Neha Gandhi

Others

3  

Neha Gandhi

Others

તું જ મારી કવિતા.

તું જ મારી કવિતા.

6 mins
14.3K


હું તો આવો જ છું!

મને પ્રેમમાં…

પ્રેક્ટિલ બનતા નહીં આવડે.

મને હૃદયની મેટરમાં,

દિમાગ ચલાવતા નહીં આવડે...

લાગણીની બાબતમાં,

મને ફિલ્ટર લગાવતા નહીં આવડે...

લઘર-વઘર દોડીને આવી જઈશ,

મને મેકઅપ લગાવતા નહીં આવડે...

હું ખુશ થઇશ તો હજાર વાર કહીશ,

કે હા... તું જ મારી ખુશીનું રીઝન છો;

અને જો હું તારાથી હર્ટ થઈશ તો,

મને સ્માઇલનું ડી. પી. મુકતા નહીં આવડે...

હા... મને આંસુઓને રોકતાં નહીં ફાવે..

જો તું મને હસાવીશ તો...

તને એ ખુશી શેર કરીશ.

જો તું જ મને રડાવીશ તો...

તારા ટેરવેથી ટીયર્સ લુછાવીશ...

મને ખાલી પ્રેમ કરતા નહીં આવડે.,

ગુસ્સે પણ થઇશ, નારાજ પણ થઇશ;

જેવો છું એવોજ રજૂ થાઇશ ..

મને ચહેરા પર માસ્ક ઓઢતાં નહીં ફાવે...

જે કહેવુ હશે એ તને કહી ને'જ રહીશ..

મને ગુંગળાઇને ચૂપ રહેતા નહીં આવડે.

શર્ટનાં બે બટન ખુલ્લાં જ રહેશે...

મને વ્હાઇટ-કોલર જેન્ટલમેન બનતા નહીં આવડે.

ડિનર પર જઈશું તો તોફાન પણ કરીશ,

રેસ્ટોરન્ટમાં ડિસિપ્લિન મને નહીં ફાવે.

બહાર જઈશું તો હાથમાં હાથ પરોવીશ...

મને બધાની વચ્ચે સોફેસ્ટિકેટેડ બનતા નહીં આવડે.

જેવો છું એવો, તારો જ છું એ દેખાઇ આવીશ,

મને કોઇની હાજરીમાં તને ઇગ્નોર કરતા નહીં આવડે.

તું જ બધાથી ઇમ્પોર્ટન્ટ અને સ્પેશ્યલ છો એ જતાવીશ,

મને તારી ગેરહાજરીમાં બીજાનો બનતા નહીં આવડે.

ભીડમાં તારી કમી લાગશે તો બોલાવીશ તને,

મને એ ભીડમાં ભળી જતા નહીં આવડે.

પ્રેમ કરે છે તો વરસવું જ પડશે તારે...

રેપ્યુટેશનને બહાને મને કોરો રહેતા નહીં આવડે.

લડીશ, ઝગડીશ, નારાજ પણ થઇશ;

સળી કરીશ, ધમાલ પણ કરીશ...

મને ખાલી નકરો બોરિંગ પ્રેમ કરતા નહીં આવડે.

જેવો છું એ આવો જ છું

જેવો છું હું, બસ "તારો" જ છું!

- સહજ

જૂનાં કોલેજ મેગેઝિનમાં નિયતિએ ફરી ફરીને આ, એની સૌથી વધારે ગમતી સંજયની કવિતા એણે વાંચી અને મનોમન ગુસ્સો કર્યો, મોં મચકોડ્યું અને વળી પાછી જાતે જ  હસી પડી. પાનાં ઊથલાવી થાકીને નિયતિ મેગેઝિન સાઇડ પર મૂક્યું. કેટલું ગમતું હતું એને પણ આ બધું... કવિતાઓ લખવી... વાંચવી...એ બધું જ... પણ આ જીવતીજાગતી કવિતા સાથે જીવવું... ઓહ્હ...! ગરમીથી કંટાળી નિયતિએ એના લાંબા વાળ ઊંચા લઇ અંબોડા જેવું બાંધ્યું ને એમાં પેન ખોસી. કાશ... સંજુને પણ આમ બાંધીને રાખી શકાતે... સંપૂર્ણ કંટ્રોલમાં! ઉફ્ફ્ આ ગરમી...

