Neha Gandhi

Others

3  

Neha Gandhi

Others

તારો

તારો

7 mins
13.8K


હે ભગવાનજી,                                                                                                                 તા. ૨૫ - ૧૨ - ૧૪

મમ્મી કહે, તમે ખુબ દયાળુ છો. જે પણ માંગીએ ને તે કાયમ આપોજ છો. તો હવે હું તમારી સાથે દોસ્તી રાખીશ. અને દોસ્તીમાં તો બધું માંગી શકાય ને, હે ને? તો પછી તમારે પણ મને પ્રોમિસ આપવું પડશે, કે તમે આપશો જ, હું જે પણ માંગું તે..! હેને ભગવાનજી.. પ્રોમિસ ને? તો સૌથી પહેલા તો તમને મેરી ક્રિસમસ..!

ભગવાનજી ,                                                                                                                   તા. - ૨૭ - ૧૪

આજે ઘરના મંદિરવાળા તમારો ફોટા સામે બેસી મમ્મી કેમ એટલું રડતી હતી? મને તો કઈ  સમજાયું નહિ? પપ્પા પણ મમ્મીના ખભે હાથ રાખીને એને ચુપ કરાવતા જાય અને પોતે પણ રડે. લે! મોટ્ટા લોકોને પણ આવું રડવું આવે? મારા પપ્પા તો કેટલા સ્ટ્રોંગ મેન છે. જીમમાં પણ જાય છે. વાગે કે દુખે તો પણ એ રડે નહિ. એમને તો કશું વાગેલું પણ દેખાતું ન હતું. કેમ રડતા હતા બંને? મને રડવું આવે તો બંને પૂછી પૂછીને દિમાગ ખાઈ જાય... અને કાલે એ બંને રડતા હતા અને મેં પૂછ્યું... તો મને કંઈ ન કહ્યું. આ તો ચીટીંગ કહેવાય ને? સોનું દીદી પણ કઈ કહેતી નથી. એને તો ઉલટાનું હું કહું ત્યારે ખબર પડે કે મમ્મી પાપા રડે છે. અને વળી મેં પૂછ્યું તો વધારે ને વધારે રડવા લાગ્યા...લો બોલો! આ તો કઈ વાત થઇ? આ ડોક્ટર અંકલ પણ કોણ જાણે શું કહ્યા કરે, ને પપ્પા મમ્મીને રડવું આવી જાય. હવે તો હું એમના ક્લિનિક પર જવાનો જ નથી.

ભગવાનજી,                                                                                                                     તા. ૫ - ૧ - ૧૫

આજકાલ તો બંદા ખુશ-મ-ખુશ... મમ્મી મારું બહુ ધ્યાન રાખે. મને ભાવતું બધું બનાવે. સોનું દીદી મને વાર્તાઓ કહે, મારી સાથે ને સાથે રહે. મારે તો સ્કુલે પણ નહિ જવાનું ....કેવી મજા...! હવે તો ઉપરથી  ઉતરાણની તૈયારી... જોજો ને... આ વખતે તો હું સૌથી ઉંચો પતંગ ચગાવીશ....ને સોનું દીદી ફીરકી પકડશે ....છેક તમારા સુધી પહોંચેને, એવો ચગાવીશ !

ઓ ભગવાન...                                                                                                                તા. ૨૦ - ૧ - ૧૫

હું તો ઘરમાં ને ઘરમાં બહુ બોર થઈ ગયો. થોડા દિવસ મજા આવી સ્કુલ વગર, પણ આખો દિવસ શું કરું ઘરે? મારા દોસ્તો બધા ઘરે રમવા આવે પણ મારે ઘરની બહાર રમવા નહિ જવાનું? મને આ બધું જરાય નથી ગમતું. હવે કાલે જયારે મમ્મી તમારા ફોટા સામે પૂજા કરવા બેસે ત્યારે એને સમજાવો ને! આમ આખો દિવસ ઘરમાં થોડી મજા આવે? અને આટલી બધી દવાઓ આપ્યા કરે છે.. થોડી ઓછી કરાવો ને ભગવાનજી... પ્લીઝ..!

