Mansi Shethji Sonik

Others

3  

Mansi Shethji Sonik

Others

અલ્યા ભુરીયા..

અલ્યા ભુરીયા..

8 mins
7.3K


સાંજના લગભગ સાત વાગ્યા હશે. એક નાના ગામની ભાગોળે આવેલા દાકતરના દવાખાનાની બહાર ખૂબજ અવાજ આવી રહ્યો હતો. મારામારી અને ગાળાગાળી, દાકતર ખુદ ગભરાઈને બહાર આવ્યા. લોકોનું ટોળું, ગોળ કરીને ઉભું હતું. દાકતરને કઈ દેખાયું નહી એટેલે માણસની ભીડને તોડતા એ અંદર પહોંચ્યા.
કુતુહલવશ બોલ્યાં,'અલ્યા ભુરીયા?'

'ભૂરિયો' આપણી કથાનો નાયક છે. પચ્ચીસ છવ્વીસ વર્ષનો એક ગભરૂ રબારી યુવક. સૌરાષ્ટ્રથી ભાગીને પોતાનું પેટીયું રળવા સુરત નજીકના ગામમાં રોજપાળી કરતો. કોઈક દી કડિયો, તો કોઈક દી મજૂર, ક્યારેક હાથગાડી ચલાવતો અને ક્યારેક ઘરે રોજી વગર બેસતો. ગામની બહારની ઝુંપડીઓમાં એક કાચીપાકી ઓરડી એણે ભાડે લીધી હતી. દેખાવે ખડતલ, એકદમ ઉંચો મજબૂત બાંધો અને વર્ણે શ્યામ પણ ફક્કડ એને જોઈને છોકરીયું નિસાસા ખાતી કારણ ભુરીયાનું દિલ તો પેલી વાસણ વેચતી દૂબરી મંછી પર હતું.

'મંછી' એટલે આપણી નાયિકા, કામણગારી, કંડારેલી મૂર્તિ જેવું શરીર, ભૂરી આંખો, લાંબા વાળ અને જયારે એનો ચોટલો એની ચાલ સાથે ચાલે ત્યારે તો બસ લોકો દંગ રહી જતાં. ધૂળ અને સૂરજને કારણે શ્યામરંગી પણ મુખ પર અજબ તેજ. મંછીની ઉંમર તેત્રીસ ચોત્રીસની આસપાસ ખરી. મંછીનો વર એક નંબરનો દારુડીયો, દિવસ રાતનો કોઈ ફરક નહી. મંછી કમાય અને એ ઉડાડે! જુગાર, દારૂ, ચરસ, અફીમ, બીડી જે બોલો એ બધાનું રવજીને વ્યસન. આપો તે પીએ અને અખો દી નશામાં ધૂત. મંછી અખો દહાડો કામ કરે. ઘરે આવીને રવજીને શોધવા નીકળે, દારૂના પીઠે કે પાદરે ક્યાં તો કોઈક વાર તળાવની બાજુમાં પડેલા રવજીને શોધી ઉંચકી, ઘસડી કે મારી મારીને ઘરે પાછો લાવે. બસ આ મંછીની દિનચર્યા.

એક દિવસ આમજ રવજીની શોધમાં એ આગળ નીકળી ગઈ રવજી દેખાણો નહિ એટલે એક અવાવરું ઘર તરફ ચાલી નીકળી, થોડા માણસોનો અવાજ આવતો હતો. ત્યાંથી એને લાગ્યું એ હશે ત્યાંજ બેઠો પત્તા રમતો નહિ તો દારું ઢીચતો. હિંમત કરીને પહોંચી તો ખરી પણ રવજીનો ત્યાં કોઈ અત્તોપત્તો ન હતો. બહાર નીકળવા જાય એટલામાં જ ત્યાં બેઠેલા દારૂડિયાઓએ એને ઘેરી લીધી. એનું કામણગારું શરીર, એજ એનું વેરી હતું. વાસના અને હવસમાં ઢંકાયેલી દારૂની વાસ મંછીને ઉબકા આપતી હતી એને ત્યાંથી ભાગવાના પ્રયત્નો કર્યા, ધકેલી, હડસેલી એ ભાગવા ગઈ પણ એને કોઈકે જકડી જમીન પર ફેંકી. એણે જોરથી પુહાર લગાવી, ચીસો પાડી પણ ગામથી દૂર હોવાના કારણે કોઈને એનો અવાજ સંભળાય એમ ન હતું. જોગાનુજોગ ભૂરિયો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. એણે કોઈ બાઈનો અવાજ સંભાળ્યો અને બધું મેલી એણે ઘર તરફ દોટ મૂકી. દીવાલ કુદી એ ઘર અંદર પેઠો અને મંછીને જોઈ એને ઓર ખુન્નસ ચઢ્યું. ભુરીયાએ એક પછી એક સહુને મંછીથી અળગા કર્યા અને બાજુમાં પડેલી લટ્ઠ ઉચકી સહુને માથે ઘા કર્યા. અચાનક એણે મંછીનો હાથ પકડ્યો અને ત્યાંથી ગામ તરફ દોટ મૂકી બંને ગામ તરફ ભાગતાં ભાગતાં એકબીજાને જોતા રહ્યાં. ગામનું પાદર દેખાતાં એને મંછીનો હાથ મેલ્યો બસ એક સ્મિત આપી અને મંછીની ગાલ પરની વાળની લટને કાન પાછળ કરી એક જાદુગરની જેમ ભૂરિયો ત્યાંથી અલોપ થઈ ગયો. મંછી કંઈપણ સમજે એ પેહલાં એની સાથે ઘણુબધું થઈ ગયું.

