Neha Gandhi

Others

3  

Neha Gandhi

Others

આઈ. ટી.ની હાઈ – ટી

આઈ. ટી.ની હાઈ – ટી

15 mins
7.2K


અજયે ઘડિયાળમાં જોયું, પછી કેલેન્ડરમાં; ને ફરી પાછું ઘડિયાળમાં જોયું... ઓહ્હ! આજે તો ૨૧ તારીખ પણ થઇ ગઈ ને પેલો શાહનો બચ્ચો ઇન્કમટેક્સ રીટર્ન માટે લોહી પીએ છે. આજે તો જવું જ પડશે... એમ બબડતો ઉતાવળે  તૈયાર થાય છે. ત્યાં જ...

“અરે, સાંભળો છો?” વાઈફ ટહુકી

“ના... બહેરો છું... (કાશ... હોત...)”

“આજે સાંજે પેલી સીનિયર સિટિઝન ક્લબની મિટિંગ છે. તમે વહેલા આવી જશો?”

“અરે... મને હજુ ૪૭ જ થયા છે. આપણને હજુ વાર છે, સીનિયર સિટિઝનમાં ગણાવાની.”

“એ લોકો ફંક્શનની વિગતો નક્કી કરવા આવવાના છે, કેમ ભૂલી ગયા? તમે જ તો એમને હાઈ- ટી માટે બોલાવ્યા છે. હું તેની વાત કરું છું.”

“હું વકીલની વાત કરું છું.”

“વકીલ? આમાં વકીલ ક્યાંથી આવ્યા?”

“ ક્યાંથી તે આ માર્ચ એન્ડિંગમાંથી... બીજે ક્યાંથી? શાહના ફોન પર ફોન આવે છે, રીટર્ન ફાઈલ કરવા માટે. એટલે  મારે ઓફિસેથી સાંજે ત્યાં જવું પડશે, તો હું એ મીટિંગમાં નહિ આવું.”

“તો ફાઈલ હું આપી આવીશ...પછી?”

“એટલે તું મને આજે ઘરડો બનાવીને જ રહીશ, એમ ને?”

“હા... તમે જ એમને બોલાવ્યા છે, તો તમારે તો હાજર રહેવું જ જોઈએ ને?”

બચવાની આશાએ કંઈક નાટકીયા અંદાજમાં અજયે માથું નમાવી કહ્યું, “સારું, આવી જઈશ. બીજો કોઈ હુકમ?”

અને નંદિતાએ જાણે આશિર્વાદની મુદ્રામાં, હાથનો પંજો બતાવ્યો, “આજ માટે આટલું જ બસ.”

હાશ... નંદિતાએ અજયને તો મનાવી લીધો, પણ મુસીબત તો હવે શરૂ થઇ. ‘હમણાં કેટરિંગવાળા મીટિંગ માટેનો નાસ્તો ચખાડવા આવવાના છે, તેનું શું કરીશ?’ હાથમાં ફાઈલ લઇને એ વિચારતી જ હતી ત્યાં કૈંક સૂઝ્યું અને પેલા ‘ચાખું સ્પેશ્યાલિસ્ટ’ રમાબે’નને પણ યાદ કરી લીધા. એટલામાં તો હાથમાં મોબાઇલ લઈ મોટે-મોટેથી બોલતી લાડકી દીકરી નિક્કી એના રૂમમાંથી આવીને ફરિયાદ કરવા લાગી.

“મમ્મી, તમે દીદીને સમજાવી દો. હું ફર્નિચરમાં રેડ કલર નહિ જ કરવા દઈશ.” ફરી પછી ફોનમાં. “જુઓ દીદી, આપણા બેનો રૂમ ભલે એક, પણ ફર્નિચર તો બંનેને ગમે, એવું જ કરાવીશું... કંઈ તમારી એકલાની મરજી નહિ ચાલે...” ‘‘મમ્મી, તમેં પણ કૈંક કહોને દીદીને! રેડ તે કઈ કલર છે? અને તે પણ ફર્નિચરમાં? આજે તો કદાચ ફર્નિચર માટે માણસો પણ આવશે.” અને નંદિતાના જવાબની રાહ જોયા વગર પગ પછાડતી ફરી પછી રૂમમાં ભરાઈ ગઈ.

નંદિતા ફરી મૂંઝવણમાં. કેટલી દિશાએ મોરચો સંભાળવો? ત્યાં જ દિશાબે’ન જ એમની વહારે ધાયા. કૈંક વિચારીને નંદિતાએ દિશાબે’નને, જે વરસોથી આ ઘરમાં જ કામ કરે છે, એમને બોલાવ્યા. અને પછી શરૂ થઇ સંવાદોની રમઝટ...

નંદિતા- “દિશાબે’ન”

દિશાબે’ન- “હા, બોલોને બે’ન.”

