વહેતો સમય
વહેતો સમય
વહી જાય છે વાતમાં ને વાતમાં એ દિ' બધા,
રહી જાય છે યાદમાં ને યાદમાં ચહેરા બધા.
હતા જે નજર સમક્ષ, તે દૂર કાં થઈ ગયા ?
પંડ્યના હતા બધા તો પારકા કાં તો થઈ ગયા ?
ખમ્મા ! તણી વાણી કેરા પડકાર ઝીલાતાં હતા,
હજારો આવી આંગણે આશિષ વર્ષવતા હતા.
યારો તમારી રાહ પર પુષ્પો બીછાવી જતા,
પાણી માંગ્યે સેવકો આવી દૂધ આપી જતાં,
અર્ધાંગિની તુજ હીંચકે, અહર્નિશ ઝૂલે ઝૂલતી,
લઈ વિશ્વનો ભાર જાણે જગદંબા તો ઝૂલતી,
સ્વજનો તુજ મુખ દેખી દિ' ઊગ્યો માનતા,
સેવકો તુજ ચરણરજને રામ ચરણરજ માનતા !
પણ, મહેફિલો માણી અરે ! શરાબ કેરા તાનમાં,
છકી ગયો તું તે દિ'થી આડંબરના શેતાનમાં,
તે દિ'થી તુજ હસ્તે એવાં કુકર્મ તો વધી ગયાં,
સત્કર્મ કેરાં વહાણો મધ દરિયે તો ડૂબી ગયાં,
કરી ગયો સમય એનું કામ ભઈલા એ દિને,
ચમકતો સિતારો તારો આથમી ગયો તે દિને,
પૂછો તમારા આત્મને શું તમે સમંદર તરી ગયા ?
(ના)લઈ સહારો આપનો સ્વજન સમંદર તરી ગયા,
હવે પૂછો ના કે પંડ્યના પારકા કાં થઈ ગયા ?
નસીબદાર તો ' હરખ' એ હતા, જે સમય પારખી ગયા.
