Mahebub Sonaliya

Others Romance

3  

Mahebub Sonaliya

Others Romance

The Accident : પ્રેમના પગલાં

The Accident : પ્રેમના પગલાં

11 mins
14.1K


ટ્રેનની વ્હીસલ વાગતાંની સાથે જ સ્ટેશન પર હલચલ વધી ગઈ. લોકો એક પછી એક બાંકડાઓને તીલાંજલી આપવા લાગ્યા. પ્લેટફોર્મ પર ભીડ જામી. સૌ કોઈને ગાડીમાં પહેલાં ચડવાની ઉતાવળ હતી. આમ પણ માણસ માત્ર દરેક પરિસ્થિતિમાં પ્રથમ જ રહેવાનો મિથ્યા પ્રયાસ કરે છે. જેથી કરીને તે દુઃખની હરોળમાં પણ હંમેશા પ્રથમ સ્થાન પર ઉભો રહે છે.

જેમ તેમ કરીને ટ્રેનના ડબ્બામાં ચડ્યો અને બારીની નજીક જઈને બેસી ગયો. મારા મગજમા હજી ગજગ્રાહ ચાલતો હતો. માધવીને ફોન કરું કે ન કરું હું તે નક્કી નહોતો કરી શકતો. મારૂ હ્ર્દય મારા આંગળાઓને મજબૂર કરી રહ્યું હતું પરંતુ આંગળાઓ પર નિયંત્રણ તો મગજનું જ ચાલે છે. જતાં જતાં માધવીને જોતો જાઉં એ ઈચ્છા તો મને પણ થતી હતી. પરંતુ બિચારીને રોજ સૂરજદાદા આવીને જગાડે છે. અત્યારમાં આ સમયે તેને ક્યાં હેરાન કરવી. છતાં મન તો કરે છે કે તેને મારી આંખોમાં એ રીતે ભરી લઉં કે આ ૫ દિવસ નહીં પરંતુ સાત જન્મ સુધી મને માધવી જ દેખાયા કરે ! માધવીનો સંગાથ મને ગમે છે. હું તેના સંસર્ગથી હંમેશા હકારાત્મક ઊર્જા પામું છું.એટલે જ તો મારા જીવનમાં ક્યારેય ઉર્જા કે ઉત્સાહની કમી નથી જણાતી. માધવી મારી બેસ્ટ ફ્રેન્ડ નહીં પરંતુ મારી ગુરુ છે. મારા જીવનનો પ્રાણવાયુ છે. હું એ વિચારે જ ડરી જાવ છું કે જ્યારે તે કોઈની સાથે પરણી જશે અથવા મારાથી દુર ચાલી જશે ત્યારે મારું શું થશે ?

"એક્સક્યુઝ મી તમારા થેલો લઇ લો ને" એક યુવાન છોકરીએ પોતાને બેસવા માટે જગ્યા કરવા કહ્યું.

તેણે ચેહરા પર દુપટ્ટો વીંટાળેલો હતો. તેણે લાલ અને સફેદ કલરની સલવાર-કમીઝ પહેરી હતી. સામાનમાં કૈં પણ નહોતું. માત્ર એક ટિફિન બોક્સ. તેના હાથ પર એક લાલ રંગનું લેધરનું પર્સ લટકતું હતું.

મેં તરત જ મારો થેલો બર્થ પરથી લઈ અને મારા પગ પાસે મૂકી દીધું. હું થોડી થોડીવારે બારીમાંથી બહાર જોઇ રહ્યો હતો. કદાચ માધવી આવશે. ઘરના લોકોને તો મેં આવવાની ના પાડી હતી એટલે ઘરેથી કોઈ નહીં જ આવે તેની ખાતરી હતી. ફકત માધવીનો જ ઇન્તેજાર હતો

"મહુવા ?" પેલી છોકરી થોડી ઔપચારિક વધારવા બોલી.

"જી?" અચાનક આવેલા પ્રશ્નનો જવાબ મેં પ્રશ્નથી આપ્યો

"મહુવા જવું છે ?" તેણે મને પૂછ્યું.

"હા" મેં વધારે જવાબ આપવાનું ટાળ્યું.

"હું પણ ત્યાં જ જવાની છું"

મેં સમર્થનમાં માથું ધુણાવ્યું.

"એકલા જવાનું છે કે કોઈની રાહ જુઓ છો ?"

