કશ્મીરની યાદગાર સફર
કશ્મીરની યાદગાર સફર
આજે હું અહીંયા મારા જીવનની એક યાદગાર સફર વિશે વાત કરીશ. આપણે દરેક જણ જીવન માં કયાંક ને ક્યાંક મુસાફરી કરતા હોઈએ છે. કેટલાક પ્રવાસો, યાત્રાધામોમાં જતા હોઈએ છીએ.એમાંથી અમુક યાત્રાઓ સફર એવા હોય છે જે આપણા જીવનમાં ઘણી ઊંડી છાપ છોડી જાય છે. મારી એવી જ એક યાદગાર સફર કશ્મીર વિશે વાત કરીશ અને આ બધું કાલ્પનિક નથી પણ જાતે જઈને જોયેલું, સાંભળેલું અને અનુભવેલું છે. કાશમીર ની યાત્રા મારા જીવનનું સપનું હતું, કેમ કે અત્યાર સુધી કાશમીર ને ખાલી ટીવી માં જોયેલું, સાંભળેલું હતું, પરંતુ પ્ર્ત્યક્ષ જઈને જોવાનો અનુભવ જ કંઈક અલગ હોય છે.
હું કોલેજમાં હતી ત્યારે એક એનજીઓ સાથે જોડાયેલી હતી, અને એમનાં માધ્યમથી કાશ્મીર એક શિબિર માં જવાનું થયું હતું. કાશ્મીરમાં રાષ્ટ્રીય યુવાશિબિર કરવાની વાત્ ઘણાં સમયથી ચાલતી હતી. નાજુક વાતાવરણ,રાજકારણ, અંત્યત જુદી સંસ્કૃતિ,ગમે તેવો ભડકો થાય તેવી સ્થિતિમાં યુવાશિબિર્ ? શિબિર માં જોડાનાર યુવાનો પણ જુદી જુદી જગ્યા -માન્યતા, સમજણવાળા. . ઘણા પ્રયત્નોને અંતે આખરે ૨૯ મી મે થી ૫ જૂન (૨૦૦૯)દરમ્યાન ગુજરાત સર્વોદય મંડળ (નાગરિક સમાજનું ગઠબંધન ) સાથે મળીને શ્રીનગરમાં યુવાશિબિર ગોઠવી. મુખ્યત્વે માનવ અધિકાર માટે કામ કરનાર આ નાગરીક સમાજના મિત્રોએ કશ્મીરની એ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે અમારી ઉત્તમ વ્યવસ્થા અને તેથી યે વધુ સુંદર કાર્યક્રમ ગોઠવ્યો, જેથી અમે ત્યાંના પ્રશ્ન અંગેની સ્વસ્થ તેમજ સ્વતંત્ર સમજ કેળવી શકીએ. કશ્મીર એટલે પૃથ્વી પરનું સ્વર્ગ અને ' કશ્મીર્ ' એટલે કે જાણે આતંકવાદ નો પર્યાયવાચી શબ્દ્' આટલી જ સમજણ મોટાભાગના આપણે સૌ કશ્મીરથી બધી જ રીતે દૂર રહ્યા રહ્યા ધરાવીએ છીએ તેથી જ શિબિરમાં જતા પહેલા આયોજન કર્યું હતું ઓરિએન્ટલ શિબિરનું, જેમાં કશ્મીરના પ્રશ્ન અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી. શિબિરનો હેતુ એ હતો કે ત્યાં જનાર સૌ ગંભીરતાપૂર્વક, ખુલ્લા મને કાશ્મીરનાં પ્રશ્નને સમજે.
ક્શ્મીર ની વાત્ આપણી સામે આવે એટલે પ્રકૃતિની સુંદરતા, બરફીલો પ્રદેશ, જંગલો, પહાડો, ઝીલ, તીર્થસ્થાનો જ આપણી નજર સમક્ષ આવે. આ જ બધી વાત કશ્મીર જવાની વાત્ આવી ત્યારે મારા મનમાં પણ આવી હતી અને ત્યાં જઈને આ બધું જોયું પણ ખરું, પરંતુ મારી નજરો ત્યાં બીજું જ કશું શોધતી હતી, હેવાનિયત,આતંકવાદી અને સ્વાર્થી લોકોને ત્યાં મેં શોધવાનો બહુ પ્રયત્ન કર્યો પરંતુ તે મળ્યા જ નહીં. કેમ કે અત્યાર સુધી ફિલ્મોમાં,સમાચારપત્ર માં આપણે આ જ બધું જોયું હોય, વાંચ્યું હોય, પણ મેં ત્યાં એના કરતાં કંઈક્ અલગ જ દ્રશ્યો જોયું, ઉલ્ટાનું ત્યાં શાંત સ્વભાવ, મેહમાન -નવાજી, ખોફ નીચે જીવતા લોકો જ મારી નજરસામે આવ્યા. એટલે કે અહીં જે સાંભળવામાં આવે છે, દેખાડવામાં આવે છે તેનાથી સાવ ઉલટું જ ત્યાં હતું. ત્યાં મને એક જ વાત્ સમજાઈ કે માણસો તો બધે સરખા જ હોય છે પણ આપણે એમની સાથે કેવી રીતે રહીએ છીએ તે બાબત ખૂબ મહત્વની છે.