ઘરમાં પેસતાંની સાથે જ એણે મોરીમાં જઈ પોતાના પર ઠંડુ પાણી રેડ્યું. બીજા બધાંના હાથનાં નિશાન નીકળી ગયાં પણ ભુરીયાના નિશાન દિલ સુધી પહોંચી ગયા. મંછી આખી રાત પડખાં બદલતી રહી, એના શરીરમાં નીતનવાં કંપનો થતા હતા. ક્યારે મલકાતી ક્યારે શરમાતી મંછી, ભુરીયાના સ્વપ્નો જોતી સુઈ ગઈ. સવારે ઉઠીને રવજીને જોતાંજ એના મનમાં ફાળ પડી. એણે મનમાં વિચાર્યું,"આ મેં હું કર્યું ? કેવા હપના ઝોયા મેં? અલા આ રવજી ઝીવતો સે અને મેં પારકા મરદને જીગરમાં ઉતાર્યો? મારા બાપા, મને માફ કરઝો.." આમ વિચારી મંછી તો કામે ઉપડી. કામ કર્યે એને છૂટકો ના હતો ઘરનો ખર્ચ અને ઉપરથી રવજીની દવાઓ. હા, રવજીને ટીબી હતો અને મંછી ખૂબજ મન લગાવી એની સારવાર કરતી હતી પણ રવજી અને એની આદતોનો કોઈ હલ જ ન હતો. મંછી દવા પાછળ અને રવજી એની લત પાછળ પૈસા ઉડાવે જતા હતા. રવજીની હાલતમાં કઈ ઝાઝો ફેર નહતો પણ મંછી મનથી સેવા કરતી હતી. આખા દિવસમાં બુરિયાની યાદો અને ભુરીયાના સ્પર્શે મંછીનું જીવવું હરામ કરી દીધું. ચાલતા, બેસતા, ઉઠતા અને ખાતા બસ એને ભૂરિયો જ દેખાવા લાગ્યો એને પોતાના મન પર ખુબ કાબુ રાખ્યો પણ ભૂરિયો તો ભૂરિયો જ હતો. એક દહાડો રવજી એની આદત મુજબ ઘરથી ગૂમ હતો, મંછી કામ પરથી આવી અને ઓરડીમાં બેઠી જ એટલામાં ભૂરિયો અંદર પેઠો, ઓરડીનું કિવાડ બંધ કરી અને મંછીને કસીને પોતાનામાં જકડી બસ બોલતો ગયો.."એ મંસી, હાલને ભેરા ર્રીયે, તારા વગર મારો દાડો નથી નીકળતો. ના મારા કામમાં સિત લાગે સે. ઝે દી થી તારો હાથ ઝાલ્યોસે ને ઈ દી અને આઝનો દી મારું મન સક્રાવે સડ્યું સે તું ની મલે તો નસ કાપુંતો સે બોલ ને.." મંછી કઈક બોલે એ પેહલાં ભુરીયાએ એના હોઠ પર પોતાની મહોર લગાવી દીધી. મંછીએ જોરથી એને ધક્કો માર્યો અને ત્રાડ પાડીને બોલી,"અલ્યા એ ભુરીયા, તે મને હું હમ્ઝી સે? હું કાઈ રાંડ નથી. મારે વર સે અને હું એની હારે ખુસ સુ. ભલે કેવો પણ હોઈ પણ રવજી મારો વર સે અને એના રહેતા હું કોઈ બીઝા હારુ વિસારું બી ની હમ્ઝી જજે તું..." ભૂરિયો બસ એને જોતો જ રહ્યો અને બોલ્યો,"એ મારી મંસી, તને દિલ દઈ બેઠો સુ. હવે તું હા પાડે કે ના આ ભૂરિયો તારી હાથે ઝ રેવાનો તારા હારા નરાહામા., બસ તને ખુસ રાખવા હું ભૂરિયો તારી હાથે સુ."

