તારા જન્મની પણ પહેલાં
તારા જન્મની પણ પહેલાં
તને ઓળખે છે લોકો તારા જન્મ પછી,
પણ પહેલીવાર પરિચિત થઇ હું તારાથી મારી અંદર,
તારા જન્મની પણ પહેલાં.
તુ વહાલી થઈ બધાને તારા જન્મ પછી,
પણ પહેલીવાર તો તું જીવ બની હતી મારો જ,
તારા જન્મની પણ પહેલાં.
તુ બોલતી થઈ તારા જન્મ પછી,
પણ પણ તારો અવાજ તો સાંભળ્યો હતો મેં પહેલીવાર,
મારી અંદર કોઈ બોલ્યું હતું "મા"
તારા જન્મની પણ પહેલાં.
તારો ચહેરો લોકોએ જોયો હતો તારા જન્મ પછી પણ,
તારી સ્મૃતિ તો ઘડાઈ હતી મારી અંદર,
તારા જન્મની પણ પહેલાં.
તને લીધી હતી જ્યારે બધાએ હાથમાં પહેલીવાર,
તારા જન્મ પછી પણ,
તારા સ્પર્શનો એહસાસ તો થયો હતો મને મારી અંદર,
પહેલીવાર તારા જન્મની પણ પહેલાં.
તારી ચિંતા થાય છે બધાને તારા જન્મ પછી,
પણ મને તો તારી તકલીફની ખબર ત્યારથી પડે છે,
જ્યારે નવ મહિના હતી તુ મારી અંદર,
તારા જન્મની પણ પહેલાં.
તારા સંબંધો જોડાયા છે બધા સાથે તારા જન્મ પછી,
પણ તું તો મારો જ ભાગ છે,
તું મારી દીકરી અને હું તો તારી મા બની ગઇ હતી,
તારા જન્મની પણ પહેલાં.
