આસ્થા
આસ્થા
આપણી આસ્થા બદલાતી રહે છે,
હોળીમાં પ્રહલાદ ની પાછળ ભાગતી પ્રજા;
રામનવમી થતા સુધી રામભજનમાં રાચતી રહે છે,
આ માનસિકતાની ખોટ નહિ તો બીજું શું !
શ્રાવણના સોમવારમાં શિવ નામે અને;
આઠમ આવતા કાનામાં વહેંચાતી રહે છે,
વળી, ચતુર્થીમાં ગણેશ ના ગુણ ગાશે,
શ્રાદ્ધમાં વડ-વાડીલાઓ ને બાંધશે અને;
નોરતામાં મા અંબા નામે નાચતી રહે છે,
પોતાની અંદર ના રાવણ ને તડકે મૂકી,
બહારના દસ મથાળાને ભસ્મીભૂત કરવા;
જોર જોરથી ચોપાઈ ગાતી રહે છે
દિવાળી આવતા સુધીમાં તો કેટલાય રંગ બદલી,
વાગ જમાડી, ધન કમાયી અને કંકાસને કાઢીને;
માઁ લક્ષ્મીને રીઝવવા અને લલચાવતી રહે છે,
ધર્મના નામે લોલુપતા નહિ તો બીજું શું ?
ભક્તિ પણ સ્થિર ક્યાં રહી હવે કશે !
સમય સંજોગ અને લાભ જોઈ બદલાતી રહે છે,
તહેવારે-તહેવારે બદલતા માણસ અને મિજાજ,
નક્કી પોતાને આમ તૂટતાં અને જોડાતા જોતી;
એ કહેવાતી આસ્થા પણ ક્યાંક કચવાતી રહે છે.