મેં જવાબ દેવાને બદલે બારીની બહાર જોયા કર્યું. હું આમ પણ માધવની રાહ જોઈ રહ્યો હતો. આ બુકાનીધારી રણચંડીમાં મને કોઈ જ રસ નહોતો. ખબર નહીં કેમ પણ મને માધવી આસપાસ હોય તેવું લાગી રહ્યું હતું. ક્ષણિક વાર માટે માટે જાણે શાંતી મળી. પેલી છોકરી કશું બોલી નહીં. કદાચ તેનો પ્રશ્નોતરી નો રાઉન્ડ પૂરો થઈ ગયો હશે.અચાનક પેલી છોકરી બોલી.

"એ ચાલ "

મેં તેની સામે વિસ્મીભૂત થઈને જોયું

"અરે ગાડી ચાલી એમ." તેણે પોતાની દસે દસ આંગળીઓથી પોતાની અચરજ બતાવી. આમ પણ છોકરીઓ કરતા તેમના ગેસ્ચર વધારે બોલકા હોઈ છે.

બદલામાં મેં તેને માત્ર એક જ આંગળી ચીંધી. તે પણ બાજુના ટ્રેક પર ચાલી રહેલી ટ્રેન પર !

ખરેખર બાજુની ટ્રેન ચાલુ થઈ હતી અને આ મેડમ ઉત્સાહિત થઈ ગયા. મારા ચહેરા પર થોડુંક હાસ્ય ઉભરાઈ આવ્યું જોકે બાકીના હાસ્યને મેં મારા અંદર પ્રયત્ન પૂર્વક સાંચવી લીધું. જોકે બીજા મુસાફર એટલા બધા સક્ષમ ન હતા અને એકસાથે બધા ખડખડાટ હસવા લાગ્યા. થોડો છોછ થતા તે હવે કશું બોલી રહી નહોતી. પરંતું થોડા સમય બાદ તે ફરી બોલી પરંતુ તે એની જાત સાથે જ વાત કરી રહી હતી

"અરે યાર હું આજે પણ ભૂલી ગયી"

·"હવે શું થયું ?"

"કૈં નહીં હું મારી વૉટર બોટલ ભૂલી ગઈ." તેણે મુંજાએલ સ્વરે કહ્યું.

"હવે"

"કૈં નહીં હું બોટલ લેવા નીચે જઇ રહી છું.

"મારી પાસે એક બોટલ છે તું ચાહે તોઆપણે શેર કરી લઈશું. આમ પણ હવે તારી પાસે પૂરતો સમય નથી'' મેં ગાડીની વાગી રહેલી સીટી તરફ ઇશારો કર્યો

"મને એમ મજા નહીં આવે. હું આમ ગઇ અને આમાં આવી. દોડીને ચડી જઈશ." કોઈપણ પ્રત્યુત્તરની અપેક્ષા વગર તે એટલું બોલી અને ઝડપભેર ગાડીની નીચે ઉતરી ગઈ. હું આ મથામણમાં માધવીને તો સાવ ભૂલી જ ગયો હતો. હું ફરી બારી સામે આશાભરી નજરે જોવા લાગ્યો. પેલી છોકરી પ્લેટફોર્મ ના દાદર ચઢી રહી હતી. બહુ જ ઉતાવળા પગલે તે ચાલી રહી હતી. પ્લેટફોર્મના સામાં છેડે ઘણી બધી દુકાનો છે. તે ઉતાવળ ચાલી રહી હતી કે હવાને કેવી રીતે નૃત્યમય ચાલવું તે શીખવી રહી હતી તે પણ એક વિચારવા જેવો મુદ્દો છે.

અને મને જે વાતનો ડર હતો એ જ થયું. જેમ કોઇ નાવિક તેની નાનકડી હોડીને ધીમા ધીમા હલેસા મારતો હોય તેમના નાના-નાના ઝટકા મને મહેસૂસ થવા લાગ્યા. હવે મને પેલી છોકરીની ચિંતા થવા લાગી. બિચારી હવે તો કેમ કરીને આવી શકશે ? જોત જોતામાં ગાડીએ સ્ટેશનને અલવિદા કહી દીધું. પરંતુ મારી દષ્ટિ હજી બારીમાં જકડાયેલી હતી. બારી તો એ જ હતી પરંતુ હવે પ્રતીક્ષા બદલાય ગઈ હતી. જાણે બારી જ સ્વયં પ્રતીક્ષાનું પ્રતીક બની ગઈ હતી.

