અનુનું મન
અનુનું મન
"અનુ, જલ્દી કર ! અમર અને મહેમાન આવતા જ હશે."
મનમાં ને મનમાં બબડતી અનુરાધાના હાથ સુપરફાસ્ટ એક્સપ્રેસની જેમ ઝડપથી ચાલવા લાગ્યા. રસોડાની બારીમાંથી આથમતા સુરજનો આછો આછો પ્રકાશ અજવાળું રેલાવતો હતો. મો પર પ્રસ્વેદ બિંદુઓએ પ્રકાશમાં ચહેરા પર ચમકી રહ્યા હતા. નાજુક, નમણી, સુંદર, અને સંસ્કારી અનુરાધા એક સફળ ગૃહિણી, આદર્શ વહુ, ઉત્તમ માતાની ભૂમિકામાં નંબર વન હતી. જીવન રથની એની ગાડી સ્નેહ અને પ્રેમના પૈડા થકી સંસારના પાટા પર સતત ગતિ કરતી હતી. અનુરાધાથી કુટુંબના સર્વે ખુશ હતા.
અનુના મનમાં વિચારોના વમળ ઓર ઘેરા થઈ ગયા. બાળકી, કુવારી, મહત્વાકાંક્ષી અનુ અને આજની કુટુંબની પ્રિય અનુરાધાની સફર તો અનુનુ મન જ જાણે. આછું સ્મિત ચહેરા પર અંકિત થઈ ગયું. અનુ જ જાણતી હતી કે આ સ્મિત અંતરમાં વહી રહેલા આંસુના સરોવર ઉપરથી, છલકાઇને, નયનના દ્વારે,, સુકોમળ હોઠ પર પ્રગટ થયું છે. પતઝડનું વૃક્ષ જેમ પાંદડા વિના ઝુરે એમ અનુનું મન સ્વતંત્રતાની પાંખ માટે ખુશીના પિંજરામાં પુરાઈ ઝુરી રહ્યું હતું.
