Neha Gandhi

Others

3  

Neha Gandhi

Others

થેંકયુ હીના...

થેંકયુ હીના...

4 mins
7.4K


હાશ... આખરે ટેબલ ઘરમાં ગોઠવાઈ ગયું. ટેબલ લઇને આવનાર ટેમ્પોવાલાને પણ રવાના કરી દીધા. બધી માથાકૂટને અંતે ટેબલ તો આવ્યું. આમ તો એ જાણે ઓફીસમાં વપરાય એવું ટેબલ હતુ, પણ ઘરમાં પણ સ્ટડી ટેબલ તરીકે વાપરી શકાય. ખાસ્સુ મોટું, પહોળું અને વળી ખાના પણ કેવા સરસ..! જમણી બાજુ ત્રણ ખાના ખેંચીને ખોલવાના... એક એક ખાનામાં બાળકોના આખા ટાઇમ ટેબલના ચોપડા ગોઠવાઈ જાય. એટલે ત્રણમાથી બે ખાના બાળકોના અને એક વધારાનું ખાનું. જેમાં બીજી સ્ટેશનરી મૂકી શકાય. આતો ફક્ત જમણી તરફના ખાના. અને ડાબી તરફ એકજ મોટું ખાનું જેમાં ફાઈલો મૂકી શકાય. હા.... કામ તો બરાબર આવે એવું છે. ટેબલ પર જડેલા રેકઝીન પર હાથ ફેરવતા સ્મિતા વિચારી રહી...આ શોભાકાકી પણ ખરા છે ? આટલું સારું છે તો પણ કાઢી નાખ્યું...

                                            *

“તો કેટલામાં કાઢવાના છો કાકી ?”

“જો ને બેન, જુનું છે સાવ ને વળી એક પાયો પણ પાછળથી નંખાવ્યો છે. તું જ કહે... શું લેવાય આનું ?”

“મને કેમ ખબર પડે...?” સ્મિતાએ બોલી તો નાખ્યું પણ વળતી જ ક્ષણે મનમાંથી વિચારોનો સામો પ્રહાર આવ્યો...બોલી નાખ ને ..

નથી કાઢવાનું...! થોડી યાદો તો સાચવી રખાય ને..? પણ કોને બોલે અને શું બોલે ? આલોક કઈ આ જરી પુરાણું ટેબલ એના નવાજ વેલ ફરનીશ્ડ ફ્લેટમાં રાખવા દે ? અને કેમ કરીને કાકીને કહેવું કે મહીને બે મહીને એકાદ વાર જે એ અહી આવે છે તે માત્ર કાકીને જ મળવા નહી પણ આ ટેબલને અડવા... એની સાથેની યાદોને તાજી કરવા.. વાગોળવા ! કાકાના ગયા પછી કાકી અને એમના ઠાકોરજી સિવાય આ ઘરમાં કોઈ વસ્તી હતી નહિ પણ સ્મિતાને મન તો આ ટેબલ પણ એક વસ્તી જ હતી. કાકી સાથે તો અહી તહીની વાતો થતી ત્યારે ટેબલ માત્ર ચા નાસ્તાની ડીશો મુકવા કામ લાગતું. પણ એ દરેક ક્ષણે સ્મિતા વાતોવાતોમાં છાનીમાની પેલી જૂની યાદો વાગોળી લેતી.

આ એ જ ટેબલ જ્યાં સૌથી પહેલા પોતાની અલાયદી કહેવાય એવી થોડી જગ્યા. એક ખાનું એનું પોતાનું, એને મળ્યું હતું. જમણી બાજુના ત્રણે ખાના આમ તો ચાવી વાળા હતા પણ એકેય ખાનામાં ચાવી કામ ન કરતી. છતાય ચાવી વાળું છે એ વિચારીને જ અંગતતાનો વૈભવ અનુભવાતો. એ ખાનામાં સ્મિતા પોતાની અંગત ચીજો રાખતી , અને પાછળથી ખબર પડી કે આ અંગત શબ્દ કેટલો મધુર હતો. આ અંગત ચીજોમાં હતું પણ શું ? ફોઈ પાસે માંગીને લીધેલી પેલી જૂની હાથી દાંતની ડબી, ટીની એ આપેલું પેલું દીવાસળીના ખોખા જેવું નાનું લાકડાનું ખોખું. જે ખોલતા જ એમાં રહેલું જીવડું આપમેળે હાલવા લાગતું, એક મરૂન નેલ પોલીશ, છીપલાં જડેલો નાનો અરીસો અને સ્ટેશનરીમાંથી લીધેલુ એક લેટર પેડ ! ત્યારે તો બસ, માત્ર ગમી ગયેલુ અને લઇ લીધું. પણ એ ન વાપર્યું ત્યાં સુધી પણ ક્યારેક એકાંતની પળોમાં એ લેટરપેડ કાઢતી, ટેબલ પર મૂકી હાથથી સ્પર્શીને મનોમન ખુશ થતી કે ક્યારેક હું પણ આમાં પત્ર લખીશ અને સ્મિતાએ પોતાનો પહેલો પત્ર-પ્રેમ પત્ર પણ તો આ જ ટેબલ પર લખ્યો હતો. પેલા પીળા બલ્બ વાળા ટેબલ લેમ્પના પ્રકાશમાં..! આલોકને પીળા બલ્બનો પ્રકાશ ખુબ ગમતો એટલે સ્મિતા પણ બને ત્યાં સુધી એ પીળા બલ્બના પ્રકાશમાં જ એને પત્ર લખતી, જાણે કે પત્ર લખતી વખતનો પીળો ઉજાસ પણ આલોક વાંચી લેશે !

