માનતો કે તમે ૨૦ વર્ષમાં કમાવાનું ચાલુ કર્યું હોય. હા કેટલાક ગરીબ, અતિ ગરીબ કુટુંબોમાં અઢાર વર્ષની ઉંમરે તેઓ મજૂરી કરીને કમાતા થઈ જાય છે. પણ તે ગરીબ કુટુંબના માં બાળકો તેમના મા-બાપને ઘરડા ઘરમાં ધકેલ્યા હોય એવું લાગતું નથી. ગમે તેવું ગુજરાન ચલાવીને પણ તેઓએ તેમના માતા-પિતાને રાખ્યા જ હશે.

આ હકીકતને ભૂલશો નહીં કે આપણે પણ એક દિવસ તે ઉંમરે પહોંચીશુ. અને તમને ક્યારેય ખબર નથી હોતી કે તમારા બાળકો પણ તમારી સાથે આવું જ કરશે ત્યારે તમને કેવું લાગશે ? 

યાદ રાખો કે તમારા માતાપિતા તમારું જીવન છે... જ્યારે તમે જોઈ શકતા ન હોવ ત્યારે તે તમારી આંખો હતા. જ્યારે તમને જરૂર હોય ત્યારે તમારા એન્જલ્સ... જ્યારે તમે ચાલી શકતા ન હતા ત્યારે તેઓએ તમને પકડ્યા હતા. તમે તેમની સાથે આ કેમ કરી શકો ???..

તમે બે કે તેથી વધુ પત્નીઓ મેળવી શકો છો, પણ માતા અને પિતા તો એક જ વાર. જો તમે તમારા માતા પિતાનો આદર કરશો તો તમારી પત્ની પણ તમારા માતા પિતાનો આદર કરશે. જો તમારા માતાપિતા નો આદર ન કરી શકો તો - તમારી પત્ની કેવી રીતે તમારું માન રાખશે ?

કોઈ તેના જીવનમા બધુ જ બદલી શકે છે, પરંતુ માતાપિતાને નહીં.

આજકાલ સમાજ ના યુવાનો માતાપિતા માટે શરમ અનુભવે છે. માતાપિતાનો શું વાંક ? શું આ જ તેમનો દોષ છે કે તેઓ હવે વૃદ્ધ થયા છે, અથવા તેમની ખામી એ છે કે તેઓએ તેમની જરૂરિયાતો અને અપેક્ષાઓને પૂરી ન કરીને, તેમના બાળકોને તેઓને જે કંઈપણ જોઈતું હતું તે બધું આપીને, શાળાઓમાં મોકલવામાંથી માંડીને તેમની સહાય માટે તેમના સમગ્ર જીવનનો વ્યય કર્યો છે.

 શું તેમના બાળકો આત્મનિર્ભર હતા ? માતાપિતાનો દોષ એ છે કે તેઓએ તેમના બાળકોને ખૂબ પ્રેમ કર્યો છે ? અને તેથી પરિણામ એ છે કે સિનિયર સિટિઝન્સ તેમાંથી બહાર થઈ રહ્યા છે. તેમના સંતાનો, પુત્રવધૂ અને વહુ - બાળકોનો પ્રેમ મેળવવાને બદલે તેઓ અપમાન, બેદરકારી અને અનાદર મેળવી રહ્યા છે.

 માતાપિતા તેમના બાળકોને વૃદ્ધ થાય છે ત્યારે તેમના નૈતિક મૂલ્યો, આદર અને તેમના પ્રત્યેના પ્રેમને ભૂલી જવાનું તેઓએ ક્યારેય શીખવ્યું નથી.

માતાપિતા પણ તેમના બાળકો પાસેથી આની અપેક્ષા ક્યારેય કરી શકતા નથી.