નંદિતા- “જુઓ દિશાબે’ન”

દિશાબે’ન- “જોયું”

નંદિતા- “એમ નહિ, મારી વાત સાંભળો.”

દિશાબે’ન- “સાંભળી.”

નંદિતા- “આજે સાંજે આપણા ઘરે હાઈ ટી છે”

દિશાબે’ન- “હા...ઈ... ટી?  એ શું? આમ ઊંચે બેસીને ચા પીવાની?” દિશાબે’ન ઉપર તરફ નજર કરી ચા પીવાનો અભિનય કરતા બોલ્યા.

નંદિતા- “ના હવે, ચા નાસ્તો કરીએ ને તેને સારી ભાષામાં હાઈ-ટી કહે.”

દિશાબે’ન- “હા તો મારે શું કરવાનું છે?”

નંદિતા- “ના... ના, તમારે કઈ નથી કરવાનું. એ હાઈ-ટી માટે મતલબ નાસ્તા-પાણી માટે નાસ્તો બહારથી જ મંગાવ્યો છે.”

દિશા બેન- “તો..?” હવે એમાં એમનું શું કામ હશે એ ન સમજાતા દિશાબે’ને પ્રશ્ન પૂછ્યે જ રાખ્યો.

નંદિતા- “મારે બહાર કામ છે. મારી ગેરહાજરીમાં જો એ માણસો આવે તો એમના અલગઅલગ નાસ્તા ચાખીને, તમને અને બાને ઠીક લાગે, તે નાસ્તા માટે હા કહેજો. બાકીની વાત હું ફોનથી કરી લઈશ. બાને પણ ચખાડજો. હું રમાબે’નને પણ કહેતી જઈશ. એ ખાવાના શોખીન છે તે ચાખવા માટે આવશે તો સારું પડશે.”

દિશાબે’ન- “ભલે બેન.”

અને પછી નંદિતા શાહની ઓફીસ જવા નીકળે છે ત્યાં જ  વિશાલ અથડાઈ જાય છે, કારણ કે એના હાથમાં મોબાઇલ છે અને એની નજર મોબાઇલમાં...

“ઓહ... વિશાલ, જરા જોતો હોય તો? ચાલ, મને શાહ અંકલની ઓફિસે લઇ જઈશ?”

વિશાલ પણ ક્યાં માને એમ હતો? “હું કઈ રિક્ષા છું તે લઇ જાઉં... હાહાહા...”

“એ ડાહ્યા, હવે બહુ દોઢ ના થઈશ.”

નંદિતાને મનાવતો વિશાલ બોલ્યો, “મોમ... આજે મારું લેપટોપ રીપેર કરવા પપ્પાની ઓફિસેથી માણસો આવવાના છે. તો હું કેવી રીતે આવી શકું?”

“ઓહ! બધાં જ બિઝી છે મારા સિવાય. ચાલો નંદુબેન... એકલો જાને,  એકલો જાને, એકલો જાને રે...”

આ તરફ નંદિતાના ગયા બાદ ઘરમાં અકળાયેલા વિશાલને જોઈને દિશાબે’નથી ચુપ નથી રહેવાતું. આમેય એમનાથી ચુપ નથી રહેવાતું. “તે હેં ભાઈ, કેમ આમ ઊંચો-નીચો થાય છે. કંઈ થાય છે?”

“ ક્યાં ઊંચો-નીચો થાઉં છું. જેટલો છું એટલો જ તો છું, ૫ ફૂટ ૧૦ ઇંચ.”

“રે’વા દે ને! મારા જેવાની શું મશ્કરી કરે છે? તું આમ આકળવિકળ થાય છે એટલે પૂછું છું.”

“ અરે માસી,” એ દિશાબેનને સમજાવે છે- “પપ્પાની ઓફિસેથી પટાવાળો મારું કમ્પ્યુટર રીપેર કરવા માણસને લઇને આવવાનો હતો. (ઘડિયાળમાં જોઈને) કેટલી બધી વાર? ક્યારનો રાહ જોઉં છું.”

“હમણાં આવવાના હતા?”

“હા, દસ કહ્યું‘તું. અગિયાર વાગી ગયા, છે ને?”  કોલર સરખો કરતા... “આ આઈ-ટીવાળાની કઈ વેલ્યુ છે?”

“ હશે ભાઈ”

“ અરે, શું હશે? મારું કામ અટકી ગયું છે. હું ભવિષ્યનો ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો એક એન્જિનીઅર! અને મારા કલાકોના કલાકો માત્ર રાહ જોવામાં જાય? તે પછી ક્યાંથી દેશ ઊંચો આવે?” જાણે મંચ પર ઊભો રહી ભાષણ કરતો હોય એમ બોલી ગયો. અને જનતાએ ભાષણ સાંભળી સામે પ્રતિક્રિયા આપે એમ દિશાબે’ને પણ પૂછી જ નાખ્યું, “તે દેશ ઊંચે આવે કે ના આવે, તું તો ઊંચે ગયો ને?”

