જન્મદિવસની ઉજવણી
જન્મદિવસની ઉજવણી
સોનુ આજ કાલ બહુ ખુશ રહે છે; અને કેમ ના હોય, આવતા અઠવાડિયે રવિવારે તેનો જન્મદિવસ છે. તેને ખબર છે, છેલ્લા દસ વર્ષથી જોતી આવી છે કે તેનો જન્મ દિવસ એટલે, હર્ષ, ઉલ્લાસ, આનંદ, ધમાલ મસ્તીનો દિવસ. નવા નવા કપડા; સારું સારું ખાવાનું, કેક બહુ બધી ચોકલેટ ! અને પાર્ટી તો ખરી જ ! ઘરના દરેક સભ્ય માટે ખુશીનો દિવસ.
પણ ક્યાંક સોનુના દિલમાં દર્દ છે. તેની ખાસ બહેનપણી, પ્રિયાનો બે દિવસથી ફોન નથી. થોડી બેચેન છે સોનું. શું કરું છું ના કરું ? કાંઈ જ ખબર પડતી નથી ત્યાં જ સીમાના ફોનથી ખબર પડી કે પ્રિયાની મમ્મી માંદી છે. કોરોનાની અસર છે પ્રિયાના પપ્પાની નોકરી પણ જતી રહી છે એમાં બા કહે છે એમ દુકાળમાં અધિક માસ. ખર્ચો કઈ રીતે નીકળશે.
નાની સોનુનું મન ખરેખર સોના જેવું હતું. તેને બા દાદાએ આપેલ સંસ્કાર યાદ આવ્યા. દુખીયાનું દુઃખ અને એમાં પાછી સખી, દૂર કરવું એના જેવું બીજું કોઈ સુખ નથી. મમ્મી પપ્પા એ આપેલ છે યાદ આવી. મનોમન નક્કી કરી દીધું.
સોનુએ પપ્પાને પૂછ્યું; મારી બર્થ ડે પાર્ટીમાં કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે ? આ વખતે મારે બર્થ ડે પાર્ટી નથી કરવી. ભાઈ આશ્ચર્યથી કહ્યું: કેમ ? તને તો પાર્ટી બહુ ગમે છે, તો પછી શું કામ નહીં ? ત્યાં જ સોનુ રડી પડી બોલી જેટલા રૂપિયાનો ખર્ચો થાય તે હું પ્રિયાને આપી દઈશ, તેની મમ્મી બીમાર છે. પપ્પાનું મન ખુશીથી ભરાઈ ગયું. તે બોલ્યા: તારા આટલા નાના મગજમાં આટલો મોટો વિચાર કઈ રીતે આવ્યો ? સોનુ ભોળા ભાવે બોલી: તમારાથી !!
ધન્ય છે અમે; ધન્ય છે તારા બા દાદા કે અમને ખરા સોના જેવી સોનુ મળી.
