તું મારો શ્વાસ અને તારું નામ મારું વિશ્વ
તું મારો શ્વાસ અને તારું નામ મારું વિશ્વ
'મને ખૂબ ડર લાગે છે નિશાન્ત, ન જાણે કેમ પણ હું... હું તે રાત પછી એક પણ રાત શાંતિથી સૂઈ નથી શકી, હું ખૂબ ડરી ગઈ છું. આખો દિવસ તું તો ઘરે નથી રહેતો પણ મારે આ જ માહોલમાં, આ જ પરિસ્થિતિઓ વચ્ચે આખોય દિવસ કાઢવાનો હોય છે.' જ્હાનવીનાં ચહેરા પર વિતેલા ચાર દિવસનો થાક વર્તાઈ રહ્યો હતો.
નિશાન્ત, જ્હાનવીનો હાથ તેના હાથમાં લઈને સહેલાવી રહ્યો હતો. તેને બરાબર સમજાતું હતું કે હમણાં કંઈ પણ રીએક્ટ કરવા કરતા જ્હાનવીને ખાલી થઈ જવા માટે સમય આપવો, તેની વાતો શાંતિથી સાંભળવી વધુ જરૂરી છે.
ભણતર પૂર્ણ થયું ત્યારથી પોતાની પ્રોફેશ્નલ લાઈફમાં વ્યસ્ત થઈ ગયેલી જ્હાનવી અચાનક છેલ્લાં એક મહિનાથી કામ વગર ઘરે બેઠી હતી.
કરિઅર ઓરીએન્ટેડ જ્હાનવી માટે તેનું કામ એ જાણે એક નશો હતો. ચરસનો બંધાણી જે રીતે તેના શરીરની એક એક નસમાં તે ચરસનો નશો નહીં પહોંચી જાય ત્યાં સુધી કસ ખેંચતો રહે તે જ રીતે જ્હાનવી દિવસના છેડે થાકીને લોથ ન થઈ જાય ત્યાં સુધી કામ કરતી રહેતી હતી. ફિલ્મ, રખડપટ્ટી, શોપિંગ અરે, નિશાન્ત સુધ્ધાં તેને માટે જાણે કામથી થાકી ગયા પછીના રીફ્રેશ થવાના માધ્યમ માત્ર હતા. એવું નહોતું કે તે નિશાન્તને ચાહતી નહોતી કે તેની સાથે પ્રેમમાં પડ્યા પછીની પોતાની તેનાં પ્રત્યેની જવાબદારીઓ તે સમજતી નહોતી. પરંતુ આ બધાં જ સાથે તેને માટે તેનું કામ, કરિઅર વગેરે તેની પ્રાયોરીટીમાં સૌથી મોખરાનાં સ્થાને આવતું હતું.
જ્હાનવીની આ પરિસ્થિતિ પહેલાં નિશાન્તને પણ એમ જ લાગતું હતું કે જ્હાનવી માટે તેનું કામ તેની પહેલી પ્રાયોરિટી છે તે પોતે પણ જ્હાનવીની જિંદગીમાં તેના પ્રોફેશન પછીનું સ્થાન ધરાવે છે, પરંતુ છેલ્લાં ત્રણ મહિનાની પરિસ્થિતિથી તેને સમજાઈ ગયું હતું કે, જ્હાનવીની જિંદગીમાં તે ક્યાંય, ક્યારેય બીજા નંબરે નહોતો.
મલ્ટિનેશનલ કંપનીમાં માર્કેટીંગ એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સિનીયર મેનેજર તરીકે કામ કરતી જ્હાનવીને ત્રણ મહિના પહેલાં એક દિવસ અચાનક તેની કેબિનમાં ચક્કર આવ્યા અને તે ઢળી પડી. ઓફિસમાંથી તેને સીધી જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ડોક્ટરે ઈનિશ્યલ ડાયોગ્નોસિસમાં કહ્યું કે, 'નિશાન્ત જ્હાનવીએ કદાચ તમને વાત નથી કરી પણ પણ છેલ્લી બે રાતથી તે સરખું ઊંઘી નથી, પણ ગભરાવા જેવું કંઈ નથી ઘણીવાર કામના વધુ પડતા ભારણને કારણે આમ બનતું હોય છે. માનસિક તાણ વર્તાઈ રહ્યો હોય તો, ઘણીવાર એવું બને કે માણસને ઊંઘ ન આવે.
