Ishani A.

Others

4.5  

Ishani A.

Others

લોકડાઉનના મારા અનુભવો

લોકડાઉનના મારા અનુભવો

4 mins
266


લોકડાઉન મારા અત્યાર સુધીના વર્ષોમાં પહેલી વાર સાંભળેલો શબ્દ. એનો અર્થ શું? ક્યારે અને શા માટે વપરાય છે? ખબર જ ના હતી પણ વિશ્વમાં જ્યારે કોરોનાને લીધે દરેક દેશમાં મહામારી વ્યાપેલી છે અને વિશ્વના મોટા ભાગના દેશો આનો ભોગ બનેલા છે ત્યારે આપણો ભારત દેશ પણ આમાંથી બાકાત નથી પણ બીજા દેશોના પ્રમાણમાં અહી તેનો પ્રભાવ ઓછો છે. આ મહામારીનો ભોગ લાખો લોકો બન્યા અને મૃત્યુ પામ્યા. ત્યારે એક કવિ ની કેટલીક પંક્તિઓ યાદ આવે છે,

" મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?

 ફૂલડાં ડૂબી જતાં ને પથ્થર તરી જાય છે."

સાચું કહીએ તો આ વાઇરસ ની કોઈ દવા જ નથી પણ તેના માટે સામાજિક અંતર, સ્વચ્છતા વધારે અસર કરે છે અને ભારત દેશમાં દુનિયાના બીજા દેશો જેટલી મહામારી ના થાય અને સામાજિક અંતર જળવાય તે માટે પ્રધાનમંત્રી શ્રી એ તારીખ 24 માર્ચ ના રોજ દેશવ્યાપી સંબોધન કરી સમગ્ર દેશમાં 21 દિવસ માટે લોક ડાઉન જાહેર કર્યું અને ફરી 14 એપ્રિલના દિવસે ફરી 19 દિવસનું લોક ડાઉન જાહેર કર્યું.

સાચું કહું ને તો, પહેલા તો ઘરમાં રહેવાની વાત સાંભળી ને ડરી જ ગઈ હતી કારણ કે પહેલા ભણવાનું અને પછી તરત જ મળેલી નોકરીને લીધે ઘરમાં રહેવાનું એક રવિવાર સિવાય મળે તો એમ થાય કે, ઓહ ! ઘર માં રહેવાનું? એટલા આપણે રોજની ઘટમાળમાં ગુંથાયેલા છીએ. એમાં હવે એક કે બે દિવસ નહિ પરંતુ 21 દિવસ ઘરમાં રહેવાનું. પહેલા તો માનસિક રીતે તૈયાર થઈ કે 21 દિવસ ઘરમાં જ રહેવાનું છે. એમ જ તો નથી કહેવાતું ને, "જાન હૈ તો જહાન હૈ". લોકડાઉન દરમ્યાનના મારા અનુભવો.

આમ તો હું પોતે વડોદરાની સામાજિક સંસ્થા સાથે જોડાયેલી છું જે વડોદરાના પૂર્વ વિસ્તારમાં જમીની સ્તર પર બહેનો સાથે કાર્યરત છે. લોકડાઉનની જાહેરાત થઈ તે અગાઉથી જ અમારા કાર્યવિસ્તાર અને કોમ્પ્યુટર શીખવા આવતા અમારા વિદ્યાર્થીઓને કોરોના શું છે? અને તેનો ભય અને સાવચેતીના પગલાં વિશે વાત કરી. પણ લોકડાઉન જાહેર થયું પછી સતત એક જવાબદાર સામાજિક કાર્યકર તરીકે લોકસંપર્ક જાળવી રાખ્યો. આ ઉપરાંત અજાણતા જ મળેલી આવી રજાઓ ના લીધે ઓફિસના બીજા મિત્રો પણ મારા જીવનમાં એટલા વણાઈ ગયા છે કે સોશીયલ મીડિયા દ્વારા સતત એક બીજા સાથે સંપર્કમાં રહેવા લાગ્યા. ઘણા પ્રશ્નો એવા હતાં કે એક બીજા સાથે ચર્ચા કરવી જરૂરી લાગી તેથી કોન્ફરન્સ કોલ દ્વારા અમે ટેલીફોનીક મીટીંગ કરી અમારા પ્રશ્નો અને રાહત કાર્ય માટે સતત એક બીજાના સંપર્કમાં રહ્યા. વિસ્તારમાં અત્યારે કેવા કેવા પ્રશ્નોનો સામનો બહેનો કરી રહી છે તે વાત પણ એક બીજાને જણાવી. પાણીના પ્રશ્નો, રેશનનાં પ્રશ્નો જેવા પ્રશ્નો તો સામે આવ્યા. ઘરે રહી ને પણ તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું. આ પ્રશ્નો ઉપરાંત ઘરેલુ હિંસા, જાતીય સતામણી, મેરિટલ રેપ જેવા સંવેદનશીલ પ્રશ્નો પણ બહાર આવ્યા. રાહત કાર્ય કરવા માટે પણ સતત એક ડર સાથે વિસ્તારમાં જવું, પોલીસ સાથે વાત કરવી, કલેકટરશ્રી ને મળવું જેવા ઘણા અલગ અલગ અનુભવો થયા. એક વાતનો અફસોસ રહ્યો કે અમારી ઓફિસ તરફથી અમારા કાર્ય વિસ્તારમાં કીટ વિતરણ માટે આ માહોલ વચ્ચે હું ના જઈ શકી પણ એ વાતનો આનંદ છે કે અમારી સાથે જોડાયેલી બહેનોના પરિવારને અમે મદદ ચોક્કસ કરી.

