Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Others

2  

Vishwadeep Barad

Others

જિંદગીને જીવતા શીખીએ

જિંદગીને જીવતા શીખીએ

9 mins
7.4K


“ડેડ, ક્યાં લગી આવું એકાંત જીવન જીવતા રહેશો? મારું કશું તમો માનતા જ નથી, કેટલી વાર તમને કહ્યું કે મારે ત્યાં રહેવા આવતા રહો, પણ હંમેશા એકનો એક કક્કો મને મારી રીતે જીવન જીવવા દે.”

“બેટી તારો પ્રેમ અને લાગણી હું સમજી શકું છું. સાચું કહું મને કોઈના ઓશિયાળા થઈને રહેવું પસંદ નથી.”

“ડેડ, “ઓશિયાળા”…શું વાત કરો છો? દીકરીના ઘરે ઓશિયાળા!”

“હા બેટી, સાચું કહું, ખોટું ના લગાડીશ, તારે બે ટીન-એઈજ બાળકો, તું અને રાકેશ બંને જોબ કરો છો. તમારી જીવન જીવવાની સ્ટાઈલ આખી જુદી છે. રોજ સવારે ૫.૩૦ ઊઠી જવાનું, બાળકોને સ્કૂલ માટે લન્ચ તૈયાર કરવાનું, રાત્રે ૯.૩૦ સૂઈ જવાનું બધું ઘડિયાળને કાંટે તમારું જીવન ચાલે, હું અહીં એકલો છું તો રાત્રીના બાર સુધી મારો ટી.વી ચાલતો હોય અને ઘણીવાર સાંજે ૮ વાગે કોઈ મારા મિત્રને બોલાવું તો વાતોના તડાકા મારતા રાત્રીના એક વાગી જાય અને કોઈ વાર મિત્ર મારે ત્યાં સૂઈ પણ જાય.. હું તારે ત્યાં રહેવા આવું એટલે દેખીતી વાત છે કે મારે તારી રહેવાની સ્ટાઈલથી રહેવું પડે. વળી તારી બોસ્ટનની ઠંડી એટલે છ મહિના ઘરમાં બેસી રહેવાનું, મારાથી એ ઠંડી સહન ના થાય... હું મારી રીતે સ્વતંત્ર રીતે રહેવા ટેવાઈ ગયો છું. અહીં હ્યુસ્ટનમાં બાર મહિના વૉર્મ વેધરમાં ઘણી બધી પ્રવૃતિ કરી મજા માણું છું.”

“ડેડ, હું તમારી કન્ડિશન સમજી શકું છું, આપણી અગાઉ વાત થઈ તે ફરીવાર કહેવા

માંગું છું.”

“હા હા, મને ખબર છે કે તું શું કહેવાની છે… ફરી લગ્ન કરી લો. એજ ને?”

“ડેડી!”

“તારી મમ્મી સાથે અદભુત અને ભવ્ય સ્વર્ગ સમી જિંદગી જીવી,  હવે એ નથી. મને છોડી પ્રભુને પ્યારી થઈ ગઈ! તો શુ હું મારી જિગરજાન દોસ્ત સમી તારી મમ્મીને ભૂલી જઈ કોઈ અન્ય સ્ત્રી સાથે શેષ જિંદગી કેવી રીતે ગાળી શકું? તેણીની યાદમાં ને યાદમાં તેની સાથે ગાળેલા ભવ્ય ભરતી સમા દિવસોને યાદ કરી હું હસતો હસતો જીવન જીવી રહ્યો છું, બેટી! મારે ૬૫ થયાં અને આ ઉંમરે મારો કોઈ અજાણ્યા પાત્ર સાથે મેળ પાડવાનો?”

“એમાં શું થઈ ગયું ડેડી, તમારા મળતાવડા અને પ્રેમાળ સ્વાભાવ સાથે કોઈ પણ વ્યક્તિ ઍડજસ્ટ થઈ શકે!”

“બેટી, તને ખબર છે કે મારા બેડરૂમમાં તારી મમ્મીનાં હસતા સુંદર ફોટાને જોતાં જોતાં થાકતો નથી... ઊંઘ પણ સારી આવી જાય છે, એ મારી આસપાસ છે એવો આભાસ કાયમ રહે છે. મને એકલતા લાગતી જ નથી.”

ડેડી-દીકરી વચ્ચે આ સંવાદો નિયમિત ચાલ્યા કરતા હતાં. સમયનો પ્રવાહ સતત

ચાલ્યા કરે છે અને ઘણીવાર સમય માનવીને પણ ફેરવતો રહે છે.

