STORYMIRROR

Shraddha Bhatt

Others

3  

Shraddha Bhatt

Others

મમ્મી એટલે?

મમ્મી એટલે?

1 min
27.3K


અછાંદસ

 

“મમ્મી એટલે?” મેં પૂછ્યું.
એણે ઉત્સાહથી કહ્યું,
‘સ્નેહભરી આંખોથી વહેતી વહાલપની હેલી’.
મેં સામે દલીલ કરી,
‘મા તો મળે
કરડાકી ભરી આંખો પાછળ વહેતા સ્નેહઝરણમાં’.
એ કહે,
 “મમ્મીના સુંવાળા હાથોના સ્પર્શથી એવી તો  ટાઢક થાય મનમાં.”
મારુ કહેવું હતું,
“મને તો શાતા વળે
ખરબચડા હાથમાંથી ડોકિયાં કરતી ભીની રેખાઓના પ્રદેશમાં.”
“મમ્મી પાસે હોય બધી જ છૂટછાટ ને મનમાની.” ખુશ થઈને એણે કહ્યું.
મેં રૂઆબભેર તીર છોડ્યું,
“પણ મારે તો ડૂબવું હોય 
કડક અનુશાસનના આગ્રહ ઓથે સંતાયેલ પ્રેમસાગરમાં.”

“મારી મમ્મીની ખોળો એટલે દુનિયાની તકલીફોથી બચાવતી
હુંફભરી શરણાગત.” નાનું બાળક બોલ્યું જાણે.
“મને તો મળી છે વિશાળ આકાશને આંબવા
પ્રોત્સાહિત કરતી ખુલ્લી મોકળાશ.”
મેં પણ સહજ નિર્દોષતાથી જવાબ વાળ્યો.
“છટ્, તને તો મા એટલે શું એ ખબર જ નથી?” એણે છેલ્લો ઘા કરી જ દીધો.
મનોમન એ ચહેરાને યાદ કરતા મેં કહ્યું,
“મમ્મી, મા, માતા આમાંથી કોઈને હું નથી ઓળખતી.
હું ઓળખું છું માથી ય સવાયો મમતાનો અહેસાસ કરાવતા મારા પપ્પાને.
મારા માટે પપ્પા એ જ મારી મમ્મી.”


Rate this content
Log in