Seema Pandya

Children Stories Inspirational

4  

Seema Pandya

Children Stories Inspirational

રીમા

રીમા

2 mins
304


જય અંબે વિદ્યાલયનો આજે પ્રવાસ દિવસ છે. બાળકો બધા ખુશ છે. બધા પોતપોતાની સીટમાં બસમાં ગોઠવાઈ ગયા. જેવી બસ ચાલુ થઈ સર્વે આનંદથી કિકિયારી કરવા લાગ્યા. કોઈએ અંતાક્ષરી રમવાનું શરુ કર્યું, કોઈ વળી બસમાં ડાન્સ કરવા લાગ્યા, કોઈ બીજા બાળકોની ટીખળી કરતું હતું. ચારે તરફ હો ------હા----- ને ધીંગામસ્તી !

બારી પાસે બેઠેલી રીમાં કાનમાં ઈયરફોન નાખી તેનું ફેવરેટ ગીત સાંભળતી હતી. રીમા ઓછું બોલનારી પરંતુ મિતભાષી ! અંતર્મુખી પરંતુ માયાળુ ! શરમાળ પરંતુ ચાલાક અને બહાદુર ! સાદગી તેને પસંદ.

મીઠા મધુર ગીતોનો આસ્વાદ લેતી રીમાની નજર બારીની બહાર હતી. તેની આંખો પ્રકૃતિના સૌંદર્યનું રસપાન કરતી હતી. તે મનમાં બોલી, "કુદરતે ખોબલે ખોબલે ધરતી પર સૌંદર્ય વેર્યું છે. જરાય કંજુસાઈ કરી નથી ! તો પછી માનવ શા માટે ? પ્રકૃતિના બધા જ અંગો હળી મળીને સાથ સહકારથી કેવા ખુશ છે ! અને આ જ ગુણ કુદરતના સૌંદર્યમાં વધારો કરે છે. કાશ ! માનવ પણ આ ગુણ અપનાવે તો ? થોડુંક સ્વાર્થીપણું ઓછું કરે તો ? મિતભાષી મૃદુ વચનો બોલે તો ? આ સમાજ પણ સોળે કળાએ ખીલી ઊઠે, કુદરતની જેમ !

 ત્યાં જ અચાનક બસને જોરદાર આંચકો લાગ્યો. ધડામ કરતો બોમ્બ ફૂટે એવો અવાજ આવ્યો. રીમાની વિચાર શૃંખલા પર બ્રેક લાગી, સ્વપ્નની દુનિયામાંથી ઝબકીને જાગૃત થઈ, જોયું તો, બાપ રે ગાડી બસ સાથે અથડાઈ ફેંકાઈ ગઈ હતી.પળવારમાં તો લોકો ભેગા થઈ ગયા. વાતોના વડા ચાલુ થઈ ગયા, કોઈ કહે "વાહન હંમેશા સાચવીને ધીરે હંકારવું જોઈએ" તો વળી કોઈ બોલ્યું," ગાડી હાથમાં આવી નથી કે પ્લેનની જેમ ઉડાવી નથી આવો જ સ્વભાવ છે આ જનરેશન નો". એકે ટાપસી પૂરી" બરાબર છે" ત્યાં જ કોઈ બોલ્યું;" અરે; આ બસવાળાનો જ વાંક છે ! ઉતારો એને બસમાંથી ! ઢીબી નાખો, આમ બેફામ બસ ચલાવે તે કાંઈ ચાલે !" માનવતા મરી પરવારી હોય તેમ, ઘણા પોતાના મોબાઈલમાંથી વિડીયો લેતા હતા. રીમાની નજર ગાડી નીચે દબાયેલ દંપતી પર પડી. રીમાએ તરત જ એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કરી દીધો. મમ્મીએ પ્રવાસમાં જતી હોવાથી આ નંબર સેવ કરાવ્યો હતો. ચીલ ઝડપે રીમા બસમાંથી નીચે ઉતરી, દોડીને પહોંચી ગઈ ઘટનાસ્થળ પર, ત્રાડ પાડી બોલી" આઘા ખસો ! આ બધું નાટક બંધ કરો" ચાર-પાંચ યુવાનોની મદદથી રીમાએ દંપતીને બહાર કાઢ્યું. એટલામાં જ એમ્બ્યુલન્સ અને પોલીસવેન આવી ગઈ દંપતીને યોગ્ય પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ લઈ ગયા. લોકો રીમાનું સાહસ જોઈ અવાચક થઈ ગયા. આટલી નાની છોકરી અને આટલું બધું સાહસ ! વિપદામાં ગભરાયા વગર, તેનો સામનો કરી રસ્તો કાઢવાની સૂઝ, આવું સાહસ ! વાહ !

પોલીસ ઈન્સપેક્ટરે સેલ્યુટ કરતાં કહ્યું," શાબાશ દીકરા ! સલામ છે તારા સાહસને ! તારી આ ચપળ, સાહસિક બુદ્ધિએ આજે બે જીવને ઉગાર્યા !"


Rate this content
Log in