STORYMIRROR

Drrenuka Patel

Others

3  

Drrenuka Patel

Others

સીમંત

સીમંત

12 mins
14.4K


કાવેરીએ બેલ દબાવી અને વેદાંતે બારણું ખોલ્યું. અંદરનું દશ્ય જોઈને કાવેરી બે ઘડી હેબતાઈ ગઈ. ધાતુની ફૂલદાની એક બાજુ પડી હતી અને તેના પ્લાસ્ટિકનાં ફૂલ બીજી બાજુ. સોફા પરનાં કુશન ઓરડામાં ચારે બાજુ ફંગોળાયેલાં હતાં. દૂર ખૂણામાં પાણીનો ગ્લાસ ભરેલી ટ્રેનો ઘા કરવામાં આવ્યો હતો જે ત્યાં જ પડી રહી હતી. ડાઈનિંગ ટેબલની બે ખુરશીઓને ધક્કો મારીને નીચે પાડી દેવામાં આવી હતી. અને બીજું તો ઘણું બધું… કાવેરીનું મગજ ચકરાઈ ગયું. તેણે એક નજર વેદાંત સામે નાંખી. વેદાંતે દયામણી નજરે તેની સામે જોયું.

‘ક્યાં છે એ ?’ કાવેરીએ ધીમેથી પૂછ્યું.

વેદાંતે બેડરૂમ તરફ ઈશારો કર્યો.

‘સારું… તું ઑફિસ જવા તૈયાર થઈ જા… હું છું એની પાસે…’ કાવેરીએ બેડરૂમ તરફ ડગ માંડ્યા. એ ત્યાં જ હતી. બેડરૂમમાં… ઊંધે માથે પથારીમાં પડેલી. કાવેરી ધીમેથી જઈને તેની પાસે બેસી ગઈ અને હળવેથી તેની પીઠ પર હાથ મૂક્યો… ‘લજ્જા’… કાવેરીનો સ્વર સાંભળતાં જ એ તરત ઊભી થઈ પાછી ફરી અને કાવેરીને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

વેદનાને વળી ક્યાં પગ હોય છે? અને આ તો પાછું માનું હૃદય… રુદનના આવેગથી લજ્જાનું આખું ય શરીર ધ્રુજી રહ્યું હતું. કાવેરી તેની પીઠ પર ક્યાંય સુધી હાથ ફેરવતી ત્યાં જ બેસી રહી. શબ્દોની જરૂર ન હતી અને તોય શબ્દો જાણે હવામાં તોળાઈ રહ્યા હતા. એ જ ઠાલાં આશ્વાસનો અને ખોખા જેવાં ખાલી વાક્યો… લગભગ બધાં ય લજ્જાને મોઢે જ હશે. બોલવાનો શો મતલબ હતો? ક્ષણો એમ જ પસાર થતી રહી. થોડી વારમાં વેદાંતે ડોકિયું કર્યું.

‘હું નીકળું?’

‘નાસ્તો કર્યો? કોફી પીધી?’

‘ના, ઑફિસમાં કરી લઈશ.’

‘અરે પણ આમ સાવ… હું બનાવી દઉં ઝડપથી… હજી તો વાર છે…’ કાવેરીએ ઘડિયાળ સામે જોયું.

‘ડોન્ટ વરી… હું મૅનેજ કરી લઈશ. તમે ખાલી લજ્જા પાસે રહેજો. મારે આજે ઑફિસમાં ઑડિટ છે, નહીં તો હું…’

‘સારું સારું. હું અહીં જ છું. તું બપોરે નવરો પડે એટલે ફોન કરજે.’

