STORYMIRROR

Dada Bhagwan

Children Stories Inspirational

4  

Dada Bhagwan

Children Stories Inspirational

ટીનેજર્સની દુનિયા - 3

ટીનેજર્સની દુનિયા - 3

6 mins
20

બીજા દિવસથી બધા સ્કૂલના રૂટિનમાં પરોવાઈ ગયા. બધા રોહનને દિવસમાં એક વાર તો અચૂક ફોન કરતા. નીલ, યશ અને અનુજ રોજ રાત્રે રોહનના ઘરે જતા. સ્કૂલમાં શું ચાલી રહ્યું છે એ સમાચાર આપતા અને ગપ્પા મારતા. એક દિવસ નીકી, મીનુ અને તનુએ રોહનના ઘરે જવાનું નક્કી કર્યું.

નક્કી કર્યા સમયે ત્રણે રોહનના ઘરે પહોંચ્યા. રોહન વાર્તાની ચોપડી વાંચી રહ્યો હતો. “હાય રોહન” કહી ત્રણેએ એના રૂમમાં પ્રવેશ કર્યો, રોહને ઊંચું જોયું. “હાય” કહી એણે ચોપડી બાજુમાં મૂકી. ત્રણે એની આજુબાજુ ગોઠવાઈ ગયા. ગપ્પા મારતા મારતા તનુએ ચોપડી હાથમાં લીધી અને ટાઈટલ વાંચ્યું, “હસો

અને હસાવો.” હં... હં... ઈન્ટરેસ્ટિંગ (રસ પડે એવી) લાગે છે.

રોહને કહ્યું, “હં... બહુ મજાની ચોપડી છે. આપણા રોજના જીવનમાં બનતા હળવા પ્રસંગો આમાં વર્ણવ્યા છે. આ વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે સાચે જ આપણા જીવનમાં પણ આવા કેટલાય પ્રસંગો રોજ બનતા જ હોય છે. પણ ટેન્શન, રઘવાટ, અકળામણ વગેરેમાં આ હળવી પળો ચૂપકીથી નીકળી જતી હોય છે અને તેથી જ આપણે જીવનને માણી શકતા નથી. આખો દિવસ બસ ઉકળાટ, ઉકળાટ અને ઉકળાટ!” ત્રણે રોહનની વાત રસપૂર્વક સાંભળી રહ્યા હતા. તનુ સાંભળતા સાંભળતા ચોપડીના પાના ફેરવી રહી હતી. રોહન બોલ્યો, “ખરેખર વાંચવા જેવી છે.” આ સાંભળી “મને જોવા દે” કહી મીનુએ ચોપડી તનુના હાથમાંથી ખેંચી અને “ખરરરરર……” તનુના હાથમાં એક પાનુ રહી ગયું અને ચોપડી જતી રહી મીનુ પાસે. આ જોઈ મીનુના મોઢામાંથી જીભ બહાર નીકળી ગઈ અને આંખો પહોળી થઈ ગઈ. તનુએ ગુસ્સામાં એની સામે જોયું.

રોહન બોલી ઉઠ્યો, “ઓહ નો! અમારા પાડોશી લાયબ્રેરીમાંથી આ ચોપડી લઈ આવ્યા હતા. હવે એમને દંડ ભરવો પડશે.”

આ સાંભળી મીનુ બોલી, “સોરી, સોરી. લાવ ચોંટાડી આપું. ગુંદર છે?”