એ મનોમન અકળાઈ, ને ચા બનવા કીચનમાં ગઈ. તપેલીમાં પાણી મૂકી ગેસ પર ચઢાવી. ગરમીમાં ચા! પણ શું થાય? આદત જે પડી ગઈ... જેમ કે સંજયની! દૂધ, ચા, ખાંડ, મસાલો... બધું ભેગું ઊકળી રહ્યું, ને નિયતિના વિચારો પણ... જરાય નથી સુધરતો! હજુ પણ એ જ... એવું જ  અલ્લડપણું, જેવી એની કવિતાઓ... આમ તે કઈ ચાલતું હોય? ચા ગાળી... બીજો કપ ઢાંકીને નિયતિ ચા લઇ બારીની પહોળી પાળી પર બેઠી. એની ફેવરીટ જગ્યા. ત્રીજા માળના ફ્લેટમાંથી બહાર દેખાતા ગુલમહોર... જાણે લાલ જાજમ. લાલ જાજમ, હા! પહેલી વાર સંજયને ત્યાં જ તો જોયો હતો. લાલ જાજમ પર... કોલેજના યુથ ફેસ્ટીવલમાં પોતાની કવિતાનું પઠન કરતો સંજય... એના શબ્દો... એની શૈલી... એની સહજતા... બધું જ કેવું ગમી ગયેલું... ત્યાં જ મનમાંથી કોઈ બોલ્યું... લે, હવે નથી ગમતું? ગરમ ચા  જીભે દાઝી ગઈ. એણે ફૂંક મારી, પણ... ઠંડક ના થઇ. ઓહ્હ્... ફૂંક... કેવી વાતો યાદ આવી રહી છે આજે...

એક વાર એની આંગળીએ નાનકડી જ ઈજા થયેલી અને ત્યાં નાનો પાટો બાંધવો પડેલો... એ ખબર પડતા જ સંજય સવારમાં નહાયા- ધોયા વગર જ મળવા દોડી આવ્યો... જેવું એની કવિતામાં લખે... એવો જ એ લઘર- વઘર! અને હજુ તો પોતે કશું પૂછે એ પહેલાં જ ફરમાન જારી કરી દીધું,  “જો, તારી આંગળી ઘવાય તે મને ના પોસાય. પાટાવાળી ખરબચડી આંગળીમાં મારા વાળ ભરાઈ જાય, જયારે તું મારા માથે હાથ ફેરવે તો... એટલે જરા ધ્યાન રાખવું.” આમ બધાંની વચ્ચે... છેક જ આવું કઈ ચાલે? આ તે કઈ વાત થઇ?

ફરી એને બારી બહાર જોયું... ગરમી પણ કેવી છે... અકળાઈને ઊભી થઇ ગઈ! પંખો તો ફરતો જ હતો... ચક્કર ચક્કર... એનાં મગજની જેમ...પણ તોય રાહત ન હતી. અને ઉપરથી ગરમ ચા. ચા સાથે  લાવેલો ખાખરો એણે ખાવા લીધો. અજબ છે... ચા અને ખાખરાની જોડી! પ્રવાહી અને કરકરું! થોડું કકરું લાગે તો જ ચાની વધારે લિજ્જત આવે. સંજય કહેતો એમ... ”થોડું મારું જે આ ખરબચડાપણું છે ને, એટલે જ તું વધારે સુંવાળી લાગે છે.” જે પણ હતું... એને ગમતું હતું... પણ, નિયતિએ હવે એને સમજાવવાનો હતો... કે લાઈફ ફક્ત કવિતા નથી. લખવું, વાંચવું ને તાળીઓ પડે એટલે બધું મસ્ત? થોડા મેચ્યોર થવું જોશે હવે તો... અરે... પેલી પ્રિયાના લગ્નમાં જવાનું... ને એની મેહંદી... તો પણ સંજયનો આગ્રહ કે નિયતિ પોતાના હાથની મહેંદીમાં સંજયનું નામ લખાવે! આવું તો કંઈ હવે શોભે? અને પાછું જે હોય તે સૌની હાજરીમાં જ કહેવાનું? દુનિયા જાણે છે તો શું થયું? એની કંઈ જાહેરાત કે પ્રદર્શન હોય?