અને એ ગયો. લજ્જા હવે શાંત હતી. પથારીમાં સૂઈ ગઈ હતી. કાવેરી બારણું આડું કરીને ડ્રૉઈંગરૂમમાં આવી. વેરણછેરણ ડ્રૉઈંગરૂમ જોઈને એનું હૃદય ફરી એક વાર વલોવાઈ ગયું. જમીન પર પડેલી વસ્તુઓ એક પછી એક તેણે ઠેકાણે મૂકવા માંડી. ‘હું મૅનેજ કરી લઈશ…’ વેદાંતે નીકળતી વખતે કહ્યું હતું. એ મૅનેજ કરી પણ રહ્યો છે… પણ ક્યાં સુધી? જીવનમાં જ્યારે સઘળુંય વેરવિખેર થવાની અણી પર હોય ત્યારે? લજ્જાની માનસિક હાલત દિવસે ને દિવસે બગડી રહી છે. થાકી હારીને હમણાં સાઈકિયાટ્રીસ્ટ પણ બદલ્યા… તેમણે આપેલા દરેક સૂચનનો અમલ થાય છે. લજ્જાને દવા આપવામાં વેદાંત પણ એકદમ ચોક્કસ છે છતાં ય કોઈ ખાસ ફેર પડતો નથી. જાણે કે આ તો સાવ ઘેલી બની ગઈ છે. ક્યારે કઈ ક્ષણે એનું ફટકે નક્કી નહીં. એકદમ સરસ વાતો કરતાં કરતાં અચાનક જ એ હિંસક બની જાય છે. છેલ્લે ફૂલદાની તેની જગાએ મૂકીને કાવેરી સોફા પર બેસી પડી. આ ફૂલદાની લજ્જાને ઘણી પ્રિય હતી. છેલ્લે મા-દીકરી લૉ ગાર્ડન આંટો મારવા ગયાં ત્યારે લજ્જાએ ખરીદેલી. એક નાનકડા ફેરિયા પાસેથી…. બન્ને ફૂટપાથ પર ચાકળા જોઈ રહ્યાં હતાં ત્યાં જ પાછળથી કોમળ સ્વર કાને અથડાયેલો.

‘ફૂલદાની લઈ લો ને બેન…. ખાલી પચાસ રૂપિયા….’ બન્નેએ સાથે જ પાછું ફરીને જોયેલું. પ્લાસ્ટિકનાં ફૂલોવાળી ધાતુની ફૂલદાની હાથમાં લઈને બારેક વર્ષનો બાળક દયામણી નજરે તેમની સામે જોઈ રહેલો. પરસેવાથી નીતરતો…

‘લઈ લોને બેન, છેલ્લી જ છે. તમારા ઘરમાં સરસ લાગશે…’

‘નથી લેવી!…’ કાવેરીએ બેદરકારીથી કહ્યું હતું.

‘લઈ લોને બેન… ખાલી પચાસ રૂપિયા… તમે કહેશો તો ઓછાય કરીશ…’

‘શું નામ છે તારું?’ લજ્જાએ હેતાળ અવાજે પૂછ્યું હતું.

‘સૂર્યો…’

‘મૂકને લપ લજ્જા… તારે શું કામ છે? લેવી જ નથી તો? જા…જા… બીજો ઘરાક શોધ…’ કાવેરીએ પીઠ ફેરવી લીધી હતી.

‘લાવ… મને આપ.’ લજ્જાએ પેલા છોકરાના હાથમાંથી ફૂલદાની લઈને તેને સોની નોટ આપી હતી.

‘પણ મારી પાસે છૂટા નથી.’

‘જોઈતા પણ નથી. રાખ તારી પાસે બધાય….’

પેલો તો લજ્જાની સામે તાકી જ રહ્યો.

‘હા, હા… સાચું જ કહું છું. છૂટા નથી જોઈતા…’ લજ્જા મીઠું હસી હતી.

‘તો હું જાઉં?’ પેલા છોકરાએ અવિશ્વાસથી કહ્યું હતું.

‘હા, જા… શું તારું નામ? સૂર્યા…’

‘ના, સૂર્યો…’

‘ઓ.કે. સૂર્યો….’

પેલાએ ડોકું ધુણાવીને હા પાડી. અને એ દોડી ગયો. લજ્જા અપલક તેની જ દિશામાં જોઈ રહી. ક્ષુધિત નજરે…. કાવેરીને એ દિવસે થોડું અજુગતું લાગ્યું હતું. પણ તેણે ધ્યાન આપ્યું ન હતું, ઊલટાની લજ્જા પર સહેજ અકળાઈ ગયેલી, ‘આ શું લજ્જા…? પચીસ રૂપિયાની વસ્તુના સો રૂપિયા આપી દીધા? તારે લેવી જ હતી તો ભાવ કરાવવો હતો ને?’

