Neha Gandhi

Others

3  

Neha Gandhi

Others

જીત

જીત

7 mins
15K


ધન ધનાધન ધન ધન ધન... એક સરખા નગારાં અને ઢોલનાં અવાજથી અપૂર્વનો ઉદ્વેગ વધી ગયો. બહાર વધતી જતી ભીડ, લોકોનો ઉન્માદ જાણે આજે ચરમસીમાએ હતો. દરેક દિશાએથી આવી આવીને લોકો ભીડમાં જોડાતા હતા. થોડા થોડા અંતરે કાનનાં પડદાં ફાટી જાય એવા મોટા અવાજે ઢોલ, નગારાં અને ઘીસના અવાજો સંભળાતાં હતાં. અપૂર્વને થયું કે એ એના કાન બંધ કરી દે, જો થઇ શકે તો! પણ કાનનાં ક્યાં દરવાજાં છે તે બંધ થઇ શકે? બંને કાન પર હાથ દબાવી એ બારી પાસે આવ્યો અને બહાર જોયું. બહારની ભીડમાં ઉન્માદ હતો, એક ઘેલછાનો સાગર હિલોળા લેતો હતો. જાણે કે લોકોમાં એક જ લાગણીનો પ્રવાહ વહેતો હતો... ખુશી... જીત... ગર્વ...! આજે ભારત કઈ કેટલાયે વર્ષો પછી ક્રિકેટનો વર્લ્ડકપ જીત્યું.

ઓહ, અપૂર્વને થયું કે આ બધાં લોકોને ભીડમાં જઈને પૂછે, કે તમે કેમ ખુશ છો? આ જીતથી તમને શું મળ્યું? તમારાં જીવનની કોઈ તકલીફનો અંત આવ્યો? તમારી જિંદગીમાં શું ફરક પડ્યો?  તે આમ પાગલોની જેમ ખુશ થાઓ છો?

 

એવું ન હતું કે અપૂર્વ ને ક્રિકેટ માટે લગાવ ન હતો કે અણગમો હતો. પોતાના બાળપણમાં અપૂર્વ પણ ખુબ રમ્યો હતો એના દોસ્તોની સાથે; પરંતુ હાલની એની મનોદશામાં એને એક જ વાત સમજાતી હતી– દુનિયામાં એવું કોઈ જ નહોતું જેને અપૂર્વના હોવા કે ન હોવાથી ફરક પડતો હોય...! અપૂર્વનું  માત્ર એક જ સપનું હતું... મેઘા! બસ... એક નાનકડું મકાન હોય અને બંનેનાં પ્રેમથી એ ઘર બને. અપૂર્વ અનાથ આશ્રમમાં રહી ઊછર્યો. કોઈ પરિવાર કે કોઈ સગપણ એવું ન હતું જે એને જિંદગીથી જકડી રાખે, બાંધી રાખે. જે હતા તે ફક્ત એનાં થોડાં સપના હતાં... તે પણ ક્યાં ખાસ બહુ મોટાં હતાં? પોતાનો અભ્યાસ પૂરો કરીને એક નાનકડી નોકરીથી અપૂર્વએ શરૂઆત કરી, જ્યાં મેઘા પણ પોતાની જેમ જ નવી નવી જોડાઈ હતી. પોતાની મહેનત અને આવડત થકી અપૂર્વ થોડા જ સમયમાં બોસનો વિશ્વાસુ બની ગયો અને ટૂંક સમયમાં જ પ્રમોશન મળી ગયું. પણ મેઘાના પરિવારનાં સપનાં આગળ પોતાની પ્રગતિ ખુબ ધીમી છે, એવું સમજતા અપૂર્વને વાર ન લાગી. પરંતુ મનનાં સંબંધો ક્યાં બહારના ટાઈમ ટેબલને અનુસરે છે? મેઘા પણ અપૂર્વ માટે કુણી લાગણી રાખતી હતી. બંને અવારનવાર ઓફીસની બહાર પણ મળી લેતા હતા, પરંતુ દરેક સપનાં સાચાં થવા માટે નથી હોતા, એ અપૂર્વને  સમજાઈ ગયું જયારે મેઘાએ પોતાની સગાઇની વાત કરી. અપૂર્વ સમજતો હતો, પોતે હજુ એ સ્થિતિમાં નથી કે મેઘાના પરિવારના નિર્ણયનો વિરોધ કરી શકે. બીજું કોઈ પણ નહોતું અપૂર્વ પાસે, જે મધ્યસ્થી કરીને વાત સમજાવી શકે. અનાથ હોવું એને પોતાની જિંદગીના આ મુકામ પર જેટલું પજવતું હતું, એટલું તો નાનપણમાં પણ ક્યારેય નથી લાગ્યું. અનાથ આશ્રમના દોસ્તો સાથે બાળપણ ક્યાં વીતી ગયું એ ખબર ન પડી. આમ તો અપૂર્વ ખૂબ પોઝિટિવ વિચારોવાળો હતો, પણ માત્ર સપનાંઓની દોરી પર જીવતા કોઈ પાસે જયારે સપનાં પણ ના રહે જીવવા માટે, તો ક્યારેક મન પર નેગેટિવ અસર થઇ જાય. અને અપૂર્વ પણ હમણાં એવી જ અસર હેઠળ હતો. રોજ સવારે આંખોમાં સપનાં આંજીને એ દિવસ વિતાવતો. એક જ આશાએ,  કે એનાં સપનાંની સાથી ક્યારેક એની જીવનસાથી બનશે...! મેઘા પણ એની લાગણીઓ જાણતી હતી, પરંતુ પરિવારના દબાણ આગળ ઝૂકીને એણે પણ બીજે સગાઇ કરી લીધી.  જે હતું તે અપૂર્વની દુનિયામાં માત્ર અને માત્ર મેઘા જ હતી! અને એ પણ છૂટી ગઈ! અને એટલે જ અપૂર્વએ આજે નક્કી કર્યું હતું કે આવી અર્થ વગરની જિંદગીનો અંત લાવી દેવો. એ માટે એણે માંકડ મારવાની દવા પણ ખરીદી હતી. અને નક્કી કર્યું હતું કે આજની રાત બસ છેલ્લી રાત હશે, એનાં તૂટેલાં સપનાં સાથેની.

