" યાદે "
" યાદે "
ક્યાં એ તૈયાર થઈને વર્ષે એકવાર ફોટો પડાવવાની મજા અને ક્યાં આ રોજેરોજની સેલ્ફી ! જુના બધા ફોટોગ્રાફ્સ એ આખા એક યુગની યાદગીરી ગણાય. સાલવાર અલગ-અલગ આલ્બમ્સમાં કંડારાયેલી જીવનની શ્રેષ્ઠ ક્ષણો માણવી કોને ન ગમે ?
પપ્પાના લગ્ન, કાકાના લગ્ન ,ફઈબાના લગ્ન, કાકીનું શ્રીમંત, ભાઈની સગાઈ, લગ્ન અને ભાભીનું શ્રીમંત, જાણે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રવેશતા હોઈએ એમ જીવન આખું કચકડાની પટ્ટી માફક આંખો સામેથી પસાર થતો હોય એવું જ અનુભવાય.
જુના ફોટોગ્રાફ જોવા માટે પણ ખાસ મહેફિલ મંડાતી. ચા-પાણી અને નાસ્તાની જ્યાફત ઉડાવતાં-ઉડાવતાં ફોટોગ
્રાફ્સ જોવા એ પણ એક નાનો-સૂનો પ્રસંગ બની જતો! પણ આખા પરિવારનો ફોટો એક સાથે જોઉં છું તો તેમાં મમ્મી એકલી દેખાય છે, મોટાભાઈનો માભો એવો નથી પડતો, મારા ચહેરા પરની મુસ્કાન ખરડાઈ છે, નાના ભાઈના તોફાની નખરાળા હાથ હવે શરારત બનીને ત્રાંસા-બાંગા રહેવાને બદલે શરાફતથી બીજા હાથ સાથે જોડાઈને નીચે નમી ગયેલા દેખાય છે, વહુઓ પહેલા જેટલી શરમાતી નથી જણાતી અને એટલે જ એમની શાલીનતામાં કંઈક ઓછપ દેખાય છે, બધાં બાળકો પહેલાની જેમ જ ઉભા તો રહી જાય છે પણ તેમની આંખો કોઈકને શોધતી હોય એવું લાગે છે. ફોટોગ્રાફમાંથી એક પપ્પા નીકળી ગયા પછી અમારું તો જીવન જ ક્લિક નથી થતું.