કોઈ
કોઈ
મધરાતે મળવા આવે છે કોઈ
દુખને સુખ માં બદલાવે છે કોઈ
ભવોભવની ભૂખ ભાંગે ને
અંતરના દ્વાર ખોલે છે કોઈ.
મધરાતે મળવા....
પ્રેમનું દ્રવ્ય ચોરે છે કોઈ
દૂર છે તોય ઓરે છે કોઈ
સુધ બુધ ભાન ભુલાવી દે ને
પ્રેમ રાસે નચાવે છે કોઈ
મધરાતે મળવા...
મિત્ર બની બોલાવે છે કોઈ
સત્ય સંસાર સમજાવે છે કોઈ
કર્મફળની વાત કહે ને
એંઠી થાળી ઉચકાવે છે કોઈ
મધરાતે મળવા....
અજાણી હૂંડી સ્વીકારે છે કોઈ
દીકરીના મામેરા પુરાવે છે કોઈ
જગત ચોકમાં ગાયા કરું ને
પિતાના શ્રાદ્ધ કરાવે છે કોઈ
મધરાતે મળવા ......
બ્રાહ્મણની વેદનાને જાણે છે કોઇ
અયાચકની વાતને પહેચાને છે કોઇ
ચપટી તાંદુલનો હિસાબ રાખે ને
મિત્રની મિત્રતા નિભાવે છે કોઈ
મધરાતે મળવા .....
હરને ભાન ભુલાવે છે કોઈ
નારી બની નચાવે છે કોઈ
વેણુ વાણી વગાડ્યા કરે ને
પ્રેમની વાત પ્રસરાવે છે કોઈ
મધરાતે મળવા....
ઝેરને અમૃત બનાવે છે કોઈ
ઘૂઘરા બાંધી નચાવે છે કોઈ
કહે "પડકાર" અજબ માયાવી
પ્રેમની મૂર્તિ માં સમાવે છે કોઈ
મધરાતે મળવા...
