Sujal Patel

Children Stories Horror Thriller


4  

Sujal Patel

Children Stories Horror Thriller


ડર

ડર

8 mins 53 8 mins 53

એક‌ રાત્રે હું પોતાનાં ગામની સીમમાંથી ગામ તરફ જઈ રહી હતી. મારે એક ભૂતની વાર્તા લખવી હતી. જેનાં વિશે મારાં મનમાં સેંકડો વિચારો ચાલી રહ્યાં હતાં. એવામાં જ હું ચાલતાં ચાલતાં અમારાં ગામની નજીકનાં જંગલ પાસેથી પસાર થઈ. કંઈક હોરર લખવા માટે હોરર જગ્યાએ જવું પડે. બસ એટલાં માટે જ હું એ સમયે એ‌ જંગલ તરફ ગઈ હતી.

જંગલ ખૂબ જ ઘનઘોર અને બિહામણું હતું. આ સમયે મારાં ગામમાં જવલ્લે જ કોઈ વ્યક્તિ જાગતું હોય. ગામની વસ્તી પણ થોડી એવી જ હતી. હું વિચારોની હારમાળા ગુંથતી ગામ તરફ આગળ વધી રહી હતી. એવામાં જ જોરદાર પવન ફૂંકાયો. એની સાથે જ મારી નજર સામે એક વ્યક્તિ આવીને ઊભી રહી ગઈ. તેનો ડરામણો ચહેરો જોઈને, મારાં ચહેરા પર પરસેવાનાં બિંદુઓ જામી ગયાં. જોતજોતામાં એ બિંદુઓ એકત્રિત થઈને કપાળેથી તેનાં રેલા બની, ગાલેથી ઉતરી કાન પાસે અથડાતાં દાઢી પાસે પહોંચી ગયાં.

બધાં લોકો આ જંગલ પાસેથી આ સમયે પસાર થતાં ડરતાં. બધાનું માનવું હતું, કે એ ભૂતિયા જંગલ છે. આજનાં સમયમાં શું ભૂત જેવું કંઈ હોતું હશે ખરું!! છતાંય ખબર નહીં કેમ?? એ વ્યક્તિનો ડરામણો ચહેરો જોઈને, મારી અંદર ડરનું એક‌ લખલખું પસાર થઈ ગયું.

હું તો ભૂતની વાર્તા લખવા માટે કંઈક જોરદાર વિચારો આવે, એવાં ઈરાદાથી આ રસ્તે, આ સમયે નીકળી હતી. જ્યારે મારી સામે તો સાચું ભૂત જ પ્રગટ થઈ ગયું હતું. જેની ખબર મને મેં જ્યારે એ વ્યક્તિનાં ખંભે હાથ મૂક્યો, ત્યારે પડી હતી. મારો હાથ એનાં ખંભાની સોંસરવો નીકળી ગયો. એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં જ મારાં આખાં શરીરમાં ડરનો જન્મ થયો. મારી સામે જે વ્યક્તિ ઊભી હતી. એ માણસ નહીં, પણ એક ભૂત હતું.

મારી સામે એકદમ હોરર સીન બની ગયો હતો. જેની મેં કલ્પના પણ નહોતી કરી. હવે તમે જ વિચારો, તમે ભૂતની વાર્તા માટે પ્લોટ શોધી રહ્યાં હોય. એ સમયે જ સાચું ભૂત તમારી સામે આવીને ઊભું રહી જાય. તો તમારી કેવી હાલત થાય!? મારી હાલત પણ ત્યારે એવી જ થઈ ગઈ હતી.

ભૂતિયા જંગલ, ભૂતિયા સ્ટોરી અને સામે સાચું ભૂત!! ડરામણી વાર્તાનાં લીધે મારી પાસે એક સાચું ડરામણું ભૂત ઊભું હતું. તેનાં અડધાં ચહેરાની ચામડી બળી ગઈ હતી. આંખની કીકીઓ સફેદ હતી. વિખરાયેલાં લાંબા વાળ તેનાં ચહેરાની આજુબાજુ ફેલાઈ ગયાં હતાં. જેનાં લીધે તેનો ચહેરો વધું બિહામણો લાગતો હતો.