ધન ધના ધન ધન ધન...- ખૂબ મોટા થતા અવાજથી અપૂર્વની વિચારધારા તૂટી... બારી બહાર એણે જોયું કે કેટલાંક યુવાનો રોડની બરાબર વચ્ચે ઊભી રાખેલી એક હાથલારીની ઉપર ચડીને ઘીસના તાલે તાલે નાચી રહ્યા હતા. જનમેદની તો જાણે માનવ મહેરામણ બની ગઈ હતી. દરેકના ચહેરા પર ઝળકતું સ્મિત અપૂર્વને જાણે કે કટાક્ષ લાગી રહ્યું હતું. ભીડમાંની દરેક વ્યક્તિમાં એક જ વસ્તુ કોમન હતી... ભારતની ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાની ખુશી!  અપૂર્વને થયું, આ બધા ધતિંગ પોલીસે બંધ કરાવવા જોઈએ. આ શું માંડ્યું છે, આ લોકોએ? આમાંથી કોણ બોલ- બેટ લઇને મેદાનમાં રમવા ગયેલાં? તે આટલા હરખાય છે! અરે... આમાંથી કોઈનાં દૂર દૂરનાં સગાંમાંથી પણ કોઈ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં નહિ હોય અને તોયે બધા નાચે છે તો એવી રીતે જાણે વર્લ્ડ કપ એમને એકલાને જ મળ્યો...! આ જુવાળ... આ ઉન્માદથી બચવાના પ્રયત્નરૂપે અપૂર્વએ બારી બંધ કરી. પણ એનાં મનને ચેન ના પડ્યું. એણે ખરીદેલી દવાની બોટલ હાથમાં લીધી... થોડી વાર જોઈ અને વિચાર્યું, બસ! કાલથી કોઈ અપૂર્વ નહિ... કોઈ સપનાં નહિ અને સપનાં તૂટવાની કોઈ તકલીફ પણ નહિ! અને વળી એવું પણ કોઈ ક્યાં હતું જે એના જવાથી રડે? દવાની બોટલ હાથમાં લઇ અપૂર્વનું મન ફરી વિચારે ચડ્યું... શું આ ઠીક છે? આમ હારી જવું... પણ એણે તો બીજો કોઈ વિચાર આવે એ પહેલાં નક્કી કર્યા મુજબ બોટલ કસીને પકડી... રખે ને સમય વિતતા આ વિચાર બદલાઈ જાય. એને યાદ આવી ગયા આશ્રમના દાસ કાકા. આશ્રમ છોડતી વખતે પણ એમણે આત્મીયતા દર્શાવી કહ્યું હતું , “દીકરા, અહીંથી જાઓ છો તો ભલે, પણ આજીવન આ આશ્રમ તમારો પોતાનો જ છે અને રહેશે... એ ક્યારેય ન ભૂલતા. જીવનની કોઈ પણ મુશ્કેલ પળે તમે અહીં આવી શકો છો. ભલે હું તારો પોતાનો સગો નથી, પણ માવતરથી કમ પણ નથી. તમારાં માટે જીવન ખર્ચ્યું છે, તો તમારાં જીવનને સાર્થક બનાવજો.” આ વાતો યાદ આવતાં જ અપૂર્વને થયું કે શું પોતે સાચો નિર્ણય લઇ રહ્યો હતો?