ઉમેશની ઉંમર ૬૫ અને શિકાગો રહેતી લત્તા ૬૫ની પણ ઉમેશ કરતા છ મહિના નાની, તેણીના જીવનમાં પણ તેણીનો પ્રેમાળ પતિ સુમન કાર એક્સિડન્ટમાં અવસાન પામ્યો... બે વરસ સુધી એ એટલી ડ્રિપેશનમાં આવી ગઈ હતી કે કોઈની સાથે બોલે-ચાલે નહીં. મેરિડ દીકરો ડોકટર હતો, પણ એને ઘેર પણ રહેવા ના જાય.. ગાંડા જેવી બે-બાકળી બની ગઈ હતી. રોજ રોજ સુમન સાથે ગાળેલા દિવસો અને સાથે સાથે વેકેશનમાં ગાળેલા દિવસોમાં પાડેલ વિડિયો જોયા કરે. ૨૦ થી પચ્ચીસ પૉન્ડ વજન ગુમાવી બેઠી હતી. એક દિવસ લત્તાની બહેનપણી હંસાએ જીવનની સાચી ફિલોસોફી સમજાવી.

”લત્તા, દરેક મેરિડ કપલના જીવનમાં બેમાંથી એકે તો એક દિવસ જવાનું છે અને એ

સત્ય આપણે સ્વીકારવું પડશે. ગયેલ વ્યક્તિ કદી પાછી ફરવાની નથી. ગયેલ વ્યક્તિને યાદ કરી, ઝુરી ઝુરીને જીવવા કરતાં તેમની સાથે ગાળેલા દિવસો યાદ કરી જીવન પ્રફુલ્લિત બનાવી કેમ ના જીવી શકીએ? ગયેલ વ્યક્તિના આત્માને પણ શાંતિ મળે!

જીવનને હરીયાળું બનાવી જીવીએ, રણ સમું નહી!!

લત્તાનું જીવન બદલાયું. હંસા ઉમેશને પણ ઓળખતી હતી. મેળ પડી ગયો. ઉમેશ અને લત્તાના કોર્ટમાં બહું જ સાદાયથી અને નજીકના મિત્રોની હાજરીમાં ફરી લગ્ન થયાં. બંન્ને માયાળું-પ્રેમાળ અને સ્નેહાળ પણ બહું જ ઓછું બોલનારાં છતાં એકબીજાની સતત કાળજી લેનારાં. જ્યાં જાય ત્યાં સાથે સાથે ફરવાનો, મ્યુઝિકનો, ક્રૂઝનો અને પાર્ટીઓ કરવાનો શોખ. ઉમેશ અને લત્તાનું શેષ જીવન જાણે સંધ્યા સોળે કળાએ ખીલેલું અને મોર નાચી ઊઠે એવું સુંદર ભાસતું હતું!

ભાસતું હતું! વાત સાચી..પરંતું જીવનની વાસ્ત્વિકતા અપનાવવી સહેલી તો નથી... અપનાવો તો પચાવવી સહેલી નથી! બહાર લાગતું સુંદર જીવન અંદરથી કેટલું ડામાડોળ છે! એ માત્ર ઉમેશ અને લત્તા જાણતા હતાં. સુંદર જીવનમાં ભુતકાળનો

પડછાયો એમનો સતત પીછો કરતો હતો... તે હતી તેમની પાછલી જિંદગી! સ્વર્ગસ્થ જીવનસાથી!

બંને સાથે જમવા બેઠાં હોય કે કોઈ ફરવા લાયક સ્થળે બેન્ચ પર બેઠાં હોય; આનંદ માણતાં હોય અને અચાનક ઉમેશની વાતોમાં પોતાની પત્નીની વાતો આવી જાય અને સાથોસાથ લત્તા પણ પોતાના પતિ કેટલા પ્રેમાળ હતાં એકે પળ એમને મારા વગર ચાલતું નહોતું એમ કહેતા કહેતાં આંખમાં આંસુ સારે અને એ જ રીતે ઉમેશ પણ સ્વર્ગસ્થ પત્ની સાથે ગાળેલા દિવસો સતત વગોળતો! ભૂતકાળની વાતોનું ભૂત એમના વર્તમાન સુખને ડામડોળ બનાવી દેતું.