મેં થોડું વિચાર્યા પછી ત્યાંથી ભાગવાની કોશિશ કરી. મારી એ કોશિશ નિષ્ફળ રહી. એ ભૂતે મને પાછળથી દબોચી લીધી. તેનાં નખ એવાં ધારદાર અને અણીદાર હતાં, કે મારાં ગળેથી લોહી વહેવા લાગ્યું. એક પળ માટે તો મને થયું, કે હવે હું નહીં બચું. મોતનો ડર જ્યારે મોત આપણી નજર સમક્ષ ખડું હોય, ત્યારે જ લાગે છે. ત્યારે મૃત્યુ મારી નજર સમક્ષ ઊભું હતું. મેં નાસી છૂટવાની ઘણી કોશિશ કરી. પણ, હું એવું નાં કરી શકી. એણે મને મજબૂતાઈથી પકડી રાખી હતી.

મારી આંખોમાં ડર ચોખ્ખો નજર આવી રહ્યો હતો. જે મને મારી આંખો અરીસામાં જોયાં વગર જ નજર આવતો હતો. મારી કુર્તી કોઈએ પાણીમાં પલાળી હોય, એટલી ભીની થઈ ગઈ હતી. જે મારાં ડરના લીધે મને જે પરસેવો વળ્યો હતો, એનાં લીધે ભીની થઈ હતી.

"ડર નહીં, હું તને મારીશ નહીં." અચાનક જ મને એ ભૂતનો અવાજ સંભળાયો.

"તો મને આ રીતે શાં માટે પકડી રાખી છે?? મને જવા દો." મેં તેની પકડમાં રહીને જ વાત ચાલું રાખી.

"હું તને છોડી દઈશ. બદલામાં તારે મારું કામ કરવું પડશે." એ ભૂતે વળતો જવાબ આપ્યો.

"તમારે મારી શું જરૂર છે? તમે તો ભૂત છો. તમે કાંઈ પણ કરી શકો." ભૂતને માન આપવું જોઈએ, કે નહીં. એ બાબતે મને જાણકારી નહોતી. છતાંય એ મને છોડી દે. એવી આશાએ હું તેની સાથે માનભેર વાતો કરવા લાગી.

"હાં, હું કાંઈ પણ કરી શકું છું. પણ, અત્યારે હું કાંઈ કરવાં સક્ષમ નથી. મને આ જંગલમાં કેદ કરવામાં આવી છે. હું આ જંગલની બહાર નથી જઈ શકતી. તો તારે જ મારું કામ કરવું પડશે." એ ભૂતે ઘેરાં અવાજમાં કહ્યું.

"તમારે મારું શું કામ છે, એ તો કહો." મેં ગળગળા થઈને પૂછ્યું. મારે ગમે તે કરીને જલ્દી ત્યાંથી ઘરે આવવું હતુું.

"મારે તાજાં લોહીની જરૂર છે. એનાં વગર મારી શક્તિ કામ નહીં કરે. આ જંગલનાં બધાં પશુઓ મેં મારી નાખ્યાં છે. તો તું મને બાજુનાં ગામનાં જંગલમાંથી તાજું લોહી લાવી દે." ભૂતે એક અટ્ટહાસ્ય રેલાવતાં કહ્યું.

એક ભૂત માટે જંગલમાંથી પશુનું તાજું લોહી એક માણસ કેવી રીતે લાવી શકે? આ સવાલે મારી અંદર એક જ રાતમાં બીજું ભયનું લખલખું પસાર કરી દીધું. 

ભૂતે અચાનક જ પોતાની પકડ ઢીલી કરી. હું તેનાં પંજામાંથી છૂટીને થોડી દૂર જતી રહી. મારાં હાથ-પગ ધ્રુજી રહ્યાં હતાં. મારું મગજ ચકરાવે ચડી ગયું હતું.

"વધું વિચાર ના કર. મેં તને જવાં માટે નથી છોડી. પહેલાં મારું કામ કરીને, પછી જ તું અહીંથી જઈ શકીશ. આગળ જતો રસ્તો તારાં ઘર તરફનો છે. પાછળ જતો રસ્તો બીજાં ગામનાં જંગલ તરફનો છે.

જો તું તારાં ઘર તરફ વળી, તો આજે પશુની જગ્યાએ હું તારું જ લોહી પી જઈશ. જો તું જંગલનાં રસ્તે વળી, તો હું તને મારું કામ કર્યા પછી સહીસલામત ઘરે જવા દઈશ." ભૂતે તેનો નિર્ણય સંભળાવી દીધો. એનો નિર્ણય સાંભળ્યાં પછી મારી પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો.

