પક્ષી કલશોર
પક્ષી કલશોર


નથી શહેર મોટું કે ગામડું નાનું, નથી જંગલ પણ ઘનઘોર,
નાનાં નેહડા સરીખું જ કહું છું, જ્યાં એક ઉદ્યોગનો શોર,
નજીકમાં ગામ, ખેતરો જ્યાં ચોખ્ખી હવા હર એક પ્હોર,
એમ છતાં પણ ક્યાં દીઠાં ત્યાં દાયકા સુધી એ કોઈ મોર,
સુમસાન થયાં છે રસ્તાઓને શમી ગયો છે હવે એ શોર,
ધોળાં દિવસે રસ્તે નીરખ્યાં આજ અચાનક બે ત્રણ મોર,
વાત માત્ર શહેરીકરણની જ્યાં માનવ વસ્તીનો હતો ડર ?
શું હતાં એ દૂરથી આવ્યાં કે ભરખી જતાં’તાં આદમખોર,
માનવ ડરી બેઠો આજ ઘરમાં જીવ બચાવવાં ચહુ ઓર,
ને લોકડાઉનમાં કુદરત રીઝી ટહુક્યાં વિન વસંત આ મોર,
પ્રકૃતિ ખીલી છે ચોમેર, ને રંગો કુદરતનાં દીસે હર પ્હોર,
કાળાં માથાળાંનાં ડર વિના ફરે પક્ષીઓ થૈ ભાવવિભોર,
અજબ કરામત કરી દેખાળી ઈશ બે પગાંનો તોડીને શોર,
મૌન પાંજરાઓનું રણક્યું છે ને સંભળાયો પક્ષી કલશોર.