અમે પોતાની યાત્રા ટ્રેનથી શરૂ કરી હતી. જમ્મુ સુધી ટ્રેનમાં ગયા. જમ્મુથી શ્રીનગર બસમાં ગયા હતાં. પહાડોની વચ્ચેથી રસ્તો અને એ પણ ખૂબ જ સાંકડો અને આજુબાજુ માં ખીણ આવા સમયે બધો આધાર બસ ચલાવનાર પર જ હોય અને આવા સમયે સામેથી કોઈ બીજું વાહન આવે ત્યારે ખરેખર જ ડર લાગે. બસમાં અમારી સાથે ક્શ્મીર ના એક બહેન પણ હતા અમે તેમની સાથે વાતો કરવા લાગ્યાં તેઓ દેખાવે પણ ખૂબ જ સુંદર, ખરેખર કાશમીર જેટલું સુંદર છે ત્યાંના લોકો પણ એટલા જ સુંદર છે. એ બહેને જણાવ્યું કે ઘરમાં કોઈ પ્રસંગ હોય અને વધારે સમાન લાવાનો હોય તો શ્રીનગર થી જમ્મુ સુધી બસમાં જ આવવું પડે. અને ક્યારે, ઘરે પહોંચૉ કંઈ નક્કી નહીં. એ બહેન પાસે અમે કાશ્મીરી ભાષામાં એક ગીત ગવડાવ્યું હતું.તેમનો સુંદર અવાજ અને એ ગીત બંને મનમાં રહી ગયા હતા.
આ રીતે લભગ્ રાત્રે દસ વાગે અમે શ્રીનગર પહોંચ્યા હતાં. ત્યાં પહોંચીને જોયું કે શ્રીનગરના રસ્તાઓ અને અમારા સિવાય કોઈ જ દેખાતું નહતું, એક ભયાનક શાંત રાત જોવા મળી. કાશમીરના અમારા આખા કાર્યક્રમનું આયોજન કરનાર હતા 34 વર્ષનાં એક યુવાન, પોતે ચોક્કસ માન્યતાઓ ધરાવનાર, દુનિયા આખીના પાણી પીધેલ અને ક્શ્મીર પ્રશ્ને દુનિયાભરના લોકો સાથે સંબંધ ધરાવનાર, આંતકવાદી બનવા માટે પ્રેરણા મેળવી ચૂકેલ અને લગભગ એ રસ્તે પહોંચી ચૂકેલ આ યુવાને રસ્તો પસંદ કર્યો અહિંસક રીતે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવાનો. ખુરમ પરવેઝ એમનું નામ, એમનું કેહવું હતું કે પહેલા તમે લોકો ને મળો, તમારું ચિત્ર બનાવો પછી આપણે વાતો કરીશું. અમારા મતોથી, અમારા તારણો થી અમારે તમને bias નથી કરવા. અમને થતું હતું અમારું આ નવું સવુ ગ્રુપ, પહેલીવાર આવી નાજુક જગ્યાએ આવ્યા છીએ. લોકો સાથે સીધી વાત કરવામાં કંઈ ગરબડ તો નહીં થાય ને ?પરંતુ પહેલે જ દિવસે એમને નારાજ ક્યાં કરવા એમ માનીને મીની બસમાં બેસી ગયાં. અમારી સાથે સ્થાનિક યુવાનો પરવેઝ ઈમ્તીયાઝ (જે પત્રકાર પણ હતા ) અને તેમના મિત્રો હતા.પહેલે દિવસે બારામુલ્લા જીલ્લા ના સોપોર્ ગામે જવાનું થયું.