રાત્રીના સમયે પોતાનું દામ્પત્ય સુખ માણવાને બદલે બેડરૂમમાં પોતાના ભૂતકાળના

જીવનસાથીની યાદને આહવાન આપી એમાં રચ્યાપચ્યા રહેતાં. અત્યારે બંને પતિ-

પત્ની છે એ ભૂલી જઈ, ભૂતકાળની વાતો વગોળતા વગોળતા આંસુ સારી સૂઈ જતાં.

બંને આ વિષયમાં ચર્ચા કરતાં કે આપણે આવું ના કરવું જોઈએ... છતાં વ્યસનની જેમ બંનેનાં મન પર કોઈ પણ પ્રકારનો કાબૂ નહોતો અને એ જ વસ્તુ એમના શેષ જીવનમાં નડતરરૂપ બની. પ્રેમના વહેણમાં રૂકાવટ આવી. ભૂતકાળનો આ સતત તાપ પ્રેમના પ્રવાહને સૂકવવા લાગ્યો!

અંતે બંનેએ સમજીને નક્કી કર્યું.

“આપણે આપણાં ભૂતાકાળના જીવનસાથીને ભૂલી નથી શકતા, એ આપણી નબળાઈ છે અને એ મર્યાદામાંથી કોઈ હિસાબે બહાર આવી નથી શકતા. એ દીવાલ સતત કઠોર બનતી જાય છે, જેને કારણે આપણાં જીવનની લીલીછમ વાડી સુષ્ક બનતી જાય છે. આપણે બંને લાગણીશીલ છીએ અને એજ લાગણીશીલતાના માર્ગમાં કોઈ નવું સ્વીકારવાની તૈયારી હોવા છતાં મનની નબળાઈને લીધે સ્વીકારી ના શક્યા. બસ, આપણે આપણાં વ્યક્તિગત માર્ગે પાછા ફરીએ એ જ આપણાં જીવનનો સુખી માર્ગ છે.”

બંનેએ રાજી-ખુશીથી ડિવોર્સના પેપર્સ ફાઈલ કર્યા. બંનેનો વકીલ પણ એક જ હતો. બંનેને એક પછી એક બોલાવ્યા, સમજાવ્યા. લત્તાને કહ્યું, “તમને તમારા પતિ પાસેથી અડધી મિલકત, પૈસા મળી શકે.” લત્તાએ તુરત જ કહ્યું. એ પ્રશ્ન જ અમારા વચ્ચે નથી. હું જે માગું તે આપવા એ તૈયાર છે.  એ બહું જ દિલદાર છે. મારી પાસે પણ મારી પોતાની મિલકત અને પૈસા છે કે જે હું જીવું ત્યાં લગી ભોગવી શકું તેમ છું, ઉમેશે કદી મારી મિલકત કે પૈસા પર ખરાબ નજર કરી નથી. અમારાં બંને વચ્ચે કોઈ ખટરાગ કે ઝગડા નથી. અમો બંને રાજી-ખુશીથી ડિવોર્સ લેવા માગીએ છીએ. વકીલને નવાઈની વાત એ લાગી કે લત્તાએ જે વાત કરી એ જ વાત ઉમેશે કરી. વકીલને આ પહેલો ડિવોર્સનો કેસ હતો કે કોઈ મિલકત કે પૈસાનું સેટલમેન્ટ કરવાનું હતું જ નહીં.

કોર્ટમાં ડિવોર્સ માટે આજની ડેઈટ હતી. બંને સવારે છ વાગે ઊઠી ગયાં. લત્તાએ

સવારના નાસ્તામાં ગરમ ગરમ થેપલાં અને ચા કર્યા. ટેબલ પર નાસ્તો કરતાં કરતાં ઉમેશે કહ્યું, “લત્તા તારી પોતાની વસ્તું તે એકઠી કરી લીધી છે ને?”

લત્તા હસતી હસતી બોલી, “હા ઉમેશ, કોઈ વસ્તુ ભૂલી જાઉં તો ફરી આ ઘેર આવી શકું ને?”

ઉમેશઃ “લત્તા, એ સવાલ જ ઉભો નથી થતો તું ગમે ત્યારે આ ઘરે આવી શકે છે અને સાથે કોઈ વાર ચા-પાણી પણ પીશું. આપણે ઝગડો કે બોલાચાલી થઈ જ નથી. માત્ર જીવન-જીવવાનાં, વિચારવાના રસ્તા અલગ છે, માર્ગને એક બનાવવાની કોશિશ બંનેએ કરી પણ સફળતા ના મળી એ જ આપણી નબળાઈ! આપણે બે વર્ષ સારા મિત્રો જેવી સુંદર જિંદગી જીવ્યા.”