જાણે વર્ષોથી ભૂખ્યો માણસ જમવા પર તૂટી પડે તે રીતે ગાડી ઝડપભેર રસ્તો ગળવા લાગી. હું બસ ગાડીના સળિયા પકડીને બેસી રહ્યો હતો. હું ગાડીમાં હતો પરંતુ મન તો સ્ટેશન પર જ રહી ગયું હતું. માધવી, પેલી બુકાની ધારી છોકરી અને માધવીનો અહેસાસ મનને આગળ વધવા જ નહોતા દેતાં. મેં સ્વસ્થ થવા મારો હાથ સળિયા પરથી હટાવ્યો અને મારી દષ્ટિ બારી પરથી !

·"આ ટિફિન તમારું છે ?"કંપાર્ટમેન્ટમાં પાછળ ઉભેલો એક ઉતારું મારી પાસે આવીને બોલ્યો.

"ના" મેં કહ્યું

તેણે ટિફિન ઉપાડી મારા પગ પાસે મૂકી દીધું અને બર્થ ખાલી કરીને બેસી ગયો.

બિચારી ભૂલી ગયી હું એકલો બબડયો. બહુ કરી અજબ છોકરી હતી.અને આ તો મગજ છે ભાઈ એનું કામ વિચારવાનું. તરત જ બીજો વિચાર આવ્યો. એમાં કશી ગડબડ તો નહીં હોય ને ?આમ પણ તાજેતરમાં જ ટિફિનબોક્સ બ્લાસ્ટ થવાની ઘણી ઘટનાઓ સામે આવી છે લોકો જે ટિફિનમાંથી નિવાલા જમે છે તે જ ટીફિન હવે લોકોને પોતાનો નિવાલો બનાવે છે. ગઝબ છે. હવે મારી ચીંતા પેલી છોકરી શું કરશે તે પૂરતી સીમિત ન રહી હતી પરંતુ ટિફિનમાં એવું કશું હશે તો હું પણ શું કરીશ એ વિચારવા લાગ્યો.અરે હા તેણે એક કાર્ડમાં કશું લખીને ટિફિન બોક્સમાં મૂકેલું એ મને અચાનક યાદ આવ્યું. મેં ધ્રુજતા હાથે ટિફિનબોક્સ ખોલ્યું. વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ ટિફિન તેની બાજુમાં છાશની બોટલ અને ટિફિન પર પિકલબોક્સ.

·મને હાશકારો થયો.તેમ છતાં મે કાર્ડ શોધ્યું. મેં ટિફિનબોક્સની બહારની ઝીપ ખોલી. તો તેમાં એક વિવિધ સુંદર રંગોનું રંગીન અને ભવ્ય કાર્ડ હતુ. કાર્ડમાં ગુલાબી અક્ષરોથી માત્ર એટલું જ લખ્યું હતું કે મિત્ર ગમે તેટલા કમીના હોય પણ અમે કોઈ મિત્રને ક્યારેય પણ એકલા છોડતા નથી.

ગુલાબી રંગે રંગાયેલા અક્ષરો એ મારા મુખ પર ગુલાબી મુસ્કાનની જાજમ પાથરી દીધી. મે તરત જ માધવીને કોલ કર્યો અને એક પણ શબ્દ બોલવાની ચેષ્ટા ન કરી માત્ર સાંભળ્યાં જ કર્યું. તેના ગુસ્સાને માણવો એ પણ એક લહાવો છે. તે સતત મારા પર ગરમ થતી રહી અને હું તેની લાગણીમાં ખોવાતો રહ્યો.

"ઓય ડોબા! કેમ કૈં બોલતો નથી ? ક્યારનો સાંભળ્યા જ કરે છો ? જવાબ દેને" તે ભયંકર ગુસ્સામાં હતી

"પણ તું કશું બોલવા ની તક દે તો કૈં બોલુને ? હવે શાંત થા. સાંભળ તું સૂર્યવંશી છો, હા માન્યું હું પણ છું. તું રોજ નવ વાગે જાગે છો તો મને થયું કે તારી નીંદરમાં ખલલ શું કામ કરવી. હું તને તકલીફ દેવા નથી માગતો." મેં મારી આંખો મીચીને કહ્યું

"તું મને એકવાર મળતો ખરી પછી તને દેખાડું તકલીફ કોને કહેવાય. તો તને ખબર પડશે.હું જાણે સાવ પારકી હોય તેમ તું રીએક્ટ કરે છો" તે ગુસ્સામાં બોલી

તે ગુસ્સે થશે તે તો અપેક્ષિત હતું પરંતુ તેનું છેલ્લું વાક્ય આઉટ ઓફ ધ વર્લ્ડ ! તે વાક્યને હવે હું આખા સફર દરમિયાન આંખો બંધ કરીને મમળાવવાનો હતો.

