Valibhai Musa

Others Romance

4  

Valibhai Musa

Others Romance

બાતમીદાર

બાતમીદાર

8 mins
8.0K


ન્યુયોર્ક યુનોના વડામથકના પબ્લીક કોન્કોર્સની કોફી શોપના સેલ્ફ સર્વિસના કાઉન્ટર તરફ રાહુલ જઈ રહ્યો હતો અને એકદમ તેણે કોફી પીવાનો વિચાર માંડી વાળ્યો, કેમકે અડધાએક કલાક પછી રિસેસમાં સુનિધિને કોફીની કંપની આપવી પડે તેમ હતી જ. તેના માટે આ અડધો કલાક પસાર કરવો કઠિન હતો, પરંતુ સુનિધિને મળ્યા વગર ચાલે તેમ પણ ન હતું. સમય પસાર કરવા તે જમણી બાજુના ગિફ્ટ સેન્ટરમાં દાખલ થયો, જ્યાં એક વિભાગમાં દુનિયાભરની અનન્ય હસ્તકૌશલ્યની ચીજવસ્તુઓ શો-કેસમાં ગોઠવાએલી પડી હતી. તેને એ બધામાં જરાય રસ ન હતો. કાઉન્ટર ઉપરની મોંગોલિયન ચહેરો ધરાવતી સેલ્સ ગર્લને પણ ટેલિપથી થઈ હોય તેમ તેણે તેને માત્ર હળવું સ્મિત આપીને તેને એટેન્ડ કરવાના બદલે તેના મુડ ઉપરતેને છોડી દીધો હતો.

‘હાય, રાહુલ ! મારા માટે કોઈ ગિફ્ટ ખરીદે છે કે શું !’ સુનિધિને પણ ટેલિપથી થઈ હોય તેમ રિસેસ પડવાના પાએક કલાક પહેલાં સીધી જ ગિફ્ટ સેન્ટરમાં આવી ગઈ હતી. માનવ અધિકાર વિભાગમાં સેવા બજાવતી સુનિધિ તેના બોસની રજા લઈને ફોન ઉપર થએલી રાહુલની વાતની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેની પાસે વહેલી દોડી આવી હતી.

‘ના, પણ તું કંઈ ઈચ્છતી હોય તો જણાવ અને હું લઈ આપું. કંઈપણ માગવું એ તારો હક્ક બને છે અને મારી ફરજ, કેમ કે તું મારી શ્રેષ્ઠ મિત્ર તો છે!’

બંને કોફી શોપ તરફ વળ્યાં.

‘એ બધી વાત રહેવા દે અને આપણે તારી કામની વાત ઉપર આવીએ.’ એમ કહેતી સુનિધિ રાહુલને કોફી શોપના ખૂણાના ટેબલે જઈ બેસવાનો ઈશારો કરતી કાઉન્ટર ઉપર ગઈ અને તેમના માટે બે ગ્લાસ કોફી તૈયાર કરી લઈ આવી.

સુનિધિ ભારતીય મૂળની દક્ષિણ દિલ્હીની વતની હતી. સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા આવેલી સુનિધિએ મિશિગન યુનિવર્સિટીથી માનવ અધિકાર વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને તેણી અહીં યુનો ખાતે સેક્શન ઓફિસર તરીકે સેવાઓ આપી રહી હતી. રાહુલ અમેરિકા ખાતેની ભારતીય હાઈ કમિશ્નરની કચેરી હેઠળ ભારત સરકાર તરફથી કોઈક ખાસ મિશનને પાર પાડવા પે રોલ બહાર તેને આપવામાં આવેલા ખાસ પ્રકારના ફંડમાંથી પોતાનું વેતન અને મિશનને લગતું ખર્ચ મેળવી લેતો હતો. તેણે પોતાના મિશનને ગુપ્ત રાખવાનું હોઈ બેએક વર્ષ પહેલાં તેણે અચાનક ભારત છોડતી વખતે પોતાનાં કુટુંબીજનોને પોતે ક્યાં જાય છે તેની જાણ સુદ્ધાં પણ કરવાની ન હતી અને એટલું જ નહિ પોતે ભારત પાછો ફરે ત્યાં સુધી ઘરવાળાં સાથે કોઈ પત્રવ્યવહાર કે ટેલિફોન સુદ્ધાં પણ કરવાનો નહતો. અપવાદ રૂપે કૌટુંબિક કોઈક તાકીદનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો પ્રાઈમ મિનિસ્ટરની ઓફિસના એક ખાસ અધિકારીના માધ્યમથી તેનો એક બાળમિત્ર રશ્મિકાન્ત જ રાહુલનો સંપર્ક સાધી શકે તેવી ગોઠવણ કરવામાં આવી હતી.

