હું આવું ?
હું આવું ?
અદિતિ ફટાફટ હાથ પરનાં કામ આટોપવા લાગી. રસોઈ તો લગભગ બધી થઈ જ ગઈ હતી. માત્ર પૂરીઓ બાકી હતી. તેણે કાચનો ડિનરસેટ કાઢી સાફ કરી ડાઈનિંગ ટેબલ પર ગોઠવ્યો. હવે કોઈ પણ ક્ષણે એ લોકો આવવા જોઈએ. હૃદય તો જાણે ઈન્ટરવ્યૂ આપવાનો હોય તેમ ધક ધક થતું હતું. સવારે ચા પીતી વખતે જ સૂર્યકાન્તે પૂછ્યું હતું : ‘તું આવીશને સ્ટેશને?’
‘ના, ના, મને નહીં ફાવે.’ જાણે પ્રશ્નની રાહ જોતી હોય તેમ એ બોલી પડેલી.
‘તું આવીશ તો મેઘનાને ગમશે.’
‘હા, પણ મારે અહીં કામ હોય… રસોઈને બીજું બધું… વળી ટ્રેન લેટ હોય તો બધું રખડી પડે.’ પરીક્ષાની ઘડીને પાછળ ઠેલવાનો જ પ્રયાસ હતો. સૂર્યકાન્ત ટેવ મુજબ ચૂપ થઈ ગયેલા. ઝાઝી દલીલો કરવાનો એમનો સ્વભાવ જ નહીં. ગમે તે સંજોગોમાં પોતાની જાતને આસાનીથી ઢાળી લેતા.
સૂર્યકાન્તના આવા સ્વભાવને લીધે જ તો અદિતિને એ ગમતા. આમેય ત્રીસ વર્ષની ઉંમર પ્રેમમાં પડવાની કે લગ્ન કરવાની નથી એમ થોડું કહી શકાય? પણ સંદીપ સાથે પ્રણયભંગ થયા પછી અદિતિની દૃષ્ટિમાંથી રસ જ સુકાઈ ગયો હતો. પુરુષ અને પ્રેમ પ્રત્યે એક ગ્રંથિ બંધાઈ ગઈ હતી. બા તો દુનિયાની દરેક માની જેમ જ અદિતિની બહેનપણીઓને ટાંકીને દાખલાઓ આપીને બળાપા કર્યા કરતી, ‘આ તને ત્રીસ થયાં. તારા જેવડી બધી છોકરીઓનાં લગ્ન થઈ ગયાં. છોકરાંય થઈ ગયાં. પણ તું તો મગનું નામ મરી પાડતી જ નથી. આખી જિંદગી કુંવારાં રહેવું છે ?’... અદિતિ વાત ટાળી દેતી. પણ સૂર્યકાન્તને મળ્યા પછી લાગ્યું કે દરેક પુરુષ એક જ બીબામાં ઢળેલો નથી હોતો. અદિતિના મગજમાં પુરુષની વ્યાખ્યા જે દૃઢ થઈ ગઈ હતી તેમાં સૂર્યકાન્તે છીંડું પાડ્યું. ચોવીસ કલાક લગ્ન લગ્ન જપતી બા તો સાંભળતાં જ ભડકેલી.
‘આખા મલકમાં કોઈ કુંવારો બચ્યો જ નથી તે તારે હવે એ બીજવર જોડે પરણવું છે?’
‘કેમ ? એમાં ખોટું શું છે?’
‘લો, બોલ્યાં, ખોટું શું છે? એવું તે શું છે એમાં? હજી જ્ઞાતિમાં કેટલાય કુંવારા છે ને વળી સૂર્યકાન્તથી રૂપાળા ને પૈસાદાર. એક તો આટલાં વરસે તું હા પાડે છે ને એય આવા માણસને?’
‘બા, પ્લીઝ, મને બીજા કોઈમાં રસ નથી.’