***

પાટા પર ચાલતી ગાડી એક અનેરું સંગીત પણ સંભળાવી હતી. મારી સામે બેસેલા દંપતી ગઈકાલે કોઈએ કરેલી આત્મહત્યા પર ચર્ચા કરી રહ્યા હતા.

"બીચારો માંડ વીસ પચીસ વર્ષનો હશે. આટલી ઉંમરમાં તો એવું શું દુઃખ પડ્યું ?" પેલી સ્ત્રી પોતાના પતીને પૂછી રહી હતી.

"શેર બજારમાં ઘણું હારી ગયો હતો. ઘરમાં કોઈને કહી શકયો નહીં એવી અફવા ઉડે છે. જો અહિયાં જ તેણે ચાલતી ટ્રેનમાંથી કૂદીને પોતાની તકલીફને અલવીદા કહી હતી. તેનો પતી પોતાની આંગળી ચીંઘીને બોલ્યો.

મેં પણ જોવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં સુધીમાં તો ગાડી કયાંય આગળ નીકળી ગઇ હતી. આ સાલી ટ્રેન દોડે છે કે બહારના દ્રશ્ય ! આપણું પણ કંઈક એવું જ હોય છે આપણે સ્વયંમ નેગેટીવીટી નરકમાં જઈ રહ્યા હોઈએ છીએ છતાં આપણને લાગે છે કે આખું જગત તે નરકમાં જઈ રહ્યું છે !

મારી આંખો પર નીંદરનો ભાર લાગે છે તેમ છતાં ટ્રેનમાં આંખ પણ કેમ લાગે ? મને નવાઈ લાગી મોટાભાગના અપડાઉન કરવાવાળા માણસો આરામથી સૂઈ શકે છે. તેમને કોઈ તકલીફ જ ક્યાં છે. જેમ-જેમ સ્ટેશન આવતા ગયા તેમ તેમ ગાડી ખાલી થવાને બદલે વધુ ને વધુ ભરાવા લાગી. બેસવાની તો છોડો ઉભા રહેવાની પણ જગ્યા નહોતી. પણ આ એક સ્વાભાવિક ઘટના છે. ટ્રેન એ ભારતનું સૌથી સરળ, સસ્તું અને સુગમ માધ્યમ છે.

"ચણાદાળ.. ચણાદાળ.." આ ભીડથી ટેવાયેલા ફેરિયાઓ ડબામાં ચડયા. તેઓના ટોપલામાં ઘણી બધી વસ્તુ હોવા છતાં તેઓ એક જ વસ્તુનું રટણ કરી રહ્યા હતા. ચક્કાજામ ગીરદીમાં પણ એક યુવાને તેની સાથે રહેલી છોકરીને ચણાદાળ ખાવાનો આગ્રહ કરી રહ્યો હતો. આ ચક્કાજામ ભીડમાં ચણા દાળ કઈ રીતે ખાઇ શકાય કદાચ એ જ મૂંઝવણ પેલી છોકરીને થતી હશે. કેવી અજીબ વાત છે. કોઈને ભીડથી પરેશાની થાય છે અને કોઈના જીવનમાં પરેશાનીઓની ભીડ હોય છે !

'ચિંતા શું કરે છે આપણે એડજસ્ટ કરી લેશું પેલા એ હઠાગ્રહથી કહ્યું. જેમ તેમ કરી પેલો વ્યક્તિ પોતાના મોંમાં ચણા દાળ મૂકી શક્યો. પેલી છોકરીએ પણ પોતાનું મોં ખોલ્યું તે વ્યક્તિએ તેની તરફ હાથ લંબાવ્યો પણ ઉતાવળમાં તે પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને બધી જ દાળ પેલી છોકરી પર ઢોળાઈ ગઈ. તે બિચારી પોતાનું ગળું અને કપડાં સાફ કરવા લાગી. બધા લોકો તેની જ સામે જોઈ રહ્યા હતા. એક શરમનો ભાવ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાવા લાગ્યો અને તેનો સાથી તેની સાથે બસ હતાશ થઇને ઊભો હતો.