સુનિધિને પણ રાહુલના મિશનની કોઈ ખબર ન હતી. તેને અંદાજે એટલી જાણ હતી કે રાહુલ યુનો ખાતે જ કોઈક કામગીરી બજાવી રહ્યો છે. આ કામગીરી કદાચ યુનોની સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદ માટે આફ્રિકન દેશોમાં લોબીંગની પણ હોઈ શકે, જે હોય તે પણ તે અંગે તેને વારંવાર અહીં આવવું પડતું હોઈ તેને ઓફિસીયલ વિઝિટ માટે જરૂરી કાયમી લેઈસેઝ પાસ તેણે મેળવી આપ્યો હતો. રાહુલે તેણીને યુનોના કર્મચારીઓ અંગેની વેબ ઉપરથી અંદાજે સુનિધિ એવું નામ ટાઈપ કરતાં જાણી લીધી હતી અને સમય જતાં બંને દિલોજાન મિત્રો બન્યાં હતાં. રાહુલ પરિણીત હતો અને એક બાળકીનો પિતા પણ હતો, જ્યારે સુનિધિ હજુ અપરિણીત હતી.

સુનિધિએ કોફીનો ઘૂંટ ભરતાં રાહુલને પૂછ્યું, ‘બોલ, રાહુલ શી વાત છે ?’

રાહુલે કોઈપણ ભૂમિકા વગર સીધેસીધું જ કહી દીધું, ‘સુનિધિ, ભલે આપણે મિત્રો હોઈએ અને એકબીજા માટે ગમે તે કરી છૂટવા તૈયાર હોઈએ, તો પણ જો તું તારાં માતાપિતાને પૂછીને સંમત થાય તો અને માત્ર તો જ આપણે પેપર મેરેજ કરી લઈએ એમ હું ઈચ્છું છું. તું યુનોની કર્મચારી હોઈ ખાસ સ્ટેટસથી અમેરિકાની નાગરિક થઈ ગઈ હોઈ તારી સાથેના લગ્નથી હું અમેરિકન સીટીઝન બની જાઉં પછી આપણે ડાયવોર્સથી છૂટાં પડી જઈશું. મને સૂચના મળી ગઈ છે કે મારા મિશનને અધવચ્ચે છોડી દઈ મારે ભારત પાછા ફરવું. હું ભારત પાછો ફરવા માગતો નથી કેમ કે, કેમ કે…..’ રાહુલ આગળ ન બોલી શક્યો કારણકે તેના ગળે ડુમો ભરાઈ ગયો હતો.

‘રાહુલ, એક કામ કરીએ. તારી વાત કંઈક ગંભીર લાગે છે અને આપણે થોડા સમયથી ચાલશે નહિ. હું બોસની રજા લઈને હાલ જ પાછી ફરું છું. આપણે મારી હોસ્ટેલના રૂમે શાંતિથી વાત કરીએ છીએ.’

