શિવ દર્શન
શિવ દર્શન


અહીની પ્રાદેશિકતાજ કઈક એવી છે કે કુદરતના સાનિધ્યમાં રહેવું ગમે. તેના સાનિધ્યમાં નીખરતાં કલ્પનો એક નવી ભાત ઉપસાવે.એમાં બે મત નથી. માટેજ ભાતીગણ સંસ્કૃતિ એ દેશની ઓળખ રહી છે.
શિવાની વ્હેલી સવારથીજ ઉત્સાહ –ઉમંગથી સજી ધજી રહી હતી. આજનો આ શળગાર કોઈ લોકીકનો પ્રસંગના રહેતા કઈક અલોકિક આનંદની લાગણી તેણીમાં વહી રહી.
“પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન, અગડ્ભમ અકકળભમ...શંભુ શરણે પડી માંગું....” જેવા કર્ણ પ્રિય ભજનોના શબ્દોના ભેદ કરવા કદાચ તેણી માટે કઠીન લાગતો પણ મંદિરના એ પરિસરમાં આવેલ તમામના હોઠે રમતા આ ભજનોના શબ્દો કોઈ વિશિષ્ટ ભાવ, ઉર્મીઓ,લાગણીઓને પ્રદીપ્ત કરતા હતા.
ગ્લાસમાં ભાંગને લઈને તેણી મંદિરની સાઈડમાં ગોઠવાયેલ સિમેન્ટની બેંચ પર બેસી રહી અને મનન ચિંતન કરવા લાગી. બિલકુલ પંદર ફૂટ દૂર ત્યાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના લોકો પ્રદર્શનનીના માધ્યમથી શિવ સંદેશો આપી રહ્યા હતા. “ભગવાન આ સૃષ્ટી ઉપર આવી ચુક્યા છે..” પણ તેણીનું મન તો વિચારોના વંટોળે ચડ્યું હતું. તેની પણ પણ તેણે દરકાર ના હતી.
મન ફરી ફરીને અગડ્ભમ અકકળભમ શબ્દો અથડાતા જાણે વિચારોને ફરી પાછો પ્રેરકો મળ્યા હોય એમ શિવ...શિવ...શિવ ... શિવ-શંકર ,શિવલહેરી...,ત્રિમૂર્તિ, શિવલિંગ પર અંકિત ત્રણ રેખાઓ, તેનો આકાર, પુજારી, માળા, મંદિર, નાગ, નદી, ભાંગ, આકડાની માળા દરેક વસ્તુ જોતા નવા શબ્દને, નવા વિચારને જન્મ આપનારી હતી. તેણી શૂન્યમનસ્ક ક્યાંક ખોવાઈ ગઈ જેનું તેણીને ભાનજ ન રહી. આખરે જયારે પૂજારીએ બે વખત ભારે અવાજે પૂછ્યું , “દીકરી ઘેર નથી જવું, બપોર થઈ ગઈ છે.”
ઘેર..હા ઘરમાં બધા જ ચિંતા કરતા હશે ને ! તેણી તરત જ ઉઠી, સ્કુટીએ બેજ મિનીટમાં ઘેર પોહચતી કરી.
ઘરના સભ્યો વિસ્ફારિત નજરે તેણીને બસ જોઈ રહ્યા પણ શિવાનીના ચહેરાની ચમક કઈક ઓંરજ હતી. તેઓં એ કળી શકયા નહિ કે તેણીના મનમાં શું ચાલતું હતું.એ તો જયારે બપોરે પીરસવાનું શરુ થયું અને શિવાનીના નામનું પુનઃ પુનઃ ઉચ્ચારણ થવા માંડ્યું, ત્યારે તેણી જાણે અર્ધ મૂર્છિત ભાવે બધાને પીરસ્યું કે તેણી તરતજ પોતાના રૂમમાં ગોઠવાઈ ગઈ.