‘ઓ પ્રભુ! ઓ પ્રભુ! આ તો છોકરી છે કે – બેટા, જરા સમજ! એક તો એ બીજવર, વળી તારી અને એની ઉંમર વચ્ચે નહીં નહીં તોય બાર-પંદર વર્ષનો ફરક હશે અને છોગામાં એને સોળ વર્ષની તો છોકરી છે. તારામાં વળી શી ખોટ છે કે આવું સમાધાન કરવું પડે?’
‘બા, હું કોઈ સમાધાન કરતી નથી. મને સૂર્યકાન્ત ગમે છે અને હું એમને પરણવાની છું બસ.’
બા છણકો કરીને જતી રહેલી પણ બાપુજી અદિતિને સમજતા હતા. એ તો તરત જ માની ગયા હતા. બાને પણ એમણે જ મનાવી હતી, ‘હવે તું માથાકૂટ મૂક. અદિતિ હા પાડે છે અને એને ગમે છે એ જ મોટી વાત છે. સૂર્યકાન્તની નોકરીય સારી છે. પૈસાય સારા છે અને માણસ પણ સારો જ છે. એની દીકરી તો હોસ્ટેલમાં રહે છે એ ક્યાં અદિતિ સાથે રહેવાની છે? ખોટો જીવ ન બાળ. ઈશ્વર કરે છે એ બધુંય સારા માટે.’
અને અદિતિ-સૂર્યકાન્ત પરણી ગયેલાં. પરણવામાં વળી હતું શું? કોર્ટમાં રજિસ્ટર મેરેજ જ કરવાનાં હતાં. ત્રણ-ચાર સૂર્યકાન્તના મિત્રો અને અદિતિનાં બા-બાપુજી બસ. સૂર્યકાન્તની દીકરી મેઘના હાજર ન હતી. તેની પરીક્ષા નજીક હતી. વળી આમ ચાલુ ટર્મમાં વચ્ચેથી આવવું… ! હા, એણે સૂર્યકાન્તને ફોન કર્યો હતો. અદિતિ સાથે વાત થઈ નહીં અથવા તો તેણે કરી જ નહીં.
બાળપણમાં લગભગ દરેક છોકરીએ સિન્ડ્રેલાની વાર્તા સાંભળી જ હોય છે. અપરમા અને સાવકાં બાળકોની કેટલીય સામાજિક વાતો સાંભળી હોય અગર તો આજુબાજુના માહોલમાં અનુભવી હોય અને એટલે જ એ છોકરી કે કિશોરી જ્યારે યુવતી બને ત્યારે તેના મગજમાં અપરમા કે સાવકા બાળકનું એક ઝાંખું ઝાંખુંય રેખાચિત્ર દોરાઈ ગયું હોય છે. અદિતિની કોલેજમાં તેની એક બહેનપણીને અપરમા હતીય ખરી. આ બીજી મા તેને કઈ રીતે ત્રાસ આપતી યા તો એ બહેનપણી બીજી માને કઈ રીતે પજવતી એ વિશે ગ્રુપમાં બધા વાતો કરતાં રહેતાં. આવી વાતો હંમેશાં બને છે તેમ ક્યારેક સાર્વજનિક રૂપ ધારણ કરીને ઉગ્ર ચર્ચામાં ફેરવાઈ જતી. અદિતિ પણ આવી ચર્ચામાં ભાગ લેતી અને ક્યારેક તેણે પોતાનો સ્વતંત્ર મત પણ વ્યક્ત કર્યો હતો. એ વખતે ક્યાં ખ્યાલ હતો કે પોતે પણ કદીક આવી પરિસ્થિતિમાં મુકાઈ જશે? કોઈ પણ વ્યક્તિ પરિસ્થિતિથી દૂર અદબ વાળીને ઊભી રહીને તેનું વિશ્લેષ્ણ કરી શકે, તે અંગે ચર્ચા પણ કરી શકે. પોતાનો મત નિ:સંકોચ અને દૃઢપણે વ્યક્ત પણ કરી શકે, તે કાંઈ ખાસ અઘરું નથી. પણ જ્યારે વ્યક્તિ પોતે એ પરિસ્થિતિમાં મુકાય ત્યારે જ તેને સંજોગોનો સાચો ખ્યાલ આવે છે અને ત્યારે જ તેની ધીરજ, તેની નિર્ણયશક્તિની સાચી કસોટી થાય છે.