* * * * *

રૂમમાં પ્રવેશતાં જ રાહુલ આરામખુરશીમાં ફસડાઈ પડતાં નાના બાળકની જેમ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો. સુનિધિએ તેને માનસિક રીતે હળવો થવા દેવાના હેતુથી થોડોક સમય સુધી રડવા દીધો, પણ તેનું મન એ માનવા તૈયાર ન હતું કે ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે સમર્થ એવો રાહુલ આમ સાવ ઢીલો પણ પડી શકે છે. સુનિધિ તેને શાંત પાડવાના હેતુથી ફ્રિજ તરફ પાણી લેવા ગઈ અને તેટલી વાર દરમિયાન રાહુલે પોતાના ગજવામાંથી એક ફેક્સ મેઈલ કાગળ કાઢીને ટીપોય પર મૂકી દીધો. એ ફેક્સ સંદેશો એક ભારતીય અખબારના સ્કેન કરેલા સંદેશા રૂપે હતો અને રશ્મિકાન્તે પી.એમ.ઓ.ના અધિકારી મારફતે મોકલાવ્યો હતો. સુનિધિ બેબાકળી બનીને તે વાંચવા માંડી, જેમાં નીચેના મતલબનું લખાણ હતું. કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને સમાચારમાં કોઈપણ નામોલ્લેખ કરવાનું ટાળવામાં આવ્યું હતું.

“કેફી દ્રવ્યો અને તેમાંય ખાસ કરીને અફીણની તસ્કરી કરતી એક માથાભારે ટોળકીએ આઠેક વર્ષ પહેલાં નાર્કોટિક કાયદા હેઠળ એક લાખ રૂપિયાનો દંડ અને દસ વર્ષની સખત કેદની સજા ભોગવી રહેલા મુખ્ય ગેંગસ્ટરની સૂચનાથી પોલીસના બાતમીદારની પત્નીની સાઈનાઈડના ઝેરથી હત્યા કરી હતી. મરનારનો પતિ બેએક વર્ષથી લાપતા હોઈ તેની નિર્દોષ પત્નીની હત્યા કરીને એ લોકોએ પોતાની વેરભાવના સરભર કરી હતી. ટુ-વ્હીલર ઉપર પોતાની ત્રણ વર્ષની બાળકી સાથે એ બાઈ પિયર જઈ રહી હતી, ત્યારે એક જીપ દ્વારા તેને આંતરવામાં આવી હતી. બાળકીને ત્યાં જ વાહન પાસે છોડી દઈને પેલી બાઈને દૂર ઝાડીમાં લઈ જઈ બળજબરીથી તેના મોંમાં સાઈનાઈડની કેપ્સુઅલ મૂકી દેવામાં આવી હતી. તેણીની બંને બંધ મુઠ્ઠીઓમાં એક જ પ્રકારના લખાણવાળી બે ચબરખીઓ હતી, જેમાં એટલું જ લખવામાં આવ્યું હતું: ‘વિગતવાર માહિતી માટે આ સ્ત્રીના બાવડે બાંધવામાં આવેલા માદળિયાને ખોલીને તેમાંના કાગળને વાંચી લેવો.’

સુનિધિ આગળ વાંચવાનું પડતું મૂકતાં રાહુલને એક જ પ્રશ્ન પૂછી બેઠી, ‘શું તું અગાઉ પોલીસના બાતમીદાર તરીકે કામ કરતો હતો ?’

‘હા, એ મારી કારકીર્દિની શરૂઆત હતી અને માત્ર દસ જ વર્ષના સમયગાળામાં હું હાલની પાયરી સુધી આવી શક્યો છું. હું ભારત પાછો ફરવા નથી ઈચ્છતો તેનું એ કારણ નથી કે હું તે લોકોથી ડરું છું. તું આગળ વાંચીશ તો તને ખ્યાલ આવી જશે કે તેઓને હાલ હું ભલે લાપતા લાગતો હોઉં, પણ હું જીવિત માલુમ પડીશ તોયે તેમણે મને અભયદાન આપી જ દીધું છે કે તેમનું વેર સરભર થઈ ગયું હોઈ હવે તેઓ મને કોઈ ઈજા પહોંચાડશે નહિ. બીજી વાત એ કે હું એ ટોળકીના સરદાર કે તેના કોઈ સભ્ય સાથે વેરભાવનાથી કશું જ કરવા માગતો નથી, કેમ કે તે લોકોના મારા ઉપર ત્રણ અહેસાન છે. એક, તેમણે મારી દીકરી નીલિમાને જીવતી રાખી છે; બીજું, તેમણે દિપ્તી સાથે કોઈ ચારિત્રયવિષયક દુર્વ્યવહાર કર્યો નથી; અને, છેલ્લે એ કે તેમણે દિપ્તીની મહાવ્યથા પહોંચાડતી ઘાતકી હત્યા ન કરતાં શાંતિમય રીતે કાતીલ ઝેર દ્વારા પોતાનો ઈરાદો પાર પાડ્યો છે.’ આટલું બોલતાં જાણે શ્વાસ ચઢ્યો હોય તેમ તે થોડોક અટકે છે.

