પ્રેમ અને સમર્પણ
પ્રેમ અને સમર્પણ
અમદાવાદમાં રહેતો કૃણાલ, સ્વભાવે મનમોજી અને પોતાની વાત પર અટલ રહેવાવાળો છોકરો. બે વર્ષથી પોતાનું ગેરેજ ચલાવે છે. કામમાં પણ બહુ કુશળ. કોઈ કામ એકવાર હાથમાં લે તો પૂરું કરીનેજ નિરાંતનો શ્વાસ લે.
એકવાર તેનાં ગેરેજ પર એક છોકરો પોતાની નવી ગાડી લઈને આવે છે. એ હતો સ્વાતિનો ભાઈ સુશીલ. તેનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હતો. તેની સામે કૃણાલે તો તેની અડધી પણ પ્રગતિ નહોતી કરી. કૃણાલ નાનપણથી જ સ્વાતિને પ્રેમ કરતો હતો. ણ,તેનો પરિવાર અને સુખ-સગવડ જોઈ. તે ક્યારેય સ્વાતિને પોતાના દિલની વાત કહી ના શકતો.
સુશીલ અને કૃણાલ આમ તો સારાં મિત્રો હતાં. પરંતુ, સુશીલ હંમેશા કૃણાલ સાથે ખરાબ વર્તનજ કરતો. તેનુ કારણ કૃણાલનો સ્વાતિ પ્રત્યેનો પ્રેમ હતો. કૃણાલ સ્વાતિને પ્રેમ કરે છે,એ વાતની જાણ સ્વાતિને નહોતી. આવુ કૃણાલને લાગતું. બાકી આ બધાં પાછળ સુશીલનો જ હાથ હતો. તે સ્વાતિને હંમેશા કૃણાલ વિશે ખરાબ વાતોજ કહેતો. સ્વાતિ તો કૃણાલને પહેલેથીજ પ્રેમ કરતી હતી. બસ તે પણ કૃણાલની જેમ પરિવારથી ડરતી હતી. બંનેની આર્થિક પરિસ્થિતિ વચ્ચે જમીન આકાશનો ફેર હતો. જેના લીધે બંને એકબીજાને પ્રેમ કરતા હોવા છતાં કહી ના શકતાં.
આજે પણ સુશીલ પોતાની નવી ગાડી બતાવી કૃણાલને તે સુશીલ કરતાં આર્થિક પરિસ્થિતિમાં બહુ પાછળ છે, એવું સાબિત કરવા આવ્યો હતો. કૃણાલ સાવ નરમ સ્વભાવનો હતો. તેના પર સુશીલની એક પણ વાતની અસર નથી થતી. તે તો ઉલ્ટાનો સુશીલને અભિનંદન પાઠવે છે. સુશીલ તેનાં વિચાર પ્રમાણે કૃણાલને હેરાન ના કરી શક્યો. એ વાતનો અંદાજ આવતાં. તે ત્યાંથી ચાલ્યો જાય છે.
એક દિવસ સ્વાતિને જોવાં છોકરાવાળા આવે છે. બધુ સારું હોવાં છતાં સ્વાતિ ના પાડી દે છે. જેના લીધે સુશીલ બહુ ગુસ્સે થાય છે. સુશીલના મમ્મી-પપ્પા સમજદાર હતા. તે સુશીલને શાંત કરી સ્વાતિને પૂછે છે, "બેટા,તને શું તકલીફ છે ? જે કાંઈ હોય એ તું બેફીકર અમને જણાવી દે. તારે તારા ભાઈ થી ડરવાની જરૂર નથી."
