Durgesh Oza

Others Classics Inspirational

2  

Durgesh Oza

Others Classics Inspirational

સ્વરૂપ

સ્વરૂપ

4 mins
7.9K


 

‘ મા પાવા તે ગઢથી ઊતર્યાં મહાકાળી રે..’ સીંતેર વરસનાં રેવાબેને જોશભેર ગરબો ઉપાડ્યો, ને બધાએ હોંશભેર એને ઝીલી લીધો. પછી તરત જ ઝમકુ ડોશીએ ‘ તું કાળી ને કલ્યાણી રે મા..’ લલકાર્યું. જેવો આ ગરબો પૂરો થયો કે પાંસઠ વરસના રમણલાલને શૂરાતન ચડ્યું. ‘ મને અંબાના ગુણ ગાવા દે..’ આમ એક પછી એક ગરબાની રમઝટ જામી. જે ખપ પૂરતું ને ભાગ્યે જ બોલતાં એવા ગંગાબેને ઊંચા, બુલંદ અવાજે ગરબો ગાયો! ચાર દિવસ સુધી તો બહુ રંગત નહોતી જામી, પણ આ પાંચમાં નોરતે વાતાવરણ ખૂબ ભક્તિમય ને શક્તિમય બની ગયું.

 

ગરબા પૂરા થતાં જ મંછાબેન કહી રહ્યાં, ‘ સ્ત્રી તો શક્તિ છે, મા તો સાક્ષાત જગદંબા. મા પંડે ઘસાઈને, પોતાનાં સુખ-સ્વાર્થ ત્યાગીને પણ પોતાનાં સંતાનોને સુખી કરે, ખુશ જોવા માંગે. એટલે જ તો તેને કરૂણામયી, સ્નેહમયી કહે છે ને? હા, પણ એ જ સૌમ્યા મા જરૂર પડ્યે મહાકાળી કે રણચંડી બની શકે! એટલે તો ‘’મા’’નું માન જળવાય છે, એની પૂજા થાય છે.’

 

‘ હા, આજકાલ તો ‘‘મા’’ની બરાબરની પૂજા થાય જ છે ને?’ વૃદ્ધ રામશંકર વ્યંગમાં બળતરા સાથે બોલી ઊઠ્યા. ચર્ચા હજી તો બરાબરની જામી, ત્યાં તો આ બધું સાંભળી રેવાબેન સડપ દઈ ઊભાં થઇ ગયાં ને પોતાનાં થોડાંઘણાં કપડા-લત્તા નાનકડી બચકીમાં ભરીને...!

મંછાબેન પૂછી રહ્યાં, ‘ અરે! તમે ક્યાં ચાલ્યાં..? ’

 

‘ કાં, તમે જ ન કીધું કે માના અગણિત સ્વરૂપ છે? મા ન અન્યાય કરે, ન સાંખે. સ્નેહમયી મા ચંડિકા પણ બની શકે. માતાનાં આટઆટલા રૂપમાં ક્યાંય ‘ લાચાર’, ‘બાપડી’, કે ‘ અબળા ’..એવું રૂપ નથી ભાળ્યું. એ તો આપણે જ હાથે કરીને..! એટલે હું તો આ ચાલી..’

 

‘ અરે પણ તમને ઘૂંટણનો દુઃખાવો...! ’

 

‘ અરે એ દુઃખાવાને તો જોઈ લેવાશે. હા, હું કચકચ, માથાકૂટ કે અન્યાય નહોતી કરતી. હવેય નહીં કરું. જીદ કે કડવાશ વિના બધાને પ્રેમથી આનંદમાં રાખતી, તોય..! મહેનત કરીકરીને બનાવેલું માલિકીનું મકાન ખોટી સહીઓ કરાવીને..! હું તો સામેથી જ દઈ દેવાની હતી. કાંઈ ભેગું બાંધીને ઉપર થોડું લઇ જવાની હતી!? પણ તોય..! મને મમત કે માયા-મોહ નથી, પણ અન્યાય કે લાચારી સહન ન કરાય. માનું એક નામ ‘ ચંડિકે ’ પણ છે. હું જોઉં છું કે હવે બધા કેવી રીતે મને હેરાન કરે છે? મારો હક, મારું સ્વમાન હું મેળવીને જ રહીશ.’

 

આ જોઈ ઝમકુ ડોશી બોલ્યાં, ‘ બહુ સરસ. પણ હા, માનું એક સ્વરૂપ સ્નેહમયી પણ છે જ ને? એમાં કર્કશા રૂપ તમે ક્યાંય ભાળ્યું? નવરાત્રિમાં મા આમ અનેરો સંદેશ આપી જાય છે કે તમે તમારાં રૂપને ઓળખશો તો સવાર જ નહીં, તમારી રાત પણ અજવાસથી ઝળહળ થઇ ઊઠશે. ઘણા મૂરખા કચકચ, કંકાસ, ફાટફૂટનો આશરો લઈ બધું પોતાની હસ્તક જ રાખી ઘરને નર્ક જેવું બનાવી દે છે. વાતવાતમાં વિવાદમાં ઊતરી જઈ પ્રેમાળ વહુ-દીકરા વગેરેને ઉતારી પાડે. બીજા લોકોની હાજરીમાં ખોટો રોફ જમાવી ઘરનાને જ અન્યાય કરી બેસે છે.’

 

 

ને ત્યાં તો કાશી ડોશી પણ ફટ દેતાકને..! એક તરફ હતી ખુમારી, તો બીજી તરફ સમજદારી. બેયની મક્કમતા જોઈ ઝમકુ ડોશી હરખભેર ગાવા માંડ્યાં. ‘ મા ઘરડાં તે ઘરથી..નીસર્યા ‘‘રેવાકાશી’’ રે..! ’

ઘરનાની માફી માંગી ઘરને ફરી નંદનવન બનાવવાના દઢ નિર્ધાર સાથે ‘ સજળ નેત્રે’ કાશી ડોશી પણ પોતાના ઘરે પરત જઈ રહ્યાં હતાં!

 

                     

 


Rate this content
Log in