તેમના પ્રિયજનો થી અવગણવાની લાગણી અંદરથી મારી નાખે છે. જેઓ આ બાબતો તેમના માતાપિતા સાથે કરે છે, તેઓ તેમના ખોટા ભવિષ્યનું નિર્માણ પણ કરી રહ્યા છે.

બાળકો માતાપિતા પાસેથી શીખે છે અને ભવિષ્યમાં તેઓ ચોક્કસ તેજ સંજોગોનો સામનો કરશે કે તેઓ તેમના માતાપિતા સાથે કરે છે.

એક પુત્ર તેમના પોતાના માતાપિતા સાથે કેવી રીતે આવી વસ્તુઓ કરી શકે છે. જેમણે તેમને જન્મ આપ્યો અને સારી શિક્ષણ સાથે વધુ સારી ઉછેર આપ્યો, અને આ તેઓ તેમના વૃદ્ધાવસ્થા દરમિયાન,કારણ કે લોકોને ખ્યાલ નથી કે આજે તેઓ તેમના માતાપિતાને બર્ડન માને છે, તો આવતી કાલે તેઓ તેમના પોતાના બાળકોના હાથથી પીડાશે.

તમે જે પણ કરો છો તે એક દિવસ તમારી પાસે પાછો આવે છે. જેમ તમે વાવો છો, તેવુ તમે લણણી કરો છો.

 ત્યજી દેવાયેલા માતાપિતાના કલ્યાણ માટેનો કાયદો છે, તેમની સંમતિથી અપાયેલ સંપત્તિ તેમના બાળકોને કોઈપણ રીતે રદ કરવાનો અધિકાર છે. યાદ રાખો...

માતાપિતાનો ત્યાગ કરવો એ હત્યા સમાન છે. માતાપિતા બદલી ન શકાય તેવા હોય છે, તેઓ ભગવાનનો સૌથી મોટો આશીર્વાદ છે. લોકો તે કેવી રીતે ભૂલી શકે ??

શક્ય હોય ત્યારે તમારા વૃદ્ધ માતાપિતા સાથે રહેવા માટે સમય કાઢો, તેમની અવગણના ન કરશો, જીવન ટૂંકુ છે. તમારા માતાપિતા પ્રત્યે તમારું ઠંડુ વલણ તેમના માંટે ધીમું ઝેર જેવું છે.

તેમની સાથે સમય પસાર કરો, તેમને અનુભવો, તેઓ પ્રેમભર્યા છે. બદલામાં,તેઓ તમને તેમના આશીર્વાદ અને પ્રેમ આપે જ છે. અને તે ભાવના અવર્ણનીય છે. જીદગીમાં તેમણે આપ્યું જ છે. મૃત્યુ પછી પણ તેઓ મિલ્કત અને દાગીના તમારા માંટે છોડી ને જવાના છે. તમે શું આપ્યું ?

 તમારી પાસે એવી પણ દલીલ હશે, મારા મા-બાપને તકલીફ પડે છે, તેમણે પણ તેમના મા-બાપને તકલીફ આપી હશે... બની શકે... અોફકોર્સ બની શકે.

કર્મ કોઈને છોડતું નથી. પણ તમે, તમારા માતા-પિતા કે કોઈપણ વ્યક્તિ પ્રત્યે તેને પડતા કષ્ટ માટે નિમિત કેમ બનો છો ? શું તમે નવા કર્મની પહેલ કરતા નથી ને?

માટે જ કહું છું કે સુખી થવું હોય તો તમે તમારા માતા-પિતા ને ઘરે લઈ જઈ સાર સંભાળ લો. મંદિરમાં નહિ જાવ તો ચાલશે.... માતા-પિતાને પ્રેમ આપી ઘરને મંદિર બનાવો.

તમે તમારા માતા-પિતા ને સુખી રાખવા સમર્થ હોય અને રાખવા ઈચ્છતા હોય તો કમલેશભાઈ પાસેથી ફોર્મ લઈ જાઓ. અને ફોર્મ ભરીને તમારા માતા-પિતા અને સુખેથી લઈ જાવ.