“ ઊંચે?’

“ કેમ? નિકી સાથેના નીચેના રૂમમાંથી ઉપર એ.સી.વાળા રૂમમાં...” ત્રાંસુ મલકાતા દિશાબેન બોલ્યા.

“લો, નામ લો અને શેતાન હાજીર... કેમ ?” રૂમમાંથી બહાર આવેલી નિકીને જોઈ વિશાલ બોલ્યા વગર ન રહી શક્યો.

નિકી- “આહાહા... હું શેતાન? અને પોતે તો જાણે ભગવાનનો અવતાર.”

વિશાલ: “તું તારું કામ કર ને ચાંપલી... મારા અવતાર વિષે વિચાર્યા વગર...” ત્યાં જ દરવાજાની ઘંટી વાગી. હવે, દરવાજાની બહાર જે બે વ્યક્તિઓ છે, એ હકીકતમાં ઇન્કમટેક્ષ ઓફિસર છે, જે એમના સીનિયર મેડમ વગર પહેલીવાર જ રેઇડ માટે આવ્યા છે. અને એટલે જ થોડા ગભરાટમાં અને થોડા બઘવાટમાં છે, પણ રોફથી આંજી દેવાના ઇરાદા સાથે એકબીજાને સાંત્વન આપે છે. એમાંથી એક પોતાના પેન્ટનો બેલ્ટ સરખો કરતા- “રાજેશ...”

બીજાએ ખીસામાંથી કાંસકી કાઢી વાળમાં ફેરવતા જવાબ આપ્યો: “શું છે? તું આમ વારે ઘડીએ બેલ્ટ શું જોયા કરે છે?”

ખન્ના: “આજે તો મેડમ વગર આપણે પહેલી વાર રેડ પાડવા આવ્યા છીએ. મને તો ગભરાટ થાય છે.” અને બોલતો બોલતો પોતાના શર્ટના બટન ચેક કરે છે કે ક્યાંક અવળા સવળા તો નથી ને!

રાજેશ: “અરે, જોજે ને...રોફથી બધાને એવા આંજી દઈશું, કે મેડમની કમી નહિ લાગે.” વાળ ઓળી લીધા પછી ગરદનને ઝટકો આપી કપાળ પર આવતી એક લટને પાછળ સરખી કરતા- “ઇન્કમટેક્ષની રેડ કોને કહેવાય? એ આજે બધાને ખબર પાડી દઈશું” કહેતા ફરી બેલ વગાડે છે.

અને દરવાજાની અંદર નિકીને થયું, ફર્નિચરવાળા આવ્યા છે. દરવાજો ખૂલતાં જ રુઆબદાર અવાજે રાજેશે પહેલ કરી- “મિસ્ટર અ....જય મહેતાનું ઘર આજ ને?”

નિકી, “હા, બોલો,”

હવે ઘરનાં લોકોને આંજી દેવાના ઈરાદે ખન્ના જોરથી બોલે છે .

“ રેડ મેડમ રેડ...” જાણે પોતે પહેલી જ બોલ યોર્કર નાખી.

તો આ તરફ નિકી પણ કંઈ ઓછી ઉતરે એવી થોડી છે? એણે બમણા જોરથી જવાબ આપ્યો.

“ના... ના... ને ના...” યોર્કર પર સિક્સરની જેમ જવાબ મળ્યો.

રાજેશ: “શેની ના?” યોર્કરની ગુગલી થઈ ગઈ હોય, એવો અવાજ નીકળ્યો.

“મેં કહ્યું ને... મને રેડ પસંદ નથી.” મમ્મી- પપ્પા આગળ જિદ્દ કરતી હોય એમ જ નિકી બોલી.

“તે એ તો કોઈને જ પસંદ ના હોય ને...” જાણે સમજાવતો હોય એમ ખન્ના ધીમેથી કહેવા લાગ્યો.

“એટલા જ સમજદાર છો, તો શું જોઈને તમે રેડ માટે આવ્યા છો? લાગે છે, દીદીએ મોકલ્યા છે.” સમજદારનું આ નવું લેબલ મળતા બન્નેએ આગળ શું કહેવું એ એક-બે પળ તો ન સમજાયું, પણ પછી કૈંક તો કહેવું જ પડશે ને, તો જ આ લોકો સમજશે કે... એમ વિચારી રાજેશે વાત આગળ ચલાવી. “રેડ તો અમારું કામ છે. એમાં તમે અટકાવશો તે નહિ ચાલે.”

આ બાજુ નિકી પણ જિદ્દ પર હતી, “અને હું નાં કહું તો? હમણાં જ દીદીને ફોન કરીને ના કહું છું. મને રેડ પસંદ જ નથી. તમે સમજતા કેમ નથી?”