આ ચક્કર આવવા પાછળ પણ બે રાતની અનિંદ્રા જ જવાબદાર છે. ગભરાવાની કોઈ જરૂર નથી. હું દવા લખી આપું છું, તમે બસ ગમે-તેમ કરી તેને બે-ત્રણ દિવસ ઘરે રહી આરામ કરવા માટે મનાવી લો. તે જીદ્દ કરે તો પણ ઓફિસ નહીં મોકલતા.' ડોક્ટરે આ સૂચનની સાથે જ કેટલાંક ટેસ્ટ્સ પણ સૂચવ્યા, નિશાન્તે તે જ દિવસે જ્હાનવીના તે બધાં જ ટેસ્ટ્સ પણ કરાવી લીધા. ત્રણ દિવસ પછી તે રિપોર્ટ્સ જોતી વખતે ડોક્ટરે ફરી જ્હાનવી સાથે એકલામાં વાત કરી, તેને તપાસી. આ વખતે જ્હાનવી અને રિપોર્ટ્સ બંને પાસેથી ડોક્ટરને કંઈક નવી જ વાત જાણવા મળી રહી હતી. અડધા કલાકની જ્હાનવી સાથેની વાતચીત પછી ડોક્ટરે નિશાન્તને જે વાત કહી તેમાં ક્યાંય એવું કહી શકાય તેમ નહોતું કે, “ગભરાવા જેવું કંઈ જ નથી.” આ બધામાં બે મહિના પસાર થઈ ગયા, જ્હાનવી ફરી જીદ્દ કરીને ઓફિસ પણ જવા માંડી પરંતુ રાત પડેને તેના મનમાં એક ડર આકાર લેવા માંડતો હતો. નિશાન્ત તેને વ્હાલ કરી, સમજાવી સૂવડાવતો અને અચાનક અડધી રાતે જ્હાનવી ફરી જાગી જતી. આખરે છેલ્લાં એક મહિનાથી તેણે અનિચ્છાએ પણ ખરાબ તબિયતને કારણે ઓફિસ છોડી દેવી પડી.
જ્હાનવી હજીય સતત બોલ્યે જતી હતી, નિશાન્ત તેનાં માથા પર હાથ ફેરવતા ફેરવતા શાંત ચિત્તે તેને સાંભળી રહ્યો હતો. બોલતા બોલતા હવે ધીમે ધીમે જ્હાનવીની જીભ થોથવાવા માંડી અને આંખો ઘેરાવા માંડી, નિશાન્ત સમજી ગયો કે, દસ મિનિટ પહેલાં જ્હાનવીએ લીધેલી ગોળીઓ હવે તેના પર અસર દેખાડવા માંડી છે અને હવે કમસે કમ ચાર-પાંચ કલાક માટે ફરી તે ઘસઘસાટ ઊંઘી જશે. થોડી જ મિનિટમાં જ્હાનવી નિશાન્તના ખોળામાં જ માથું નાખી સૂઈ ગઈ, નિશાન્ત તેના માથે હાથ ફેરવતો રહ્યો. ઘડિયાળમાં રાતના અઢી વાગી ચૂક્યા હતા. ક્યારેક બનતી ઘટના હવે છેલ્લી ચાર રાતથી રોજિંદી બની ગઈ હતી. છેલ્લી ચાર રાતથી આ જ રીતે જ્હાનવી અચાનક ઊંઘમાંથી જાગી જતી અને ગભરાઈને પથારીમાં બેસી જતી હતી, તેની આંખો ચકળ-વકળ થવા માંડતી અને આખાય