આમ વિચારોમાં ચા તો પીવાઈ ગઈ, પણ, વિચારોનો કપ ખાલી ન થયો. અને વળી જયારે પણ એને કંઈ કહો... તો એનું ધ્રુવ વાક્ય, ”હું તો પહેલેથી આવો જ છું.” લો, બોલો! આતે કંઈ વાત થઈ? અરે, હજુ મહિના પહેલાં જ... ગોટુની બર્થ ડે પાર્ટીમાં... કેવું કર્યું સંજુએ...? એક તરફ બધા હેપ્પી બર્થ-ડેનું ગીત ગાતાં હતાં... અને આટલા બધાની વચ્ચે એણે કેવું પોતાનાં કપાળ પર ચુંબન કરી દીધું અને પાછો ફરી ગાવા લાગ્યો... જાણે કશું કર્યું જ નથી! ભલે લાઈટ ડીમ હતી કે કોઈએ બહુ જોયું નહિ...પણ, આવું તે કંઈ ચાલે? હવે તો કૈંક કહેવું જ પડશે...

આમ વિચારોમાં અટવાતી નિયતિને યાદ આવી ગયું... મમ્મી-પપ્પાએ ખૂબ સમજાવી હતી, કે આ અલ્લડ મિજાજના કવિજીવ સાથે જોડાવું અને એને સંભાળવો અઘરું છે, પણ...

હવે ગયા અઠવાડિયે જ જુઓને, મોટીબેનની એનિવર્સરીના અવસરે! કેવું કરી નાખ્યું? બહેન અને જીજાજી માટે મગાવેલી કેકનું બોક્સ ખોલતાં જ... સંજુ લવ્સ નિયતિ! અરે... આવું કંઈ તે હોય? આટલા બધા મહેમાનોની હાજરીમાં પોતે કેવી લજ્જિત થઇ ગઈ! કેક સુધી તો ઠીક હતું, પણ... એમના માટે ગોઠવેલી રિસેપ્શન ચેર પર પણ સંજુ આમ પોતાનો હાથ પકડી બેસી જાય... એ કેમ ચાલે? જાણે બહેન-જીજાજીનું નહિ... ને પોતાનું જ ફંક્શન હોય! અને વળી ફોટોગ્રાફરની સામે જ... પોતાનો હાથ પકડી એના હૃદય પાસે મૂકી આવો પોઝ આપે ફોટા માટે... લો બોલો, શું કરવું હવે આનું? નિયતિને લાગ્યું કે હવે મમ્મી  પપ્પાએ સમજાવેલી વાત પર વિચાર કરવો જોઈએ. હવે નહિ તો ક્યારે... અને એને પણ કંઈ સમજાવવું પડશે ને? ક્યાં સુધી આવું બધું અને કેટલી હદ સુધી?

હજુ કઈ વધુ વિચારે ત્યાં તો દરવાજાની ઘંટી વાગી અને એની વિચારધારા અટકી. દરવાજો ખોલતાં જ... ”હેપ્પી એનિવર્સરી... ટુ માય લવિંગ વાઈફ...” ...સામે પોતાના ૧૫- ૨૦ વિદ્યાર્થીઓ સાથે સંજય... હાથમાં એનું ગિટાર લઇને ઊભો હતો... ઓહ્હો... એને નવાઈ લાગી. આજે ક્યાં એનિવર્સરી હતી... એણે તારીખો યાદ કરી જોઈ... પણ ના, આજે ન હતી. ત્યાં તો સંજુએ એને વળગીને એક નવી કવિતા કહી દીધી.

મારી સૌથી સુંદર કવિતા "તું" છે.

જે હું લખી પણ નહીં શકું અને,

જે તું અરીસામાં શોધી નહીં શકે,

એ બધું જ...

આવીને વાંચી જા મારી "આંખો"માં!

અને અંબોડાની પેન કાઢી વાળ પણ ખોલી કાઢ્યા... બધા જ વિદ્યાર્થીઓની સામે... નિયતિ અવાક...

ઓહ્હો... આ નહિ જ સુધરે... ”આ બધું શું છે?” હજુ એનું આશ્ચર્ય ઓછું થતું ના હતું ત્યાં તો ગોટુ બોલ્યો, ”મમ્મી, પપ્પા તો આવતા મહિને આવતી તમારા લગ્નની પંદરમી  એનિવર્સરીની પ્રેક્ટિસ કરે છે.” લો બોલો... આવું તે કંઈ ચાલતું હશે?

(કવિતા સૌજન્ય – સંજય સહજ )

 

 


Rate this content
Log in