અચાનક જ બહારથી આવતાં ઢોલ અને નગારાંનો ઘોંઘાટ બંધ થઇ ગયો અને એની વિચારધારા અટકી ગઈ. અપૂર્વને  કૈંક અજીબ અસુખ લાગ્યું, પણ પછી થયું... ચાલો હાશ...! શાંતિ! પણ તે છતાં શું થયું એ જાણવાની ઈચ્છા જોર કરી ગઈ. બોટલ ખીસામાં સરકાવી એ રૂમમાંથી બહાર નીકળ્યો અને દાદર ઊતરી નીચે ગયો.

રૂમને તાળું મારવા જેવું કઈ હતું જ નહિ રૂમમાં. અને હવે તૂટેલાં સપનાંની કરચોને ક્યાં સાચવવી જ છે?  આવા વિચારોમાં ને વિચારોમાં બહાર નીકળતા જ અપૂર્વએ પોલીસો જોયા. એમને જોતા જ એને થયું, “જોયું! પોલીસે બંધ કરાવ્યું ને...!” પણ હજુ તો આ વિચાર પૂરો થાય એ પહેલા જ ઘોંઘાટ પહેલાં કરતાં પણ મોટા અવાજે  સંભળાવા લાગ્યો. વિચારોમાં ચાલતો એ રોડ પર પહોંચ્યો  ત્યાં જ અવાક...! પોલીસ તો આવી જ હતી, પણ ભીડને વિખેરવા નહિ... કંટ્રોલ કરવા! અને અપૂર્વને વધુ નવાઈ તો ત્યારે લાગી જયારે એણે જોયું કે પેલી હાથલારી પર ચડેલા ચાર પાંચ યુવાનો જ માત્ર નહિ......બહુ મોટું ટોળું હવે નાચી રહ્યું હતું... અને ભીડમાંના લોકો એમને એ રીતે નાચવાની જગ્યા પણ કરી આપતા હતા.

અપૂર્વના પગ આપમેળે ધીમે ધીમે ભીડમાં ભળવા લાગ્યા. ઘોંઘાટનો ધ્વનિ, એનાં તાલબદ્ધ તરંગો અપૂર્વ પોતાના શરીર પર અનુભવી રહ્યો. અપૂર્વના મનમાં ચાલતું દ્વંદ જઈને વાતાવરણમાં ભળીને એ મોટા અવાજો સાથે તાલબદ્ધ થવા લાગ્યું. ધન ધના ધન ધન ધન... અહીં કોઈ નાનું કે મોટું ના હતું... કોઈ કોમનું કે કોઈ સોસાયટીનું નહોતું! હતું તો માત્ર એક ઝનૂન,  જેમાં બધા જ જોડાઈ ગયા હતા. અપૂર્વને કઈ અલગ જ લાગવા માંડયું. આટલા બધા લોકોને શું માત્ર ઇન્ડિયા ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું એની જ ખુશી છે? ખરેખર...? એટલી બધી...? અપૂર્વને ખબર પણ ન પડી કે ક્યારે એ ભીડમાં આગળ ને આગળ વધતો ગયો અને એ નાચી રહેલા ટોળાં સુધી પહોંચી ગયો. હવે એ ઢોલ- નગારાંની એકદમ નજીક હતો... ધન ધના ધન ધનધન... ખૂબ જ નજીકથી વાગતાં ઢોલનાં મોટા અવાજમાં જાણે અપૂર્વ પોતાને ઓગળતો અનુભવી રહ્યો. લોકોની કિકિયારી... કેટલાક તો નાનાં બાળકોને પોતાના ખભા પર ઊંચકીને નાચી રહ્યા હતા. ચારેતરફથી માત્ર એક ઉન્માદની લહેર... અવાજના તરંગો... અપૂર્વને સ્પર્શી રહ્યા.