પંદર મિનીટ સુધી તેણીના દર્શન ન થતા આખરે મમ્મી તેણીને પ્રેમથી પૂછવા લાગ્યા , ‘કેમ બેટા કોઈ પ્રશ્ન છે ?...મંદિરના રસ્તે જતા કોઈ તકલીફ ?'પણ તેણીએ મમ્મીને એવી રીતે જોઈજ રહી જાણે આ આકૃતિ જીંદગીમાં પહેલી વાર જોઈ હોય.
‘કઈ નહી મમ્મી બસ,આજે મનમાં શાંતિ છે એવું અનુભવ થાય છે. બસ, એટલે. હકીકતમાં તો આજે શિવાનીનું મન બેચેન-અશાંત હતું.
‘બેટા હવે જામી લે, બધાએ જમી લીધું છે. રસોડાની સફાઈ થાય....’ મમ્મીએ ભારપૂર્વક કહ્યું.
‘ના મમ્મી મને નથી જમવું, પરીક્ષાની તેયારી કરવાની છે.પછી નિરાંતે ભૂખ લાગશે ત્યારે જમી લઇશ, લેટ મી રીડ માય લેશન પ્લીઝ મોમ’ પણ વાંચવામાં ક્યાં જ ધ્યાન હતું ?તેણીના મનસપટલ પર બસ વિચારોની ઝરમર વર્ષા એ કઈક અલગ પ્રકારની, જીંદગીમાં પહેલી વાર કોઈક ઔર પ્રકારની લાગણીઓ ઉત્પન કરી ગઈ હતી.
મોડી સાંજે ફરી પાછા મમ્મીએ તેણીના દરવાજા પર દુસ્તક આપી, ‘બેટા, ચાલ રસોઈ બનાવીએ.’ ના શબ્દો જાણે તરતજ બાષ્પીભવન થઈ ચુક્યા હતા. સૂર્ય પોતાના તેજને સમાવીને ક્યાંક ક્ષિતિજમાં છુપાઈ ગયો હતો.એટલે કુત્રિમ પ્રકાશ ઘરને ઉજાઘર કરી રહ્યો હતો.
“મમ્મી, આજે તું જ રસોઈ બનાવી લે ને ! મારું મૂડ નથી, માટે હું મારા રૂમમાં વાંચવાનું બાકી છે.” કહેતા તેણીએ પલંગ પર પોતાનું શરીર લેટાવ્યું.
રાત ધીરે ધીરે કરવટ બદલીને આખી અવની પર પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું. ગાઢ અંધકાર તેણીના વિચારોને વધુને વધુ તીવ્ર ને વધુને ગાઢ બનાવતા હતા.અરે ! ચારે તરફ નિરવ શાંતિમાંજ વિચારોના વમળો એટલા બધા ઉઠ્યા હતા કે જાણે આજે આ વિચારોની સુનામી શિવાનીને ખબર નહિ ક્યાં તાણી જશે.
તેણી સફાળી જાગીને બેડ પર બેસીજ રહી, બેસી જ રહી. બારીમાંથી દુર આકાશમાં દેખાતું એક માત્ર આછું પાતળું,એકદમ ઝાંખું,એકદમ સુક્ષ્મ તારો નહિ પણ એક માત્ર બિંદુ પણ, તેજસ્વી બસ એ પૂર્ણ વિરામ બની ગયો. નજર બસ, ત્યાંજ અટકી,સ્થિર રહી ગઈ.બસ.
શિવાનીના મનમાં નવા નવા વિચારો, વિચારોની નવી નવી ક્ષેણીઓ, વિચારોની તીવ્રતા વધતી જતી હતી. એજ ધાર્મિક વિચારો, શ્રી રામનવમી, રામનું જન્મ દિવસ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, મહાવીર જયંતી વગેરે વગેરે કેટ કેટલા જન્મ દિવસો /તિથિઓ વગેરેની ઉજવણી ને અચાનક એક પ્રશ્ન તો શિવરાત્રી કેમ ? બધાય દિવસોની ઉજવણી કરતા કઈક અલગ પ્રકારનું તહેવાર, વિશિષ્ટ તહેવાર, કેમ ? કોણે રચ્યું હશે ? એ રાત શા માટે ? ક્યાં ઉદેશ્ય માટે ? આવા આવા અનેક વિચારો સાગરની ભરતી માફક મનમાં ઘૂઘવતા રહ્યા,ઉછાળા મારતા રહ્યા આ ખુલી આંખો સામેં રચતા નવા નવા વિચારોના ઘડાતા પિંડો અડધી રાતને પસાર કરી ચુક્યા હતા.