શેકેલી ચણા દાળમાં કાંદા, મરચું અને લીંબુ નાખેલું હતું. આમ તો તે સ્પાઈસી દેખાતી હતી પણ એવી તો નહોતી જ કે કોઈને હઠાગ્રહ પૂર્વક ખવડાવી શકાય. મને તેનું વર્તન સાવ અજીબ લાગ્યું. સાવ સામાન્ય વાનગી છે એમ આટલી બધી સલાહ શુ કરવાની વળી ? પાછો પોતે પણ માંડ માંડ ઉભો રહી શકે તેટલી ભીડમાં છોકરીને કેમ સલાહ કરી રહ્યો હતો.

"હાશ સારું છે મારા માટે તો માધવીએ ટિફિન બનાવ્યું છે નહીં તો મારે પણ આવું જ કંઈક ખાઈને દિવસ ટૂંકો કરવો પડેત. હું મનો મન બોલ્યો.

હું ફરી માધવીના વિચારોમાં ખોવાઈ ગયો એને તો સી.એ. ફર્મમાં નહીં પણ બાલાજીની કંપનીમાં કામ કરવું જોઈએ એટલી નાટકબાજ થઈ ગઈ છે તેની ખબર જ નથી પડી. બિચારીને તકલીફ તો પડી હશે ને આટલી વહેલી તો કોઈ દિવસ નહીં જાગી હોય. તે ક્યારે શું કરશે એની ખબર જ નથી પડતી. સાવ સરળ રીતે કહીએ તો "માધવી આઝાદ હવા જેવી છોકરી છે !"

મારી આજુબાજુ માણસ, માણસ અને માણસ હતા છતાં હું સાવ એકલતા મહેસૂસ કરી રહ્યો હતો. બધા પોતપોતાની વાતો કરવામાં મશગૂલ હતા. કોઈને કોઈનું સાંભળવા નથી માત્ર બોલવું જ છે ! હું આંખો બંધ કરીને બેસી ગયો જોકે અમારી જેવા ઘણા બધા લોકો હતા જે શાંતીપ્રીય હતા. જો કે આજે શાંતી મારા નસીબમાં જ નો હતી. થોડીવારમાં મારે પરાણે આંખો ખુલ્લી પડી. એક લગભગ ૨૫- ૩૦ વર્ષનો યુવાન મેલા ઘેલા કપડા , હટ્ટોકટ્ટો, સાવ લઘરવઘર, માથું પકવી દે તેવા બેસૂરા અવાજમાં મોહમ્મદ રફી સાહેબના ગીતોનું પોસ્ટમોર્ટમ કરવા લાગ્યો. ગીત ગાતો જાય અને પાછો હસતો જાય. મુખ પર એક ખોખલું હાસ્ય. હાસ્ય એક એવું પહેરણ છે જે દરેક વ્યક્તિ ધારણ નથી કરી શકતો અને જો પરાણે ધારણ કરે તો બાપનો શર્ટ દીકરાએ પહેર્યો હોય તેવું ઓડ લાગે .

ગીતથી ત્રાહિમામ પોકારેલા એક સજ્જને ચિલ્લર કાઢી તેના હાથમાં મૂકયું પેલાએ પૈસા તરત ઉપડ્યા અને ગજવામાં મુક્યા. પછી બાજુવાળા બીજા સજ્જન સામે ગીતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સંભળાવવા લાગ્યો. બધા તેની સાથે નહીં પણ તેના ઉપર હસી રહ્યા હતા. જ્યાં સુધી એ પેસેન્જર કઈ આપે નહીં ત્યાં સુધી તે વિચિત્ર અદાઓથી એટલું ખરાબ ગાય કે તેને ફાંસી આપી દેવાનું થાય. એક પછી એક સજ્જન પૈસા કરતા જાય અને પેલો ગજવું ભરતો જાય. ખરેખર આજે મને પર્સનાલિટી ડેવલપમેન્ટ વાળા લોકોને સલામ કરવાનું મન થાય છે. તેઓ કહેતા હતા કે તમારી પાસે જે સ્ટ્રેન્થ છે તેનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને આ બીચારો તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો હતો કોઈની સાથે અન્યાય થવા દેતો નથી. દરેક મુસાફરીને સમાન તક આપે છે. કોઈને ના કહેવાનો મોકો પણ નથી આપતો જ્યાં સુધી મુસાફર પૈસા ન આપે ત્યાં સુધી બસ ગાયા જ કરે અને અજીબ-અજીબ હરકત કર્યા કરે.