 

હવે બંને ઓફીસરોને લાગ્યું કે આ તો હાળું ઓળખાણવાળાનું જ ઘર નીકળ્યું. તે પણ મેડમની? પણ હવે આવ્યા છીએ તો કૈંક તો કરવું જ પડશે ને. એમ વિચારી, એકબીજા સામે જોઈ નજરથી હોંકારો ભણી કડપ જમાવવાના વ્યર્થ પ્રયત્નો કરતા ખન્નાએ શરૂ કર્યું, “અચ્છા? તો મેડમ તમારા દીદી છે! પણ સાફ સાફ સાંભળી લો. અહીં કોઈની ઓળખાણથી કોઈ ફર્ક નથી પડવાનો. એટલે તમે વધારે નહિ બોલો તે જ સારું છે.’ રાજેશ તરફ ફરી ને, “કેમ ને રાજેશ?”

રાજેશ, “હા, ખન્ના...” અત્યારે તો એકબીજાને હકારથી પણ સહારો આપવાની જરૂર હતી એમ લાગ્યું. પણ એટલાથી નિકી સાથેની વાત કંઈ પતે એમ હતું?

નિકી: “અરે વાહ...પૈસા અમારા જાય, ને અમારે કંઈ જ નહીં બોલવાનું?”

 

રાજેશ, “ખન્ના, આ બેનને સમજાવી દો, આપણને આપણું કામ કરવા દે. આઈટીવાળા સાથે આમ વાત ન થાય.”

 

નિકી- “તો એમ કહો ને કે તમે આઈટીમાંથી આવો છો...પછી સ્વગત બબડતા- ”હું પણ એ જ વિચારું, કે આજ કાલ સુથારો આમ સાહેબ જેવા... અને પાછા રેડ-રેડ કરે!”

આ ‘રેડ’ શબ્દની અસર નહિ થતા બંને ઓફિસરો વિચારે છે કે હવે આપણે રેડ નહિ બોલવાનું , ફક્ત આઈ.ટી.માંથી આવ્યા છીએ એમ જ કહેવાનું.

“વિ...શા...લ... લે! આ તો તારા આઈ.ટીવાળા આવ્યા છે.” મ્હોં બગાડતા નિકીએ વિશાલને બોલાવ્યો અને આ તરફ રાહ જોઈને અકળાયેલો વિશાલ આ બંને પર વરસી પડે છે, “કેટલી બધી વાર લગાડી? ક્યારનો તમારી રાહ જોઉં છું.”

રાજેશ: “શું વાત છે ખન્ના, લોકો આપણી પણ રાહ જુએ છે? (વિશાલ તરફ ફરીને)તો ચાલો, શરૂ કરીશું?”

વિશાલ: “હા, તો કરી દો... જુઓ, આ રહ્યું મારું લેપટોપ.” કહી બેગમાંથી લેપટોપ કાઢીને આપે છે.

‘ગો.. ગો.. ગો... ગોલમાલ... ગો ગો ગોલમાલ...’ વિશાલના મોબાઇલમાં વાગેલી રિંગથી રાજેશ અને ખન્ના વધુ સાવધ થયા હોય એવો ડોળ કરે છે અને ફોન પર વાત કરતો કરતો વિશાલ એક મિનિટ અટકીને, “મારે ઉપરના રૂમમાં કામ છે. તમે બધું ચેક કરીને બરાબર કરીને જજો.”

ખન્ના, ”તે બધું ચેક કરવા જ તો આવ્યા છીએ કેમ રાજેશ?”

રાજેશ: “હા, ખન્ના.”

બંને રોફ મારવાની કોઈ તક ગુમાવવા માંગતા ના હતા. પણ હાલત તો હવે કફોડી થવાની હતી. દિશાબે’નને એમના માટે પાણી લાવવાનું કહીને વિશાલ તો ગયો ઉપરના રૂમમાં અને દિશાબે’ન પાણી લઇને હાજર! હવે લેપટોપ જોઈને મૂંઝાતા બંને ઓફિસરોને જોઇને દિશાબે’નને ગમ્મત પડે છે. આમેય, આ ઘરની હવામાં જ ગમ્મત અને રમૂજ લહેરાયા કરે છે. બંને ઓફિસરોને લેપટોપમાં કઈ સમજાતું નથી. એકબીજા સામે બઘવાઈને ઇશારા કર્યા બાદ એવું નક્કી કરાયું કે હવે ઘરમાં તપાસ શરૂ કરવી. અને શરૂઆત બાથરૂમથી કરવી. દિશાબે’નને બાથરૂમ બતાવાનું કહેતાં જ... અચરજ અને નવાઈથી દિશાબે’ન પહોળી આંખે એમને તાકી રહે છે... ”અરે, પાણી તો હજુ હમણાં જ પીધું ને એટલી વારમાં બાથરૂમ?” અને એમાં વળી બંનેને સાથે બાથરૂમાંમાં જતા જોઈ દિશાબેન રીતસરના હેબતાઈ જ ગયા. કૈક શંકાથી ઓફિસરો વિષે અને જમાનાના બદલાતા ચલણ વિષે મનમાં ગડમથલ અનુભવતા દિશાબેન ‘કોને પૂછવું’ એમ વિચારતા જ હતા, ત્યાં તો મંદિરે ગયેલા બા રૂમમાં પ્રવેશ્યા. મંદિરની ભીડથી થાકેલા બા હજુ તો બેઠાં, ત્યાં જ બાથરૂમમાંથી પેલા બંને ઓફિસરો બહાર રૂમમાં આવ્યા અને આમતેમ ઉપર નીચે બધે જોવા લાગ્યા.

