ટીનેજર્સની દુનિયા - 7
ટીનેજર્સની દુનિયા - 7
પાર્ટીની યાદોને મમળાવતી તનુ પડખા ફેરવ્યે જતી હતી. ક્યારેક એ આજની પાર્ટીમાં ખોવાઈ જતી, તો ક્યારેક એને રોહનના ઘરે ખોટું બોલીને ગઈ હતી એ પ્રસંગ યાદ આવી જતો. ક્યારેક અનુજે એને જોઈ લીધી હતી એ યાદ આવતું, તો ક્યારેક એને એના કારણે થયેલી ગભરામણો અને ફ્રેન્ડ્સ માટેની શંકાઓ યાદ આવતી. એક ખોટું બોલવાથી આખી મુક્તતા છીનવાઈ જાય છે, એનો આજે એને અનુભવ થયો.
યાદોની સફર કરતા કરતા છેક વહેલી સવારે એની આંખ મીંચાઈ. બીજા દિવસે રવિવાર હોવાથી જલદી ઊઠવાની ઉતાવળેય નહોતી. શાંતિથી ઊઠી, નાહીધોઈને એ મમ્મીને રસોડામાં મદદ કરવા લાગી. ટી.વી. સીરીયલો જોતા જોતા એ જમી. બાકીનો દિવસ એનો આગલા દિવસના સંસ્મરણોને યાદ કરવામાં જ પસાર થઈ ગયો.
બધાએ આપેલા કાર્ડ તો કંઈ કેટલીયે વાર એણે જોઈ કાઢયા. રોહનનું કાર્ડ જોતા એને એનો ફેસ અને એની યાદ તાજી થઈ જતી. એ વિચારે ચડી, “ફ્રેન્ડ પણ એક ગજબનું પાત્ર હોય છે. આપણી ખુશીમાં એને સૌથી વધારે ખુશી મળતી હોય છે. હું બધા માટે કેટલું ઊંધુ વિચારતી હતી.” આમ ને આમ દિવસ પૂરો થયો.
બીજા દિવસે રાબેતા મુજબ રૂટિન શરૂ થઈ ગયું. સ્કૂલમાં એક્ઝિબીશનની ચર્ચા થવા લાગી. હવે ત્રણ દિવસ જ બાકી હતા. યશ પેઈન્ટિંગ્સને લેમિનેટ કરાવવા આપી આવ્યો. બીજા દિવસે તો પેઈન્ટિંગ્સ આવી પણ ગયા. લેમિનેટ કરાવ્યા પછી પેઈન્ટિંગ્સનો શો જાણે વધી ગયો. યશે બધાને દેખાડ્યા. બધા એ જોઈને આનંદમાં આવી ગયા.
આખરે એક્ઝિબીશનનો દિવસ આવી પહોંચ્યો. બધા જ ગ્રુપ્સ બહુ ઉત્સાહિત હતા. અસેમ્બલી હોલમાં બધા પોતપોતાનું પ્રદર્શન ગોઠવી રહ્યા હતા. નીલનું ગ્રુપ પણ જોશમાં હતું. નીકી અને તનુ પેઈન્ટિંગ્સને ડેકોરેટ કરી રહ્યા હતા અને નીલ અને યશ એમને જરૂરિચાતની વસ્તુઓ પૂરી પાડી રહ્યા હતા. નીકી અને તનુ પોતાના પેઈન્ટિંગ્સ જોઈને વારે વારે મનમાં ને મનમાં હરખાતા હતા. બધા જ ગ્રુપને ઓળખવા માટે નામ આપવામાં આવ્યા હતા. નીલના ગ્રુપનું નામ હાથી હતું.
ત્યાં તો ઝીબ્રા ગ્રુપની ચૈતાલી આવી અને નીલને કહ્યું, “તમારી પાસે ડેકોરેટિવ આઈટમ્સ વધારે હોય તો અમને આપો ને, અમારું બહુ લુખ્ખું લાગે છે.”