મેઘના ઘણી વાર સાંજે ફોન કરે છે પણ હંમેશાં સૂર્યકાન્ત સાથે જ વાત કરે છે. કદીય હજી અદિતિ સાથે વાત કરી નથી. શું તેને આ લગ્ન નહીં ગમ્યાં હોય? અથવા તો એને અદિતિ સામે વાંધો હશે? અથવા તો તેની માનું સ્થાન લેવા પ્રયત્ન કરનાર કોઈ પણ સ્ત્રી સામે વાંધો હશે? અથવા તો આટલાં વર્ષો હોસ્ટેલમાં રહ્યા બાદ તેના વિચારોની ત્રિજ્યા એટલી બંડખોર બની ગઈ હશે કે તેના પરિઘમાં કોઈ મા કે કોઈ ઘરનું અસ્તિત્વ જ નહીં હોય? કોણ જાણે!!! અદિતિ અરીસા સામે ઊભી રહીને પોતાની જાતને નીરખ્યા કરતી. શરીરના કોઈ પણ ખૂણાથી એ સોળ વર્ષની દીકરીની મા તો નથી જ લાગતી અને મેઘનાય બાળક નથી. પોતે શું કોઈ પ્રતિબંધિત વિસ્તારમાં આવી ગઈ હશે? તે ઘણી વાર જૂના આલબમ લઈને બેસતી. મેઘનાના ફોટોગ્રાફ્સ જોતી. સૂર્યકાન્તના કહેવા મુજબ બાળપણમાં એ ખૂબ તોફાની હતી. એટલે જ તેની માના મૃત્યુ પછી હોસ્ટેલમાં મૂકવી પડી. સ્ત્રી વિનાના ઘરમાં અહીં એનું ધ્યાન કોણ રાખે? એક વાર એનું ખાનું સાફ કરતાં અદિતીના હાથમાં એની પાંચમા ધોરણની નિબંધની નોટ આવી ગઈ હતી – ‘માય એમ્બિશન ઑફ લાઈફ – ટુ બીકમ અ પ્રાઈમ મિનિસ્ટર’ ઉપર નિબંધ લખ્યો હતો. પોતે કેમ પ્રાઈમ મિનિસ્ટર બનવા માગે છે, દેશના ક્યા પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમને શા માટે અગ્રતાક્રમ આપશે અને યોજનાબદ્ધ રીતે શી રીતે કામ કરશે વગેરે વગેરે વિગતો ઝીણવટપૂર્વક છણાવટ કરીને એણે લખી હતી. પાંચમા ધોરણની વિદ્યાર્થીની આટલી સારી રીતે લખી શકે, તેવી પ્રતિભા ધરાવે એ ખરેખર પ્રશંસાને લાયક હતું પણ અદિતિને તો વાંચતાં વાંચતાં જ થોડી ગભરામણ થઈ ગઈ. તેના ધાર્યા કરતાં મેઘના ઘણી વધારે પ્રતિભાશાળી હતી. તેને પોતાના આગવા વિચારો હતા એટલું જ નહીં, પોતાના આગવા વિચારોને એ દાખલા-દલીલ સાથે કોઈ પણ વ્યક્તિની સામે હિંમતપૂર્વક રજૂ પણ કરી શકતી હતી. પણ તોય મેઘનાના વ્યક્તિત્વ વિશે જાત જાતના પ્રશ્નો અદિતિના મનમાં ઊગ્યા જ કરતા. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ વિશે માત્ર થોડા ફોટોગ્રાફ જોઈને કે નિબંધની નોટ વાંચીને કે ત્રણ-ચાર-દસ પ્રશ્નો પૂછીને કઈ રીતે જાણી શકે? સૂર્યકાન્ત તો ભાગ્યે જ મેઘના વિશે વાત કરે છે. અદિતિ કાંઈ પણ પૂછે ત્યારે જ. હૃદયમાં જુદા જુદા ખાના પાડીને જીવવા કદાચ એ ટેવાયેલા છે.
