STORYMIRROR

Neeta Jatakia

Others

4  

Neeta Jatakia

Others

કુદરતનો કહેર

કુદરતનો કહેર

2 mins
223

કમલી,લગ્નનાં 2 વર્ષમાં વિધવા થઈ એટલે એ એની 3 મહિનાની દીકરી સુમીને લઈને માવતરનાં ધૂળિયા ગામે આવી.

નાની ઉંમરનો રંડાપો અને જોબનવંતી કાયા જોઈને ગામડાનાં દરેક પુરુષોની આંખોમાં સપોલિયા દેખાતાં કે ક્યારે આ કાયા....!

પાડોશમાં રહેતો કાનજી પણ નાની ઉંમરે વિધુર થયો હતો. 5 વરહનો દીકરો મૂકી એની વહુ ગામતરે જતી રહી હતી. કમલીને જોતાં એની આંખો પણ બગડી હતી,એટલે એણે કમલીનાં માવતરની મદદ કરવાનાં બહાને ઘરમાં પગપેસારો ચાલું કરી દીધો.

ધીરે ધીરે એની અને કમલીની આંખો ચાર થઈ. કમલીના વૃદ્ધ માવતરની પારખું નજરે આ માપી લીધું. એટલે એમને બંનેનાં લગ્ન કરાવી આપ્યાં...

 કાનજીને તો બગાસું ખાતાં પતાશું મળ્યું. આમને આમ કાનજી અને કમલી સુખે લગ્નજીવન ભોગવી રહ્યાં હતાં.

પણ કાનજી કામાંધ હતો. ઘરમાં આવું જોબન હોવાં છતાં એની ગીધની નજર શિકાર ગોતતી રહેતી. કમલીને થોડો અણસાર હતો, પણ એ આંખ આડા કાન કરતી..

સમય પાણીના રેલા માફક વિતતો હતો. કાનજીનો દીકરો, રઘુ પણ ફુટડો યુવાન થઈ ગયો તો કમલીની દીકરી સુમીએ પણ યૌવનમાં પગરણ માંડ્યા..

સુમી તો કમલી કરતાં પણ અદ્ભૂત રૂપયૌવનની સ્વામીની હતી. અને આ રૂપ... કામાંધ કાનજીનાં નજરે પડતાં એનાં મોંઢામાંથી લાળ ટપકવાં લાગી.

ગામડામાં તો ઉનાળે વરંડામાં ખાટલા ઢાળીને બધાં સૂતાં હતાં. મઘરાતે, સુમીને લાગ્યું કોઈ તેનાં શરીરને સ્પર્શ કરી રહ્યું હતું. તે ઊભી થઈ પણ અંધારું હોવાથી કોણ હતું, એ દેખાણું નહીં..એટલે એ ચૂપચાપ સૂઈ ગઈ એમ વિચારીને કે કદાચ મા હશે ?

પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો. મઘરાતે એ પડછાયો આવતો. પહેલાં તો એ એનાં માથે અને હાથે પગે સ્પર્શ કરતો. આજે તો એ પડછાયો સુમીનાં ગુપ્તાંગને સ્પર્શ કર્યો, ત્યાં જ સુમી એ ચીસ પાડી.

 સુમીની ચીસ સાંભળી પડછાયો અંધારામાં ઓગળી ગયો, પણ કમલી ઊઠીને સુમીને પૂછ્યું. ત્યારે સુમી એ બધી વાત કરી..

બીજા દિવસથી કમલી, ઊંઘવાનો ડોળ કરીને ધારદાર ધારિયું લઈને સૂતી હતી. બે ત્રણ દિવસ તો પડછાયો સુમીને કે કમલીને દેખાણો નહીં એટલે સુમી થોડી નિશ્ચિન્ત બની,પણ કમલી હજી સાવધ હતી જ.

પણ.. અમાસની અંધારી રાતે એ પડછાયો પાછો સુમી તરફ આવ્યો અને સુમીને અડપલું કરવાં જાય જ છે.. ત્યાં તો કમલી વાઘણની જેમ ધારિયું લઈને પડછાયા તરફ ત્રાટકવા જાય જ છે ત્યાં.. ત્યાં જ આકાશમાં વીજળીનો ચમકારો થયો અને સાથે પડછાયાનો ચહેરો સાફ દેખાણો.

 ચહેરો જોતાં જ દાતરડાનો ઘા એ ચહેરા ઉપર ફરી વળ્યો.. લોહીનાં છાંટા કમલીનાં ચહેરા ઉપર ઉડ્યાં હતાં, તે ધોવા કુદરતે સાથ આપ્યો. લાલ રંગ કમોસમી વરસાદ સાથે વહી ગયો.

અને કુદરતનો કહેર બની વીજળી પડછાયાનાં મૃતદેહ પર ત્રાટકી.


Rate this content
Log in