તો આટલો બધો ખજાનો ભર્યો છે આમાં, ને કાકીને આ ટેબલ કાઢી જ નાખવું છે ?

“પણ કેમ ?”

“તે હવે મારે એકલી ને રહેવું અને શું કરવું છે આટલા મોટા ટેબલનું ? ને વળી અહીથી આ ટેબલ કાઢુંને જે જગ્યા થયા એમાં મારા ઠાકોરજી માટે નવું પૂજા ઘર લેવું છે.”

હંમમ તો પોતાની જૂની યાદોની ખીંટી ઉખાડી ત્યાં ઠાકોરજીનો વિસ્તાર વધારવાની વાત છે.

“તે કાકી, પણ કિંમત તો કહેવી પડશે ને !”

“તું શોધી લાવ ને કોઈ, આપણે તો આપી જ દેવું છે. મુવું, ટેમ્પોમાં નાખી ને લઇ જાય તો ટળે”

અરર છેક જ આવું ? આટલું બધું ... આમ ? કાઢી જ નાખવાનું...?સ્મિતાને મનોમન ઓછું આવી ગયું. એનું બસ ચાલે તો એ પોતેજ લઇ જાય. પણ આલોકની વાતેય સાચી હતી ને ! નવા મકાનોની માપોમાપ જગ્યામાં આવા મોટા જુના ફર્નીચરને ક્યાં સમાવાય ?

તો પછી કાકીને ત્યાંથી આ ટેબલ સાચે જ જતું રહેશે ? છે...ક દાદાના વખત નું ટેબલ ! નહિ નહિ તોયે સો વર્ષ જુનું તો હશે ! પોતે નાનપણમાં કેટલીયે વાર સાંભળ્યું હતું કે પપ્પાએ પણ કોલેજના અભ્યાસ દરમ્યાન આજ ટેબલ વાપર્યું હતું, ને દાદાની તો આખી ઓફીસ આમાં સમાઈ જતી! અને જયારે બધાય ભેગા રહેતા ત્યારે છપ્પો રમતી વખતે પોતાની સંતાવાની મનપસંદ જગ્યા હતી આ ટેબલ ! બંને તરફના ખાનાઓની વચ્ચેની પગ રાખવાની જગ્યામાં કેવું મજાનું સંતાઈ જવાતું ? સામી બાજુ કોઈ ખુરશી પર બેઠું હોય તો તો જરાય ખબરેય ના પડે કે અહી કોઈ છે ! આ જગ્યાએ સંતાતી ત્યારે કોઈ એને શોધી જ ના શકતું. પણ એ તો ત્યારની વાત થઇ....હવે શું ?

                                                *

હાશ. આવી તો ગયું. અને આ રસોડાની જમણી બાજુના ખાંચાની જગ્યામાં માપોમાપ ગોઠવાઈ પણ ગયું. મજુરોના ગયા પછી ટેબલ પર મુકેલી નાસ્તાની ડીશમાંથી એક બિસ્કીટ લેતા સ્મિતા બોલી, “લે ચાલ હીના, તારું કામ થઇ ગયું. ટેબલ પણ આવી ગયું અને તે પણ કોઈ વધારાના ખર્ચા વગર...”

“બધું તારા લીધે જ તો....”

હીના હસીને આંખોથી આભાર છલકાવતા બોલી, “નહીતો આજે આવું ટેબલ હું ક્યાં વસાવવાની હતી ?” પણ હીનાને ક્યાં ખબર હતી કે એના ઘરમાં આ ટેબલ આવી જવાથી સામેના ઘરે રહેતી સ્મિતાને કેટલી રાહત થઇ હતી !


Rate this content
Log in