‘મારે જો વેર જ લેવાનું થાય તો મારે રાજયના પોલિસ વડાને જ પતાવવો પડે કે જેણે મને એ કેસના બાતમીદાર તરીકે જાહેર કર્યો અને નિર્દોષ એવી મારી પત્નીની હત્યા થઈ. મેં કેફી દ્રવ્યોની તસ્કરીના ઈતિહાસમાં સૌથી મોટા ગણાય એવા આ કેસની માહિતિ નાર્કોટિક શાખાના રાજ્ય પોલિસ વડાને જ આપી હતી, જે તેમણે ગમે તે ભોગે ગુપ્ત રાખવાની હતી. વિશ્વના તમામ દેશોમાં આવાં જુદાંજુદાં ખાતાંના બાતમીદારોનું નેટવર્ક હોય છે અને તેમને જીવ સટોસટનો ખેલ ખેલતા વફાદાર સાથીઓનો દરજ્જો આપવામાં આવતો હોય છે. આવા બાતમીદારો અને તેમનાં કુટુંબીજનોની સલામતી એ સરકારની જવાબદારી બનતી હોય છે, જ્યારે મારા કેસમાં શું થયું તે તું સમજી શકે છે.

હવે, તને ખ્યાલ આવ્યો હશે કે હું શા માટે ભારત પાછો ફરવા માગતો નથી. હું કાયદો હાથમાં લઈને મારા ઉપરની આફત માટે જવાબદાર જે હોય તેમની હત્યા કરીને ફાંસી કે જનમટીપની સજા પામીને નીલિમાની જિંદગી બરબાદ કરવા નથી માગતો. હું તેને અહીં બોલાવી લઈને તેને સારામાં સારું શિક્ષણ આપવા માગું છું. વતનમાં મારો નાનો ભાઈ હોઈ માતાપિતાની મને કોઈ ચિંતા નથી. ખેતીવાડી અને જમીનજાગીર બહોળા પ્રમાણમાં હોઈ તે લોકો સુખી છે. હવે, હું થોડીક વાર આંખો બંધ કરીને શાંત થવા માગું છું. આ સમય દરમિયાન તું માદળિયાવાળું લખાણ આગળ વાંચી લે જેનાથી તને સમજાઈ જશે કે ખાનદાન કોણ ? પોલિસવાળા કે પેલા તસ્કરો !’