રાજેશ: “બાથરૂમમાંથી તો કંઈ નથી મળ્યું.”

દીશાબેન, “તે ત્યાં વળી શું હોય?” દિશાબેનને હવે શંકા થવા લાગી. “અને તમને જોઈએ છે શું?” એમને થયું કે લેપટોપ રીપેર કરવા તે વળી કોઈ બાથરૂમમાં જાય? આજકાલ તો બધા કંઈ પણ બોલી ઘરમાં ઘૂસી આવે અને પછી લૂંટીને ચાલ્યા જાય, એવા પેપરમાં વાંચેલા કેટલાંય કિસ્સાઓ એમને એક સાથે યાદ આવી ગયા. એટલે અચાનક જ અવાજમાં કડકાઈ લાવી એ પૂછવા લાગ્યા, “આવું આ રીપેર કરવાનો સામાન સાથે નથી લાવ્યા તે આમ તેમ ફાંફાં મારો છો?” અને હવેના દ્રશ્યમાં તો એક પાત્ર વધુ ઉમેરાયું હતું, જે આ લોકો વિષે અજાણ છે. બા પણ એ લોકો વિશેની શંકાથી દિશાબે’ન સામે જોવા લાગ્યા. એટલે દિશાબે’ને જણાવ્યું કે એ લોકો તો વિશાલભાઈનું લેપટોપ રીપેર કરવા આવ્યા છે.

“લેપટોપ રીપેર કરવા!?”

આટલી બધી ગેરસમજ પોતાના વિષે જોઈને ઓફિસરો તો અવાક! એટલે એમાંના એકે ફોડ પાડ્યો, “માસી, એમ મનફાવે તેમ ના બોલો. અમે આઈ.ટીમાંથી આવ્યા છીએ.”

હવે નવો ફણગો! દિશાબે’ન બાને સમજાવે છે, “બા... એ તો હાઈ-ટી બોલતા નથી આવડતું ને, એટલે આઈ ટી –આઈ ટી કહે છે. એ તો બે’ન મને બધુંય સમજાવીને ગયા છે.” હવે આ ‘સમજાવીને’ માં શું ‘સમજાવ્યું’ હશે એ ઓફિસરોને ‘સમજતા’ વાર ન લાગી. હવે વારો હતો દિશાબે’નનો. નાસ્તા ચાખવાનું અને છેવટે નક્કી કરવાનું કામ એમણે જ તો કરવાનું હતું! દિશાબે’ને નાસ્તાની વાત ઊંચકી,“ તે ભાઈ, નાસ્તા-પાણીનું શું છે?” આમ ભૂખ તો લાગી જ હતી, પણ રૂઆબ ઓછો થાય એ ડરથી કડપ રાખવા ખન્ના બોલ્યો, “આપણને એ બધું પસંદ નથી.” આમને તો ઇન્કમટેક્સની ફાઈલો સિવાય ક્યાં કઈ જોઈતું હતું? પણ એમ કઈ છૂટકારો હતો?

“પસંદ નથી એટલે?” આંખોમાં વિચિત્ર ભાવ અને અકળામણ સાથે દિશાબે’ન તાડૂક્યા, “તો એવા ધંધામાં પડ્યા જ શું કામ?” હવે તો કંઈક લીધે જ છૂટકો, એમ માની રાજેશે કહ્યું, “તો પછી, કંઈ પણ ગરમાગરમ ચાલશે.”

દિશા’બેન “તે તમારી પાસે શું શું છે?”

ખન્ના,“અમારી પાસે?”