‘કેટલું સુંદર બાળક! તેની આંખો જોઈ મા? કેવી નિર્દોષ હતી…’ લજ્જાને જાણે સંભળાયું જ ન હતું.

‘તો? એટલે તારે એને સો રૂપિયા આપી દેવાના? અરે આ બધાં તો ઉસ્તાદ….’

‘શું કરીશ મા હું એ સો રૂપિયાને? દરિયામાં નાખીશ?’ લજ્જાનો સ્વર વેદનાથી છલકાઈ ગયો હતો અને કાવેરીને શું બોલવું એ સમજાયું ન હતું.

દસ વર્ષ થઈ ગયાં હતાં લજ્જાના લગ્નને… સમય સડસડાટ પસાર થઈ રહ્યો હતો. પણ લજ્જાનો ખોળો હજી ખાલી જ હતો. પહેલાં પહેલાં તો થોડાં વર્ષ યૌવન સહજ ઉન્માદ અને મોજમસ્તીમાં પસાર થઈ ગયાં પણ પછી બીજા મિત્ર યુગલોનાં બાળક જોઈને મનમાં પ્રશ્નો થવા લાગ્યા હતા. એ પ્રશ્નોના જવાબ મેળવવા ડૉક્ટરની મુલાકાત પણ લેવામાં આવી હતી. જાત જાતના ટેસ્ટ અને ભાતભાતના રિપોર્ટ… પછી બીજો ડૉક્ટર અને પછી ત્રીજો… આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની બધાય રસ્તે ચાલી જોયું. વેદાંતના કાકી બોરસદ પાસે કોઈ ગામમાં લજ્જાને લઈને એક સાધુનેય મળી આવ્યાં. તેમણે આપેલી ભસ્મ છ મહિના સુધી દૂધમાં નાંખીને પીધી. કલોલ પાસેની એક દરગાહના ફકીરે આપેલું તાવીજ તો હજીય લજ્જાએ બાવડે બાંધી રાખ્યું છે…. કોઈ પણ વ્યક્તિ જે કોઈ ઉપાય કહે લજ્જા અને વેદાંત હંમેશા તૈયાર જ હોય પણ તે છતાંય કોઈ પરિણામ આવતું નથી.

કાવેરીએ ઘડિયાળ સામે જોયું, બપોરના બાર વાગવા આવ્યા. લજ્જા તો હજીય સૂતી હતી. કાવેરી ધીમેથી ઊભી થઈને રસોડામાં ગઈ અને ગૅસ પર ખીચડીનું કૂકર મૂક્યું. હવે તો લજ્જાના રસોડાથી તે એકદમ પરિચિત થઈ ગઈ હતી. દર મહિને એકાદ વાર તો અહીં આવવું જ પડતું. વેદાંતનો ફોન આવે અને એને દોડવું પડે. લજ્જાએ કોઈ તોફાન તો કર્યું જ હોય. ગયા મહિને બેલ્જીયમનો ક્રૉકરી સેટ તોડી નાંખ્યો તો એની પહેલાં ટી.વી. પર પાણીની બૉટલનો ઘા કરેલો. અરે, એક વાર તો ઘર છોડીને જતી રહેલી તે કાવેરી અને વેદાંત શોધી શોધીને થાકી ગયેલાં. છેક સાંજે નજીકના બગીચાના ખૂણાના બાંકડેથી એ મળેલી. એકલી ત્યાં બેસીને બાળકોને રમતાં જોઈ રહેલી. સંતાન ન હોવાના દુઃખને એ પચાવી શકી નથી. બાળક માટે તો હવે જાણે રીતસરની ઘેલછા જ વળગી છે.

રસોડાની તદ્દન પડખેનો ઓરડો અલાયદો રાખ્યો છે. એને પોતાનાં બાળકોના રૂમ તરીકે એ ઓળખે છે. એની સજાવટ પણ એણે એ જ રીતે કરી છે. ન જાણે ક્યારથી એના મગજમાં એ ફિતૂર ભરાયું હશે પણ વેદાંતને તો બંક બેડ ઘરમાં આવ્યો ત્યારે જ ખબર પડી. સ્પેશ્યલ ઑર્ડર આપીને લજ્જાએ બનાવડાવેલો. બે બાળકો માટે ઉપર-નીચે ટ્રેનની બર્થમાં હોય તેવી સૂવાની વ્યવસ્થાવાળો બેડ… એની સાથે પાછી મેટ્રેસ અને મીકી માઉસનાં ચિત્રો વાળી ચાદર તો ખરી જ. વેદાંત તો આભો જ બની ગયેલો.