“ઉમેશ, તમને કોઈ સારું પાત્ર મળી જાય…”

“લત્તા! હવે આ ભવમાં કોઈ બીજા પાત્રને સ્થાન જ નથી. ૨૪ કલાક મારી સાથે પડછાયાની જેમ ફરતી મારી સ્વર્ગસ્થ પત્નીની યાદ મને શેષ જિંદગી જીવવામાં મદદરૂપ થશે.”

“પણ તને કોઈ…”

“ઉમેશ! મારે પણ તમારા જેવું જ છે જે પ્રીતની ચુંદડી ઓઢી હતી હવે તે ચુંદડી પર બીજો રંગ લાગાડવાની કોઈ ઈચ્છા નથી. જુઓને લગાડવાની કોશિશ કરી, પણ નિષ્ફળ નિવડી. ઉમેશ! આપણાં જીવનમાં પણ સ્વર્ગસ્થ સાથીદારોના પ્રેમે આપણને નજદીક આવતા રોક્યા છે.”

સરળ સ્વભાવના, સ્નેહાળ! શાંત, ઉગ્રતા કદી જેને અડકી ના શકે એવી આ સુંદર જોડીએ સાથે મળી માળો બાંધવાની કોશિશ કરી, પણ જાણતાં છતાં અજાણ્યા ભેદી વાયુના વંટોળે એમને છૂટા કરી દીધા.

બંને સાથે લેક્સસ કારમાં નીકળ્યાં.

“ઉમેશ, મારી કોઈ પણ ભુલ-ચુક હોય તો માફ કરી દેજો.”

“શું વાત કરે છે લત્તા... આપણે કદી પણ ઝગડો કે બોલચાલી થઈ જ નથી માત્ર…'

“ઉમેશ, આ તારી લેકસસમાં મારી છેલ્લી સફર સાથ સાથ.”

“લત્તા! તને આ લેક્સસ ગમતી હોય તો તું રાખ, હું બીજી લઈ લઈશ.”

“થેન્ક્યુ… ઉમેશ.. તમારા જેવા જેન્ટલમેન આ દુનિયામાં મળવા મુશ્કેલ છે.”

“લત્તા, મને કંઈક મુંઝવણ જેવું થાય છે.” કાર ચલાવતા ઉમેશ બોલ્યો.

“તમે એમ કરો, ઈમરજન્સી લાઈનમાં કાર લઈ લો…” માંડ માંડ કાર ઈમરજન્સી લાઈનમાં લીધી અને ઉમેશે ભાન ગુમાવ્યું. લત્તાએ તુરત ૯૧૧ને ફોન કર્યો, પોતે પણ ગભરાય ગઈ, પણ હિંમત રાખી. પાછળથી આવતી એક કારચાલકે રોકાઈને પૂછ્યું... હું મદદ કરી શકું?

એ એક ડોકટર હતો. તેણે તાત્કાલિક સી.પી.આર આપવાની કોશિશ કરી અને થોડી જ વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. હળવો હાર્ટ-એટેક

હતો.. તાત્કાલિક સારવારથી ઉમેશ બચી ગયો.

હોસ્પિટલમાં બીજા-ટેસ્ટ અને સારવાર માટે બે-ત્રણ દિવસ રહેવાનું હતું.

“લત્તા, ક્યાં જવાનું હતું અને ક્યાં આવી ગયો.?”

“ઉમેશ, તમે અત્યારે આવું ના બોલો, આરામ કરો અને મેં દીકરી ઉમાને ફોન કરી દીધો છે. એ આજની ફલાઈટમાં એર-પોર્ટથી, કાર રેન્ટ કરી સીધી હોસ્પિટલ આવે છે.”

“ઉમા, આવી પરિસ્થિતિમાં હવે મને અહીં નહીં રહેવા દે. મને એ બોસ્ટન લઈ જશે. ઉમા મારી બહું જ ચિંતા કરે છે.”

“તમે એ અત્યારે ના વિચારો... આરામ કરો.”