શરીરે પરસેવો વળી જતો. તેનું શરીર ઠંડુ પડી જતું. અને નિશાન્તને ઢંઢોળી કાઢતા તે બરાડા પાડવા માંડતી, 'નિશાન્ત, ક્યાં ગયો તું, આ રીતે તું મને છોડીને નહીં જઈ શકે નિશાન્ત, અહીં આવ પ્લીઝ, મને... મને કંઈ દેખાતું કેમ નથી? મને ખુબ ડર લાગે છે, નિશાન્ત.' તેના બરાડા સાંભળી નિશાન્ત જાગી જતો અને તેને સમજાવતો રહેતો, 'હું અહીં જ છું જ્હાનવી, તારી બાજુમાં. હું ક્યાંય નહીં જાઉં, ચિંતા નહીં કર ડાર્લિંગ. મને કંઈ નહીં થાય.' છેલ્લાં બે મહિનાથી નિશાન્ત સતત જ્હાનવી સાથે આવી જ અર્ધજાગ્રત રાતો વિતાવી રહ્યો હતો. જ્હાનવીની માનસિક અને શારિરીક હાલત દિન-પ્રતિદિન બગડતી જઈ રહી હતી. દવાઓ અને ડોક્ટર્સના કન્સલ્ટેશન છતાં જ્હાનવીમાં કોઈ જ ફર્ક વર્તાતો નહોતો. અને તેમાંય છેલ્લી ચાર રાતથી તો પરિસ્થિતિ વધુ બગડવા માંડી હતી. તે એકનું એક સપનું હવે તેને વારંવાર આવી રહ્યું હતું. છેલ્લી ચાર રાતમાં અનેક વાર એવું થયું કે જ્હાનવી સૂતી હોયને હજી માત્ર વીસ મિનિટ પણ ન થઈ હોય ત્યાં ફરી તે સપનાને કારણે જાગી જતી. આખરે ન છૂટકે ડો. લાકડાવાલાએ આપેલી ઊંઘની ગોળી નિશાન્તે જ્હાનવીને આપવી પડી, પણ છતાં જે ઊંઘની ગોળીમાટે ડોક્ટરે કહ્યું હતું કે, જ્હાનવી દસથી બાર કલાક માટે શાંતિથી સૂઈ જશે તે ગોળીઓ લેવા છતાં ચાર-પાંચ કલાકમાં જ તે ફરી જાગી જતી હતી અને જ્યારે તે જાગે ત્યારે નિશાન્તને આજૂ-બાજૂ નહીં જોઈ તો આખાય ઘરને માથે લેતી. આ જ કારણથી નિશાન્ત પણ છેલ્લી ચાર રાતોથી સરખું સૂઈ નહોતો શક્યો. રાત-દિવસના ઉજાગરા પછી તે પણ હવે થાક્યો હતો. જ્હાનવીને દવા આપ્યા પછી તે તો દિવસના પણ થોડું થોડું ઊંઘી લેતી હતી, આખા દિવસ માટે રાખેલી નર્સ સ્ટેલા તેને કેમેય કરી ઊંઘાડી દેતી પણ નિશાન્તે સવારે જાગી વળી પાછું નોકરીએ પણ જવાનું હતું. જ્હાનવીના ટેસ્ટ્સ અને ડોક્ટર્સની વિઝીટમાં આમેય તેની ઘણી રજાઓ વપરાઈ ચૂકી હતી હવે વધુ રજાઓ લેવી તેને પોશાઈ તેમ નહોતું.
