બજેટ- 2021
બજેટ- 2021
નવું વર્ષ 2021 શરૂ થઈ ગયું છે, કોરોના વાઇરસને કારણે ગત વર્ષ ઘણા લોકો માટે સારું નથી રહ્યું. વર્ષ 2020 માં ઘણા લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે. તેથી નવાં વર્ષમાં આર્થિક સંકટ ન આવે તે માટે આ વર્ષે કેટલીક સારી ટેવો અપનાવવી ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને આવી જ 5 બાબતો વિશે જણાવી રહ્યા છીએ જે અપનાવીને તમે ભવિષ્યના આર્થિક સંકટથી બચી શકો છો.
ખર્ચ માટે બજેટ તૈયાર કરો અને તેનું પાલન કરો.
કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવા માટે નાણાકીય શિસ્ત ખૂબ જ જરૂરી છે. નાણાકીય શિસ્ત માટે તમારે તમારા માસિક ખર્ચ માટેનું બજેટ તૈયાર કરવું જોઈએ અને મહિનાના અંતે વાસ્તવિક ખર્ચ સાથે બજેટની તુલના કરવી જોઈએ. આ સરખામણી તમને એ મહિનામાં કયો વ્યર્થ ખર્ચ કર્યો એ જણાવશે. આની મદદથી તમે તમારા વ્યર્થ ખર્ચને નિયંત્રિત કરી શકશો. તેનાથી તમને વધુ પૈસા બચાવવામાં મદદ મળશે.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળો.
તમારા દૈનિક ખર્ચને પહોંચી વળવા ઇમરજન્સીની સ્થિતિ સિવાય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળો. આ તમને તમારી મર્યાદામાં ખર્ચ કરવામાં અને કોઈપણ લોનની જાળમાં પડતા બચાવશે. કોરોના સમયગાળા દરમિયાન ઘણા લોકો તેમનું ક્રેડિટ કાર્ડના બિલ ન ચૂકવી શક્યા અને તેમને પોતાની પર્સનલ લોનના હપ્તા ભરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તેનાથી ક્રેડિટ સ્કોર પણ બગડે છે અને વ્યાજ વધે છે. તેથી ભવિષ્યમાં કોરોના જેવી કોઈ સમસ્યામાં આર્થિક સમસ્યાથી બચવા માટે વ્યર્થ લોન લેવાનું ટાળવું જોઈએ.
ઇમરજન્સી ફંડ બનાવો.
જો કોઈ કારણોસર તમે નાણાકીય સંકટનો ભોગ બનો તો તમારે તમારા ઘરના ખર્ચ માટે ઓછામાં ઓછી 3 મહિના માટેની જરૂરી રકમ ઇમરજન્સી ફંડમાં રાખવી જોઈએ. તમે આ ફંડ કોઈ બેંકના સેવિંગ અકાઉન્ટ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં બનાવી શકો છો. આ ફંડનો ઉપયોગ ફક્ત ઇમરજન્સીમાં જ કરો.
મેડિકલ ઇન્શ્યોરન્સ જરૂરી.
કોરોનાકાળે લોકોને મેડિકલ ઇન્શ્યોરન્સનું મહત્ત્વ સમજાવી દીધું છે. મેડિકલ ઇન્શ્યોરન્સ તમને સમયસર પૂરતી સહાય પૂરી પાડે છે. જો તમને અથવા તમારા પરિવારને કોઈ મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ આવે તો તમે હેલ્થ ઇન્શ્યોરન્સના આધારે તેને સરળતાથી પાર કરી શકશો. જો તમારી પાસે હેલ્થ પોલિસી ન હોય તો તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.
માસિક રોકાણ કરવું જરૂરી છે.
નવાં વર્ષ માટે અથવા ભવિષ્યમાં જો તમારે પૈસા સંબંધિત મુશ્કેલીનો સામનો ન કરવો હોય તો યોગ્ય રોકાણ વિકલ્પ પસંદ કરો અને જો તમે પહેલેથી જ રોકાણ કરી રહ્યા હો તો તેને બંધ ન કરો. માસિક રોકાણ અથવા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ખૂબ જ જરૂરી છે. આ દ્વારા તમે ભવિષ્યની જરૂરિયાતો માટે સરળતાથી ફંડ ભેગું કરી શકશો.