‘આ બધું કોના માટે લજ્જા?’

‘કોનાં તે આપણાં બાળકો માટે…’

‘પણ બાળકને આવવા તો દે…’

‘તે આવશે તો ખરાં જ ને… આજે નહીં તો કાલે…’ અને પછી તો એ ઓરડો શણગારવાનું જાણે કે એને ગાંડપણ જ ઊપડેલું. જ્યાંથી જે ગમે તરત જ ઉપાડી લાવતી. બાળકોનું નાનું રંગબેરંગી સ્ટડી ટેબલ… નાના નાના બે ગુલાબી રંગના વૉર્ડરોબ, ખૂણામાં નાનકડો હીંચકો, કેટલાંય ટેડીબેર અને કેટલીય પઝલગેમ… બાર્બીડોલનું આખુંય કલેકશન, જાત-જાતની મોટરગાડી, ચાવીથી ચાલતાં રમકડાં અને ઉપરથી આ દિવાળીએ રંગારાને બોલાવી, રંગબેરંગી ચિતરામણથી ભીંતોય રંગાવેલી. વેદાંત તો બી જ ગયો હતો.

‘મા, આનું છટકી જશે?’

‘છટકી જશે? છટક્યું જ છે. તું કશું કહેતો કેમ નથી? મારી દીકરી છે તોય હું વઢું છું અને તું પૂરી છૂટ આપે છે. પૈસા આપવાના બંધ કરી દે એટલે ઠેકાણે આવી જશે. થોડો કડક થા.’

‘કડક થઈને શું કરું? એ માનવાની છે? એને તો મગજમાં જે વાત આવે એની ઉપર અમલ કરે જ છૂટકો છે.’ અને કાવેરી ચૂપ થઈ જતી. લજ્જાને એ ડારોય દેતી :

‘કેવા ધૂમ ખર્ચા કરે છે તું? અને એય તે કામ વિનાના? બાળકને આવવા તો દે.’

‘હા, પણ એ આવે ત્યારે બધું તૈયાર જોઈએ ને?’

‘શું તૈયાર જોઈએ?’

‘બધું જ…. એનો ઓરડો. રમકડાં, ટેબલ, ખુરશી, કબાટ, કપડાં…. બધુંય… મા, કાલે જ મેં હૅન્ડલૂમ હાઉસમાં એક વોલ હેંગિંગ જોયું છે. એકદમ એકસ્ટ્રા ઓર્ડિનેરી… જો, આ બ્લૂ દીવાલ પર એવું તો સરસ લાગશે…’

કાવેરી કપાળ કૂટતી. અને વેદાંતે તો એને સમજાવવાના પ્રયત્નો છોડી જ દીધા હતા. પણ લજ્જા તોફાન કરતી ત્યારે એકલા હાથે તેને સાચવવી એ વેદાંત માટે ખરેખર અઘરું બની જતું.

‘એક બાળક દત્તક ના લઈ શકાય?’ કાવેરીએ એક વાર વેદાંતને પૂછ્યું હતું.

‘લઈ શકાય ને… પણ બા, બાપુજી ના માને…. એમાંય બા ને તો હજીય હું મનાવી લઉં પણ બાપુજી તો કોઈ કાળે ના માને. દયાશંકર ઉમિયાશંકરના કુળ માટે એમને કેટલું અભિમાન છે તમે નથી જાણતાં?’