આ વિસ્તારમાં સફરજનના બગીચાઓ મોટા પ્રમાણમાં આવેલા હોવાથી સોપોર્ ને એપલ ટાઉન પણ કહેવામાં આવે છે. સોપોર્ આશરે પાંચથી સાત હજારની વસ્તી ધરાવતો કસબો છે.પાંચ પાંચના જૂથમાં વેપારીઓ, બજાર કરવા આવેલાં લોકોને મળવાનું થયું. તે પછી બોમાઈ ગામમાં ગયા,જયાં સેનાએ કરેલ ગોળી બાર ના લીધે ગામના બે યુવાનો માર્યા ગયા હતાં.આ ઘટના પછી લોકોના વિરોધ -દેખાવો ને પરિણામે સેનાને આ ગામમાંથી પોતાનો કેમ્પ હટાવી લેવો પડ્યો હતો.સાંજે જૂના બારામુલ્લા કસબામાં જવાનું થયું.એવું મનાય છે કે ઘણાં આતંકવાદીઓ (અહીંની ભાષા માં સ્વાતંત્ર્ય સૈનિકો) અહીંથી ઊભા થયા અને હજુ આજે પણ અહીંથી ખૂબ ટેકો મળે છે, અહીંની હવા જ ખરેખર જુદી હતી.અમે સ્હેજ વાત્ કરવાનું શરૂ કર્યું, તો જોતજોતામાં મોટું ટોળું થઈ ગયું. બધા એક અવાજે કેહતા હતા "કશ્મીરને આઝાદી આપો પોતાનું ભવિષ્ય અમને પોતે નક્કી કરવા દો "-બહેનો સાથે પણ જુદા ઉભા રહીને વાતચીત થઈ -અહીંના હાલત કેવા છે? તમે ક્શ્મીર્ ના પ્રશ્ન અંગે શું માનો છો ? વગેરે. ..તેમને કહ્યું એક જ વાત આઝાદી, ન્ અમારે ભારત સાથે રહેવું છે, ન્ પાકિસ્તાન સાથે. અનંતનાગના ઊંડાણના ખુન્દર ગામે ગયા. ઊંડાણ નું ઘર હોવાથી ઘણા ઘરો કાચા હતા.ખૂબ જ સુંદર લાકડાં માટીના દેખાતા આ ઘરોમાં જયાં ત્યાં તિરાડો જોવા મળી. કારણ પુછતાં જાણવા મળ્યું કે ગામની નજીક દારુખાનુ રાખવાનું આર્મીનું ગોદામ આવેલું છે.ત્યાં ૨૦૦૭ માં આગ લાગતા ધડાકો થતાં ત્રણ ગામો ના ઘરોને નુકસાન થયું. આ ઘટનામાં 20 લોકોના મૃત્યુ પણ થયા હતા.હજી પણ વચ્ચે વચ્ચે ગમે ત્યારે નાના મોટા ધડાકાઓ આ ગોદામ માં થયા કરે છે.લોકોએ કીધું આ દારૂગોળાનું ગોદામ વસ્તીથી દૂર લઈ જવામાં આવે એજ આનો ઉપાય છે. અમે ખેતીવાડી વાળા લોકો ખેતી છોડી ને ક્યાં જવાના હતાં.આમ વીસ વર્ષથી સેના અહીં હોવાને કારણે આપણે કલ્પના ન્ કરી હોય તેવા પ્રશ્નો અહીંના ગામેગામ ઊભા થયેલા છે. ઠેરઠેર બહેનો પર અત્યાચાર, જુવાન છોકરાઓને આતંકવાદી ના શક હેઠળ ઉઠાવી જવા અને પછી તે કદી પાછા જ ન્ આવે, જમીનો આંચકી લેવી, આતંકવાદીઓ ને ટેકો કરો છો કહીને ઊભા પાક, ઘરો બાળી નાખવા વગેરે જેવી અસંખ્ય ઘટનાઓ unreported કશ્મીરના સામાન્ય જીવનનો ભાગ બનેલી છે. એટલે કહી શકાય કે કાશ્મીર ની ઉપર થી દેખાતી શાંતિ અને કુદરતી સૌંદર્ય વચ્ચે ગામના લોકોમાં એકળામણા અને ભય સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો.
કશ્મીરના પ્રશ્નનો જે આબેહૂબ ખ્યાલ આવ્યો તેનું એક બહુ મોટું કારણ શોપીયાનની આ ભયાનક ઘટના જેણે કશ્મીર ઘાટીને ફરી એકવાર હલાવી મૂકી હતી, કહો કે સળગાવી મૂકી હોય. આ ઘટના બની ૨૯ મી મે એ, જે સાંજે અમે શ્રીનગર માં પગ મૂક્યો.
