કામની ગઝલ
કામની ગઝલ
તું જ ચીતરતી રહે છે, નાગ છે પ્રિયે!
દૂધ પણ ધરતી રહે છે, નાગ છે પ્રિયે!
ફેણ પર મૂકી ચમેલી ફૂલની સૌરભ
વિષ થૈ ખરતી રહે છે, નાગ છે પ્રિયે!
તું અસલમાં ડંખથી અણજાણ છે તેથી,
ચાસમાં ફરતી રહે છે, નાગ છે પ્રિયે!
ખોદવાથી ખૂબ અઘરું હોય છે ખણવું,
આંખ કાં ખણતી રહે છે? નાગ છે પ્રિયે!
તું કબીરી વાત કર તો હું કાન છું તારો,
કામનું વણતી રહે છે, નાગ છે પ્રિયે !
ચોપડી છે એટલે હું ચોપડું મણની,
તું મને જણતી રહે છે, નાગ છે પ્રિયે.
નાગપાંચમ હાથમાં મૂકી વલૂરું છું,
પાંચને ગણતી રહે છે, નાગ છે પ્રિયે.
ચોતરફની હાજરી આ આપણી આજે,
આયના ચણતી રહે છે, નાગ છે પ્રિયે!