Mansi Shethji Sonik

Others

3  

Mansi Shethji Sonik

Others

ચાર આંખોનો એક દિવસ

ચાર આંખોનો એક દિવસ

6 mins
14.5K


ટ્રેન લગભગ બે કલાક મોડી હતી... હું કોટા સ્ટેશન પર મારી ટ્રેનની રાહ જોતી નિઃશુદ્ધ અવસ્થામાં બેઠી હતી સમય અને મગજમાં ચાલતા વિચારો મારે માટે અસહ્ય બની ગયા હતાં. ધીમી હવાની લહેરખી અતિશય બળતા સૂર્યની અસર થોડી ઓછી કરતી હતી. હ્રદય ખૂબ જ ગમગીન હતું, આંખમાં અવારનવાર આવતા ઝળઝળિયાને લોકોની નજરથી બચાવવા જાણે સૂરજ પૂરજોશમાં ચમક્યો. મન અશાંત છે અને બે વિરોધાભાસ વચ્ચે હિલોળા લે છે.. બધું મૌન, બધું દુખી, બધું જાણે તૂટી ને વેર વિખેર! પોતાની જાતને કોઈ અપરાધની નજરથી જોતી હું ધિક્કારતી હતી.. પણ હું તને પ્રેમ કરું છું. મારા હ્રદયે નિસાસો ખાધો. મન ખૂબજ વ્યાકુળ છે બપોરની અઝાન થઈ. ભગવાનનું નામ કોઈ પણ ધર્મ ભાષા કે લયમાં હોય દિલને હમેશા આરામ આપે છે આંખો બંધ થઈ અને મેં પોતાને ખુદામાં વિલીન કરી અચાનક જુના દિવસો બંધ આંખના અંધકારમાં ચિત્રપટની જેમ સામે રમવા લાગ્યા.  

પાંચ વર્ષ પેહલાં અમારી મુલાકાતની રીલ આંખો સામે ફરવા લાગી મેં ઝટથી આંખ ખોલી. બહુ જ અસહ્ય હતું બધું પણ હજારો લોકોની ભીડ, કાનના પડદા ફાડી નાકે એવો અવાજ, બાજુમાં ઉભેલા વ્યક્તિનો અવાજ સાંભળવો મુશ્કિલ હતો અને અચાનક ચાર આંખો બોલી ઉઠી, જોઈ રહી એક બીજા ને... લાગે છે બહુ જૂની ઓળખાણ છે દિલમાં ઠંડા વાદળો ભરાયા અને પેટમાં કેટલાક પતંગિયા ઉડ્યા. શરીર સૂર્યના તેજથીય ગરમ... વર્ષોની ઓળખાણ હોય તેમ સ્મિત સાથે છૂટી પડેલી વિહ્વળ આંખોને પાછા મળવાની આશા હતી. દિવસો વીત્યા પણ આંખમાં પેલી આંખ રહી ગઈ. જીવન નિરંતર ચાલ્યા જ કરે છે એમ મારું પણ પસાર થઈ રહ્યું હતું. અચાનક એક દિવસ ફોન આવે છે મારે માટે થોડું અજુગતું પણ હા મારું મન વિચારવા માંડ્યું કોણ હશે? બસ બે વ્યાકૂળ શોધતી આંખોને ઠેકાણું મળી ગયું. એ આંખોને પણ નિંદર આવી ના હોય એવું બની શકે. વાતો મુલાકાતો આ મુલાકાતો પરિણયમાં પરિવર્તીત થઈ. આંખો હવે મળવા લાગી... આંખો મળી, ભીની થઈ, હસી, લડી, ઝગડી પણ જુદી ના થઈ શકી. આ આંખો એટલે મારી સંધ્યા શર્મા અને શ્લોક પંડિતની.