સત્તર વર્ષની આસિયાજાન અને તેની બાવીસ વર્ષની ભાભી નિલોફરજાન એ ગોઝારા દિવસની સાંજે પોતાના કુટુંબના ફળઝાડના બગીચામાં કામે ગયા હતાં. રાત્રે ૧૦ સુધી જયારે કુટુંબની આ બંને બહેનો ઘરે પાછી ન્ ફરી ત્યારે આસિયનો ભાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયો. પોલીસે આખા વિસ્તારની તપાસ માટે એક પોલીસ પાર્ટીની વ્યવસ્થા કરી અને રાત્રે ૨:૩૦ વાગ્યા સુધી આ બંને મહિલાની નિષ્ફળ તપાસ કરવામાં આવી. વળતી સવારનાં અજવાળામાં આ બંને મહિલાઓ ના શબ્ મળી આવ્યા.બંને એકબીજાથી 1 કિ.મીના અંતર પર્ નાળા ને કિનારે મળી આવ્યા હતાં. બંને ના શરીર લોહીલુહાણ, કપડાં ફાટેલી હાલતમાં હતાં. એ રાતે બે નહીં પણ ત્રણ નિર્દોષ જાનો ગઈ, કારણ કે નિલોફર્ ભારે પગે હતી.આ ઘટનામાં પોલીસે શરૂઆતમાં મદદ કરી, પછી શબને શોપીયાન જીલ્લા હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા. અહીં સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ પોલીસને જેવી શંકા ગઈ કે ખરેખર જ આ બંને સ્ત્રીઓ પર્ બળાત્કાર કરવામાં આવ્યો હતો અને PM રિપોર્ટ જો બહાર પડશે તો મોટા પ્રમાણમાં આના પડઘા પડ્યા સિવાય રહેશે નહીં. તેથી સ્થિતિની ગંભીરતાને સમજીને તેની જવાબદારી લેવાને બદલે એક સામાન્ય ઘટનાની જેમ જ આ ઘટના ને પણ લીધી.આ એક ગંભીર ભૂલ હતી. જે લોકો એ પોતાની બહેન -દીકરી પર્ આવા અત્યાચાર વર્ષોથી જોયા છે, તેમને હવે કાયદો, સરકાર, પોલીસ કે સેના કોઈનામાં વિશ્વાસ રહ્યો નથી. કહેવાય છે ને કે 'ઝેર નાં પારખાં ન હોય ' પણ કમનસીબે આ શોપીયાન ની ઘટનાએ ક્શ્મીર્ ના પ્રશ્નને જે રીતે હૃદયમાં સોંસરો ઉતાર્યો તે અન્યથા ન્ બન્યું હોત કેમ કે અમે એ દિવસોમાં શ્રીનગર માં જ હતા. આ ઘટના થી શ્રી ગિલાની એ કશ્મીર બંધનુ એલાન આપ્યું.શ્રીનગર બંધની જાહેરાત થતાંની સાથે જ પોતાની મેળે જ આખું નગર બંધ રહ્યું અને ઠેર ઠેર સ્વંયભૂ, વિકેન્દ્રિત ૮-૧૦ ના નાના ગ્રુપથી માંડીને ૧૦૦-૧૫૦ ના ફક્ત બહેનોના જુવાનિયાઓના જૂથ રસ્તા પર નીકળી આવ્યા.કોઈ મોટા નેતા રેલીનું આયોજન કરે, એલાન આપે ત્યાં સુધી રાહ જોવાની આ માં બહેનોની સ્થિતિ ન્ હતી.આટલા વર્ષોમાં એમણે જે જે સહન કર્યું છે તેનાથી ડરને હવે તેઓ પાર કરી ગયા છે.શું જમીનના ટુકડા માટે, સરહદ ને સાચવવા માટે, ક્શ્મીર્ ભારતનું અવિભાજય અંગ છે એ સાબિત કરવા માટે આવા નિર્દોષોનું લોહી ક્યાં સુધી રેડાતુ રહેશે. ?
બીજે દિવસે અમને ખુરમ્ પરવેઝ્ દ્રારા સૂચના આપવામાં આવી કે આપણે એક ઈસ્લામી રાજયના પ્રખર પુરસ્કર્મિ એવા કટ્ટરવાદી નેતાને મળવા જઈ રહ્યા છીએ. એંશી વર્ષ વટાવી ચૂકેલા બુઝુર્ગ છે. આમ તો શક્તિ થી ભરપૂર પણ તમે કંઈ એવો પ્રશ્ન પૂછી લો તો નારાજ પણ થઈ જાય ત્યારે, તમને આઘાત ન્ લાગે તે માટે ભૂમિકા બાંધી દઉં છું.અમે બધા જ ગિલાની સાહેબ ને મળવા તેમને પ્રશ્નો પૂછવા આતુર હતા.કારણકે તેમને મળવા પહેલાના બે દિવસ કુપવાડા અને અનંતનાગના જિલ્લાઓ ના અંતરિયાળ ગામડાઓમાં ફરીને લોકોને મળવાનું, તેમ જ આમ નાગરિકો, પત્રકારો સાથે વાતચીત વગેરે થઈ ચૂક્યું હતું તેથી અમારી કોરી પાટી પર્ આ બે દિવસની સવારના ૭ થી રાતના ૧૦ સુધીની મુલાકાતોને કારણે ઘણું બધું અંકાઈ ચૂક્યું હતું. છેલ્લા બે મહિનાથી ગિલાની ને સરકારે નજરકેદ કરીને રાખ્યા હતાં. ગિલાની'ઓલ્ પાર્ટી હુરિયત્ કોન્ફરન્સ નું નેતૃત્વ કરે છે. અને કશ્મીરની પરિસ્થિતિ માં એક યા બીજા કારણસર તે સૌથી વધુ લોકપ્રિય મજબૂત નેતા તરીકે ઉભરી રહ્યા છે.