છોરાનું ગીત સખી
છોરાનું ગીત સખી


તને સોળમું બેઠાનું કંઈ ભાન,
તારીચાલમાં આ શેનું ગુમાન? એય છોરી!
તારા કમખાને તો બાંધ કંસુઓ તાણી
ઓણ તો મેળાનો ભારે કાંઈ ઉમંગ,
ભેદ ખુલ્યા શમણાના સખીયો ને સંગ, એય છોરી!
તારા દલડાની કુંચી ક્યાં ખોવાણી?
કાં તારા છુંદણાના મોર ટહુક્યા?
જ્યાં એની પાઘડીના ફૂમતા ફરક્યા. એય છોરી!
તારી આંખના અમલનો થયો એ બંધાણી.
તારી રગ પર મેલ્યો છે એણે હાથ,
આમ ધમણ કાં થાય તારા શ્વાસ? એય છોરી!
તારું દરદ કયાંક જાય ના એ પિછાણી.
સખી
આ મેળાનું મલક આખુંયે કૌતુક જુએ,
સખી! કહો ‘વા’ને આમ ઓઢણી ના ઉડાડે.
આ કોણ આવીને ચોરી ગયું મારી રાતોનું અંધારું,
સખી! કહો નેણને શમણા ના સજાવે.
આ નભનો અંબાર તો લેશું કદીક ટાંચમાં,
સખી! કહો પૂનમને અંગેઅંગ ના દઝાડે.
આ કયા કૂવેથી સીંચીને ભર્યું જોબનીયું?
સખી! કહો ગાગરને નફફટ થઈ ના છલકાવે.
આ હૈયું તો આજ વલોણું થઇ ઘમ્મર ઘમકે,
સખી! કહો શ્વાસને ઘડી તો પોરો ખાવે.