'આમ ક્યાં સુધી ચાલશે નિશાન્ત?' નિશાન્તની લાલ આંખો જોઈ તેના મિત્ર સાર્થકે પૂછ્યું. 'જ્યાં સુધી મારી જ્હાનવી સારી નહીં થાય ત્યાં સુધી.' નિશાન્તે તરત કહી દીધું. 'પણ આમને આમ તો તું તારી તબિયત પણ બગાડી રહ્યો છે. જ્હાનવીને તું કોઈ સારી હોસ્પિટલમાં કે રિહેબિલીટેશન સેન્ટરમાં કેમ દાખલ નથી કરાવી દેતો?' સાર્થકે તેના ખભે હાથ મૂકતા મિત્રભાવે કહ્યું. 'પછી શું હં, ત્યાર પછી શું... સાર્થક? મારી જ્હાનવી પાગલ નથી જ અને કોઈ રિહેબિલીટેશન સેન્ટરમાં દાખલ કરાવી દઈ હું તેને પાગલ પુરવાર પણ નથી કરવા માગતો.' નિશાન્તની લાલ આંખો જાણે વધુ લાલ થઈ ગઈ. 'હા, તે પાગલ નથી જ પણ આમને આમ એક દિવસ તું જરૂર પાગલ થઈ જઈશ!' સાર્થક બોલ્યો. નિશાન્તને ખબર હતી કે સાર્થક તેને આ બધી જ વાતો એક મિત્રભાવથી કહી રહ્યો છે છતાં જ્હાનવી માટે જાણે તે કોઈ જ વાતો સાંભળવા તૈયાર નહોતો. થોડીવાર સાર્થક ત્યાં જ ઊભો રહ્યો પણ તેણે જોયું કે નિશાન્તને હવે તેની સાથે આ અંગે કોઈ જ વાત કરવામાં રસ નથી આથી તે ફરી તેની ડેસ્ક પર ચાલી ગયો.
નિશાન્તે ઓફિસમાંથી જ ડોક્ટરના ક્લિનિક પર ફરી એકવાર ફોન કરી જ્હાનવીની સાંજની એપોઈન્ટમેન્ટ કન્ફર્મ કરી લીધી. ઘરે પણ ફોન કરી જ્હાનવી સાથે વાત કરી લીધી અને નર્સની વાત માની થોડોવાર સૂઈ જવા માટે તેને સમજાવી, એટલું જ નહીં દર અડધા કલાકે નિશાન્ત ફોન કરી નર્સ સ્ટેલા સાથે પણ વાત કરી લેતો હતો, જ્હાનવીની ખબર પૂછી લેતો હતો.
સાર્થકે જ્હાનવી અંગેની વાત કરી ત્યારથી આજે ફરી નિશાન્તના દિમાગમાં રહી રહીને ડૉ. લાકડાવાલાના શબ્દો ઘુમરાવા માંડ્યા હતા. 'આમ જુઓ તો જ્હાનવીને નખમાંય રોગ નથી નિશાન્ત...' ડૉ. લાકડાવાલાએ કહ્યું હતું. 'સિગ્મંડ ફ્રોઈડનું નામ સાંભળ્યુ છે તમે? મનોવિજ્ઞાન એટલે કે સાઈકિયાટ્રિ ક્ષેત્રે સિગ્મંડ ફ્રોઈડનું નામ ખૂબ માનથી લેવાય છે. અમારા જેવા મનોવિજ્ઞાનીઓ માટે તેઓ પિતામહ જેવા છે એમ કહો તો જરાય ખોટું નથી. તેમણે મનોવિશ્વ અંગે અનેક સ્ટડી અને રિસર્ચ કર્યા છે. માનવીને આવતા અનેક ઉટપટાંગ સપનાઓ વિશે તેમણે વિગતે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.' ડૉ. લાકડાવાલા શાંતિથી નિશાન્તને બને એટલી સાદી ભાષામાં જ્હાનવીની પરિસ્થિતિ અંગે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. નિશાન્ત પણ તે દિવસે તેમના એક એક શબ્દને ભગવાન ક્રિષ્નના મોઢે ગીતાજ્ઞાન મેળવી રહેલા અર્જૂનની જેમ સાંભળી રહ્યો હતો. 