નીલે નીકીને પૂછ્યું. નીકીએ કહ્યું, “ના, આપણી પાસે થોડા જ છે, જે આપણને જોઈએ છે.”
નીલે ચૈતાલીને “સોરી” કહ્યું. ચૈતાલી જતી રહી. બધા પાછા કામમાં પરોવાઈ ગયા. થોડી વાર પછી નીકીએ નીલને કહ્યું, “નીલ, પેલી બેગમાં એક ડબ્બો છે, એ મને આપને.”
નીલે બેગમાંથી ડબ્બો કાઢ્યો. ખોલીને જોયું તો એમાં ડેકોરેટિવ આઈટમ્સ હતી. એ જોઈ નીલની આંખો ચમકી. એણે ડબ્બો નીકીને આપતા કહ્યું, “આપણી પાસે આટલી બધી એક્સ્ટ્રા વસ્તુઓ છે, છતાં તે ચૈતાલીને ના કેમ પાડી?”
નીકીએ આંગળી મોઢા પર મૂકતા કહ્યું, “શ....શ....શ.... ધીમે બોલ. એ લોકો પણ આપણા જેવું કરે તો આપણી કોઈ સ્પેશિયાલિટી ન રહે અને આપણો નંબર પાછળ જતો રહે અથવા આપણી બદલે એ લોકો ઈનામ લઈ જાય એવું પણ બને. આ વખતે કોઈ પણ રીતે ઈનામ આપણે જ મેળવવું છે.”
આ સાંભળી નીલનું મોઢું બગડી ગયું. નીકીની વાત એને સાવ ફાલતું લાગી. એણે કહ્યું, “હાઉ સ્ટુપીડ, તમે છોકરીઓ પણ ખરેખર એટલી નેરો માઈન્ડેડ હો છો ને. કમ ઓન યાર, આપણને જીતવાની ઈચ્છા હોય એ બરાબર છે, પણ તેથી કરીને બીજાનું ઊતરતું દેખાય અને એ આગળ નંબર ન લઈ જાય માટે આપણે એને મદદ ન કરીએ, એ કેટલું ચીપ (હલકું) કહેવાય.
તનુએ નીકીની સાઈડ લેતા કહ્યું, “તારી જેમ કરવા લાગીએ તો પછી કોમ્પિટિશનનો અર્થ જ શું?”
નીલે કહ્યું, “કોમ્પિટિશન હોય ને, પણ એ હેલ્ધી હોય. એમાં પોતાને જીતવાની ઈચ્છા હોય, એના પ્રયત્નોય હોય, પણ જેથી કરીને બીજો કોઈ આગળ નંબર ન લઈ જવો જોઈએ એવું મનમાં ન હોય. બીજો જીતે તો પણ એને એટલી જ ખુશી હોય, જેટલી પોતે જીતે એમાં હોય. ઊલટું બીજો જીતે તો એની પાસેથી એના જેવું શીખવાની તૈયારી હોય. મોટા મનના બનો યાર.”
નીકીએ કહ્યું, “બસ હવે, તું બહુ મોટી મોટી વાતો બંધ કર. “હેલ્ધી કોમ્પિટિશન” શબ્દ ફક્ત ચોપડીમાં જ સારો લાગે, રીયલ લાઈફમાં આવું જ બધું હોય. બધા આવું જ કરે. હું હમણા કૃતી પાસે લેસ લેવા ગઈ હતી તો એણે પણ મને આપવાની ના પાડી દીધી. એની પાસે આખુ બંડલ હતું તો પણ.”
નીલે કહ્યું, “બીજા કરે એટલે આપણે પણ એવું કરવું કંઈ જરૂરી નથી. યશ, જા, ચૈતાલીને આમાંથી થોડી વસ્તુઓ આપી આવ.”
નીકી અને તનુ અંદર ને અંદર ધૂંધવાઈ રહ્યા.