મંછી ના આંખમાં આંસુ આવી ગયા. ઘણા વખતે કોઈએ એની પરવાહ કરી હતી. એ બોલી,"એ ભુરીયા, તું હઝી નાદાન સે. હું તારાથી મોટી સુ ખબરસે તને? દહ વરહનો ફરક સે આપણાંમાં. તારા સરીરની ભૂખ તો કોઈ પણ પૂરી કરહે, પણ મારે માથે ઝવાબદારી સે. આ રવજીને હારો કરવાનો સે બિચારો બો હેરાન થતો સે.." ભૂરિયો એનો હાથ જાલ ને બોલ્યો,"એ મંસી, તારા હાટું આટલું નાં કરું?"

"હાલ આપણે બંને ભેરા રવજીનો ઈલાજ કરાવીએ, તું ચિંતા મેલ, ભૂરિયો તારા હાટુ મેહનત કરહે. બસ એકવાર તું મારી થઈ જા પસી તું જો."

મંછી આવક થઈ જોતી રહી એને આટલો પ્રેમ કોઈએ પણ નહોતો કર્યો. એણે પોતાના આંસુથી પ્રેમનો અંગીકાર કર્યો અને પોતાની જાતને ભુરીયાના બાહુપાશમાં ઓગાળી દીધી. કેટલા વર્ષે એને સ્ત્રી હોવાનો અનુભવ થયો. ભુરીયાએ એને એની જિંદગીનું બધું સુખ પાછું આપ્યું. બંને સાથે કામ કરતાં, પૈસા બચાવતાં. રવજીની કાળજી લેતા અને એની દવા કરતાં. રવજીની ગેરહાજરીમાં હરતાં ફરતાં. જિંદગી ખુબ સરસ ચાલતી હતી. પણ એક રાતે રવજીની તબિયત બગડી. મંછી ભાગી અને ભૂરિયાની ઓરડી તરફ દોડી,"ભુરીયા એ ભુરીયા ઉઠ! ઝો રાવજીને લોઈની ઉલટીઓ થઈ સે દાકતર પાસે જવું પડસે. ભૂરિયો સફાળો ઉઠ્યો ડિલ પર એક ખમીસ ચઢાવ્યું અને ભાગ્યો રીક્ષા લેવા. રવજીને પોતાના ખોળામાં ઉંચકી એ અને મંછી દાકતર પાસે ગયા. રવજીને મોટી અસ્પતાલમાં ભરતી કરવામાં આવ્યો હવે સમય થોડો કપરો થયો. અસ્પતાલના ખરચા કાઢવા મંછી અને ભુરીયા માટે ખુબજ મુશ્કિલ થતું હતું. દવા અને બાકીના ખર્ચા બંને મળીને કરતા હતાં. મંછી અને ભુરીયા બંને એક પછી એક રાવજી સાથે રેહતા અને એની સેવા કરતાં. કપરા સમયમાં ભલભલા સાથ છોડે પણ ભૂરિયો વચનનો પાક્કો હતો. પણ એના કરતા પણ એનો પ્રેમ વિચિત્ર હતો. એક સાંજે કામ પતાવી ભૂરિયો અને મંછી સાથે બેઠા ખુબજ થાકેલા હતા અને થોડા કંટાળેલા હતા. ભૂરિયાને શું સુજ્યું ઉઠીને બહાર ગયો અને દેશીદારૂ લઈ આવ્યો બસ લાગ્યો પીવા. આ જોઈ મંછી ગુસ્સામાં ધૂઆપુઆ થઈ ગઈ. એ ત્યાંથી ઉઠી અને બોટલ લઈ મોરીમાં ઠાલવી દીધી. આ જોતા જ ભૂરિયો ભાન ભૂલ્યો અને એણે સ....ન દઈ ને મંછીને એક થાપટ મારી. ભૂરિયાનું આવું રૂપ જોઈને મંછી એનાપર વિફરી અને હાથમાં જે બોટલ હતી તેજ ભુરીયાના માથા પર જોરથી દે મારી.

આ જપાજપીમાં બંને લોહીલુહાણ થયા. અને લડતા લડતા બંને દાકતરના દવાખાનાની બહાર પહોંચ્યા. મારામારી અને ગાળાગાળી, દાકતર ખુદ ગભરાઈને બહાર આવ્યા. લોકોનું ટોળું ગોળ કરીને ઉભું હતું. દાકતરને કંઈ દેખાયું નહી એટેલે માણસની ભીડને તોડતાં એ અંદર પહોંચ્યા..
કુતુહલવશ બોલ્યાં, "અલ્યા ભુરીયા?"