સુનિધિએ સ્ત્રીસહજ ભાવે રડતાં રડતાં મોટેથી આગળ વાંચવાનું ચાલુ કર્યું. માદળિયાવાળા કાગળમાં આમ લખ્યું હતુ: ‘અમારા સરદારને 10 વર્ષની સખત કેદની સજા માટે જવાબદાર એવો પોલિસનો બાતમીદાર લાપતા હોઈ અમારે નાછૂટકે તેની પત્નીને મારી નાખવાનું સ્ત્રીહત્યાનું પાપ વહોરવું પડે છે, જેનો અમને ભારોભાર ખેદ છે. અમે લોકો ભલે ગેરકાનુની ધંધો કરતા હોઈએ છતાં અમારા કેટલાક ઉસુલો હોય છે. અમારી ટોળકીનો દરેક સભ્ય પોતાની પાસે સાઈનાઈડની કેપ્સુઅલ રાખતો હોય છે. પકડાઈ જવાના સંજોગોમાં પોતાના કોઈપણ સાથીનું નામ આપવાના બદલે પોતાના મોતને વહાલું કરવામાં કોઈ પીછેહઠ કરશે નહિ. જ્યારે જોયું આ પોલિસ ખાતું ? એ જવાબદાર અધિકારીના પુત્રના અપહરણની નસ દબાવતાં જ બાતમીદારનું નામ જાણવા મળી ગયું ! અમારા માટે બાતમીદારનું નામ જાણવું એટલા માટે જરૂરી હતું કે તે બહારનો હતો કે અંદરનો તેની ખબર પડે! અંદરનો હોય તો તેના આખા કુટુંબનો ખેલ ખલ્લાસ અને બહારનો હોય તો તેનું અથવા તેના કુટુંબના કોઈ એકનું જ ઢીમ ઢાળી દેવાનું એવો અમારો વણલખ્યો કાયમી કાનૂન, જેમાં ફેરફારને કોઈ અવકાશ નહિ.

અમને લશ્કરના જવાનો માટે માન છે. તેમની સરખામણીએ આ સિવિલયન પોલિસ અધિકારીઓ કેટલા વામણા પુરવાર થાય છે! બાતમીદારનાં કુટુંબીજનોમાં તેની પત્નીને વેરતૃપ્તિનું લક્ષ બનાવવાનો કઠોર નિર્ણય લેતાં અમારા સરદાર દુ:ખની લાગણી અનુભવે છે. તેમની તાકીદભરી સૂચના છે કે તે બાઈની મરજાદને લોપવાનો કોઈ સાથી વિચાર સુદ્ધાં કરશે નહિ. તેના ગળામાંના મંગળસૂત્ર, સેંથીના સિંદુર અને સૌભાગ્યના ચાંદલાને માનસન્માન આપવામાં આવે તથા તેની પીડાજનક હત્યા ન કરતાં સાઈનાઈડની કેપ્સુઅલથી તેને પતાવી દેવામાં આવે ! તેમણે એ પણ જણાવ્યું છે કે તે બાઈની હત્યાથી વેરનો હિસાબ સરભર થઈ ગયો હોઈ તેનો પતિ હયાત હોવાનું ભવિષ્યે જાણવા મળી આવે તો પણ તેને અભયદાન આપવામાં આવે છે અને કોઈ સાથીએ તેને કોઈ ઈજા પહોંચાડવી નહિ.’

રૂમમાં થોડીકવાર માટે એકદમ ચૂપકીદી છવાઈ ગઈ. વચ્ચે વચ્ચે સુનિધિનાં હીબકાંનો અવાજ આવતો હતો. રાહુલ હજુય આંખો બંધ રાખીને શાંત થવા મથતો હતો. સુનિધિ અચાનક એકદમ સ્વસ્થ થઈ જતાં બોલી ઊઠી, ‘આપણે માત્ર પેપર મેરેજ જ નહિ, ખરેખરાં લગ્ન કરી લઈશું. મારાં માતાપિતા ઉપર મને વિશ્વાસ છે કે તેઓ આપણા સંજોગોને જોતાં મારા નિર્ણયને મંજૂરીની મહોર મારશે જ. રાહુલ આંખો ખોલ અને મારી આંખોમાં તારી આંખો પરોવીને જો કે તેમાં મારા નિર્ણયની મક્કમતા ડોકાય છે કે નહિ!’

રાહુલ આરામખુરશી ઉપરથી સફાળો ઊભો થઈને હર્ષ અને રૂદન મિશ્રિત અશ્રુછલકતી આંખો સાથે સુનિધિને ચસચસતું આલિંગન દઈ બેઠો. તેણીના વાસ્તવિક લગ્નના પ્રસ્તાવથી રાહુલની સઘળી સમસ્યાઓ ઉકેલાઈ ગઈ અને તે સાવ હળવો ફૂલ જેવો થઈ ગયો.


Rate this content
Log in