રોહને આંગળી કરી ખાનું દેખાડ્યું. મીનુ ઊભી થઈ ગુંદરની બોટલ લઈ આવી. તનુના હાથમાંથી પાનું લઈ, પલંગ પર બેઠા બેઠા જ ચોંટાડવા લાગી. બાજુમાં કપડું હાથમાં આવ્યું, એનો ડૂચોવાળી ચોંટાડેલા પાના પર જોર જોરથી દાબવા લાગી. ત્યાં તો તનુએ જોરથી બૂમ પાડી, “મીનુ, આ મારો દુપટ્ટો છે જેનાથી તું દાબી રહી છે.” મીનુએ પાછળ વળીને જોયું તો તનુના દુપટ્ટાનો છેડો પલંગ પર હતો, જેને એ કપડું માની બેઠી હતી. ધૂનમાં ને ધૂનમાં એને ખ્યાલ ન રહ્યો. રોહન અને નીકી બન્ને એકબીજા સામે જોઈ હસ્યા. ડૂચો વાળવાના કારણે છેડો આખો ચીટકી ગયો હતો. તનુ એને ધીમેથી ખોલી રહી હતી. ત્યાં બેબાકળા બની મીનુએ કહ્યું, “લાવ, સરખો કરી આપું.” એમ કહી ચીટકેલું ઉખાડવા બધું જોર અજમાવ્યું, “સરરર...” શીફોનના દુપટ્ટાના બે ચીરા થઈ ગયા.

“મીનુ” તનુ જોરથી ખીજાઈ, “યુ ફૂલ” (મૂર્ખ) કહી એણે મીનુના હાથમાંથી દુપટ્ટો ખેંચી લીધો. આ જોઈ રોહન અને નીકી બને ખડખડાટ હસવા લાગ્યા. નીકી હસતા હસતા બોલી, “આને જ કહેવાય, “હસો અને હસાવો.” મીનુ, તે તો આજે આ ચોપડીનું પ્રેક્ટિકલ કરી બતાવ્યું.”

રોહન પણ હસવાનું રોકી જ નહોતો શકતો. એણે મીનુને કહ્યું, “મીનુ, તું પણ ગ્રેટ (મહાન) છે.”

નીકી અને રોહનને હસતા જોઈ તનુ વધુ ગુસ્સે થઈ ગઈ. “ગ્રેટ? માય ફૂટ શી ઈઝ અ ગ્રેટ ફૂલ.” (એ મોટામાં મોટી મૂર્ખ છે.) કહી તનુ ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરે જતી રહી.

એક પછી એક ધબડકાથી મીનુ ગભરાઈ ગઈ હતી. રોહને મીનુને કહ્યું, “કંઈ વાંધો નહીં, મીનુ. આવું તો ચાલ્યા કરે. ઊલટું, તેં તો આજે અમને કેટલું હસાવ્યા છે. તને ખબર છે? હસવાથી જલદી સાજા થઈ જવાય.”

આ સાંભળી નીકી બોલી, “ગુડ પોઝિટિવિટી, રોહન” કહી એણે રોહન સામે અંગૂઠો ઊંચો કર્યો.

“પોઝિટિવિટી” શબ્દ સાંભળી મીનુ આછું હસી પણ કંઈ બોલી નહી.

એને જોઈ રોહને પૂછ્યું, “શું થયું મીનુ?”

મીનુએ કહ્યું, “કંઈ નહીં. નીકી “ગુડ પોઝિટિવિટી” બોલી તો મને દાદા યાદ આવી ગયા. દાદા પાસે પણ વિશાળ પોઝિટિવ દૃષ્ટિ છે. આપણે એવું કહીએ ને કે મને તાવ આવે છે, દાદા એવું કહેતા કે અત્યારે તાવ આવ્યો નથી, જઈ રહ્યો છે! જ્યારથી આપણે આડુંઅવળું ખાવા માંડીએ, ત્યારથી તાવ આવવાની ક્રિયા શરૂ થઈ જાય છે. તાવ પ્રગટ થાય, ત્યારથી તો જવાની શરૂઆત થાય છે. ત્યારે આપણે કહીએ છીએ કે તાવ આવ્યો. શરીરમાં ગરમી ઉત્પન્ન કરી, બધો કચરો બાળી તાવ જઈ રહ્યો છે.”

રોહન અને નીકીને ફરી દાદાની વાતો સાંભળવામાં રસ પડ્યો. નીકી બોલી, “એમની બીજી કોઈ પોઝિટિવિટી કહે ને.”