અચાનક કોઈનો ધક્કો લગતા અપૂર્વ પડતા બચ્યો. ખરેખર તો એ ટોળામાં નાચી રહેલા એક યુવકે એને પકડી લીધો... પકડી શું લીધો... આવેશમાં એને ભેટી જ પડ્યો. થોડી વાર તો અપૂર્વને કઈ સમજ ન પડી કે આ શું થઇ રહ્યું છે? પણ તે છતાં એને ખૂબ સારું લાગ્યું... કોઈ અજાણ્યાનું આમ વળગવું. અને એ સાથે એ યુવકનો તાલબદ્ધ નાચ તો ચાલુ જ હતો. એના હાલતા ડોલતા શરીરથી અપૂર્વ પણ જાણે અજાણે હાલવા લાગ્યો. પેલો યુવક એનાથી છુટો તો પડ્યો પણ કૈક અજબ લાગણી અપૂર્વને થઇ અને એ શું છે... એ સમજે, એ વિચારે એ પહેલાં તો એ યુવાન એનો હાથ પકડી અપૂર્વને એ નાચતાં ટોળામાં ખેંચી ગયો...! ધન ધના ધન ધનધન... અપૂર્વ પણ હવે એ ટોળામાં હતો... હાલતો... ડોલતો... શરીરને અવાજના તાલ પર આમથી તેમ ઘૂમાવતો. અને એને ખબર પણ ન પડી કે બીજા બધા પણ આમ જ નાચતા હતા. પેલો અજાણ્યો યુવાન હસીને એની  વધુ ને વધુ નજીક નાચી રહ્યો ને અપૂર્વને એ ગમવા લાગ્યું. કૈંક ના સમજાય એવું... અપૂર્વને ખબર પણ ન પડી કે કયારે આ ઉન્માદ એના પર સવાર થઈ ગયો. એ જ અવાજ... ઢોલ અને ઘીસનો. ધન ધના ધન ધન ધન... એની આજુબાજુ નાચી રહેલા યુવાનો ક્યારેક વ્હીસલ તો ક્યારેક તાળીઓ પાડી આનંદની કિકિયારીઓ કરતા હતા. હા, અપૂર્વ નાચી રહ્યો હતો... ટોળામાં... ભીડમાં... નાચનારાની વચ્ચે... બધું ભૂલીને... એને સંભળાતો હતો માત્ર ચોતરફનો શોર... ઢોલ, ઘીસનાં તાલ... તાળીઓનો અવાજ અને આનંદ અને જીતનો આવાજ! આ બધામાં અપૂર્વ ખૂબ નાચ્યો અને એ જીતનો હિસ્સો બન્યો જેનો જુવાળ લોકોને અહીં ભેગા કરી લાવ્યો હતો.

નાચતાં-નાચતાં અચાનક એનો હાથ ખીસામાં ગયો અને પેલી બોટલનો સ્પર્શ થતાં જ જાણે કરંટ લાગ્યો. અપૂર્વએ બોટલ હાથમાં લઇ બહાર કાઢીને ફેંકી દીધી. નાની શી બોટલ...! આટલી મોટી જીતના ઉન્માદમાં ક્યાંયે ખોવાઈ ગઈ અને અપૂર્વ પણ...!

 

 

 

 

 

 

 


Rate this content
Log in