વેદાંતનાં બા બાપુજી ઉમરેઠ રહે છે. વાર-તહેવારે ક્યારેક અહીં આવી ચડે છે. લજ્જાની સ્થિતિ વિશે એમને કદાચ ખાસ જાણ નહીં હોય અને હશે તોય એની ગંભીરતા એ સમજતાં નહીં હોય અથવા તો પછી લજ્જાની માનસિક સ્થિતિને અને બાળકને વળી શી લેવાદેવા એવું માનતાં હશે… હા, પોતાના દીકરાને ઘેર સંતાન નથી તેનું એમનેય દુઃખ હશે જ. પણ કુળના અભિમાનની સામે એ દુઃખનો કદાચ છેદ ઊડી જાય છે. સંતાન દત્તક લેવા માટે એમની મંજૂરી હોવી જરૂરી તો છે જ. પણ સાચું કહીએ તો હવે પરિસ્થિતિ થોડી વિચિત્ર થઈ ગઈ છે. નિઃસંતાન હોવાની વાત ગૌણ બની ગઈ છે અને લજ્જાનો પ્રશ્ન અગત્યનો બની ગયો છે.

કાવેરીએ ધીમેથી લજ્જાને ઉઠાડી. બન્ને મા-દીકરી ડાઈનિંગ ટેબલ પર જમવા બેઠાં. અત્યારે તો એ સાવ નૉર્મલ લાગતી હતી.

‘અથાણું જોઈએ તારે ખીચડી સાથે?’ કાવેરીએ પૂછ્યું. લજ્જાએ માથું ધુણાવીને ના પાડી. બન્ને ચૂપચાપ નીચું માથું કરીને જમવા લાગ્યાં.

‘બેટા, સવારે ધમાલ કેમ કરી હતી? આવું સારું લાગે? તું આમ વારે વારે વેદાંતને હેરાન કરે અને મારે દોડી આવવું પડે એ ઠીક લાગે છે?’ થોડી વારે કાવેરીએ પૂછ્યું. લજ્જા તેની મોટી મોટી આંખોથી કાવેરી સામે જોઈ રહી.

‘તને જ કહું છું બેટા…. સવારે ધમાલ કેમ કરી? વેદાંત નાસ્તો કર્યા વિના ભૂખ્યો જતો રહ્યો.’

‘એ એ જ દાવનો છે.’ લજ્જા નીચું જોઈને જમવા લાગી.

‘કેમ? એણે વળી શું કર્યું?’

‘મા, મારા ઘરમાં કદી બાળક નહીં આવે?’ અચાનક જ તેણે કાવેરી સામે જોઈને પૂછ્યું. આંસુથી ભરેલી બે લાંબી વિશાળ આંખો… કાવેરીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.

‘આવશે ને… નહીં કેમ આવે? આમ કેમ બોલે છે?’

‘હું નહીં… વેદાંત કહે છે.’

‘વેદાંત? એ વળી આવું કેમ કહે છે?’

‘આજે મેં તેની પાસે પડદા માટે પૈસા માંગ્યા એટલે….’

‘પડદા? શેના પડદા?’

‘મારે છોકરાંઓના ઓરડા માટે નવા પડદા કરાવવા છે. એના માટે મેં પૈસા માંગ્યા તો કહે કે લજ્જા, તું આ લપ મૂકી દે. આપણા ઘરમાં ક્યારેય કોઈ બાળક આવવાનું નથી અને એ જ સાચું છે. જેટલી જલદી તું એ સમજી જાય એટલું સારું! મા, પછી હું ખિજાઉં જ ને? તું જ કહે શું હું કદીય મા નહી બનું?’ કાવેરી લજ્જા સામે જોઈ રહી. આંસુથી ભરેલી આંખમાંય ઘેલછા સ્પષ્ટ રીતે વાંચી શકાતી હતી. તેણે હાથ લાંબો કરી લજ્જાનાં આંસુ લૂછ્યાં.

‘ખોટો છે વેદાંત… સાવ જ ખોટો… તું મા બનીશ બેટા… ચોક્કસ બનીશ. અને તારે પડદા કરાવવા છે ને? બે દિવસ રોકાઈ જા. તારી વર્ષગાંઠ આવે છે ને? આપણે બજારમાં જઈશું અને તેનું કાપડ લેતાં આવીશું. પછી તું તને ગમે તેવા પડદા કરાવજે. બસ?’ સૂક્ષ્મ ખુશીની લહેર લજ્જાના ચહેરા પર ફરી વળી. તે નીચું મોં કરીને ફરીથી જમવા લાગી. કાવેરીએ નિઃસાસો નાંખ્યો અને ઊઠીને રસોડામાં આવી. ધીમે ધીમે તેણે રસોડું આટોપવાનું શરૂ કર્યું…