અમે શાળા તરફથી યોજાતા વાર્ષિક કાર્યક્રમમાં પેહલી વાર મળ્યા એ ખેચાણ આકર્ષણ અલૌકિક હતું. જાણે ઋણાનુંબંધન અમે બંનેએ પોત પોતાના જીવનનો એક હિસ્સો એક બીજા માટે રાખ્યો હતો. પોતાની મર્યાદાઓ ભંગ કર્યા વગર સુખ, દુખ, પ્રેમ, વિયોગ, માંદગી અને પ્રસંગો પાત એક સાથે, પ્રત્યક્ષ કે પરોક્ષ બસ સાથે. દિવસોના દિવસો એકબીજાને જોયા વગર નીકળી જતા. કુટુંબ સમાજ અને કામની જવાબદારીથી પરે એક દિવસ અમે બંને મળતા આ જ એક દિવસ માટે અમે મહિનાઓ સુધી ખંતથી પોતાની બધી જવાબદારીઓ નિભાવતાં. સમાજ અને લોકો, ખુદ અમે પણ આ પ્રેમને સમજી ના શક્યા. તમને થશે આમાં શું નવું છે? પણ હું સંધ્યા એ પરણીતા છું અને શ્લોક વિધૂર અમને બંનેને બાળકો છે. શ્લોક એમના બાળકો અને વૃદ્ધ મા સાથે કોટામાં રહે છે અને હું શિશિર અને શાશ્વત દિલ્હીમાં.. અમે બંને અમારી ચાલીસીમાં પહોંચ્યા છીએ. શારીરિક સંબંધ બાંધવો મુશ્કિલ ન હતો પણ અમને એની જરૂર નહોતી! આ પરોક્ષ સહવાસ અમારા બંને માટે શ્વાસ સમાન હતો. સાથે બેસવું, વાતો કરવી, સુખ દુખ વહેચવા, ઉપાયો શોધવા બસ અમારા માટે પ્રણય હતું.. શંકા કુશંકા અને દલીલો માટે સમય ન હતો કારણ ખબર હતી કે સમય ઓછો છે. અમે બંને ખૂબજ ખુશ હતા એકબીજા સાથે અમે બંને એકબીજાને જીવન સરળ કરવામાં મદદ કરતા હતાં. શ્લોકની મા ખુબ જ વૃદ્ધ અને પથારીવશ હતા, હું સંધ્યા લોકોની નજરમાં એક આદર્શ પત્ની પ્રેમાળ મા અને કુશળ પુત્રવધુ છું. મારા પરિવાર માટે હું બધું જ કરી છુટું છું. સવારથી પરિવાર નું કામ, મારી ટીચરની નોકરી, સાંજના બાળકો સાથે અભ્યાસ અને મજાક મસ્તી સાથે રાત શિશિરના આશ્લેષમાં પસાર થતી. પણ પેલા એક દિવસ માટે મારું મન હમેશા તલસતું. રાહ જોતું હું ખુદ ને હમેશા પૂછતી મને એક દિવસની શી જરૂર બધુજ તો છે મારી પાસે! શું હું આ એક દિવસને તિલાંજલી નહિ આપી શકું? પણ એક અતૃપ્ત ઝંખના મારામાં હંમેશા રેહતી એક દિવસની.. શ્લોક સાથેના એક દિવસની! હું હંમેશા શ્લોકને કહેતી આ બાળકોને એક માની જરૂર છે શ્લોક લગન કરશે? સાથે શોધશું મળશે કોઈ સરસ આપણાં બાળકોની મા જે આપણી બાને સાચવે અને જે તારી સંગીની બને... શ્લોક, તને જરૂર પડે તો મારાથી નહિ અવાય! અને તને એકલો જોઈ મારાથી નહિ સહેવાય એ શ્લોક.. આપણે ક્યાં એકમેકથી જૂદા જ છીએ. શ્લોકે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું.. હું પણ વિચારું છું? પણ તારા જેવી મળશે? અને ફક્ત બાળકો અને બા માટે લગન કરી મારે કોઈ પર અન્યાય નથી કરવો. મારે મન તો બસ સંધ્યા જ છે. ફક્ત સંધ્યા સૂરજ ઢળી રહ્યો હતો.. ચાર આંખો મળી, ભીની થઈ.. ચમકી, હસી.. શરમાઈ પણ આ બધામાં પ્રેમ છલકતો હતો નિસ્વાર્થ પ્રેમ.

અચાનક લાઉડ સ્પીકર પર અનાઉસમેંટ  થઈ. હું આ સૃષ્ટિમાં પાછી ફરી આંખો ગમગીન ઉદાસ અને ભીની. યાદોની સૃષ્ટિ પણ કેટલી લોભામણી હોય છે.  મારી ટ્રેઈન ટૂક સમયમાં પ્લેટફોર્મ પર આવાની હતી. મેં એક લાંબો નિસાસો લીધો અને પુસ્તક વાંચવાનું ચાલુ રાખ્યું બાળકો નાનીના ઘરે હતા એટલે થોડી નિશ્ચિંત હતી મારો સેલ ફોન રણક્યો. શ્લોક અત્યારે? એવું તો શું થયું? 'હલો.. સંધ્યા?' 'હા શ્લોક બોલો બધું ઠીક છે? માની તબિયત ઠીક છે? ..... આર યુ ઓકે?' મેં પ્રશ્નાવલી શ્લોક તરફ ફેકી.