થોડી વારમાં એક્ઝિબીશન શરૂ થયું. વિદ્યાર્થીઓ અને શિક્ષણગણ એક્ઝિબીશન જોવા નીકળ્યા. બધાના મોઢા પર ઉલ્લાસ દેખાતો હતો. બધા ભાગ લીધેલાઓની મહેનતને વખાણતા હતા. નીકી પોતાનું સેક્શન જોઈ રહેલા દરેકના મોઢા પરથી, એમને કેવું લાગ્યું છે એનો તાગ મેળવવા કોશિશ કરતી અને પોઝિટિવ રિસ્પોન્સ જોઈને હરખાતી. ત્યાં તો વ્હીસલ વાગી. જજીસ આવી રહ્યા હતા. બધા બાજુ પર ખસી ગયા. જજીસે એક પછી એક બધા જ સેક્શન ધ્યાનથી જોયા અને દરેકના ગ્રેડ નોટમાં લખતા ગયા. દરેક ગ્રુપને તેઓ હૃદયપૂર્વક અભિનંદન પણ આપતા હતા.
બધાનું પૂરું થઈ ગયા બાદ ફરી મેદની જામી ગઈ. થોડી વાર પછી જજીસ સ્ટેજ પર આવ્યા. હોલમાં કૂતુહલતા સાથે શાંતિ છવાઈ ગઈ. જજીસમાંના એક ટીચર માઈક પર આવ્યા અને બધાને અભિનંદન આપતા બોલ્યા, “બધા વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર કામ કર્યું છે. દર વર્ષ કરતા આ વર્ષનું પ્રદર્શન જુદું હતું. “જાણવા જેવું” આ શીર્ષક પર બધાએ પ્રદર્શન બનાવવાનું હતું, કોઈ ભણવાનો વિષય નહીં. અલબત, સામાન્ય જ્ઞાન એ પણ ભણતરનો જ એક ભાગ છે. બધાએ અસામાન્ય મુદ્દાઓ શોધી કાઢયા છે જે ખરેખર પ્રશંસનીય છે. તો આવો જોઈએ કોને કોને ઈનામ મળે છે.”
આમ કહી એમણે બીજા ટીચર પાસે ઈનામ શીટ મંગાવી. ચશ્મા પહેરી ઈનામ શીટ વાંચતા બોલ્યા, “ત્રીજું ઈનામ મળે છે સમડી ગ્રુપને, જેમણે પૃથ્વીની ભૌગોલિક રચના પર પ્રદર્શન કર્યું છે.” અને હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો.
સમડી ગ્રુપનો લીડર ગૌરવ સ્ટેજ પર આવ્યો. શિક્ષકે સર્ટિફિકેટ આપ્યું. ગૌરવ શિક્ષકને પગે લાગી પોતાની જગ્યાએ ગયો.
શિક્ષકે આગળ ચલાવ્યું, “બીજું ઈનામ લઈ જાય છે મોર ગ્રુપ. જેમણે અણુવિજ્ઞાનના આશ્ચર્યો પર પ્રદર્શન બનાવ્યું છે.”
ફરી એક વાર હોલ તાળીઓથી ગૂંજી ઊઠ્યો. મોર ગ્રુપનો લીડર પીનાંક સ્ટેજ પર આવ્યો. શિક્ષકને પગે લાગી, સર્ટિફિકેટ લઈ એ પોતાની જગ્યા પર ગયો.
“અને હવે વારો છે પ્રથમ વિજેતાનો.” સ્મિત સાથે શિક્ષકે હોલમાં બધા પર નજર ફેરવતા બોલ્યા, “કોઈ કહી શકશે, પહેલું ઈનામ કયું ગ્રુપ લઈ જાય છે?”
હોલમાં ધીમો ગણગણાટ શરૂ થઈ ગયો. એટલામાં ચૈતાલીએ આંગળી ઊંચી કરીને જોરથી કહ્યું, “હાથી ગ્રુપ.”
અને ખુશ થતા મોટા અવાજે શિક્ષકે જાહેર કર્યું, “સહી જવાબ. ઓર પહેલા ઈનામ જા રહા હૈ હાથી ગ્રુપ કો.”