એ ભૂતે મારાં હાથમાં એક કટોરો ધર્યો. મેં બાજુનાં ગામમાં જતાં જંગલ તરફ ચાલવાનું શરૂ કરી દીધું. મને જે કામ સોંપવામાં આવ્યું હતું. એ કામ કરવાં વિશે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું. હું એક લેખિકા છું. હું માત્ર બધાં વિષયો ઉપર લખી શકું. જે લખું એમાંથી બધાં કાર્યો કરી શકું, એ બાબત શક્ય નથી.

હું વિચારો કરતાં કરતાં જંગલ સુધી પહોંચી ગઈ. જંગલમાં ઘણાં પશુઓ હતાં. પણ, સવાલ એ હતો, કે એમનું લોહી લેવું કંઈ રીતે ? લોહી લેવાં તેમનાં પર એટેક કરવો પડે. તેને કોઈ ધારદાર વસ્તુ લાગે, એ બેભાન થાય, ત્યારે જ હું એમનું લોહી લઈ શકું. એ કામ બહું અઘરું હતું. સાચું કહું, તો નામુમકીન બરાબર જ હતું.

મેં ઘણો વિચાર કર્યો. ત્યાં એકાએક જ મારી નજર સામે એક છરો પડ્યો હતો, એ તરફ મારું ધ્યાન ગયું. હું એ દિશા તરફ આગળ વધી. મેં નીચે નમીને એ છરો મારાં હાથમાં લીધો. છરો હાથમાં લેતાં જ મારી સામેથી એક સસલું પસાર થયું. રાત ઘણી વીતી ગઈ હતી.‌ શિયાળાની ઋતુ હોવાથી ઠંડીએ પોતાનું સામ્રાજ્ય જમાવવાનું શરૂ કરી દીધું હતું. છતાંય મારાં કપાળે તો પરસેવો જ બાઝેલો હતો. મારાં હાથ-પગ ધ્રુજતાં હતાં. પણ, એ ઠંડીનાં પરિણામે નહીં, ડરના લીધે ધ્રુજતાં હતાં.

સસલું બહું દૂર નીકળી ગયું હતું. હું એવાં નાનાં પ્રાણીનાં લોહી સિવાય અન્ય પ્રાણીનું લોહી લેવાં સમર્થ નહોતી. મેં સસલું જે તરફ ગયું હતું, એ તરફ દોટ મૂકી. એકાએક એક ઝાડ પાછળ મને એ સસલું દેખાયું. મેં તેનાં પર છરાથી વાર કર્યો. એ સસલું ત્યાં જ ઢળી પડ્યું. મેં એ સસલાનું લોહી એક કટોરામાં ભર્યું. પછી ઉતાવળે પગે ફરી મારાં ગામનાં જંગલ તરફ આગળ વધવા લાગી.

હું ફરી એ જ જગ્યાએ પહોંચી ગઈ, જ્યાં મને એ ભૂતની મળી હતી. એ કોઈ સ્ત્રી હતી. તો ભૂતની જ કહેવાય ને !

મારાં હાથમાં લોહી ભરેલો કટોરો જોઈને, એ ભૂતની મારી તરફ આગળ વધી. એણે મારાં હાથમાંથી કટોરો ઝડપ મારીને લઈ લીધો. પછી તરત જ એ એમાં રહેલું લોહી પીવાં લાગી. જોતજોતામાં એ આખો કટોરો ખાલી કરી ગઈ. કટોરો ખાલી થતાં જ એ અદ્રશ્ય થઈ ગઈ. એનાં જતાં જ હું મારાં ઘર તરફ દોડવા લાગી.

તે રાત મારાં માટે ખૂબ જ ભયાનક રહી હતી. મેં જે બાબતો વિશે સપનામાં પણ નહોતું વિચાર્યું. એ મારે હકીકતમાં કરવું પડ્યું હતું. છતાંય હું જીવીત હતી. એ વાત જ મારાં માટે મહત્વની હતી. 

બીજાં દિવસની સવારે પણ હું થોડી ગભરાયેલી હતી. મારી નજર સમક્ષ પાછલી રાતનાં દ્રશ્યો જ ઘુમતા હતાં. મારું કોઈ કામમાં મન નહોતું લાગતું. એમાંય મમ્મીનાં હાથમાં રહેલાં લાલ જામફળના જ્યૂસ પર નજર પડતાં જ મારાં હાથ ધ્રુજવા લાગ્યાં. મને એ જ્યૂસ લોહી જેવું દેખાવા લાગ્યું. મહામહેનતે મેં મારી જાત પર કંટ્રોલ કર્યો.