નવાઈથી રાજેશની સામે જુએ છે. એટલે રાજેશ ખિસ્સામાંથી કશુંક કાઢતા બોલ્યો, “મારી પાસે તો આ છે.” એમાં જોયુ તો સિંગ-ચણા! ખન્ના અકળાઈને સિંગ-ચણાનું પેકેટ એના હાથમાંથી ઝૂંટવી લે છે, અને કહે છે, “આપણે અહીં આના માટે આવ્યા છીએ?” અને પછી દિશાબેનને ઝપેટમાં લેવા માટે, “જુઓ માસી, અમારી પાસે કઈ ન હોય. તમે જે આપો તે...” દિશાબેન માટે પ્રશ્ન પર પ્રશ્ન? આ તો આપવાની વાત હતી, ને આ લોકો તો માંગે છે. તે પણ ગરમાગરમ? એમ કઈ એ ઢીલા પડે? “લે... વળી... નાસ્તાવાળાને મારે સામેથી નાસ્તો આપવાનો?” અને આ નવાઈ હજુ શમે, ન શમે ત્યાં તો હાથમાં મોટી તપેલી લઈ રમાબેન આવી પહોંચ્યા... નાસ્તો ચાખવા જ તો વળી! અને આવતાની સાથે જ ખન્નાના હાથમાં ખૂલ્લું સિંગચણાનું પેકેટ જોઈ, એમાંથી લઈને ખાવા લાગ્યા, સાથે સાથે એમણે તો નાસ્તાની ઉઘરાણી પણ કરી,

“તે શું નાસ્તો છે હેં? ફાફડા સાથે ચટણી તો છે ને? અમને તો ચટણી ને મરચા વિના ફાફડા ભા...વે જ નહિ. હેને, દિશાબે’ન?”

“હા, બરાબર જ તો!” દિશાબે’ને પણ એક બે સિંગ-ચણા મોમાં મૂકતાં કહ્યું. ખન્ના બંનેને આમ સિંગ-ચણા ખાતો જોઈ રહ્યો.

રમાબે’ન, “જો ભાઈ, ચટણી વિના ફાફડા અને ચા વિના ગાંઠિયામાં મજા નો આવે. અને હા, જો સમોસા, વડા, પેટીસ, કટલેસ એવું કઈ પણ હોય તો સાથે સોસ પણ આપજો. એકલું તો કઈ જામે નહિ.” એ વાતમાં સુર પુરાવતા દિશાબે’ને એક અનુભવ પણ યાદ કરી લીધો, “અરે હા, તે દિવસે વનિતાબે’નને ત્યાં? પેલા સમોસા! કેટલા ટેસ્ટી હતા ને!  પણ તોયે મજા ન આવી. પૂછો કેમ?”

રાજેશ અને ખન્ના પણ પૂછવા લાગ્યા, “કેમ? કેમ?”

“અરે, ચટણી કે સોસ કઈ જ નહીં આપ્યું ને! તે પછી સમોસાની મજા ના જ આવે ને!” રમાબે’નને હાથમાં તાળી આપતા દિશાબે’ન બોલ્યા. એટલે રમાબે’ને વાત આગળ ચલાવી, “અને તમે જો ચાઇનીઝ સમોસા લાવ્યા હોવ ને, તો મને હમણાં આપો ને અને એની સાથે  કોઈ નોવેલ્ટી ચાઇનીસ સોસ પણ આપજો... સોયા સોસ... ચીલી સોસ... એવો કોઈ... અને વરાયટીમાં બીજું શું શું છે?” આ બધી વાતોથી ઓફિસરો હવે બરાબરના કંટાળ્યા. એક તો કોઈ એમને ચા નાસ્તાનું પૂછતું નથી અને સામેથી નાસ્તો માંગે છે! આ બધું શું છે?

ત્યાં તો દિશાબે’ને હજુ બાકી રહેલી વાતનો તંતુ ઝાલ્યો,  “રમા... બે’ન! આ લોકો શું લાવ્યા, શું ખબર? એક તો કંઈ સરખું બોલતા નથી, ને ચખાડતા પણ નથી!”

આ સાંભળતાં જ રમાબે’નની નાસ્તો ચાખવાની અધીરાઈ ચરમસીમાએ પહોંચી. એમણે એક ઓફિસરનો કોલર પકડીને હલબલાવી નાખ્યો અને જોરથી ઘાંટો પાડયો, “કે... મ...?...જો ભાઈ, ચટણી અને સોસના જોઈએ તો એક્સ્ટ્રા પૈસા લેજો,  પણ જોઈએ એટલે જોઈએ...” આટલી કડક ઉઘરાણીથી બે ઘડી તો ઓફિસરો પણ ભૂલી ગયા કે એ આઈ.ટી.વાળા છે કે હાઈ-ટીવાળા?!  અચાનક ઊંઘમાંથી ઝબકીને જાગે એમ એમાંથી એકે કહ્યું, “માસી... હાઈ-ટી નહિ... આઈ ટી...!  આઈ ટી ઓફીસર... ઇન્કમટેક્ષ ઓફિસર...” ત્રણે સ્ત્રીઓ બંને ઓફિસરોને રમૂજથી જુએ છે. ઓફિસરોને થયું કે હવે તો આ બા સાથે જ વાત કરવી જોઈએ. નહિ તો આગળ જતા શું હાલ થાય એ કલ્પના બહારની વાત છે. આમ પણ... હમણાં સુધી કોઈએ ઇન્કમટેક્સ ઓફિસરોનો કોલર પકડ્યો હોય એવું તો એમની જાણમાં ક્યારેય આવ્યું ન હતું! એ કંઈ પૂછે એ પહેલા બાએ જ વાત શરૂ કરી અને સંવાદોની બીજી એક રમઝટ- “તે ભાઈ, તમે શું કામ કરો?”