હું એક વીક પછી અહીં આવવાનો છું. જે તેમના માતાપિતાશ્રી ને લઈ નથી ગયા. તેમની ઉપર કાનૂની કેસ કરવાનો તો છું જ.

તમારા માતા-પિતા ને લઈ ગયા પછી મહિનામાં ચાર વખત વડલાનો મેમ્બર આવીને માતા-પિતાના ખબર અંતર લેશે. તેનો ચાર્જ પણ તમારે ચુકવવાનો રહેશે.

જે માતા-પિતાના બાળકો વિદેશમાં છે તેઓને આ નિયમ લાગુ પડતો નથી.


એક વીક પછી કમલેશભાઈ નો અમરીશભાઈ ઉપર ફોન આવ્યો અમરીશ ભાઈ તમે તો કમાલ કરી.

તમે મારું આખું વડલો ખાલી કરી નાખ્યુ. જોકે મને તે વાતનો ખૂબ જ સંતોષ છે દરેક ના માબાપ તેમના પુત્ર જોડે છે. હું અહીંયા વડલાની જગ્યા એ એક પિકનિક પ્લેસ ખોલવાનો છું નાની રેસ્ટોરન્ટ સાથે. હા મારા દરેક મેમ્બરો વડલાના સભ્યોને ઘરે જઈને માહિતી તો મેળવશે અને દરેક મેમ્બર ને દર મહિને અહીં આવવાનું આમંત્રણ આપેલ છે.

અમરીશભાઈ, તમે બીજા વૃદ્ધાશ્રમમાં જઈને આ રીતે કરો તો મને ખૂબ જ આનંદ થશે. શક્ય હોય તેટલી હું મારાથી બનતી મદદ કરીશ.

 તમે નહીં માનો કમલેશભાઈ વૃદ્ધાશ્રમો બનવા તો જોઈએ, ન સમજુ પુત્રો તેમના મા-બાપને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા હોય છે. આપણે તો ફક્ત બાળકોને તેમના વડીલો પ્રત્યે સભાન કરી શકીએ.

અને કાયદાકીય રીતે તેમને થતાં દુઃખ, અસંતોષ ને ન્યાય અપાવી શકીએ. અમુક વડીલ જનોને વૃદ્ધાશ્રમ માં રહેવાની માનસિક રીતે વધુ જરૂરી પણ છે.

હા માતાપિતા તરફથી તેઓને કોઈપણ જાતની મદદની જરૂર હશે તો હું આપીશ.

અમૃતભાઈ ઊંડો શ્વાસ લઈ તેમના માતા-પિતા ના ફોટા તરફ જોઈ રહ્યા. અને મનોમન બોલ્યા.

માં તું છે, માં.

ઈશ્વરથી પણ વધુ શક્તિશાળી.

તું જ્યાં છે, ત્યાં પ્રેમ જ પ્રેમ છે.

મેં તને જોઈ છે અમારા દુ:ખે દુ:ખી થતી.

તારા અંતર માં કેટલી ઊર્મિ હશે ?

આનંદ કે દુઃખ પણ હશે.

નથી જોઈ મેં તારા ચહેરા પર દુઃખની ફરીયાદ ! તારી સાથે હું સુરક્ષા અનુભવું છું.

તારા એ હુંફાળા હાથ સર્વ ભુલાવી દે છે.

યાદ છે અમને મોટા કરવામાં તે કેટલા દુઃખનો સામનો કર્યો છે તે હું કેમ ભૂલું ?

લવ યુ ડેડ... સલામ છે તમને, મારા જીવન ઘડતર માં તમારો અમૂલ્ય યોગદાન હું ક્યાંથી ભૂલું..

અબજોપતિ પણ નહી ચૂકવી શકે તમારુ આ ઋણ.


Rate this content
Log in