STORYMIRROR

Amrut Ghayal

Others

3  

Amrut Ghayal

Others

મને ગમે છે

મને ગમે છે

1 min
28.6K


કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાંનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસૂ, લૂછો નહીં ભલા થઈ
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોત ને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે.

‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.


Rate this content
Log in