મીનુએ કહ્યું, “દાદાને એક વાર ફ્રેક્ચર થયું હતું. બધા જ્યારે દાદાની ખબર કાઢવા આવે ત્યારે દાદા કહેતા, ફ્રેક્ચર તો જે ઘડીએ પગ ભાંગ્યો તે ઘડીએ થયું કહેવાય. એની બીજી જ મિનિટથી તો એ સંધાવાનું શરૂ થઈ જાય છે. એટલે આજે તો એ સંધાઈ રહ્યું છે.”

ક્યારેય સાંભળી ન હોય એવી વાત સાંભળી નીકી ઉછળી પડી, “ગ્રેટ, ગ્રેટ. આ દાદા પણ એક મજાના વ્યક્તિ છે.”

મીનુએ નીકીને આગળ બોલતા રોકી, “નીકી, દાદા જ્ઞાની પુરુષ કહેવાય. એમનું નામ વિનયપૂર્વક લે. એમની માટે મજાક-મશ્કરી નહીં.”

નીકીએ કહ્યું, “ના, ના, હું એમની મજાક નથી કરતી. ખરેખર મને એમના માટે આદર વધતો જાય છે. જેમ જેમ હું એમની વાતો સંભાળું છું, તેમ તેમ મને એમને મળવાની ઉતાવળ આવતી જાય છે.”

રોહન બોલ્યો, “મને પણ.” ખિસ્સામાંથી અનુજે આપેલો દાદાનો ફોટો કાઢતા બોલ્યો, “અનુજે મને આ ફોટો આપતી વખતે કહેલું કે આમના દર્શનથી તને રાહત થશે. પણ આમના દર્શનથી મને એટલી બધી ઠંડક થાય છે કે વેદના મને અનુભવાતી જ નથી.”

એટલામાં રોહનના પપ્પા આવ્યા, “કેમ છો અંકલ” કહી બન્ને છોકરીઓ પલંગ પરથી ઊભી થવા ગઈ.

“અરે બેસો, બેસો. હું તો ફક્ત જોવા આવ્યો હતો કે શું ગપ્પગોષ્ઠી ચાલી રહી છે.” એના પપ્પા બોલ્યા.

રોહને કહ્યું, “અમે પોઝિટિવિટી પર વાતો કરી રહ્યા હતા.”

“પોઝિટિવિટી? મારી પાસે પણ એનું એક સરસ દૃષ્ટાંત છે.” એના પપ્પાએ વાતોમાં રસ દાખવતા કહ્યું.

નીકી તરત બોલી ઊઠી, “કહો ને અંકલ.”

રોહનના પપ્પા ખુરશી ખેંચી ગોઠવાઈ ગયા. શર્ટની બન્ને બાયના બટન ખોલી ઊંચી ચડાવતા બોલ્યા, “દેશની સરહદ પર જવાનો દુશ્મનો સામે લડી રહ્યા હતા. એક પછી એક આપણા બધા જવાનો શહીદ થતા ગયા. હવે ગણીને ફક્ત બે જ બચ્યા. એક મુખ્ય કમાન્ડર અને બીજો જુનિયર જવાન. વખત જતા આ બન્નેને પણ દુશ્મનની સેનાએ ચારે બાજુથી ઘેરી લીધા.”

રોહન, નીકી અને મીનુ ત્રણે કોઈ સસ્પેન્સ વાર્તા સાંભળતા હોય એવી એકાગ્રતાથી સાંભળતા હતા.

“પછી?” રોહને પૂછ્યું.

જવાને ચારે બાજુ નજર ફેરવી. ક્યાંયથી ભાગી છૂટાય એવું ન દેખાતા એ ગભરાઈ ગયો. એણે કમાન્ડરને કહ્યું, “સર, હવે આપણા બચવાના કોઈ ચાન્સ નથી. દુશ્મનોએ આપણને ચારે બાજુથી ઘેરી લીધા છે.”

