.બાપુજી
.બાપુજી
'મહેશ,કોન્ગ્રેચ્યુલેશન ફોર યોર ન્યુ હોમ યાર, ઘર બહુંજ સરસ અને આલીશાન છે.કેટલાં બેડરુમ છે ?”
‘છ બેડરુમ.'
'વાઉ ! હાઉસની કિંમત ઓછામાં ઓછી દોઢ મિલિયન ડોલર્સ તો હશે જ ?'
‘હા, યાર..’
'તે હાઉસ વોર્મિંગ પણ ભવ્ય રાખી છે. કેટલા ગેસ્ટ બોલાવ્યા છે ?'
'તને તો ખબર છે કે મારે હ્યુસ્ટનમાં બહું મોટું ગ્રૂપ છે એટલે બે ભાગમાં પાર્ટીનું આયોજન કર્યું છે. આજે સો ગેસ્ટ છે અને બીજા ગ્રૂપ વખતે પણ સો જેટલાતો ગેસ્ટ થઈ જશે અને બન્ને વખતે બસ બહારથીજ ખાવાનો ઓર્ડર આપી દીધો છે એટલે તારા ભાભીને શાંતી !’
મહેશ, એક પ્રાઈવેટ કંપનીમાં ડિરેકટરની પોસ્ટ પર હતો અને છેલ્લા પચ્ચીસ વરસથી હ્યુસ્ટનમાં સ્થાઈ થયો છે. શાલીન, એનો દીકરો ચૌદ વરસનો છે પણ ભણવામાં એક નંબરનો હોશિયાર. નાનપણથી મહેશના પિતા જે અમદાવાદમાં કલેકટર હતાં અને નિવૃત થઈ અહીં અમેરિકા આવી ગયાં તેમના ઉછેર નીચે મોટો થયો છે. મારે મહેશ સાથે છેલ્લા વીસ વર્ષથી ફ્રેન્ડશીપ છે. મહેશના પિતાને હું “બાપુજી” કહું છું. એમની સાથે વાતો કરવાની મજા આવે, એમના ભૂતકાળના અનુભવો જાણવાની મને ઘણીજ ઈન્તેજારી રહેતી. એમની પાસે ઘણું જાણવા મળતું. બાપુજી, ભારતીય સિનિયર સીટીઝન કેન્દ્રના એક વખત પ્રમૂખ પણ હતાં, સારા કાર્યક્રમો તેમજ વિવિધ પ્રવૃત્તિ આયોજન કરતાં.
શાલીન પણ કહેતો કે, “હું ભણવામાં હોશિયાર છું. થેન્ક્સ ટૂ માય ગ્રાન્ડ પાપા... મને હોમ વર્કમાં, સ્કુલ પ્રોજેકટમાં બહુંજ મદદ કરી છે. આઈ લવ માય ગ્રાન્ડ પાપા, હી ઈસ ધ બેસ્ટ. સાયન્સ અને મેડીકલ-ટેકનોલોજી પ્રોજેક્ટમાં પહેલો અને બીજો નંબર આવ્યો. થેન્ક્સ ટૂ ગ્રાન્ડ પાપા.”
પાર્ટીમાં બધા ગેસ્ટ આવવાં લાગ્યાં. જાત જાતનાં ડ્રીન્કસ, એપેટાઈઝરમાં સમોસા, કટલસ, મુગલાઈ ચીકન, ફ્રૂટ્સ સલાડ, પંદર જેટલી વાનગી હશે. મે પુછ્યું,
’મહેશ, બાપુજી કેમ નથી દેખાતા ?’
”એ શિકાગો ગયાં છે. મારા નાનાભાઈને ત્યાં.'
'એંસી વરસની ઉંમરે એ ટ્રાવેલ કરી શકે છે ?”
“હા,એર-હોસ્ટેસની મદદથી વાંધો નહી આવે.'
નીચે બન્ને બાથરુમ બીઝી હતા એટલે હું ઉપર ગયો. નવું ઘર હતું એટલે થોડો અજાણો ! મહેશનો ઉપરનો માળ પણ ભવ્ય હતો. હોલ વેમાં જતો હતો ત્યાં મેં જોર-જોરથી ઉધરસનો અવાજ સાંભળ્યો. જોયું તો ”બાપૂજી” હતાં. આલિશાન, મહેલ જેવા હાઉસના એક કોર્નરના રૂમમાં શાહજહા નજર કેદમાં !