ઉમેશને ઘેનની દવાથી ઊંઘ આવી ગઈ. જે વ્યક્તિ મારી સાથે નથી અને કદી પાછી ફરવાની નથી એની એક યાદ રૂપી લાશ લઈને ફરુ છું. આત્મા છે, મૌન છે, ખબર નથી ક્યાં છે? અને એના જ વિચારોમાં મારું શેષ જીવન વ્યર્થ કરી રહી છું. એ અમારો પ્રેમ હતો અને એની યાદ જરૂર રહેશે. આ ભવમાં મળેલો માનવ દેહ ફરી મળેશે કે કેમ ખબર નથી? ઉમેશમાં શું ખામી છે? એક સારા મિત્ર-સાથીદાર તરીકે કેમ જીવી ના શકીએ.? સુંદર મળેલી જિંદગી ભૂતકાળની યાદોના ખંડેરની અંધારી કોટડીમાં પડ્યા પડ્યા શેષ જીવન સડી જશે. પ્રેમ શાસ્વત છે, પવિત્ર છે,અવિરત છે એને યાદના ખબોચિયામાં ડૂબાડી દેવો એ સાચો પ્રેમ છે? સુમન હતો એક લીલી વાડી સમો. એની ખુશ્બો સદા રહેશે. પણ પ્રેમની મહેંકને મહેંકતી રાખી મારી જિંદગી મારી રીતે જીવવી જોઈએ. ૬૫ પછી બીજા પાંસઠ કાઢવાના નથી.. જે છે તેને વધાવી, ઉમેશ સાથે કેમ ખુશ ના રહી શકું?

હોસ્પિટલમાં ઉમેશના રૂમમાં લતાના વિચારોનું ઘમસાણ સતત ચાલું હતું.

ઉમેશને હોસ્પિટલમાંથી રજા આપી દીધી. લત્તા, ઉમા ઘેર આવ્યા. ડૉકટરની સલાહ

 

 

 

પ્રમાણે બ્લડ પ્રેશર અને અન્ય દવા લેવાની હતી. ઉમાને ખબર હતી કે ડેડના ડિવૉર્સની ડેઈટ(તારીખ) જે દિવસે હતી એ જ દિવસે આ ઈમજન્સી આવી ગઈ.

“ડેડ, આ સમયે હું બહુ ચર્ચા કરવા નથી માગતી, પણ મારી હવે એક જ રિક્વેસ્ટ છે કે

તમો મારા ઘેર જ રહો... ડિવૉર્સ પછી અહીં તમારી સારવાર કોણ કરશે?”

ઉમેશ, શૂન્ય નજરે લત્તા સામે જોઈ રહ્યો હતો.. વિચારવા લાગ્યોઃ

“ઉમાની વાતમાં પણ તથ્ય છે, ડિવૉર્સ પછી... ફરી હું એકલો પડી જઈશ! હું પણ કેવી વ્યક્તિ છું... પત્નીના ગયા બાદ કોઈની સાથે ઍડ્જસ્ટ થઈ નથી શક્તો.. એ જ મારી

નબળાઈ કે મર્યાદા છે. લત્તામાં કોઈ ખામી નથી. મારો ભૂતકાળ મને એની નજીક જતાં અટકાવે છે. લત્તા એક સમજુ, સંસ્કારી સ્ત્રી છે. લત્તાની મર્યાદા એ જ મારી મર્યાદા છે. એ મર્યાદા કેમ દૂર ના કરી શકાય?. લત્તા સાથે જે પ્રશ્ન છે એ બહુ શાંતિથી ઉકેલી શકાય તેમ છે, અમો બંને અડધે રસ્તે મળી સમાધાનની શાકર ખાઈ ના શકીએ? જરૂર. આ ઉંમરે દીકરી સાથે રહેવું એટલે એમનાં જીવનના ધોરણે મારે જીવવું પડે. આ ઉંમરે? હું મારી રાતે જે જિંદગી જીવ્યો છું એને, બદલાવી એક નવા વાતાવરણમાં જીવવાનું?

મૌનમાં ચાલતાં વિચારો કોઈ સમજી શકે?  હા..એની પણ ભાષા હોય છે. એક આંખ બીજી આંખની ભાષા બહુ જ સરળ અને ઊંડાણથી સમજી શકે!

“ઉમા,મને અહીં જ રહે દે… મારે બોસ્ટન….”

“ ડેડ!... “

ઉમા આગળ બોલે તે પહેલાં જ વચ્ચે જ લત્તા બોલી ઊઠી… “ઉમેશ! મને એક મોકો

આપશો?”

ઉમેશઃ “લત્તા જે સવાલ તું કરે છે એ જ સવાલ હું તને કરી શકું? મને તારા સાથે રહેવાનો….”

વાકય પૂરું થાય એ પહેલાં લત્તા ઉમેશની નજીક આવી ભેટી પડી.

 

 

 

 

 

 


Rate this content
Log in