આ તો અનુભવ થયો એક સામાજિક કાર્યકર તરીકેનો. ગૃહિણી તરીકે કહું તો, પહેલી વાર ફૂલ ટાઈમ ગૃહિણીની ભૂમિકા ભજવી. ગૃહિણી આખું ઘર જેનું ઋણી છે. આટલા વર્ષે હું મારા મમ્મીની ભાવનાઓને સમજી શકી. અમે ભણતા, નોકરી કરતા તો બહાર જવા મળતું અને અમારી જરૂરિયાત કઇ રીતે મમ્મી ઘરમાં જ રહીને સાચવતી એની આજે સમજણ પડી. એક નવી વાત શીખી કે મર્યાદિત વસ્તુ સાથે પણ સરળતાથી પોતાનું જીવન વ્યતીત કરી શકાય છે અને આ જીવન વ્યતીત કરવામાં જો સાથે તમારા જીવનસાથીનો પણ સાથ હોય તો વાત જ અલગ થઈ જાય. "ઘરનું કામ તે સહુનું કામ છે" એ ભાવના સાથે દરેક કામ હળી મળી ને કરતા પોતાના માટે સમય વધ્યો અને આ મળેલા "મી ટાઈમ" માં કવિતા અને લેખ લખ્યા અને ઓનલાઇન પબ્લીશ પણ કર્યું. વ્યસ્તતાને કારણે ભૂલાય ગયેલા શોખને પાછો જીવંત કર્યો. ગુજરાતી વાંચનથી ઘણી દૂર આવી ગઈ હતી તો તેની નજીક આવી. સવારે પ્રદૂષણમુક્ત વાતાવરણમાં થતાં સૂર્યોદયની મજા માણી તો સાથે ડર વગર પોતાને મળેલા મુક્ત પ્રકૃતિને માણતા પક્ષીઓના કલબલાટએ લોકડાઉન ભર્યું જીવન જીવવા ઉત્સાહ પૂરો પાડ્યો અને રાત્રે આકાશ દર્શનની તો મજા જ નિરાલી છે... લોકડાઉનને લીધે પ્રદૂષણ ઓછું થવાથી રાત્રે ઝગમગતા તારા અને ગ્રહો જોવાની અને તેને ઓળખવાનો લાહવો કદાચ વર્ષો પછી મળ્યો. ખોવાઈ ગયેલા ઘણા સંબંધોને પાછા જીવવાનો મોકો મળ્યો. મિત્રો અને કઝીન સાથે વિડિયો કોલ કરી યાદોને વાગોળી.

આમ, આ લોકડાઉનનો અનુભવ એકદમ જુદો જ રહ્યો અને લોકડાઉનનું હું પોતે સમર્થન કરું છું. ગુલઝાર સાહેબની પંક્તિ સાથે સમાપન કરીશ.

"બેવઝહ ઘરસે નિકલને કી જરુરત કયા હૈ ...."


Rate this content
Log in