સાંભળતા જ આખા હોલમાં જોર જોરથી તાળીઓ વાગવા લાગી. નીલ અને યશ એકબીજાને ભેટી પડ્યા. નીકી અને તનુ પણ જોરજોરથી તાળીઓ પાડતા હતા.
શિક્ષકે કહ્યું, “આપણા જીવનમાં લાગુ પડતું, આપણને અનુભવાતું, છતાં આપણે જ એની વાસ્તવિકતાથી અજાણ એવા સુંદર મુદ્દાઓ એમણે રજૂ કર્યા છે.”
શિક્ષક બોલતા હતા ત્યાં સુધીમાં નીલ સ્ટેજ પર પહોંચી ગયો હતો. શિક્ષકે અભિનંદન આપી નીલને સર્ટિફિકેટ આપ્યું.
શિક્ષકે કહ્યું, “તમારા મુદ્દાઓ એટલા ઈન્ટરેસ્ટિંગ છે કે મને એ જાણવાની ઈચ્છા થઈ આવી છે કે આ મુદ્દાઓ તમે ક્યાંથી મેળવ્યા છે?”
નીલે માઈક હાથમાં લઈ બોલવાનું શરૂ કર્યું, “જેની પ્રેરણાથી હું પાઠક સરની માફી માંગી શક્યો હતો, રોહનને કરેલા અન્યાયની જાહેરમાં કબૂલાત કરી શક્યો હતો, એ જ મહાન વ્યક્તિએ ખુલ્લી કરેલી આ વાતો છે અને એ છે આ કાળના જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય “દાદા ભગવાન”.
ફરી હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો. નીલે આગળ ઉમેરતા કહ્યું, “મારા બિલ્ડીંગની એક ફ્રેન્ડ મીનુએ અમને આ પોઈન્ટ્સ શોધી આપવામાં મદદ કરી છે અને પેઈન્ટિંગ રોહને કર્યું છે. લેમિનેશનની જવાબદારી યશે ઉપાડી હતી અને એની સજાવટ નીકી અને તનુએ કરી હતી.”
“ઓહ, તો પૂરા ટીમવર્ક સાથે આ કામ થયું છે. વેલ ડન” કહી શિક્ષકે તાળીઓ પાડવાની શરૂ કરી. બધાએ શિક્ષકને અનુસર્યું. નીલ પોતાની જગ્યાએ ગયો.
શિક્ષકે પૂરું કરતા કહ્યું, “બધા એક્ઝિબીશન ખાસ જોજો. કોઈ ચૂકતા નહીં. આ વર્ષનો આ છેલ્લો પ્રોગ્રામ હતો. હવે વાર્ષિક પરીક્ષાને મહિનો જ બાકી છે. આશા છે એમાં પણ બધા ખૂબ સારું રિઝલ્ટ દેખાડશો. સો, ઓલ ધ બેસ્ટ” કહી જજીસ સ્ટેજ પરથી ઊતર્યા.
જોતજોતામાં નીલના સેક્શનમાં ગીરદી થઈ ગઈ. બધા એમનું પ્રદર્શન જોવા પડાપડી કરવા લાગ્યા. થોડી વારમાં ચૈતાલી આવી. એણે નીલ અને યશને કોન્ગ્રેચ્યુલેશન્સ કર્યા. એ ખૂબ ખુશ દેખાતી હતી. પછી એ નીકી પાસે ગઈ. એણે હાથ લંબાવતા કહ્યું, “કોન્ગ્રેચ્યુલેશન નીકી. મને ખાતરી હતી કે ફર્સ્ટ પ્રાઈઝ તમને જ મળશે.” પછી તનુને પણ હાથ મિલાવી કોન્ગ્રેચ્યુલેશન કર્યા.
નીકી ચૈતાલીને આટલી ખુશ થતા જોતી જ રહી. એને નીલના શબ્દો યાદ આવ્યા, હેલ્ધી કોમ્પિટીશનમાં તો જીતવાવાળા પણ ખુશ હોય અને હારવાવાળાને પણ આનંદ હોય.”
