બુરુંં સપનું
બુરુંં સપનું
ઘણા લોકોને ખબર હશે જ કે ગુલમહોર લાલચટ્ટ્ક ત્યારેજ થાય જ્યારે સુરજ ખુબ જ તપે. જેમણે આ લખ્યું તેમનો કહેવાનો ભાવાર્થ એજ કે જેટલો તાપ વધુ જીવનમાં તેટલીજ રંગત જીવનમાં વધુ આવે તેથી તાપથી ગભરાવું નહીં. લગભગ આજ સંદર્ભની એક કડી કહેતી હતી કે
“સિધ્ધિ તેને વરે જે પરસેવે ન્હાય”
અમારા એક દોસ્ત અમરિષની વાત અત્રે કરવી છે. તે અરિસાનો ખાસો એવો શોખીન અને અમે બે ચાર મિત્રો તેને ત્યાં ભણવા જઈએ. અમે જઈએ ત્યારે તેના કપડાની બેગ ખોલી વિવિધ વેશભુષામાં સજ્જ તે અરિસા સામે ક્યારેક રાજેશ ખન્ના તો ક્યારેક દેવઆનંદ તો ક્યારેક પ્રાણનાં અભિનયને જીવંત કરતો હોય.
બારનાં ટકોરે અમે લોકો ભણી ને સુવાની તૈયારી કરતા હોઇએ ત્યારે તે અમને સૌને ચા પીવડાવી સુઈ જાય અને કહે હું તો ચાર વાગે ઉઠીને વાંચી લઈશ. દુધ વિનાની બ્લેક ટી પીધા પછી અમે વધુ બે કલાક વાંચીયે ત્યારે અમરિષની ઉંઘ પાકી થતી હોય. પરિક્ષા આવી અને ગઈ પણ અમરિષ એક્ટીંગનાં ક્લાસ સિવાય ભાગ્યેજ ભણ્યો હોય. કોલેજનાં સમયમાં પણ અમે ભણતાં અને તે એક્ટીંગ કરતો અને હાલોલ સ્ટુડીયોમાં નસિબ અજમાવતો. ક્યારેક એક્ષ્ટ્રામાં તો ક્યારેક ટોળામાં તે દેખાતો. તેના બાપાએ લગ્ન કરાવી દીધા કે તે થાળે પડે પણ બે સંતાનો થયા પણ થાળે પડવાને બદલે તે તો કોર્ટે ચઢ્યો. જ્યોતિસંઘમાં રાંધતી તેની પત્ની પાસે ખાધા ખોરાકી માટે. આખું કુટુંબ તેની પત્ની સાથે અને તે એકલો નકામો અને ધમકીઓ આપતો.
કેટલાય મિત્રોને છેતરીને તેનું ઘર ચલાવવા મથતો. સાચુ ઘી બતાવી ડાલડા આપી જાય. મસાલા શું બતાવે અને શું આપી જાય. ધીમે ધીમે ગામ આખું ઓળખી ગયું. ને એક દિવસ એવી ઉડતી ઉડતી હવા આવી તેણે તો કાશીમાં મઠ સ્થાપ્યો છે સાધુ બનીને તેનો રોટલો ભક્તોની સેવા થકી રળે છે.
ક્યારેક મન ઉદાસ થઈ જાય તો ક્યારેક તેનાં સંતાનો અને ભાભી માટે વ્યગ્રતા થઈ આવે. તેની બહેન અને ભાઇ પાસેથી કદીક ઉડતા સમાચાર મળે પણ અમેરિકા આવ્યા પછી તે સંબંધ નહીંવત બની ગયો
એક દિવસ કેનેડાથી તેના પુત્રનો ફોન આવ્યો.
“કાકા મારા પપ્પા ભોજ્પુરી ફીલ્મ ઇંડસ્ટ્રીમાં સુપર સ્ટાર છે. અને અમને લોકોને પાછા બોલાવે છે. તમારી સાથે વાત કરવા માંગે છે હું તેમને તમારો નંબર આપુ ?”
મનમાં તેનાં અસંખ્ય જુઠાણા, નુકસાનો અને કડવી યાદો ઉભરાઇ આવી.
મેં કહયું “મને તેનો નંબર આપી રાખ હું જ તેને ફોન કરીશ ભારત જઇશ ત્યારે.”
“નિખિલ ! દોસ્ત તારી સલાહો તો મને યાદ નહોંતી પણ આ એક વાત તેં મને કહી હતી ને તે યાદ રહી હતી. સિધ્ધિ તેને જઇ વરે જે પરસેવે નહાય !”
તે કોન્ફરંસ કોલ હતો અને ફોન ઉપર અમરિષ બોલતો હતો.
“જો દોસ્ત બહુ સ્ટ્રગલ કર્યો ૩૫ વર્ષે બે પાંદડે થયો છું અને મારા અન્યાયો ધોવા અને શાંતિથી રહેવા તારી ભાભીને બોલાવું છું”
થોડા મૌન પછી તે બોલ્યો “તે આવે કે નહીં તે તેની ઈચ્છા છે પણ મેં મારા હૈયાનાં દ્વાર તેના માટે ખુલ્લા જ રાખ્યા છે.”
ભારતીભાભી તરત જ બોલ્યા 'નિખિલભાઇ ! તમે જ કહો પંચોતેર તો થયા હવે કેટલું જીવવાના ? અને કોના માટે ? હું તો તેમને અને તેમની યાદને બુરુ સપનું સમજીને ભુલાવી ચુકી છું. છોકરાનાં છોકરાઓને દાદીમાની જરુર છે ત્યાં હું તેમની પાસે કેવી રીતે જઉં ?'
મારે તો કશું જ કહેવાનું હતું નહીં. પણ જરૂર ઇચ્છતો કે આસુતોષનો ઉનાળો જાય. મારા મનમાં આ પંક્તિ ગુંજી ઉઠી
ગુલમહોર શો ખીલી શકું એટલે;
જિંદગીભરનો ઉનાળો દીધો.