ભગવાનજી,                                                                                                                      તા. ૧૧ - ૨ - ૧૫

હવે તો મને રમવા જવાનું બહુ મન જ નથી  થતું. થાકી જવાય છે. થોડું બેસુંને, તો પણ ઊંઘી જવાનું મન થાય. અને મમ્મીને જુઓ ને ! જયારેને ત્યારે મારી આગળ પાછળ ! હું કંઈ ભાગી જવાનો છું? પણ છે ને તે કાલે બાલ્કનીમાં બહુ મજા આવી. રાત્રે મમ્મી મને તારા બતાવતી હતી. સ્ટાર્સ...કેટલા બધા આહાહા..! મેં પૂછ્યું કે ક્યાંથી આવે એટલા બધા? તો કહે કે ભગવાનજીએ બનાવ્યા. અમારા સાયન્સના સર તો કહેતા હતા કે એ તો સુરજ દાદા જેવા હોય. મોટા અને ખુબ દુર! પણ મમ્મીને આ બધું કદાચ નહિ ખબર હોય. એટલે જ તો એ કેવું કહેતી હતી કે આપણા બધાનો એક એક તારો હોય. એક તારો   ખરતો હતો એ જોઈને મેં પૂછ્યું, કે આ ક્યાં ગયો? તો મોમ કહે, “જયારે કોઈ ભગવાન પાસે જાય ત્યારે એનો તારો પણ આમ ભગવાન પાસે જતો રહે. તે હેં ભગવાનજી... તમારી પાસે તો તો બહુ બધા તારાઓ હશે ને?... લાસ્ટ યર મારા દાદાજી પણ તમારી પાસે આવી ગયા, તો એમનો તારો પણ આમ ખરીને તમારી પાસે આવી ગ્યો? એવું હોય ..? સાચ્ચે?

ભાગવાનજી,                                                                                                                      તા. ૨૫ - ૨ - ૧૫

આ કેવી દવા પીવડાવે છે બધા ? ખબર છે, મારી અંદર પેલા દિવાળીના બપ્પોરીયા સળગેને, એવું લાગ્યા કરે છે. મમ્મા કહે, “આઈસ્ક્રીમ ખા .....જ્યુસ પી લે..” પણ કઈ ભાવે તોને? અને મારા વાળ પણ પથારીમાં પડ્યા કરે છે. જયારે જયારે મમ્મી મારા વાળમાં હાથ ફેરવે, ને એના હાથમાં મારા વાળ આવી જાય, એ જોઈને એ ખુબ દુખી થાય છે. એને સમજાવો ને, કે વાળ ખરી જાય એમાં શું રડવાનું? હેં? એ તો પાછા ઉગી જશે થોડા દિવસમાં....! પહેલા કોઈ કોઈ વાર એ પણ પપ્પાને કહેતી હતી ને કે, મારા વાળ ખુબ ખરે છે ત્યારે તો રડતી ન હતી. હવે મારા વાળ ખરે છે તે જોઈ ને રડે છે... કેવી છે ને  મોમ!

ભગવાનજી,                                                                                                                       તા. ૯ - ૩-  ૧૫

આજે તો મારા બધાજ વાળ જતા રહ્યા. પેલું મુંડન કરાવે એવું થઇ ગયું. અને આ બધા કેવા ઊંધા છે... જયારે પેલું જનોઈ વાળું મુંડન કરાવેલું, ત્યારે મને ટકલુ જોવા બધા ઊંચા નીચા થતા હતા.. ખુશ થતા હતા. મને નવા નવા કપડા અને ગીફ્ટ પણ આપી હતી. કેટલી મોટી પાર્ટી કરી હતી !સોનું દીદીએ ડાન્સ કર્યો હતો..જોઈ નથી શકતી, તો પણ!..બોલો..! અને આ મુંડન જોઈને મમ્મી વારે વારે આંખો લુછ્યા કરે છે. સોનું દીદી પણ ઉદાસ ઉદાસ ફર્યા કરે છે. મારા મુંડન વાળા માથા પરહાથ ફેરવી મને વ્હાલ કર્યા કરે. ભગવાનજી, મને કઈ સમજાતું  નથી. બધા આવું ઊંધું ચત્તું કેમ કરે છે?

