હમદર્દી !
હમદર્દી !
રસ્તાના ખૂણે બેઠેલો એક માણસ રડી રહ્યો હતો. આ ઘટનાના મુખ્ય પાત્ર એવા એક અન્ય ભાઈએ ત્યાંથી પસાર થતાં પેલાની પાસે થોભીને પૂછ્યું, ‘દોસ્ત, તું કેમ રડે છે ? તને શું થયું છે ?’
‘હું છેલ્લા ત્રણ દિવસથી ભૂખ્યો છું.’ પેલાએ જવાબ વાળ્યો.
અન્ય ભાઈએ તો સ્વગત ‘બિચ્ચારો !’ બોલીને પેલાની પાસે બેસી જઈને રડવાનું ચાલુ કરી દીધું. પહેલાવાળો નવાઈ પામતાં પૂછી બેઠ., ‘ભલા માણસ, પણ તમે શા માટે અને કોના માટે રડી રહ્યા છો ?’
‘હું પણ એક દિવસનો ભૂખ્યો છું અને તારા દુ:ખને સમજી શકું છું; અને એ માટે જ હું રડી રહ્યો છું !’
‘પણ, તમારા હાથમાં બ્રેડ છે અને છતાંય રડો છો ! આપણે બંનેએ આ બ્રેડથી આપણી ભૂખ મિટાવીને રડવાનું બંધ ન કરી દેવું જોઈએ ?’
‘આપણે બંનેએ ? બિલકુલ નહિ! હું તારી પાસે કલાકો સુધી બેસીને તારી ભૂખ અને તારા દુ:ખમાં સહભાગી થવા રડી લેવા તૈયાર છું; પણ આ બ્રેડ તો ન જ આપી શકું, કેમકે એ તો મારા કુટુંબ અને મારા માટે જ છે !’