'ઘણીવાર માનવીને ઊંઘમાં એવા ઉટપટાંગ સપનાંઓ આવતા હોય છે જે માટે તાર્કિક દ્રષ્ટિએ તમે કોઈ જ કારણને જવાબદાર ન ઠરાવી શકો, પણ છતાં એ હકીકત છે કે તેને તે પ્રકારનું સપનું આવ્યું જ હોય છે. જ્હાનવીના કેસમાં પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે. જે દિવસે જ્હાનવીને તેની ઓફિસમાં ચક્કર આવ્યા હતાં તેની આગળની બે રાતથી જ્હાનવીને એક જ સપનું વારંવાર આવતું હતું, અને તે સપનું હતું, તમારું મૃત્યુ!' ડૉ. લાકડાવાલાના તે શબ્દો જાણે તે સમયે નિશાન્તના માથા પર હથોડો ઝીંકાયો હોય તેમ વાગ્યા હતા. 'શું, મારું મૃત્યુ? પણ હું તો એકદમ સ્વસ્થ છું!' નિશાન્તે દલીલ કરી હતી. 'હા, તમે જીવિત છો અને સ્વસ્થ પણ, જ્હાનવીને પણ એ વાત ભલીભાંતી ખબર છે, પણ સપનામાં જોયેલું તમારું મૃત્યુ એ પણ તેને માટે એક હકીકત છે. ફ્રોઈડે પોતાના પૂર્વસૂરીઓનાં સપનાં-સ્ટડી અને પોતાના અભ્યાસને તોલીને આ અંગે અનેક કારણો અને તારણો આપ્યા હતાં, પણ એ બધી ટેકનિકલ વાતોમાં લાંબા નહીં ઊતરીયે તો પણ એક વાત તમારે માટે સમજી લેવી જરૂરી છે કે, જે એકનું એક સપનું આજે જ્હાનવીને ક્યારેક ક્યારેક આવે છે તે જ સપનાંની ફ્રીકવન્સી દિવસો વિતતા વધવા માંડે એમ બને, જ્હાનવી તેના એ સપનાંને જ વાસ્તવિકતા માનવા માંડે એવું પણ થાય કદાચ. હું એમ પણ નહીં જ કહું કે તેનાં આ સપનાં તદ્દન વાહિયાત છે અને તે તરફ ધ્યાન નહીં આપવું જોઈએ. મનોવિજ્ઞાનમાં એવા પણ કિસ્સા નોંધાયા છે કે કેટલાંક વ્યક્તિને આવનારું ભવિષ્ય તેમના સપનામાં દેખાય જતું હોય છે. તે કોઈને આ અંગે વાત કરે ત્યારે લોકો તેને પાગલ ગણે તેવું પણ બન્યું છે.' ડૉ. લાકડાવાલા હવે એક એક શબ્દ જાણે તોલી-તોલીને બોલી રહ્યા હતાં. 'એટલે? તમે એમ કહેવા માગો છો કે હું ખરેખર જ...' નિશાન્ત વચ્ચે જ બોલી પડ્યો. 'નો નો ડોન્ટ ટેક મી રોન્ગ નિશાન્ત, હું એમ કહેવા નથી માગતો કે તમે ટૂંક સમયમાં જ મૃત્યુ પામશો પરંતુ, જ્હાનવીને તેના આ સપનાંને કારણે સતત આ જ ડર સતાવી રહ્યો છે, અને તે કહેતી નથી પરંતુ તે તમને ખૂબ ચાહે છે અને તેથી જ તે ન ઈચ્છવા છતાં તેનું આ સ્વપ્ન તેની આ ચાહતની આડે આવી રહ્યું છે, તમે તેની સાથે ન હોવ તે વાત કેમેય કરી તેને ઠરવા નથી દેતી, આથી જ આ સપનું તેને એટલું પરેશાન કરી રહ્યું છે કે કદાચ આ ડર ટાળવા તે હવે ઊંઘવાનું પણ અવોઈડ કરે તેમ બને. હવે મારી દવાઓ કરતા પણ તેનાં પર વધુ અસર તમારો પ્રેમ, વિશ્વાસ અને તમારા શબ્દો કરશે. તમારે જ તેને ખાત્રી કરાવવી પડશે કે તે સપનાંમાં જે કંઈ જોઈ રહી છે તેવું હકીકતમાં ક્યારેય નહીં થાય તમે ક્યારેય તેને છોડીને ક્યાંય નહીં જાવ.'