અદિતિએ ઘરમાં ફરી એક આંટો મારી લીધો. સોફા, પાટ, બીજું ફર્નિચર બધું જ કલાત્મક રીતે ગોઠવેલું છે. દીવાલ પર સૂર્યકાન્તની પ્રથમ પત્નીનો ફોટોગ્રાફ હતો જે અદિતિએ ખસેડ્યો નથી. મેઘનાનો રૂમ પણ કાલે ફરીથી વ્યવસ્થિત કર્યો હતો. તેના બેડ ઉપર તેના ફેવરિટ પિન્ક કલરની ચાદર અને લાલ ફૂલની પ્રિન્ટવાળા ઓશીકાના કવર. મ્યુઝિક સિસ્ટમ અને કોમ્પ્યુટરને પણ સર્વિસ કરાવી લીધાં હતાં. ક્યાંય કોઈ ભૂલ નથી. એક સ્ત્રીના હાથનો સ્પર્શ પામેલ વ્યવસ્થિત ઘર એને ગમશે કે બીજા કોઈના ઘરમાં આવી ચડી હોય એવી લાગણી થશે? એણે પૂરીના લૂઆ પાડવાની શરૂઆત કરી. ‘ટ્રેન લેટ જ હશે નહીં તો આવી ગયા હોય!’ અદિતિ માને કે ન માને, સોળ વર્ષની એક છોકરીની બીક તેને લાગી જ રહી હતી.
સૂર્યકાન્ત સાથે લગ્ન થયાં ત્યારે ખરેખર અદિતિએ મેઘના વિશે આટલું વિચારેલું જ નહીં. અરે દુનિયામાં લાખોકરોડો સ્ત્રીઓ બીજવર સાથે પરણે છે. બધાં પતિપત્ની પહેલાં લગ્નથી થયેલાં બાળકોને સાચવી જ લે છે. વિદેશોમાં તો લગભગ દરેક ઘરમાં આ પ્રોબ્લેમ હોય છે. પણ બધા પોતપોતાની રીતે આ પ્રોબ્લેમ સોલ્વ કરી જ લે છે. જ્યારે પોતે તો હોશિયાર છે, ભણેલી છે. એક સોળ વર્ષની છોકરીને નહીં સાચવી શકે? પણ મેઘના તો મન કળાવા દેતી જ નથી. અદિતિના માથા ઉપર ચોવીસ કલાક જાણે સવાર રહે છે. એમાંય જ્યારે રાત્રે તેનો ફોન આવે ત્યારે અજાણ્યા ભય કે આશંકાથી અદિતિનું હૃદય કંપવા લાગે છે.