જવાનને ઢીલો પડતો જોઈ કમાન્ડર બોલ્યા, “ઓહ, એનો અર્થ, હવે આપણે આંખ બંધ કરીને પણ ગમે ત્યાં ગોળી છોડીશું તોય દુશ્મનો ઠાર થશે. મરતા મરતા પણ આપણે આપણા દેશ માટે એટલા ઓછા દુશ્મનો છોડતા જઈશું, માટે હવે ભગવાનનું નામ લઈને ધનાધન ગોળીબાર ચાલુ કરી દઈએ.”

આ સાંભળીને જવાનને પણ હિંમત આવી ગઈ. શહીદ થતા થતા બન્નેએ ઘણા દુશ્મનોને ઠાર કરી દીધા.” વાત પૂરી કરતા એના પપ્પા થોડું અટક્યા અને ત્રણે સામે જોયું.

ત્રણેના મોઢા પર પ્રશંસાભર્યું સ્મિત હતું. નીકીથી તો રહેવાયું જ નહીં. એ બોલી, “સુપર્બ (બહુ સરસ). સાચે જ પોઝિટિવિટીમાં ખૂબ શક્તિ શક્તિ છે.”

મીનુને પણ એક પ્રસંગ યાદ આવતા એ બોલી, “સાયન્ટિસ્ટ એડિસનની પણ વાત છે ને કે વીજળીના બલ્બ બનાવવામાં પાંચસો-પાંચસો વાર ફેઈલ ગયા પછી તેઓ કહેતા કે હું ફેઈલ નથી ગયો, મને પાંચસો રીતો મળી છે જેનાથી વીજળીના બલ્બ નથી બનતા.”

એના પપ્પાએ સમજાવતા કહ્યું, “હં... એટલે જેટલા જેટલા મોટા વ્યક્તિઓ, સંતો, જ્ઞાનીઓ થઈ ગયા. એ બધાનો ચરિત્ર તમે વાંચો ને તો દરેકની પાસે ઊંચામાં ઊંચી પોઝિટિવ દૃષ્ટિ હતી. પોઝિટિવિટીના કારણે તેઓ ગમે તેવી મુશ્કેલીમાંથી પાર ઊતરી જવાની હિંમત ધરાવી શકતા હતા. ક્યારેય નાસીપાસ નહોતા થતા.

વાતો ચાલતી હતી ત્યાં રોહનના મમ્મી રોહન માટે જમવાની થાળી લઈ આવ્યા. આ જોઈ નીકીએ ઘડિયાળમાં જોયું, “ઓહ! સાત વાગી ગયા. ટાઈમનો ખ્યાલ જ ન રહ્યો. અમે જઈએ રોહન.”

એના મમ્મીએ કહ્યું, “અહીંયા જમી લો આજે.”

મીનુ બોલી, “ના, ના, ઘરે રાહ જોતા હશે. ચલ બાય રોહન.” રોહને બન્નેને “બાય” કહ્યું. નીકી અને મીનુ ઘરે જવા નીકળી ગયા.

બીજા દિવસે સવારે નીકી અને તનુ સ્કુલમાં મળ્યા. તનુના ઘરે ગયા બાદ રોહનના ઘરે શું કર્યું એ વાત નીકી તનુને કરતી હતી. તનુ આજે પણ ગુસ્સામાં જ હતી. એનો મુડ “ઓફ” હતો. નીકી તો ખુશ થઈ થઈને તનુને, મીનુએ કહેલી દાદાની પોઝિટિવ દૃષ્ટિની વાતો કરતી હતી, પણ તનુને ન મીનુની વાતમાં રસ હતો કે ન દાદાની વાતમાં. હવે એ મીનુથી ખરેખર અકળાઈ ગઈ હતી. આમેય રોહનનો પગ ભાંગ્યો ત્યારથી એ મીનુ પર ગુસ્સે તો હતી જ. એમાંય ગઈ કાલના પરાક્રમોથી તો એને મીનુ માટે અભાવ થવા લાગ્યો હતો. તનુને નીકીની વાતો સાંભળવી ન હતી, પણ એ એને રોકી ન શકી. ત્યાં તો વિજ્ઞાનના ટીચર આવી ગયા અને વાત અટકી ગઈ. તનુને “હાશ” થયું.


Rate this content
Log in