આમને આમ ચિંતામાં જ્હાનવીની અને તેની સંભાળ લેવામાં નિશાન્તની પણ છેલ્લાં ત્રણ મહિનાથી હાલત બગડતી જતી હતી. ફિલ્મ, શોપિંગ, રોમાન્સ આ બધું જ જાણે તેમની વચ્ચે ભૂલાઈ ગયું હતું. નિશાન્ત હવે જાણે બસ માત્ર એક લાગણીશીલ બાપ બની ગયો હતો અને જ્હાનવી જાણે જાણતા-અજાણતા એક ગભરું છોકરી બની ગઈ હતી જે રસોડામાં વાસણ પડવાના અવાજથી પણ ડરી જતી હતી. નિશાન્ત માટે દુનિયામાં હવે જ્હાનવીની ઊંઘથી વધીને બીજી કોઈ જ કિંમતી ચીજ નહોતી. અને જ્હાનવી માટે નિશાન્તની હાજરી એ જ એકમાત્ર તેની દુનિયા હતી.
અરે પણ નિશાન્તને તો હજી આવવા દો, તે કહીને ગયો છે કે આજે તેને ઓફિસથી આવતા થોડું મોડુ થશે. સાર્થક અને સ્ટેલા, સાર્થક જે કેકનું બોક્સ લાવ્યો હતો તે ખોલી તેમાં મીણબત્તી ગોઠવી રહ્યા હતાં. આજે જ્હાનવીની વર્ષગાંઠ હતી. અને તે કહેતી હતી કે નિશાન્ત તેને સવારે જ કહીને ગયો છે કે તેને આજે ઓફિસમાં ઈમ્પોર્ટન્ટ પ્રેઝન્ટેશન હોય તે થોડો મોડો આવશે. 'સાર્થક તું પણ ઓફિસથી જ આવ્યો ને, તો નિશાન્તને સાથે જ લઈ આવતા તને શું વાંધો હતો?' જ્હાનવીએ કહ્યું. સાર્થક એક ક્ષણ માટે જ્હાનવી તરફ જોઈ રહ્યો અને પછી બોલ્યો, 'જ્હાનવી તને તો ખબર છે નિશાન્તને સરપ્રાઈઝ આપવાની આદત છે, કદાચ તારે માટે કોઈ સરપ્રાઈઝ ગીફ્ટ લેવા જવાનો હશે એટલે જ તેણે મને વહેલો મોકલી આપ્યો.'
જ્હાનવીના મોઢા પર અચાનક ચમક આવી ગઈ અને તે બોલી, 'હા, તારી એ વાત સાચી હં સાર્થક, હું જોબ કરતી હતી ત્યારે કાયમ તે મારી બર્થ ડેના દિવસે સાંજે અચાનક મારી ઓફિસ પર આવી જતો અને કહેતો, કમ ઓન જ્હાનવી સમથિંગ ઈઝ વેઈટીંગ ફોર યુ ઈન ધ કાર, અને ખરેખર જ કાયમ તેની કારમાં કોઈ જબરદસ્ત સરપ્રાઈઝ મારી વેઈટ કરતી હોય. આજે પણ જોજે ચોક્ક્સ તે કંઈક એવું લઈ આવશે કે જે મેં સ્વપ્નેય વિચાર્યું...' આવેગમાં સહજ રીતે જ્હાનવીથી "સ્વપ્નેય" શબ્દ બોલાઈ ગયો અને જાણે તે હિમશીલાની જેમ ઠરી ગઈ.
સ્ટેલાએ તરત વાત સંભાળી લીધી અને બોલી, હું હમણાં જ ડોક્ટર સાહેબને ફોન કરીને પૂછી લઉં છું, તે પણ રસ્તામાં જ હોવા જોઈએ, નિશાન્તભાઈ તો હમણાં આવી જશે અને એવું નહીં બને કે ડોક્ટર સાહેબ આવે તે પહેલાં જ આપણે કેક કાપી નાખીયે. 'હેલ્લો ડૉક્ટર, સ્ટેલા હીયર... તમે આવો છો ને? જ્હાનવી મેડમ નિશાન્તને...
'યસ સ્ટેલા, આય એમ ઓન ધ વે, અબાઉટ ટુ રીચ. ચિંતા નહીં કર. સાત મહિના થઈ ગયા નિશાન્તની મોતને પણ જ્હાનવી માટે તેનો નિશાન્ત હજીય જીવે છે અને જીવતો જ રહેશે. તે એને દવા આપી? આપણે તેને કેક ખવડાવીએ તે પહેલાં પ્લીઝ તું તેને દવા આપી દેજે.'