 

ભગવાનજી..                                                                                                                       તા. ૨૩ - ૩ - ૧૫

ખબર  છે? આજે તો પેલો જીનું એમ કહેતો તો કે આમ વાળ ચાલ્યા જાય ને, પછી થોડા દિવસમાં મરી  જવાય. હેં ભગવાનજી ? એવું કઈ હોય? જુઓ ને, મુંડન કરાવ્યા પછી કેટલા બધા દિવસ થયેલા, તો પણ હું તો  જીવતો જ રહેલો ને ! જીનુ તો જુઠ્ઠો છે .પણ પેલી સોનુ દીદી તો મોટ્ટી છે... તેને તો બદ્ધી સમજ પડે. એ જીનુંને ખીજવાઈ ગયી હતી, કે એવું ના બોલાય. ‘ભગવાનના ઘરે જવાના’ એમ બોલાય. તે હેં ભગવાન, આ મારા ઘરમાં તમારું પેલું ફોટાવાળું તો ઘર છે, બીજું કયું તમારું ઘર? હા....લાસ્ટ યર દાદાજી જ્યાં પહોંચી ગયા એ ઘર? તો હું ત્યાં આવીશ તો ત્યાં દાદાજી પણ મળશે? તો આપણે સાથે રમીશું? મારા દાદાજીને તો બહુ રમતો આવડે. તમારી સાથે પણ હમણા સુધી રમ્યા જ હશે ને ..? તો પછી પેલો દાદાજીવાળો તારો ક્યાં જાય ભગવાન? પેલો ખરી જાય કે પડી જાય તે પડી ને જાય છે ક્યાં?

ભગવાનજી,                                                                                                                               તા. ૧૦ - ૪ - ૧૫

હવે તો મને પથારીમાંથી કોઈ બહાર જ નથી જવા દેતું. આખો દિવસ બધા મને મળવા આવે પણ મમ્મી બહુ વાત ના કરવા દે... બધા સાથે. બસ આખો દિવસ... આરામ કર.. આરામ કર. પણ રોજ્જે રાત પડે ને, એટલે મને બાલ્કનીમાં લઇ જાય.પછી અમે બધા તારા જોયા કરીએ. મમ્મીનો તારો, પપ્પાનો તારો અને એક તારો મારો પણ છે હો !મસ્ત ચમકતો ...પણ ભગવાનજી એ તારો બતાવતા જ મમ્મી રડી પડે છે. પપ્પા એને બહુ સમજાવે કે જો... તારો કેવો  ચમકે....પણ એ તો જુએ જ નહિ ને બસ.. મને વળગીને રડી પડે. તે આ તારામાં બધ્ધાના તારા હોય? સોનું દીદીનો પણ હોય...? એતો જોઈ જ શકતા નથી, તો એમનો તારો ચમકતો હોય..? ધ્રુવી, વીજુ,પીહુ. રિયા, પલ્લુ.. જીનું.. બધાયના એક એક તારા હશે ને? ભગવાનજી.....એ તો બધા મારા માસીના છોકરા છોકરીઓ છે. અમે વેકેશનમાં ભેગા થઈએ.પણ જયારે હું એકલો માસીના ઘરે જાઉં ને, તો મોમને અહી મારા વીના એકલા જરાય ના ગમે. મને રોજ જ બે ચાર વાર ફોન કરે. તો આ તારો ત્યારે કામ લાગે ને? હું ના હોઉં તો મારો તારો જોઈ લેવાય ને ! કેવું મઝાનું !