ત્યારબાદ શબ્બીર શાહને મળ્યા.તેમની અડધી જિંદગી જેલમાં વીતી છે. એટલે અહીં એમને ક્શ્મીર્ ના,,' નેલ્સન મંડેલા ' તરીકે ઓળખવામાં આવે છે. ગિલાની કરતા એકદમ જુદી જ ભાત પાડતા આ યુવાન ખુશ મિજાજી, તળપદા ક્શ્મીર્ ને છાજે એવી મીઠાસ વેરતા સમન્વ્યકારી વ્યક્તિત્વ ધરાવનાર છે. આ નેતાજી ને પણ નજરકેદમાં રાખ્યા હોવાથી તેમને મળવા પણ તેમાંના ઘરે જ જવાનું થયું. દરેક જગ્યાની જેમ અહીં પણ અમે મેહમાનગતિ તો માણી જ.ક્શ્મીરનો કાવો એક વિશેષ પીણું છે, પાણીમાં કેસર બદામ, તજ, વગેરે તેજાના નાખીને ઉકાળવા માં આવે છે અને ખાંડ અથવા મીઠું નાખીને તે પીવાય છે. ક્યાંક આવો કાશ્મીરી કાવો તો ક્યાંક શરબત, ફ્રૂટ જયુસ અને નાસ્તો અમારા આખા ગ્રુપ ને અચૂક અપાતા જ.
ત્યારબાદ 1 લી જૂને યાસીન મલિક ને મળવાનું હતું. ત્યાંરે તેમનો સંદેશો આવ્યો કે મારા ઘર સામે પથ્થરમારો ચાલી રહ્યો છે લોકો અને CRPF/Army વચ્ચે. એટલે હમણાં અહીં આવવું તમારે માટે જોખમભર્યું થઈ શકે. તેથી અમારો કાર્યક્રમ બદલવો પડ્યો ને બીજે દિવસે લાલ ચોકના અમારા ઉતારેથી યાસીનને ઘરે જવા ઉપડ્યા.કરફ્યુ વચ્ચેથી નીકળીને અમે ચાલતા એમના ઘરે પહોચ્યાં, કાશ્મીરમાં આવી રીતે કરફ્યુ જાહેર થવો અને છતાં લોકોની આવન જાવન સાવ સામાન્ય બની ગયા છે. જો કે અમે ૨૯ મે ની રાતથી ૫ જૂન સુધી રહ્યા તે દરમિયાન શ્રીનગરને ખુલતું નહીં જોઈ શક્યા ! અને છતાં રોજ સવારે જીવન જરુરિયાતની વસ્તુઓ સૌને મળી રહે, છાપાં તો અચૂક આવે જ ! (કાશ્મીર નો માણસ પોલિટિકલી બહુ વધુ જાગૃત લાગ્યો ) . સવારે જમ્મુ, બારામુલ્લા, પહેલગામ, ગુલમર્ગ, વગેરે જુદી જુદી દિશાઓ માં જતી જીપો /વાહનો પણ નીકળી જાય.વારંવાર નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું કે ટુરિસ્ટ હેરાન થાય તેવું ક્શ્મીર્ ઘાટીમાં થવું જોઈએ નહીં - અને અમે તો આબેહૂબ અનુભવ્યું. અમે રહ્યા તે દિવસે શ્રીનગર બંધ, હડતાલ, દેખાવ, પથ્થરમારો, ધરપકડો વગેરે કાર્યક્રમ વચ્ચે અમારા બધા કાર્યક્રમ જેમના તેમ ચાલતા રહ્યાં, એટલું જ નહીં અમારા કોઈનો વાળ પણ વાંકો થયો નહીં.
યાસીન મલિક્ ને મળ્યા આ છે 42 વર્ષનો યુવાન પણ (ટોર્ચર ને કારણે જેને શરીર થી ઘરડો બનાવી દેવાયો છે - પણ તેજ તેવું જ અકબંધ ) ક્શ્મીર્ માં સન 1988 માં બીજા ચાર મિત્રો સાથે પહેલ વેહલી બંદૂક ઉઠાવનાર, ઉગ્રવાદ ને જન્મ આપનાર છે આ માણસ ! ટોર્ચર ના લીધે યાસીન ના હ્ર્દયમાં કાણુ પડેલું છે તેઓ પરાણે બોલી બેસી શકતા હતા. તેમને જણાવ્યું કે આપણે આઝાદી ના ઈતિહાસમાં એક જલિયાવાલા બાગ ની વાતથી હલી ઊઠીએ છીએ. ક્શ્મીર્ ની વાત સાંભળશો તો અહીં દરેક ગામમાં, દરેક મોહલ્લામાં જલિયાંવાલા બાગ છે, યાસીન ના વાક્યે વાક્યે, શબ્દે શબ્દે દર્દ હતું. મારા મનમાં આજ દિન સુધી માન્યતા હતી કે નેતા કટ્ટરવાદી જ હોય, પરંતુ યાસીન મલિકના બધા જ ધર્મો વિશેના ઊંડા જઞાને મારી આ માન્યતા તોડી.