"તું અહી શું કરે છે? અને મંછી શું થયું બંનેને? રવજી ઠીક છે?"દાકતર એક શ્વાસે બધું પૂછી ગયા.

"ચાલો બંને અંદર આવો શું થયું એ ક્હો મને." દાક્તરે ભીડને હટાવી અને બંનેને અંદર દવાખાને લઈ ગયા. ભુરીયાએ અત થી ઇતિ બડી વાત કરી દાકતર સંભાળતા જ રહી ગયા. એમને પોતાના કાન પર વિશ્વાસ ના થયો, અચંબામાં એ બંનેને જોતા રહી ગયા. બંનેના માથામાંથી લોહી નીકળતું હતું દાક્તરે પૂછ્યું,"પણ હવે શે બાબતે લડો છો ?" મંછી જોરથી બોલી,"દાકતર તમે પન્સાત મેલો અને મારા ભુરીયાને હારો કરો એની દવા કરો. આ વિહ રૂપિયા સે મારી પાહે બાકી ધીરે ધીરે આપી દેહુ બસ મારા ભુરીયાને ઠીક કરો ઝુઓ તો કેટલું લોઈ નીકળે સે." એટલામાં ભૂરિયો ગુસ્સામાં અર્ડાયો,"એક લાફો મારીસ બો બોલી સે તો, દાકતર તમે મારી મંસીને પાટો કરો. આતો નાનું ઝખમ સે રુઝાઈ જસે, મંસીથી આ ના સહેવાય. અમારી પાહે પૈહા નથી અત્યારે બધા રાવજીની હારવારમાં ખરાસાયસે અમારા બેમાંથી તમે મંસીને ઠીક કરો." દાકતર એમનો પ્રેમ જોતા રહી ગયા અને પિતા સહજ ભાવે બંનેને ખીજવાયા. "બંને ચુપ બેસો અને મને મારું કામ કરવા દો." દાક્તરે બંનેને પાટો કર્યો અને દવા પણ આપી.

દાક્તરે અસ્પતાલના મોટા દાકતર સાથે વાત કરી અને રવજીના ઉપચાર માટે સવલતો કરી આપી. મંછી અને ભૂરિયો એમના પગે પડીને ખૂબ રડ્યા અને એમને ધન્યવાદ કહેતા હસતાં હસતાં ત્યાંથી ગયા. દાકતર હજી અજંપામાં હતા.

બે અભણ ગરીબ પ્રેમી, સાથે મળીને પ્રેમિકાના પતિને બચાવવા કેટલી મેહનત કરે છે?
આ તે કેવો પ્રેમ! કેટલો નિસ્વાર્થ અને કેટલો ઊંચો! સામાન્ય ભણેલી વ્યક્તિ કદાચ આ પ્રેમ સમજી પણ ના શકે.

રવજીની સારવાર ચાલુ હતી પણ દવાઓ રવજીને અસર નહોતી કરી રહી. મંછી અને ભૂરિયો બંને રવજીની સેવામાં અસ્પતાલમાં જ રેહતા. આખી અસ્પતાલમાં એમની વાતો થતી, એમના ઉદાહરણ અપાતા હતા. બંને પ્રેમીઓ સાથે મળી રવજીના સાજા થવાની પ્રાથર્ના કરતાં, બંનેના જીવનનો હેતુ રવજીનું જીવન હતું અને આ જ એમના પ્રેમને મજબૂત કરતું હતું. રોજની જેમ જ રાતના મંછી રવજીને રાબ પાતી હતી, ભૂરિયો બહાર મંછીની રાહ જોતો બેઠો હતો. રવજીની તબિયત થોડી નાદુરસ્ત હતી. રવજીએ મંછીનો હાથ પકડ્યો અને કંઈક બોલવા જતો હોય એમ. મંછીએ એના માથા પર હાથ ફેરવ્યો અને રવજીની આંખમાંથી મોટાં મોટાં ટીપાં સરી પડ્યાં જાણે કંઈક અજૂગતું થવાનું હોય એમ મંછીના હ્રદયમાં ફાળ પડી. રવજી બસ આંખ ખોલીને એને જોતો જ રહ્યો પણ એ આંખો નિસ્તેજ હતી. મંછીએ એને હલાવ્યો, જગાડ્યો પણ એ બિલકુલ ના બોલ્યો. મંછીએ જોરથી આક્રંદ કર્યું.. 
અલ્યા ભુરીયા...!


Rate this content
Log in