Razia Mirza

Others Inspirational

5.0  

Razia Mirza

Others Inspirational

મજલીઆપા

મજલીઆપા

3 mins
7.1K


ઘરમાં કોહરામ મચ્યો હતો. કારણ કે ઘરના વડીલ ‘શૌકત આપા’ આજે ખુદાની રહેમતે પહોંચી ગયા હતા.પાંચ પુત્રો, એક પુત્રી તથા પૌત્રો પૌત્રીઓને, નાતી-નવાસીઓને વહુઓ તથા સગા સબંધીઓને રડતા મૂકીને અનંતયાત્રા એ ચાલી નીકળ્યા હતા.ઘરનું વાતાવરણ ગમગીન હતું. રડારડ અને શોરગુલમાં એક અવાજ દબાઇ જતો હતો. એક ખૂણામાં બે ઘૂંટણ વચ્ચે માથું દબાવીને છાનું છાનું રડતા ‘મજ્લીઆપા’ પર કદાચ કોઇનું ધ્યાન નહોતું. હોય પણ ક્યાંથી ? ’શૌકત આપા’ની મય્યતની આસ-પાસના કોલાહલમાં જ ‘મજલી આપા’નું છાનું રૂદન દબાઇ જતું હતું. હા, આ એજ ‘મજલી આપા’ જે ‘શૌકત આપા’ની સાથે-સાથે જ આજથી લગભગ પંચાવન વર્ષ પહેલા આ ઘરમાં પ્રવેશ્યા હતા. પાંચ બહેનો અને એક ભાઇના કુટુંબ માંથી આવેલા ‘મજલીઆપા’ ના પિતા ખંભાતના નવાબ સાહેબના દારોગા હતા. ’મજ્લી આપા’ વચેટ હોવાથી તેમને ભાઇ બહેનો ‘મજલી આપા’ કહેતા. બંને બહેનો એકજ ઘરમાં સબંધે દેરાણી-જેઠાણી પણ થતા હતા. ’શૌકત આપા’ને અલ્લાહે પાંચ પુત્રો અને એક પુત્રીની બક્ષીશ આપી હતી. જ્યારે ‘મજ્લી આપા’નો ખોળો લગ્નને પંદર વર્ષ પછી પણ ખાલી હતો. અલ્લાહે પંદર વર્ષ બાદ તેમની સામે ક્રુપા દ્રષ્ટિ કરી, અને ‘મજલી આપા’ ત્રણ પુત્રીઓ અને એક પુત્રની માતા બન્યા. પતિ ‘અલીરઝા’ એક સરકારી કર્મચારી હતા. નાનકડા પગારમાં ત્રણ દીકરીઓ તથા એક દીકરાની ભણતરની જવાબદારી કંઇ સહેલી નહોતી. જ્યારે મોટા ભાઇ ’અલીહૈદર’ની નોકરી પણ છૂટી ગઈ હતી. અલીરઝા મોટા ભાઇને પિતા સમાન જ ગણતા. વિધવા માતા પણ અલીહૈદર સાથે જ વતનમાં રહેતા. ખૂબજ ગરીબાઇમાં ‘શૌકત આપા-અલીહૈદરે’ તેમના પાંચેય પુત્રોને સારુ શિક્ષણ આપ્યું. બીજી બાજુ ‘મજલી આપા-અલીરઝા’ એ પણ તેમની દીકરીઓ ને સારુ શિક્ષણ આપ્યું. પરંતુ દીકરીઓના શિક્ષણ પાછળની‘મજલી આપા’ની મહેનત ત્યારે રંગ લાવી જ્યારે તેમની દીકરીઓને સારી સરકારી નોકરીઓ મળી ગઈ. સમાજના ઉચ્ચ એવા નવાબી કુટુંબમાં દીકરીઓની શાદી કરીને ‘મજલી આપા' તો ધન્ય થઇ ગયા. દીકરીઓને ભણાવતી વખતે સાંભળેલા ‘મહેણાંઓ’નો કદાચ આ સુંદર જવાબ હતો. નવાબ સાહેબના દારોગાની આ જિદ્દી પુત્રીએ આ સાબિત કરી બતાવ્યું કે શિક્ષણમાં કેટલી શક્તિ છે ? હજી પાંચ વર્ષ પહેલાં ‘હિસ્ટેક્ટોમી’ નું ઓપરેશન કરાવતી વખતે દીકરી-જમાઇઓ, દીકરા-વહુની હાજરીથી ગદ-ગદ એવા ‘મજ્લી આપા’ પોતાની મહેનત સફળ થઇ એવું અનુભવવા લાગ્યા. અને નાતી-નવાસીઓને શિક્ષણ પર ભાર મૂકી ને સમજાવવા લાગ્યા.ગરીબાઇને ખૂબ જ નજીકથી અનુભવી ચુકેલા ‘મજ્લી આપા’ને મન શિક્ષણની અગત્યતા ખૂબ જ હતી. એકદમ થયેલા શોર-બકોરમાં ‘મજલી આપા’ ઝબકી ગયાં. માથું ઉંચું કર ને જોયું તો ‘શૌકત આપા’ના પાર્થિવ શરીરને સૌ કોઈ એની અવ્વલ મંજિલ લઇ જવા નીકળ્યા હતા. ’મજ્લી આપા’ લાક્ડીના સહારે ઉભા થયા. રૂમાલથી આંસુ લુછ્યા. ભરાયેલો ડૂમો અચાનક નીક્ળી ગયો. ’ઓ મેરી બડી દુ;ખિયારી આપા’. એમના આ કરુણ આક્રન્દે ‘મજલી આપાની બાજુ મા બેઠેલી તેમની ‘મજલી દીકરી’ ને હચમચાવી દીધી. એકજ ઘરમાં જન્મ, એકજ ઘરમા લગ્ન. સાથેસાથ રહીને એકબીજાના દુ;ખ-સુખ સમજનાર બે બહેનો હવે વિખુટી પડી ગઇ હતી. જીવનના કદાચ આ જ ઊતાર-ચઢાવ જોઇને ‘મજલી આપા’ એ પુત્રી શિક્ષણ પર ભાર મૂક્યો હશે એમ ‘મજલી આપા’ની ‘મજલી દીકરી’ વિચારતી રહી. અને આજે ‘મજલી આપા’ના પેટે જન્મ લઇ પોતાને ધન્ય માનતી રહી.

આજે મજલીઆપા હયાત નથી, પરંતુ તેમની યાદો, તેમના સંસ્કારને પોતાના સંતાનોમાં પરોવવાનો પ્રયત્ન મજલીઆપાની મજલીદિકરી કરતી રહેછે...


Rate this content
Log in