ત્યારબાદ અમે શ્રીનગર માં આવેલ યતિમ્ ફાઉન્ડેશન ની મુલાકાત લીધી. આ સંસ્થા, સેના તેમજ આતંકવાદીઓ ની હિંસાના લીધે અનાથ બનેલા બાળકો, વિધવાઓ, વગેરે સાથે ધર્મ, જાતિ -પંથ વિસ્તારથી ઉપર ઉઠીને તેમનાં ઉત્કર્ષ માટે કામ કરી રહી છે. યતિમ ફાઉન્ડેશનમા અમે અનાથ બાળકો ની મુલાકાત લીધી. શરૂઆતમાં બાળકોની આંખો જાણે અમને પ્રશ્ન કરતી હોય એમ લાગ્યું. ડરેલા, ગભરાયેલા માસૂમ ચેહરા, આવા સાઠેક બાળકો એક સરખી મુદ્રામાં એકદમ ચૂપચાપ અમારી સામે બેઠા હતાં, દરેકે પોતાનો વ્યક્તિગત પરિચય આપ્યો ત્યારે ગુજરાતથી ગયેલ અમારા બધાંના ચેહરા એકદમ ફીકા પડી ગયા.કેમ કે આવા ગંભીર પ્રશ્નનો સામનો આવા નાનાં બાળકો ને પણ કરવો પડતો હશે તેની કલ્પના ન્ હતી.
યતિમ્ ફાઉન્ડેશનમા એક છોકરાએ જે ગીત ગાયું, તેના થોડા શબ્દો હતા......"
" જન્મ સે બાપ કો દેખા નહીં.માંકી ગોદમે ખેલા નહીં.". બધાનાં દુઃખી માસૂમ ચેહરા જોઈને અમે પણ ખૂબ જ દુઃખી થયા. તેઓ સાથે રમત રમ્યા, વાતચીત કરી પછી તેઓ અમારી સાથે એવા હળીમળી ગયા હતા કે અમને ત્યાંથી આવવા જ નહોતા દેતા અમારો હાથ્ પકડી રાખ્યો હતો.. કહેવાય છે કે બાળકો દેશનું ભવિષ્ય છે, આપણા નેતાઓ જાણે કે આ વાત ને લાલ કલરથી ભૂંસી નાખવાનો પ્રયત્ન કરતા હોય તેવું કાશમીર માં બંધ આંખે જોઈ શકાય તેમ છે.
આ રીતે અંતરિયાળ ગામોમાં જઈને કાશમીર ની આમ જનતા ને મળ્યા. સૈયદઅલી શાહ ગિલાની જેવા કટ્ટરવાદી નેતાથી માંડીને શબ્બીર શાહ જેવા સમન્વ્યવાદી નેતા તેમ જ જેમણે સૌથી પહેલી બંદૂક ઉઠાવેલી તેવા યાસીન મલિક જે આજે પૂરેપૂરી અહિંસક લડત જાનને જોખમે લડી રહ્યા છે તેમને પણ મળ્યા.. (તેમના પર આતંકવાદીઓ તરફથી ત્રણ જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે ) અને સરકાર પણ તેઓને હેરાન કરે છે. તે ઉપરાંત પરવેઝ ઈમરોઝ્, અંગોના ચેટરજી, જેવા નાગરીક સમાજના કર્મશીલો સાથે પણ કાશ્મિર અંગેના તેમાંના વિચારો જાણવાનું ગોઠવાયું. અને સરકાર ની જે સમજ છે તે જાણવા માટે ક્શ્મીર ના IGP તથા અન્ય મહત્વના પોલીસ અધિકારીઓ સાથે પણ ત્રણવાર મુલાકાતો ગોઠવાઈ ( સાથે તેમાંના તરફથી શાહી ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી.કુપવાડા જીલ્લા માં ત્યાંના DIG સાથે મીટિંગ ગોઠવાઈ, તેમની સાથે સવાલ જવાબ થયા તેમને ખૂબ સિફતથી પોતાનો પક્ષ રજૂ કર્યો. જમ્મુ કાશ્મીર પોલિશ ને અમારા ગળે ઉતારી દેવું હતું કે આતંકવાદ ખતમ થઈ ગયો છે અને એનું બધું શ્રેય j&k પોલીસ ને જાય છે. એમણે અમને ખુશ કરવા શાહી નાસ્તાનું આયોજન કર્યું.અને સાથે સાથે ખૂબ વિગત માં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ કર્યા.અને અમને કીધું હતું કે આપણે એકવાર ભોજન સાથે લઈશું "आप लोग इतनी दूर से हमारे यहाँ आये है, तो कश्मीर कि महेमान नवाजी तो देख के जाइए ", કોઈ વિદેશી પ્રતિનિધિઓ આવ્યા હોય તેવો મોટો સમારંભ કરવામાં આવ્યો. પોલીસના VIP loubge માં 3-4 DIG ઓ ની હાજરી સાથે' ફાઈવ કોર્સ 'ડીનર નું આયોજન કર્યું. જેમાં ક્શ્મીર્ નાં વિશેષ શાક ભાજી તેમ જ વિવિધ પકવાનો ખવડાવ્યાં.