બપોરે વેદાંતનો ફોન આવ્યો. એ આજે ઘણો બીઝી હતો. સાંજે આવતાં એને મોડું જ થવાનું હતું. કાવેરીએ આજે રાત્રે અહીં જ રોકાઈ જવું પડશે એ વગર કહે જ સમજાઈ ગયું. ઘરમાં ઘણું બધું કરિયાણું ખલાસ હતું. બીજી પણ અમુક ચીજો લાવવાની થઈ હતી. કાવેરીએ રસોડાની બરણીઓ ફંફોસીને લિસ્ટ બનાવ્યું ને કરિયાણાવાળાને ફોન કર્યો. તેને આખુંય લિસ્ટ લખાવ્યું. સવારની આ માથાકૂટમાં કપડાંય ધોવાનાં રહી ગયાં હતાં. કાવેરીએ વૉશિંગ મશીન ચાલુ કર્યું. ઘરમાં શાંતિ હતી. લજ્જા કદાચ સૂઈ ગઈ હતી. પોતેય હવે થોડી વાર આરામ કરી લે એ ગણતરીથી તેણે લજ્જાના બેડરૂમનું બારણું ખોલ્યું. બેડરૂમ ખાલી હતો. કાવેરીને ફાળ પડી. તેણે દોડીને રસોડાની બાજુના પેલા બાળકોના ઓરડાનું બારણું ખોલ્યું અને બારણું ખોલતાં જ એ સ્તબ્ધ થઈ ગઈ. લજ્જા ભોંય પર બેઠી હતી. તેની પીઠ બારણા તરફ હતી અને તે ભીંત સરસા મૂકેલા ડોલ હાઉસની ઢીંગલીઓ સાથે ધીમે અવાજે કંઈક વાત કરી રહી હતી. ઓરડામાં ચારે તરફ રમકડાં ફેલાયેલાં હતાં. એક ઢીંગલીને તેણે ખૂણાના હીંચકા પર સૂવાડી હતી અને તેનો એક હાથ ધીમે ધીમે તેને ઝુલાવી રહ્યો હતો. કાવેરી ત્યાં જ ઊભી રહી અને લજ્જાનો બબડાટ સાંભળતી રહી. થોડી વાર પછી તેણે મનોમન કંઈક નિર્ણય કર્યો અને મક્કમતાથી હોઠ ભીડીને લજ્જાને ખલેલ ન પહોંચે તેમ બારણું બંધ કર્યું.

બે દિવસ પછી લજ્જાની વર્ષગાંઠ હતી. એ દિવસે ઢળતી સાંજે કાવેરીએ લજ્જાના ઘરની બેલ દબાવી. લજ્જાએ જ બારણું ખોલ્યું. સરસ તૈયાર થઈને એ ઊભી હતી.

‘ચાલ, પડદા લેવા જઈએ છે ને આપણે?’ કાવેરીને જોતાં જ એ ખુશ થઈ ગઈ. કાવેરીએ વહાલભરી નજર તેની સામે નાંખી અને તેને છાતી સરસી ચાંપી લીધી.

‘પડદા લેવા પણ જઈશું બેટા પણ એના પહેલાં આજે આપણે બીજી એક જગ્યાએ જવાનું છે.’ લજ્જાએ સાંભળ્યું પણ તોય એ તો પડદા લેવાની ધૂનમાં જ હતી. કાવેરી તેને લઈને ઘરની બહાર નીકળી.

શહેરથી થોડે દૂર એક વિશાળ મકાન નજીક આવીને રિક્ષા ઊભી રહી. બન્ને રિક્ષામાંથી ઊતર્યાં અને ઝાંપાની અંદર દાખલ થયાં. એક મોટું મકાન અને તેનું મોટું કંપાઉન્ડ… અને એમાં કેટલાં બધાં બાળકો… કોઈ નાનાં તો કોઈ મોટાં… કોઈ તો વળી સાવ જ નાનાં… બધાં જુદી જુદી રમતો રમી રહ્યાં હતાં… હીંચકા, લપસણી, પકડદાવ, થપ્પો, અને એવું તો કેટલું બધું… બાળકોના કલશોરથી વાતાવરણ તરબતર હતું. લજ્જાએ બિલ્ડિંગ પરનું બૉર્ડ વાંચ્યું, ‘દમયંતિબહેન નાનજીભાઈ ભૂલકાંગૃહ’.