નીકીને પોતાની ભૂલ પર અફસોસ થયો. એણે અચકાતા કહ્યું, “સોરી ચૈતાલી, ડેકોરેટિંગ આઈટમ્સ હોવા છતાં મેં તને ના પાડી હતી. જીતવાની લાલચના કારણે હું નેરો (સાંકડા મનવાળી) થઈ ગઈ હતી અને બીજાને મદદ કરવાની મોટાઈ ખોઈ બેઠી હતી.”
ચૈતાલીએ ફરી હસતા કહ્યું, “ઈટ્સ ઓ.કે. મને કંઈ ખરાબ લાગ્યું જ નથી. મને પણ તારા જેવું બહુ થતું હતું. પછી એક વાર, નીલે હમણાં જે દાદા ભગવાનની વાત કરી, એમની કોઈ ચોપડી મારા હાથમાં આવી હતી. એમાં એમણે સ્પર્ધા વિશે સમજાવ્યું હતું કે આ હાઈવે પર તું ગાડી ચલાવતી હોય ત્યારે તારી આગળ કેટલી ગાડીઓ દોડતી હોય છે અને પાછળ પણ ઘણી ગાડીઓ દોડતી હોય છે. તને કોઈની જોડે સ્પર્ધા નથી થતી, પણ જેવી કોઈ ગાડી ઓવર ટેક કરવા આવી કે એની સાથે સ્પર્ધા શરૂ થઈ જાય. અને એક વાર સ્પર્ધા શરૂ થઈ એટલે અજ્ઞાન ફરી વળે.
કાલ સુધી આ રોડ પર કેટલી ગાડીઓ આગળ નીકળી ગઈ એનું ભાન જ નથી રહેતું. બસ, પાછળવાળી ગાડી આગળ ન નીકળી જાય એમાં ફસાઈ જાય. અને આ જ આપણું નેરો વિઝન (સાંકડું દૃષ્ટિકોણ) છે. વિશાળ દૃષ્ટિ જ આપણે ખોઈ બેઠા છીએ. અને માટે જ પ્રત્યેક સ્પર્ધાને આપણે અંતિમ લક્ષ માની બેસવાની ભૂલ કરી બેસીએ છીએ. આટલો જ ગોટાળો છે. મને દાદાની આ વાત બહુ ગમી ગઈ. આ વાંચ્યું ત્યારથી મારી દૃષ્ટિ બદલાઈ ગઈ અને માટે જ તો આજે હું તમારી જીત પર આટલી ખુશ થઈ શકું છું.”
નીકીએ ચૈતાલીનો હાથ પકડતા કહ્યું, “ઓહ, તું દાદાને મળી છે?”
ચૈતાલીએ કહ્યું, “ના રે, ફક્ત એમની એ એક બુક વાંચી છે.” ઘડિયાળ તરફ નજર જતા એ બોલી, “ચલ હું જાઉં. બાય તનુ.” કહી એ ત્યાંથી નીકળી ગઈ.
ચૈતાલી ગઈ ત્યારે નીલ મીનુ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. નીકીએ ફોન ખેંચતા કહ્યું, “મને પણ આપ.” બન્નેએ મીનુ સાથે વાત કરી.
તનુએ નીલને કહ્યું, “કોઈ રોહનને તો યાદ કરો. એની પણ તો મહેનત છે આમાં.”
યશે કહ્યું. “કરીએ છીએ. મીનુ પછી એનો જ વારો છે.”
ત્યાર બાદ બધાએ રોહન સાથે વાતો કરી. રોહને યાદ દેવડાવતા કહ્યું, “કાલે મારા પગના ટાંકા તૂટે છે.”
નીલે કહ્યું, “અરે હા, હું અને યશ તારી સાથે આવીશું.”
હવે તો પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવી પડશે, એમ વાતો કરતા કરતા બધું આટોપીને બધા પોતપોતાના ઘરે ગયા.