મગજની નસો હવે અક્કડ થઈને કસવા લાગી હતી. જાણે કોઈ વિશાળ યુધ્ધ મેદાનમાં અસંખ્ય યોદ્ધાઓ, અધતન ઘાતકી હથીયારો વડે એકસામટા તેણી પર તૂટ્યા હતા. ચારેકોર આક્રમણ, ભય, હાહાકાર, શરીરના ટુકડે ટુકડા કરીને જાણે ચારે કોર ફેકી દીધેલ હોય ને કોઈ જ અસ્તિત્વ વગરનું માત્ર ને માત્ર મન....મન..મન.. અંધકારમાં ઉભેલા શત્રુઓ ,વિકરાળ શત્રુઓ ,કામરૂપી રાક્ષસો ,ભયરૂપી ભૂતો,લોભરૂપી શેતાનો ,મોહ-વશના તરસ્યા ભૂતો એક સામટા આક્રમણો થકી નિર્બળ કરતા જતા હતા. શિવાનીના શરીરમાં જાણે માત્રને માત્ર આંખો બચી હોય તેમ તેમ તેણી એ જ બિંદુ ને એકીટશે જોઈ જ રહી.
એકલતા, ગૂઢતા, ગહનતા,ગંભીરતાની રાત્રીમાં ધીરે..... ધીરે...... રૂમમાં આચ્છી –આચ્છી મોહક સુગંધી હવા જાણે આખા શરીરમાં પ્રવેશીને પુનઃ જાગૃત કરી રહી. હજારો રાતરાણીઓની ખુશ્બોના ખોબે-ખોબા ભરેલી સુગંધો શરીરમાં ઉતરતી જતી હતી, અને એક અલોકિક આનંદની, સુંગધી ટશરો શિવાનીના શરીરમાંથી છુટી રહી હતી. તેણીની નજર સમક્ષ એ તેજ-બિંદુમાંથી જાણે હજારો શીતલ કોમળ કિરણો તેણીની નજરમાં સમાવવા લાગી હતી.
શિવાની જાણે પોતેજ એક જ્યોતિ-પ્રકાશ બનીને એ પરમ જ્યોતિની સમીપે પોહચી ગઈ હતી. જ્યાં ચારે તરફ માત્ર ને માત્ર ગુલાબી પ્રકાશમાં એક જ્યોતિ-બિંદુ થોડું વિસ્તરતું જતું હતું. એ વિસ્તરતું બિંદુ ધીરે-ધીરે એક વૃદ્ધ પણ તેજોમય દેહાકૃતિ ધરાવતું તેણીની સામે બે હાથ ફેલાવીને જાણે કહી રહ્યું હતું, “આવ,દીકરી,મારી પ્રિય દીકરી...આવ...આવ વરસો –વરસોના જન્મારાને અંતે અહોભાગ્ય..! તું મને પુનઃ મળી છો..વાહ વાહ તારું-મારું ભાગ્ય”
“બેટા, હું જ તારો જન્મદાતા શિવ છુ. જીવ પર જનમોજનમના બાઝેલા ગાઢ અંધકારના આવરણો દુર થતાજ હું આ શક્ય બન્યું.હું તો હમેશા ત્યાંજ ઉભેલો રહું છુ. આજ તારા ભાગ્યે બધાજ આવરણો હટી જતા આ મિલન શક્ય બન્યું." એ શિવની દિકરી શિવાની પરમ ચેતનામાં સમાઈ ચુકી હતી.