‘આ શું મા? આપણે અહીં કેમ આવ્યાં?’ લજ્જા વિસ્મયથી ચારે તરફ જોઈ રહી.

‘સરસ છે ને? કેટલાં બધાં બાળકો? તને બાળકો બહુ ગમે છે ને?’

‘હા, પણ…’

કાવેરીએ સામે રમતાં બાળકો તરફ હાથ લાંબો કર્યો : ‘આ બાળકો તું જુએ છે, બેટા? એ બધાં જ અહીં રહે છે…. આ જ મકાનમાં. લોકો પોતાના વડીલોની મૃત્યુતિથિએ, પોતાની લગ્નગાંઠે અહીં આવે છે, એમને મીઠાઈ ખવડાવે છે…. આઈસ્ક્રીમ ખવડાવે છે… અહીં દાન પણ આપે છે… તને ખબર છે કેટલાય પૈસા આવે છે અહીં? કદાચ જરૂર પૂરતા અથવા જરૂરથી ઓછા કે વધુ… આ બાળકોને એનાથી કોઈ લેવા-દેવા પણ નથી… એ તો નાનામાં નાની અને સાદામાં સાદી બાબતોથી ખુશ થઈ જાય છે. એમને પૈસા આપનારા, દાન આપનારા દાનવીર તો ઘણા છે. જે ચેકબુક પર સહી કરીને બીજે દિવસે ભૂલી પણ જાય છે. પરંતુ બેટા… ખરેખર તો આ બાળકોને જે ખોટ છે તે છે પ્રેમની… મમતાની… તારે બાળક જોઈએ છે ને, બેટા? જો આ છે તારાં બાળકો… પ્રેમ અને મમતા માટે તરસતાં… આ તારા લોહી કે પિંડમાંથી બંધાયેલાં અવશ્ય નથી પણ તું એમને તારા પ્રેમથી ચોક્કસ બાંધી શકીશ… પેલી નિર્જીવ ઢીંગલીઓ તરફ તું જેટલો પ્રેમ બતાવે છે એમાંથી ચોક્કસ થોડોય જો તું આમને આપીશ તો કદાચ આમના જીવનમાં રહેલી માની ખોટ પુરાઈ જશે… અને તારો ખાલી ખોળો ભરાઈ જશે. તારી મમતાનું ખરું ઠેકાણું તો આ છે…’

લજ્જા કાવેરી સામે તાકી રહી. કાવેરીએ લજ્જાનો હાથ હાથમાં લીધો :

‘ના બેટા, હું કોઈને દત્તક લેવાનું નથી કહી રહી. કારણ કે એકાદ બાળકને દત્તક લઈને કદાચ તું એની જિંદગી સુધારી પણ દે પરંતુ ખરેખર તો આ બધાંયને તારી જરૂર છે… તારા પ્રેમની… સ્નેહની… મમતાની… અને તારા સમયની. સાચું કહું તો તારા જીવનનો શૂન્યાવકાશ કદાચ આ ભૂલકાં જ ભરી શકશે…’

લજ્જા સ્તબ્ધ બનીને ત્યાં જ ઊભી રહી. તેનાથી થોડે જ દૂર નાનાં બાળકો આંધળી ખિસકોલી રમતાં હતાં. એક નાનકડી બાળકીને આંખે પાટા બાંધેલા હતાં અને તે બધાંને પકડવાનો પ્રયત્ન કરી રહી હતી. લજ્જા થોડી વાર એ જોતી રહી. તેની તંગ મુખરેખામાં ધીમે ધીમે કુમાશ આવી. તે કાવેરીની વાત સમજી. થોડી વાર પછી ધીમા પગલે એ પેલી આંધળી ખિસકોલી રમતાં ટોળાની પાસે ગઈ. તેમની વચ્ચે ઊભી રહી અને બોલી, ‘મને રમાડશો?’


Rate this content
Log in