સ્વાતિ તેનાં મમ્મી-પપ્પાને કૃણાલ વિશે જણાવી દે છે. પહેલા તો તેનાં મમ્મી-પપ્પા માનવામાં આનાકાની કરે છે. પછી છોકરો સારો હોવાથી અને સ્વાતિને ત્યાં જ લગ્ન કરવા હતા. એટલે તેનાં મમ્મી-પપ્પા માની જાય છે. સુશીલને એ વાતની જાણ થતાં તે બહુ ગુસ્સે થાય છે. સ્વાતિની જીદ આગળ મમ્મી-પપ્પા પણ ઝૂકી ગયાં હતાં. એટલે હવે બળથી નહીં પણ કળથી કામ કરવાનું હતું. સુશીલ એક ષડયંત્ર રચે છે. તે એક દિવસ કૃણાલના ગેરેજ પર જઈને તેને કહે છે, "જો કૃણાલ તું મારી બહેનને પ્રેમ કરે છે. મારી બહેન પણ તને પ્રેમ કરે છે, પણ તું મારી બહેનને એ અત્યારે જેમ રહે છે, તેમ રાખી નહીં શકે. તેને અત્યારે બધી વસ્તુઓ માંગ્યા વગરજ મળે છે. તારી સાથે લગ્ન થયાં પછી તું તેને એ માગે એ પણ નહીં અપાવી શકે. આજ તારા લીધે તેણે એક સારાં ભણેલા અને મોટાં ઘરના છોકરાને પણ ઠોકર મારી દીધી. જે વાત એ અત્યારે નહીં પણ ભવિષ્યમાં દુઃખ અને તકલીફ સહન કરશે. ત્યારે તેને પણ તારી લગ્ન કર્યાનો અફસોસ થશે. ભવિષ્યમાં તમારે બંને ને ખુશ રહેવું હોય. તો તું સ્વાતિને ભૂલી જા."
કૃણાલ કાંઈ પણ બોલ્યા વગર સુશીલ ની વાતો સાંભળી લે છે. તે દિવસે કૃણાલ આખી રાત સૂઈ નથી શકતો. બીજી તરફ સુશીલ સ્વાતિને એમ કહે છે કે, "કૃણાલને કોઈ બીજી છોકરી સાથે પ્રેમ છે. તુ તેને ભૂલી જા એ ક્યારેય તારી સાથે લગ્ન નહીં કરે."
પહેલાં તો સ્વાતિ સુશીલની વાત નથી માનતી. ખરેખર કૃણાલ કોઈ છોકરીને પ્રેમ કરે છે કે નહીં એ જાણવા કૃણાલના ગેરેજ પર જાય છે. જે વાતની જાણ સુશીલને થતાં તે સ્વાતિને ગમે તેમ રોકી લે છે. આ તરફ કૃણાલ સુશીલનાં ફેલાવેલા જાળમાં ફસાઈ ગયો હતો. તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે, સુશીલ કહે છે એ ખોટું તો નથી જ. હુ સ્વાતિને તે અત્યારે ખુશ છે એવી ખુશ તો નહીંજ રાખી શકું.
બીજા દિવસે જ્યારે સ્વાતિના મમ્મી-પપ્પા કૃણાલ માટે સ્વાતિનું માગું લઈને આવે છે, ત્યારે કૃણાલ તે બીજી કોઈ છોકરીને પ્રેમ કરે છે, એવું કહી સ્વાતિ સાથે લગ્નની ના પાડી દે છે. સ્વાતિના મમ્મી-પપ્પા ઘરે આવી બધી વાત કરે છે, ત્યારે સ્વાતિ બહું રડે છે. સુશીલની વાત સાચી સાબિત થઈ હતી. જો કે કૃણાલને એવું કહેવા માટે પણ સુશીલે જ કહ્યું હતું. જો કૃણાલ બીજી છોકરીનું ના કહે તો સ્વાતિ નહીં માને. એવુ સુશીલે કૃણાલને કહ્યું એટલે કૃણાલ એ સ્વાતિ નાં મમ્મી-પપ્પાને પોતે બીજી છોકરીને પ્રેમ કરે છે એવું કહી દીધું.
સ્વાતિ એક મહિના સુધી ગુમસુમ અને દુઃખી થઈને રૂમમાં પુરાઈ રહે છે. કૃણાલ અમદાવાદ છોડી ગામડે તેની બહેનના ઘરે જતો રહે છે. અહી એક મહિના પછી સુશીલ આખરે સ્વાતિને બીજે લગ્ન કરવા મનાવી લે છે. અમદાવાદનાજ એક ડોક્ટર વિશાલ સાથે તેનાં લગ્ન થઈ જાય છે. સ્વાતિના લગ્નની જાણ કૃણાલને તેનાં એક મિત્ર દ્વારા થાય છે. કૃણાલ થોડાં સમય માટે બિલકુલ તૂટી જાય છે. પછી તે પોતાની જાતને સંભાળી ફરી કામમાં વ્યસ્ત થઈ જાય છે.
ધીમે-ધીમે સ્વાતિ અને કૃણાલ પોતપોતાના જીવનમાં વ્યસ્ત રહેવા લાગે છે.પણ ક્યારેક તો એકબીજાંની યાદ આવી જાય છે.