'તું અત્યારે આવીશ ઘરે? થોડું કામ છે..' શ્લોક એકદમ ગમગીન અવાજે બોલ્યો. 'અત્યારે શ્લોક! હું તો સ્ટેશન પર છું મારી ટ્રેન થોડી મોડી છે બસ રાહ જોઉં છું. શું થયું એ તો બોલ મને ધ્રાસકો પડ્યો. 'શીતલ આવે છે ઘરે. મારે એને હા પાડવાની છે અને તારા વગર હું એ નહિ કરી શકું.' મારા મનમાં સોપો પડ્યો. શીતલ શ્લોકના બાળકોની ટ્યુશન ટીચર છે અને બા તથા છોકરાઓને બહુ પ્રિય છે. બાની કાળજી અને બાળકોની સમગ્ર જવાબદારી એને કોઈ પણ અપેક્ષા વગર દિલથી ઉપાડી લીધી હતી એને શ્લોક ગમતો હતો અને અમને એની જાણ હતી. શ્લોક એ મારું ધ્યાન તોડ્યું. 'સંધ્યા તું આવે છે?... પ્લીઝ આવ હું તારા વગર પાંગળો છું.' મને ડૂમો ભરાઈ આવ્યો. મેં આંખો જોરથી ભીંસી અને આંસુઓ પાછા અંદર ધકેલ્યા. શીતલ? મેં એક ખોંખારો ખાઈને કહ્યું,'હવે મને સમજાયું કે ઉપદેશ આપવો અને એને નિભાવવો બંને અલગ છે.' શ્લોક થોડી વાર ચૂપ રહી બોલ્યો.'એ સંધ્યા આવ ને... મારી બધી જ વાતમાં તું છે તો આમાં કેમ નહિ? મને બહુ ડર લાગે છે.. તું આવે છે?'

મેં ફોન કટ કર્યો. મારા હાથપગ ધૂજતા હતા. મારા એક દિવસની સૃષ્ટિમાં મને બીજા કોઈકનો પડછાયો દેખાવા લાગ્યો... બધું જ ધૂમ્મસ જેવું... અને એ ધૂમ્મસમાં શ્લોક અદ્રશ્ય થતો દેખાયો.. મારા આંસુ મારી આંખોની કેદમાંથી ભાગ્યા. શ્લોક ફક્ત મારો જ છે એવી ત્રાડ પાડવાનું મન થયું. શ્લોક જૂઠ્ઠો છે... એણે રમત રમી છે... મેં મારું મગજ આંખ કાન અને હ્રદય જોરથી બંધ કર્યા. મારે ભાગી જવું હતું આ સમયથી, આ જગાથી, આ સૃષ્ટિથી, મારા એક દિવસ પાસે ...

સંધ્યા વિચારમગ્ન બની. શિશિર રાહ જુએ છે? શ્લોકને મારી જરૂર છે? ક્યા જોઉં? શું કરું? મારી પાસે મારી દુનિયા છે, પણ શ્લોક સાવ એકલો, મારી સૃષ્ટિ? મારા સપના અને મારો એક દિવસ? અચાનક મારી ટ્રેન આવી, મેં બધું સમય પર છોડ્યું અને હું મારો સામાન લઈને ટ્રેન તરફ ચાલી નીકળી. અહીં શ્લોક શીતલ સમક્ષ બેઠો છે. મા ખૂબજ ખૂશ છે. એમના ચહેરા પર આવી ખૂશી ઘણા સમયે જોવા મળી હતી. બાળકો કુતુહુલતા વશ આમતેમ ચક્કર મારતા હતા. માએ સગપણ નક્કી કર્યું અને શ્લોકને કહ્યું શ્લોક જરા મો મીઠું તો કરાવો. શ્લોક રસોઈ તરફ જોઈને બોલ્યો,'સંધ્યા... જરા મીઠાઈ તો લાવશો..'


Rate this content
Log in