ક્શ્મીર ના પ્રવાસ દરમ્યાન મુસ્લિમો વિશેની મારી સમાજમાં ઘણો વધારો થયો છે.આ પ્રવાસ વખતે ખ્યાલ આવ્યો કે હિંદુ -મુસ્લિમ, ભારત પાકિસ્તાન, કશ્મીર કોઈ જુદાં નથી. આ સાતેક દિવસમાં સુંદર ક્શ્મીર,ધરતીનું સ્વર્ગ કશ્મીર ક્યાંય્ નજર ના આવ્યું, પરંતુ સ્ત્રીઓના સરઘસ, બંધ દુકાનો, બંધ રસ્તાઓ, રાત્રે નીકળતી રેલીઓ, વગેરે જ જોયું.જોવાની ખૂબી એ છે કે આ બધાનાં કોઈ જ સમાચાર અહીં એટલે કે ક્શ્મીર સિવાયના ભારત ના અન્ય પ્રદેશોમાં ન્ હતા.
ક્શ્મીર આપણા દેશનું અભિન્ન અંગ છે એવું આપણે બોલતા આવ્યા છીએ, પરંતુ અહીં આવીને લાગ્યું કે આ તો માત્ર નકશા પૂરતું જ છે. ક્શ્મીર અંગે આપણી સામે ભયાનક ચિત્ર દોર્ વામાં આવે છે,પરંતુ અહીંની પરિસ્થિતિ જુદી છે. અમારા અંદાજ પ્રમાણે, જો જનમત્ લેવાય તો ક્શ્મીર્ ઘાટીની બહુ મોટી સંખ્યા ક્શ્મીર્ ને આઝાદ દેશ તરીકે જોવાનું પસંદ કરે. અને છતાં આ અઠવાડીયાના સમય દરમ્યાન કાશ્મીરમાં જેને પણ મળ્યા તેમણે અમને સૌને તેમની પાસે જે કઈ હતું તે, પૂરા હૃદયથી એવુ આપી દીધું કે કહેવાનું મન થાય કે ભલે તમારે ભારત સાથે નથી રહેવું, અમારે તો તમારી સાથેનો જે દોસ્તીનો નાતો બંધાયો છે તે કદી પૂરો નથી થવા દેવો ! આ વાત્ લોકો વચ્ચેના સંબંધોની, સંવાદની છે, હૃદય જયારે હૃદયને મળે છે ત્યારે સમીકરણો બદલાઈ જાય છે. તે પછી બારામુલ્લાના રિયાઝમિયાનો ગુજરાત યુવામિત્રો સાથે જોડાઈ જવાનો નિર્ણય, કે પછી એક જમાનામાં ક્શ્મીર્ આખાને ધ્રુજાવનાર કદીર્ સાહેબ ની શાંત -નમ્ર મહેમાનગતિ અને પોતાની જીવનયાત્રાને અમારી સામે ખુલ્લી મુકવાની નિખાલસતા હોય, કે પછી પરવેઝ ઈમરોઝ્ જેવા ક્શ્મીરના માનવ અધિકારો માટે લડતાં કાર્યકર્તા ગુજરાતનાં મિત્રો પ્રત્યેની આભાર ની લાગણી : "આવું આમ નાગરિકો નું ગ્રુપ અમારા પ્રશ્નો સમજવા માટે કયારેય આવ્યું જ નથી - આ અભૂતપૂર્વ ઘટના છે. અમે કયા શબ્દોમાં તમારો આભાર માનીએ ? કે પછી તેમના પંડિત પડોશીઓ તેમનો સાથ છોડીને ચાલ્યા ગયા છે તેને કારણે આંસુ સારતી કશ્મીરી માતાઓ હોય........અને ગિલાની સાહેબ, શબ્બીર શાહ, યાસીન મલિક જેવા ટોચના નેતાઓની મુલાકાત જ નહીં, પ્રેમભરી દોસ્તી અને ક્શ્મીરની મહેમાન નવાજી !