ખન્ના, “માસી, અમે આઈ.ટી. એટલે ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટમાંથી આવીએ છીએ.”

બા- “હા... તો?”

રાજેશ- “તો...એટલે? આ અજય મહેતાનું જ ઘર છે ને?”

બા- “હા”

ખન્ના- “આ અજયભાઈએ છેલ્લા દસ વર્ષથી ઇન્કમટેક્સ નથી ભર્યો.”

પોતાનાં જ ઘરમાં પોતાના સંતાન વિષે આવું બોલવાવાળો આ વળી કોણ આવ્યો? એવા ભાવથી બા, જવાબ માંગતા હોય એમ કડપ સાથે બોલ્યા, “ હા... તો?

બે ઘડી તો બાએ પૂછેલા ‘તો’ ના જવાબમાં શું કહેવું એ ન સમજાયું. પણ કશેથી શરૂ કરવું જોઈએ, એમ માની રાજેશે કહ્યું, “ ‘તો’ એટલે? તમને ખબર છે, કે ઇન્કમટેક્સ નહિ ભરવો કેટલો મોટો ગુનો છે?”

બા, “પણ અમે ઇન્કમટેક્સ શું કામ ભરીએ? અમારે ઇન્કમટેક્સ નથી ભરવો.” હવે ઓફિસરોને યાદ આવ્યું કે તેઓ રેઇડ માટે આવ્યા છે.

ખન્ના, “નથી ભરવો એટલે, સમજો છો શું તમારા મનમાં? તમારે ઇન્કમટેક્સ ભરવો જ પડશે, તે પણ વ્યાજ સાથે...” તો સામે છેડે બા પણ ક્યાય ગાંજ્યા જાય એવાં ન હતાં.

“ પણ, અમે ઇન્કમટેક્સ શું કામ ભરીએ? ઇન્કમટેક્સ ભરવો અમારા સિદ્ધાંતની વિરુદ્ધ છે.” આ વળી નવું! સિધ્ધાંતની વિરુદ્ધ?! એટલે રાજેશે ઊંચા અવાજ સામે ઠંડકથી કામ લીધું, “શું કામ એટલે? જુઓ બા, સરકારને કામ કરવા કેટલા બધા પૈસા જોઈએ.”

બા, “કયા કામ?”

‘કયા કામ?’ રાજેશે ખન્ના સામે જોયું.

ખન્ના પણ વિચારીને, ગોઠવી ગોઠવીને બોલવા લાગ્યો, “કયા કામ એટલે? આ સરકાર તમારા માટે રસ્તા બનાવે...પુલ બનાવે... બંધ બાંધે... તેના પૈસા ક્યાંથી લાવે? વિચારો જરા?”

બા: “તે હે ભાઈ, મેં સરકારને કહ્યું’તું, કે પુલ બનાવો, રસ્તા બનાવો, બંધ બાંધો! તે રસ્તા પર હું એકલી ચાલુ છું? તમારી સરકારી ગાડીઓ નથી દોડતી? મારા માટે રસ્તા બનાવ્યા!” મ્હોં બગાડતા બાએ વાક્ધારા ચાલુ જ રાખી, “...અને જુઓને, પુલ તો બનતા પહેલાં જ તૂટી જાય છે અને... આટઆટલા બંધ પછીયે પુરના પાણી તો ઘરમાં ઘૂસી જ જાય છે! મારા કહ્યાથી સરકારે બનાવ્યું છે? તે મારી પાસે પૈસા માંગવા આવ્યા?” અને દિશાબે’ન અને રમાબે’ન પણ આંખો મોટી કરી બંને ઓફિસરો પાસે જવાબ માંગી રહ્યા. ત્રણ સ્ત્રીઓનો સામનો કરી બંને વારાફરતી સમજાવવા લાગ્યા. રાજેશ, “અરે માસી, દુશ્મન દેશથી બચવા મિલિટરીનો કરોડોનો ખર્ચો કરે છે સરકાર...”

બા એ પણ બખાળો કાઢ્યો, “પણ આપણે યુદ્ધ તો કરતા જ નથી! અને જો કરીએ, તો જીતેલું તો પાછું આપી દઈએ છીએ. પછી એની પાછળ પૈસા બગાડવાનો શું અર્થ? હેં... તમે જ કહો ને?” ઓફિસરોને ઘડીભર તો બાની વાત સાચી લાગવા લાગી. પણ એવું તે કઈ ચાલે? ટેક્સ તો ભરવો જ પડે ને?

