Khyati Thanki

Children Stories Tragedy Inspirational

4  

Khyati Thanki

Children Stories Tragedy Inspirational

વૃંદનો ખરતો તારો

વૃંદનો ખરતો તારો

2 mins
297


' વૃંદ શાહ'. શાહ પરિવારનો સૌથી નાનકડો આઠ વર્ષનો વારીસ. દાદા -દાદી, કાકા- કાકી, પિતરાઈ ભાઈ-બહેનો વહાલસોયા પિતા અને લાડકી મોટી બહેનનો આંખનો તારો.

        પરંતુ આ મનગમતા તારાની ઈશ્વરે એક ઈચ્છા અધૂરી જ રાખી દીધી.. મમ્મી સાથે લાંબુ ખુશખુશાલ બાળપણ વિતાવવાની ઈચ્છા...... વૃંદ ની મમ્મી તારો બની ગઈ.

        આજે પરીક્ષા પૂરી થઈ અને વૃંદ ખુશ કેમકે હવે વેકેશન. અને ઘરે આવતા રસ્તામાં તેનું બાળમાનસ થોડી ક્ષણો માટે ભૂલી ગયું કે તેની મમ્મી સ્વપ્ના આજે ઘરે તેની રાહ નથી જોતી.... તે તો બસ તે વિચારમાં જ આગળ વધવા લાગ્યો કે હું ઘરે જઈને સીધો મમ્મીને વળગી ને બધી જ વાત કહીશ અને મમ્મીના હાથનો બનાવેલો નાસ્તો ખાઈશ.

        ઘરે આવ્યો ત્યાં તો બારણે ઉભેલા દાદી ને જોઈને વૃંદની આંખો પર આંસુના તોરણ ઝૂલવા લાગ્યા. દાદી સમજી ગયા પણ જાણે કંઈ જાણતા જ નથી, એક પછી એક બધા જ ઘરના સભ્યો વૃંદને હસાવવા અને વાત ભૂલાવવા માટે મંડી પડ્યા.

        પરંતુ રાત્રે રૂમની બાલ્કનીમાં એકલા ઉભેલા વૃંદને જોઈને મોટી બહેન રમ્યાથી ન રહેવાયું. જાણે પોતાને જ વાસ્તવિકતા સ્વીકારતાં શીખવતી હોય તેમ નાના વૃન્દની સાથે વાત કરવા લાગી.

રમ્યા:-"વૃંદ શું જોવે છે ?"

વૃંદ:-"મમ્મી ને શોધું છું."

રમ્યા:-"એ હવે ત્યાં નહીં દેખાય."

વૃંદ:-"કેમ ? પપ્પા તો કહે છે મમ્મી તારો બની ગઈ ?"

રમ્યા:-"મમ્મી તો પહેલેથી જ તારો હતી વૃંદ આપણા માટે, આપણા પરિવાર માટે જેને હંમેશા બધાને ખુશીઓ જ આપી છે પણ હવે તે ત્યાં નથી, તે તો દૂર ચાલી ગઈ તારો બનીને ખરી ગઈ.... પણ તું ધ્યાનથી જુઓ તો આકાશમાં બીજું શું દેખાય છે ?"

વૃંદ:-"અરે હજી તો ઘણા બધા તારા દેખાય છે."

રમ્યા:-"અને ચમકે પણ છે તને જોઈને આનંદ આવે છે ને ?"

વૃંદ'-"હા ખૂબ જ."

રમ્યા:-"તો મારી વાત ધ્યાનથી સાંભળ આપણું કુટુંબ પણ એક મોટું આકાશ છે, અને વૃંદ મમ્મી ચાલી ગઈ તારો બનીને પણ આટલા ખીચોખીચ તારલાઓ મૂકી ગઈ છે આપણી આસપાસ. આપણાં દાદા-દાદી કાકા -કાકી,પપ્પા અને હું ફક્ત તને ખુશ જોઈને જ ચમકીએ છીએ.. સમજાયું ?"

વૃંદ:-" હા, દીદી. મમ્મીને યાદ કરવાની પણ રડવાનું નહીં, દુઃખી નહીં થવાનું અને આ બધા તારાઓની વચ્ચે પ્રકાશિત થવાનું એમને ?"

રમ્યા:-"હા મારા નાનકડા સ્ટાર."

           અને રમ્યા તથા વૃંદના પપ્પા શ્રીકાંત શાહ આ જોઈને પોતાના ઘરે એક નવી જ ચમક નિહાળી રહ્યાં...!


Rate this content
Log in