સૃષ્ટિમાં શેરને માથે સવાશેર કર્યા છે તે વાત સાંભળી હતી પણ આ જ મારી નજરથી મેં જોઈ પણ ખરી. ભિખારી ટ્રેનમાં બેસેલા એક મુસાફર પાસે ગયો અને હૃદય દ્રવી ઉઠે એવા લાભથી ગીતની શરૂઆત કરી જોકે તે એક રોમેન્ટીક ગીત હતું જોતજોતામાં પોતાનો ટેમ્પો જાળવતા તેણે રિધમ પકડી. પોતાના હાથની હરકત વડે તે ગીતમાં જીવ નાખવાનો મિથ્યા પ્રયાસ કરવા લાગ્યો. ભિખારીએ ગાવાનું બંધ કરવાનું નામ ના લે અને આ મહાશય ખિસામાં હાથ નાખવાની હિંમત ન બતાવે. ઉપરાંત પેલાના બેહૂદા ગીત પર દાદ આપે. એટલિસ્ટ કૈંક તો આપે છે !

પેલો ભિખારી વધુ આશાસ્પદ થઈ વધું જોર લગાવવા લાગ્યો. પોતાના ગીત સાથે જેસ્ચર અને એક્સપ્રેશન પર પણ ધ્યાન આપવા લાગ્યા. પોતાના હાથની હલચલ ગતીમન કરી અને ગરદનને ધીમે-ધીમે ફણીધર નાગની માફક ડોલાવવા લાગ્યો. હવે તેનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો હતો. પરંતુ પેલો મુસાફર તો ચમડી તૂટે પણ દમડી ન છૂટે એ પ્રિન્સિપલને માનતા હતો.

"વાહ ભાઈ વાહ મજા કરાવી" પેસેન્જર બોલ્યો

"શેઠ હવે તો કૈંક આપો" ભિખારી સાવ ઓશિયાળો થઈ તેની સામે જોવા લાગ્યા .

"હા કેમ નહીં આપું હો" બધા જ મુસાફર તેની સામે જોવા લાગ્યા કોઈ પોતાની જિજ્ઞાશાને રોકી શક્યા નહીં

ભિખારીએ અધૂરુ છોડેલુ ગીત તે મુસાફરે શરૂ કર્યું. એ જ અદા એ જ કુ-મધુર સ્વર એ જ મુખાકૃતી. પેલો મુસાફર ધીમે-ધીમે પોતાનું હુન્નર દેખાડવા લાગ્યો ઇન ફેક્ટt આ તો પેલા ભિખારીનો પણ બાપનીકળ્યો. ભિખારી સામે તેની દસ મિનિટ સુધી પોતાની કલાનું પ્રદર્શન કર્યું અને પોતાના સંગીતના રથને થંભાવ્યો અને દિન દુખીયા ભિખારી પર કૃપા દષ્ટિ કરી

"મહામૂર્ખ તુ હજી પણ થોડુક સુરમાં ગાઈ રહ્યો હતો. હવેથી મેં ગાયું તેમ જ ગાઇશ તો તારી કમાણી ડબલ થઇ જશે. કોઈ માઈ કા લાલ તને ખાલી હાથે કાઢી નહીં શકે. ચાલ લાવ મારી ફીસ 100 રૂપિયા"

ભિખારી ગદગદ થઈ ગયો અને પૂછ્યું "પ્રભુ તમે કોણ છો"

"મૂર્ખ હું પણ રાતની ટ્રેનમાં આજ ધંધો કરું છું ચાલ હવે 100ની નોટ ઢીલી કર." ગોફણ માંથી જેમ ગોળો છૂટે તે રીતે પેલો ભિખારી ગાયબ થઈ ગયો.

આજે એવું પ્રતીત થયું કે જાણે જીવન એટલે ટ્રેન જીવન પણ આ ટ્રેનના સફર જેવું લાગે છે. ક્યાંક પોતાના દુઃખ, ક્યાંક બીજાના દુઃખમાં સહાનુભૂતિ અને ક્યાંક એકબીજાને દોષ પર લોથપોથ કરી દેતું હાસ્ય

કોઈ તોફાની છોકરો જેમ લેશન ન કરે તો ન જ કરે એવી રીતે મેં આંખો બંધ કરી આસપાસના કોલ્હાલને દૂર કર્યો.


Rate this content
Log in