આ બધી વાતો દરમ્યાન અજય અને નંદિતા આવી ગયા. બંને ઓફિસરોને કેટરિંગવાળા સમજી નંદીતા ખુશ થઇ બાને પૂછવા લાગી, ”આ નાસ્તો આપવા આવ્યા છે?’’

બા- “આપવા નહિ, લે...વા આવ્યા છે.”

અજય- “શું લેવા આવ્યા છે?”

બા- “પૈસા”

અજય- “અરે, પણ પેમેન્ટ તો એડવાન્સમાં થઈ ગયું છે.”

બા, “એ ઇન્કમટેક્સમાંથી પૈસા લેવા આવ્યા છે.”

અજય, “હેં... ઇન્કમટેક્સ? પણ સાહેબ, આમ અચાનક કેમ?”

હવે લાગમાં આવ્યો... હમમ્... એમ વિચારી રોફ જમાવતા ઓફિસરે પૂછ્યું, “જુઓ, તમે દસ વર્ષથી ઇન્કમટેક્સ નથી ભર્યો. આ મોટો બંગલો, આ ગાડીઓ, આ લેપટોપ... આ દાગીના... આ બધાનો હિસાબ બતાવો.” તો દીકરાના બચાવમાં બા કંઈ ચુપ રહે?

બા, “એ ભાઈ, આ બંગલો અને ગાડી મારા પતિના છે.”

ખન્ના- “શું?”

બા- “તમને દેખાતું નથી? આ બંગલો જૂનો છે, ગાડીઓના નંબર પરથી ખબર નથી પડતી, કે ગાડીઓ જૂની છે? અને દાગીના તો મને મારા સસરાએ આપ્યા છે. એટલે એની જો તપાસ કરવી હોય તો, તમારે મારા સસરા પાસે જવું પડશે.”

રાજેશ, “એ ક્યાં છે?”

બા ઉપર તરફ આંગળી બતાવી બોલ્યા, “ ઉપર... તમારેય ત્યાં જવું છે?  છે ઈચ્છા?” રાજેશ અને ખન્ના તરફ જોઇને બાએ એવી રીતે પૂછ્યું, કે એ લોકો જો હમણા ‘હા’ કહે, તો બા હમણાં જ ‘ઉપર ની ટિકિટો બુક કરાવી લે. અને રાજેશ જાણે એમના મનોભાવ કળી ગયો એમ ગભરાઈને બોલ્યો, “ના.. ના.. એવું તે કઈ થાય?”

એટલી વારમાં નિકી પણ અંદરના રૂમમાંથી બહાર આવી ગઈ કે આ બધું શું છે? હવે અજયને લાગ્યું કે એણે બોલવું જ પડશે. ”પણ સાહેબ હું તો વર્ષોથી ઇન્કમટેક્સ ભરતો આવ્યો છું. અને જુઓ... આ રહી એની ફાઈલ” અજયની ફાઈલના તમામ પેપર્સ ક્લિયર જોઈ ઓફિસરોની બોલતી બંધ! ઓફિસરોએ અંદર અંદર થોડી ગુસપુસ કરી,  એમના મેડમને ફોન કર્યો તો સાચી માહિતી જાણવા મળી. એક સરખા નામ અને અને એડ્રેસ ધરાવતા, પણ અલગ વિસ્તારમાં રહેતા બે અજય મહેતામાં ગોટાળો થઇ ગયો હતો. એમણે જવાનું હતું બીજે જ ઠેકાણે અને આવ્યા અહીં! હવે ભૂલ તો સુધારવી જ રહી ને! ચાલો... માફી માંગી લઈએ એ વિચારીને

ખન્ના- “મિ. મહેતા, અમારા તરફથી તમને હેરાનગતિ થઈ હોય તો માફ કરજો.”

નિક્કી આવી તક ગુમાવવા માંગતી નહોતી. તે તરત જ  બોલી, “તે થઇ જ છે ને! એક તો સરખું બોલતા નથી. રેડ- રેડ બોલો... ‘રેઇડ’ ને બદલે... એમાં કેટલી ગડબડ થઇ.”

અજય નિકીને સમજાવતા બોલ્યો, “દીકરા, એમ ના કહેવાય.” અને હવે ઓફિસરોનું માન પણ સાચવી લેવું  જોઈએ, એમ માની રાજેશ તરફ ફરીને “ના, ના, સાહેબ, કઈ વાંધો નહિ.. તમે તો તમારી ફરજ માટે આવ્યા. એમાં શેની માફી?”

બંને ઓફિસરો જતા રહ્યા અને બાને હવે ખબર પડી ગઈ કે એમનો દીકરો વર્ષોથી નિયમિત ઇન્કમટેક્સ ભરે છે. દેશ પાસેથી માત્ર લેતો જ નથી, પાછું પણ વાળે છે. ચા... લો...! સૌ સારું જેનો અંત સારો.


Rate this content
Log in