બર્થડે ગિફ્ટ
બર્થડે ગિફ્ટ
રાજુ અને રમા, જાણે સારસ બેલડી જોઈ લો. જાણે બે શરીર અને એક ધબકાર, એટલો ગાઢ પ્રેમ હતો બંને વચ્ચે.
ભલે આર્થિક રીતે સુખી ન હતાં. બંને મજૂરી કરીને પેટ્યું રળતાં હતાં. પણ દલડાંથી અને પ્રેમથી ખુબ ધનવાન હતાં. પોતે ભૂખ્યાં રહે પણ આંગણે આવનાર કોઈ ભૂખ્યો ન જાય એવી શ્રીમંતાઈ ધરાવતાં હતાં.
આવાં પ્રેમી પંખીડાનાં માળામાં એક નવું પંખી આવવાનાં એંધાણ થયાં. રાજુ, ખુશીમાં દોડતો આવતો હતો ત્યાં એક થાંભલા સાથે ભટકાણો. એમાં મગજની એક નસ ડેમજ થતાં તે દ્રષ્ટિહીન બની ગયો. આ આઘાતથી રમા વિચલિત થઈ ગઈ, પણ એણે રાજુને કળવાં ન દીધું. .
રમા, એકલે હાથે બહારનું કામ,રાજુને સંભાળવાનું અને ગર્ભમાં રહેલ સંતાનનું ધ્યાન રાખવું બધું સુપેરે સંભાળતી હતી. રાજુને સધીયારો આપતી કે આપણે તારું ઓપેરશન કરાવી લઈશું. તું ચિંતા ન કરતો. .
સમય જતાં રમાએ નાનકડી પરી જેવી દીકરીને જન્મ આપ્યો, પણ જન્મ આપ્યાં બાદ શારીરિક નબળાઈને કારણે મૃત્યુ પામી.
આ આઘાત રાજુ માટે જીરવવો અસહ્ય થઈ ગયો. એક તો પોતે દ્રષ્ટિહીન અને ઉપરથી બાળકીની જવાબદારી !
રમાનાં મૃત્યુ બાદ તેની આંખો રાજુને મળતાં, એને સંતોષ અનુભવ્યો. અને દીકરી, મીનુનું લાલનપાલનમાં પડી ગયો. મીનુ, થોડી મોટી થઈ ત્યારે રાજુને લાગ્યું કે મીનુ ક્યાંય દ્રષ્ટિ માંડતી જ ન'તી.
એને ડર લાગ્યો એટલે તે મીનુને ડો. પાસે લઈ ગયો. ડો. તપાસીને કીધું, " મીનુની રેટીનામાં પ્રોબ્લેમ છે. કોઈ એને આંખ આપે તો જ એ જોઈ શકશે. .
નિરાશા સાથે રાજુ ઘરે આવ્યો અને મીનુની પરવરીશમાં પડી ગયો. મીનુ,મોટી થતી ગઈ. એ દેખાવમાં ખુબ સુંદર હતી. સાથે સાથે ઠાવકી પણ ખુબ હતી. તે જોઈ ન'તી શક્તી એટલે રાજુ એને મૌખિક રીતે ભણાવતો. બ્રેઈલ લિપિ દ્વારાં તે અક્ષરો ઓળખતા શીખી ગઈ હતી.
બધી જ રીતે હોશિયાર મીનુને જો આંખ હોત તો એ કેટલાં સફળતાંનાં શિખરો સર કરત. . ?એ રાજુ હંમેશા મનોમન વિચારતો.
મીનુ, 8 દિવસ પછી 18 વર્ષની થવાની હતી એટલે એણે એનાં પપ્પાને પૂછ્યું કે, " તમે મારાં જન્મદિવસે મને શું ગિફ્ટ આપશો ? " રાજુ એ મનોમન એક મક્કમ નિર્ધાર સાથે મીનુને કીધું, " મારી પરીને હું એવી સરસ ગિફ્ટ આપીશ કે તું જોતી જ રહી જઈશ. . "
મીનુનાં જન્મદિવસનાં બે દિવસ અગાઉ રાજુ, મીનુને શું ગિફ્ટ દેવી એ વિચારતો માર્કેટ તરફ જઈ રહ્યો હતો.
ત્યાં જ સંજોગોવસાત કહો કે કુદરતની અકળ લીલા, આ વખતે પણ રાજુ એ જ થાંભલા સાથે ભટકાણો, જ્યાં આજથી 18 વર્ષ પહેલાં ભટકાણો હતો.
ત્યારે રાજુની દ્રષ્ટિ ગઈ હતી અને આજે એની ખોપડી ફાટી ગઈ હતી. રાહગીરો ભેગા થઈને એને હોસ્પિટલ લઈ ગયાં.
હોસ્પિટલ પહોંચતા લોહી ઘણું વહી ગયું હતું. . રાજુની હાર્ટ બીટ પણ લો થતી હતી. રાજુને અહેસાસ થયો એટલે એણે ડો. ને કહીં દીધું હતું કે જો મને કંઈ થઈ જાય તો મારી આંખો મારી દીકરીને આપજો. ઘરનો નંબર અને એડ્રેસ આપીને રાજુએ અંતિમ શ્વાસ સંતોષ સાથે છોડયાં.
રાજુની ઈચ્છા મુજબ તેની આંખો મીનુને આપી. આજે તેનાં જન્મદિવસે જ તેની આંખોની પટ્ટી ખોલવામાં આવી. . ત્યારે સર્વ પ્રથમ તેનાં પપ્પાનાં ફોટા સામે જોઈ મીનુ બોલી, " પપ્પા, તમે કીધું હતું કે તમારી ગિફ્ટ હું જોતી જ રહીશ અને આજે હું સાચ્ચે તમારી ગિફ્ટ જોઈ રહી છું.
આમ, રમાની જ આંખો આજે ફરી આઘાતથી રાજુનાં ફોટાને જોઈ રડી રહી હતી.