ક્શ્મીરથી વિદાય લેવી શક્ય જ ન હતી. એટલે સાચી વાત તો એ જ છે કે ક્શ્મીરથી પાછા અવાયું જ નથી. ત્યાંના પ્રશ્નોની intensity (તીવ્રતા ) આપણા પ્રશ્નો કરતાં જુદા જ પ્રકારની અને જુદા જ સ્તર ની છે. અને તેથી જ ત્યાંથી વિદાય લેતી વખતે કેહવાયુ કે " અમે અહીંથી ખૂબ બધી શક્તિ, સમજણ, વેદના અને દોસ્તી લઈને જઈ રહ્યા છે. આટલા ઓછા સમયમાં ક્શ્મીરનો પ્રશ્ન સમજવો ; પરિસ્થિતિ સમજવી ' 'તથ્ય શું ; એ જાણવું અઘરું હતું. પણ બે બાબતોથી મન સતત વિચારશીલ રહ્યું, 'આર્મી 'અને આઝાદી. મારા મતે કાશ્મીરનું જે સ્વરૂપ અહીંથી મનમાં કંડારીને લઈ ગઈ હતી તેના કરતા ઘણું આઘાતજનક હતું. ક્શ્મીર્ માં આટલા દિવસ જુદા જુદા લોકોને મળ્યા, વાતો થઈ એમાંથી બધું જ સમજાઈ ગયું એવું તો નહીં કહું, પણ એ લોકો સાથે અમે ખરેખર ખૂબ જ આનંદ કર્યો. ક્શ્મીરના લોકો સાથેનો પરિચય અને સંપર્ક વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાંની જે કિશોરીઓ હતી તેમની સાથે વાતો કરવાની બહુ મજા આવી, દેખાવમાં ખૂબ જ સુંદર, વાતો પણ એટલી નિર્દોષ, ખરેખર અમને એ લોકો પાસેથી જવાની બિલકુલ ઈચ્છા નહતી થતી, એ લોકો પણ અમારી સાથે હળીમળી ગયા હતા અમને કેહતા હતા દીદી ચાલો ને અમારા ઘરે બહુ બધા સફરજન ના ઝાડ છે. મજા આવશે. ક્શ્મીર માં જંગલ્ ના રસ્તે પણ જવાનું થયું. જંગલમા વિવિધ પ્રકારના વૃક્ષો જોયા. રસ્તામાં કેસર, બદામ, અખરોટ, સફરજનના પણ વૃક્ષો જોયા. ગુલમર્ગમાં જઈને બરફના પહાડ પણ જોયા. ક્શ્મીર્ ની કુદરત ખૂબસૂરત છે. પરંતુ ત્યાંના લોકોની હાલત આજે કેવી છે ! અહીં કુદરત તરફથી ઈન્સાન ને ઘણી બધી દેણ મળી છે. પરંતુ માણસ ના અંદર અંદર ના ઝગડા નહીં મટે તો, તે કુદરત ની સેવા નહીં કરી શકે, ન તેને વિજઞાન નો લાભ મળશે.
આપણે ત્યાં એમ કહેવાય છે કે ક્શ્મીરનો સવાલ પતી ગયો છે. આંખ બંધ કરીને કેહવું હોય કે પતી ગયો છે તો એમ કહી શકાય, પણ તે યોગ્ય નથી.એ સવાલ તો ત્યારે પતી ગયેલો ગણાશે,જયારે ભારત ને સમાધાન થશે, પાકિસ્તાને સમાધાન થશે. જયારે ત્રણેયને સમાધાન થશે અને કોઈનેય સરહદ પર્ સેના નહીં રાખવી પડે, ત્યારે એમ કહી શકાશે કે ક્શ્મીર નો સવાલ ઊકલી ગયો. આમ કાશ્મીર જવાનું સપનું પૂરું તો થયું, પરંતુુ કાશ્મીર અને ત્યાંના લોકોને આટલું નજીક થી જાણવાનો અવસર મળશે તે કયારેય નહતું વિચાર્યું. એટલે મારી કલ્પના કરતા કંઈક અલગ જ પ્રકારનાં ક્શ્મીર્ ને હું મળી હતી.
ક્શ્મીર્ માં ફરીને જોયું કે ત્યાં કુદરત ખૂબસૂરત છે, લોકો ખૂબસૂરત છે, અને એમના દિલ પણ ખૂબસૂરત છે. ક્શ્મીર્ ની હવામાં ઠંડક છે, તેમ ત્યાંના લોકોનાં દિમાગમાંયે ઠંડક છે, એટલે કે ત્યાંના લોકોનો મિજાજ ઠંડો છે, ગરમ નથી. એ મેં અનુભવ્યું.