"સુજાતા, વાડીએથી શાકભાજી ઉતારી આવ." મારાં મમ્મીએ સાંજ પડતાં જ ફરી મને વાડીએ મોકલી દીધી. અમારી વાડીએ શાકભાજી વાવ્યું હતું. જેને હું સાંજે ઉતારી લાવતી. તો પપ્પા સવારે વેચાણ કરવા જતાં.

હું મહાપરાણે વાડીએ જતાં રસ્તે આગળ વધતી હતી. મારાં મનમાં એક છૂપો ડર હતો. મેં વાડીએ પહોંચતાં જ ફટાફટ શાકભાજી ઉતારી લીધું. છતાંય અંધારું છવાઈ ગયું. શિયાળાની ઋતુમાં જલ્દી જ અંધારું થઈ જતું. જેનાં લીધે આજે પણ એવું જ થયું.

હું શાકભાજીનું પોટલું માથે મૂકીને, ઘર તરફ ચાલવા લાગી. દિવસ પૂરી રીતે ઢળી જતાં જ મારાં ગળે મને કંઈક ખૂંચવા લાગ્યું. મેં શાકભાજીનું પોટલું નીચે ફેંકી દીધું. મારો મારી જાત પર જ કાબૂ નહોતો. હું અચાનક જ જંગલ જતાં રસ્તે આગળ વધવા લાગી. પાછલી રાતે જે જગ્યાએ મને ભૂતની મળી હતી. એ જગ્યાએ આવીને જ મારાં પગ થંભી ગયાં. મારી નજર સમક્ષ ફરી એ ભૂતની આવી ગઈ.

"જો ઘરે સહીસલામત પહોંચવું હોય, તો મારું કામ કરવું પડશે." એ ભૂતનીએ અટ્ટહાસ્ય કરતાં કહ્યું.

મારી સાથે ફરી પાછલી રાત જેવી જ ઘટનાં ઘટી રહી હતી. મારે ફરી એકવાર જંગલમાંથી પશુનું લોહી લાવવું પડ્યું. એ ભૂતની ફરી એકવાર મારી નજર સમક્ષ લોહીનો કટોરો ખાલી કરીને અદ્રશ્ય થઈ ગઈ.

આ વાતને એક મહિનો વીતી ગયો. સતત એક મહિનાથી હું એ ભૂતની માટે રોજ રાતે જંગલમાં પશુનું લોહી લેવાં જતી. ધીમે-ધીમે અમારાં જંગલની જેમ આજુબાજુના દરેક ગામનાં જંગલોના પશુઓ મરવા લાગ્યાં. જંગલો પશુ વગરનાં થઈ ગયાં. ગામમાં હાહાકાર મચી ગયો. 

હવે આ મારું રોજ રાતનું કામ બની ગયું હતું. હવે મારે આખું જીવન એક ડર સાથે જ પસાર કરવાનું હતું. આ જ મારાં જીવનની ડરાવની હકીકત હતી. જે આજે તમને કહીને મારું મન થોડું હળવું થયું.

"દીદી, તમને હવે ડર નથી લાગતો ?" મારી કહાની સાંભળી રહેલાં અપ્પુએ પૂછ્યું.

"આજેય ડર લાગે છે. પણ, હવે મારે જીવવા માટે એ ડર સાથે જ જીવવાનું છે. નહીંતર મારે મોતને વ્હાલું કરવું પડશે." મેં ગંભીર ચહેરે અપ્પુને જવાબ આપ્યો.

બધાં બાળકો કહાની સાંભળીને જતાં રહ્યાં. મારો જંગલમાં જવાનો સમય થઈ ગયો. મારાં ગળે ફરી એ જ વેદનાં થવા લાગી. હકીકત તો એ હતી, કે એ ભૂતનીએ મને પોતાની તાકાત ટકાવી રાખવાનું સાધન બનાવી લીધી હતી. એ રાતે મને પોતાનાં નખના આ ઘાવ એણે મને એટલાં માટે જ આપ્યાં હતાં, કે જેથી તેનાં લોહી પીવાનાં સમયે હું તેની સામે હાજર થઈ જાવ. આખરે એ ભૂતનીની જેવી ઈચ્છા હતી. એવું જ થઈ રહ્યું હતું‌.

સમાપ્ત


Rate this content
Log in