ભગવાનજી,                                                                                         તા. ૨૮ - ૪ -૧૫

થોડા દિવસોમાં મધર્સ ડે આવે છે ને તે જીનું તો એનીમોમ માટે ગીફ્ટ લાવવાનો છે.  મને પણ લાવવી છે.મારી પાસે પિગી બેકમાં પૈસા પણ ભેગા કર્યા છે. પણ મારાથી તો બહાર જવાય નહિ ને? કેવી રીતે લાવું? મારાથી તો હવે બેસાતું પણ નથી. તમારી સાથે  વાત કરવાની મજા આવે છે તો આજે સુતા સુતા લખું છું. ખબર છે? બધા પોતપોતાની મોમને ગીફ્ટ આપશે. ફક્ત હું જ કઈ નહિ આપી શકું. તો મોમને બહુ રડવું આવશે. હમણાથી મમ્મી ખુબ ઉદાસ રહે છે. કદાચ મારી ગીફ્ટ જોઈને ખુશ થઇ જાય? તમે તો બધાને મદદ કરો છો, થોડી મને પણ કરો ને પ્લીઝ....ભગવાનજી..!

ભગવાનજી,                                                                                              તા. ૫ - ૫ - ૧૫

આજે તો જીનું  પાસે લખાવું છું . હવે કદાચ તને લખાશે  પણ નહિ. બધા મને હોસ્પિટલ લઇ જવા કહે છે. ત્રણ જ દિવસ પછી મધર્સ ડે છે... તો હું કેવી રીતે લખીશ? પણ મારે મોમને કઈ ગીફ્ટ તો આપવી જ છે. એટલે આજે આ જે લખું છું ને, એ મોમને મધર્સ ડેના દિવસે  વાંચી સંભળાવવાનું સોનું દીદીને કહ્યું છે. ભગવાનજી, મને ખબર છે, હવે હું બહુ જલ્દી આ બધાથી દુર તમારી પાસે આવી જવાનો છું. એટલેજ આજે આ છેલ્લી વાર અહિયાં વાત કરું છું. પછી તો આપણે બે સામસામે વાતો કરીશું. બસ, તમે થોડા દિવસ રાહ જુઓ...પછી આપણી ધમાલ...! હું ભલે તમારી પાસે આવી જઈશ પણ મારી દીદી તો અહીજ રહેશે ને.. મોમ પાસે ! અને એ મારો તારો પણ જોશે...જોજો ને..!

                                         **********

“મમ્મી, તું ઉદાસ ના રહ્યા કર. મને ગમતું નથી. જો. આજે હું તારા માટે એક ગીફ્ટ આપું છું . સૌથી ચમક્તી અને સૌથી ઉંચી ગીફ્ટ... પેલો એક જે મારો તારો છે ને એ તારો હું તને આપું છું. હવે હું જયારે હોસ્પિટલમાં હોઉં કે તારી પાસે ના હોઉં ને, તો તારે એ તારાને જોઈ લેવો. સોનુદીદી તો તારી સાથે છે. મેં ભગવાનજીને કહ્યું છે, કે હું તમારા ઘરે આવી જાઉં તો પણ એ તારો ખરવા દેતા નહિ. મારી મોમ એને જોશે. એ તારો મેં  મારી મોમને  આપી દીધો છે એટલે મોમનો થઇ ગ્યો. એટલે હું ભગવાનજીના ઘરે  જઈશ તો પણ એ તારો તો તારી પાસે જ રહેશે. તારા બેબે સ્ટાર્સ.... બસ ને મોમ ! જો બધાનો એક હોય.... તારી પાસે બે છે. તો હવે ઉદાસ નહિ થશે ને? કેવી લાગી મારી મધર્સ ડેની ગીફ્ટ?”

----------- અને સોનુંની આંખે આ લાગણીભીના શબ્દો વાંચીને બધાની આંખો છલકાઈ ગઈ. થોડા વર્ષો પૂર્વે અકસ્માતમાં ગુમાવેલી આંખોની રોશની આશુએ એની બેનને પાછી આપી દીધી. આશુ જતા જતા એની અંધ બહેનને રોશની રૂપી તારો ભેટમાં આપી ગયો.

                                                           


Rate this content
Log in