મેઘના રાત્રે હંમેશાં આઠ વાગ્યા પછી જ ફોન કરે છે. એટલે આઠ વાગ્યા પછી રિંગ વાગે તો અદિતિ ફોન ઉપાડતી જ નથી. રાત્રે તો સૂર્યકાન્ત ઘરમાં જ હોય એટલે ફોન એ જ ઉપાડે અને એ ઘરમાં ન હોય તો?… તો…. વાગ્યા કરે રિંગ… સૂર્યકાન્ત જ્યારે મેઘના સાથે ફોન પર વાત કરતા હોય ત્યારે અદિતિ પાસેના સોફા પર જ હાથમાં મેગેઝિન કે છાપું લઈને બેઠી હોય અને એમની વાતો સાંભળતી હોય. જાણે કોઈ અદશ્ય પીંછીથી માત્ર શબ્દો ઉપરથી મેઘનાનું ચિત્ર દોરવા પ્રયાસ કરતી હોય! તેના કાન પોતાના નામનો અછડતોય ઉલ્લેખ સાંભળવા બેચેન હોય પણ ફોન તો મુકાઈ જ ગયો હોય, જાણે અદિતિ છે જ નહીં. છેલ્લા બે મહિનામાં ચાઈલ્ડ સાઈકોલોજીનાં કંઈ કેટલાંય પુસ્તકો વાંચી કાઢ્યાં. જાત જાતના પ્રશ્નો અને જાત જાતની પરિસ્થિતિઓ, તેની સામે દરેક સાઈકોલોજિસ્ટે આપેલ જાત જાતના ઉકેલો. શું દરેક વ્યક્તિની સાઈકોલોજી જુદી નહીં હોય? સંજોગો પ્રમાણે ઉકેલો બદલાતા નહીં હોય? લગ્નને આટલો સમય થયો પણ આ છોકરી જબરી કસોટી કરી રહી હતી. માણસનું મન વાંચી શકાય તો કેટલું સારું! આજે નહીં તો કાલે ક્યારેક તો એનો સામનો થશે જ! જેમ હું એના વિશે વિચારું છું શું એ નહીં વિચારતી હોય? એ શું વિચારતી હશે? ધારો કે એ ક્યારેક અચાનક જ આવીને ઊભી રહી જાય તો! હું એને ઓળખી તો જાઉં જ, પણ એ પહેલું વાક્ય શું બોલે! અથવા હું શું બોલું? અથવા એ કંઈ બોલે જ નહીં તો! મેઘનાની સાઈકોલોજી વિચારતાં વિચારતાં પોતાની સાઈકોલોજી ડિસ્ટર્બ થઈ જશે એવી બીક લાગતી. ત્યાં જ એક દિવસ સૂર્યકાન્તે કહ્યું : ‘આવતા રવિવારે મેઘના આવે છે. તેની એક્ઝામ પૂરી થઈ ગઈ. મિડ-ટર્મ વેકેશન પડ્યું છે. દસબાર દિવસની રજા છે.’ અદિતિ એ વખતે દાળમાં મસાલો કરતી હતી. તેણે તરત કોઈ પ્રતિભાવ ન આપ્યો પણ તેનો હાથ ધ્રૂજી ગયો. થોડી વાર પછી સૂર્યકાન્ત જમવા બેઠા. પહેલો કોળિયો મોંમાં મૂકતાં જ હસી પડ્યા, ‘અદિતિ, આજે તેં દાળમાં મીઠું નાખ્યું છે કે મીઠામાં દાળ?’
કસોટીની ઘડીને ગમે તેટલી પાછળ ધકેલો પણ એ આવીને ઊભી તો રહે જ. કારનો દરવાજો બંધ થવાનો અને ઝાંપો ખૂલવાનો અવાજ આવ્યો. મેઈનડોર તો ખુલ્લો જ હતો. તેણે આગળ જવું જોઈએ? જવું જ જોઈએ! જવું જ જોઈએ! પ્રયત્નપૂર્વક અદિતિએ પૂરીના લૂઆ બનાવવાના ચાલુ રાખ્યા. ડ્રોઈંગરૂમમાંથી હવે અવાજો આવવા લાગ્યા હતા.
‘ડૅડી, આ સોફાકવરનો કલર સરસ છે. યૉર ટેસ્ટ ઈઝ ચેઈન્જ્ડ. નહીં તો ઑલ્વેઝ બ્લુ કે બ્રાઉન બે જ કલર.’
‘તને ગમ્યું ને?’
‘ઑફ કોર્સ ડૅડી અને આ પડદા નવા લગાવ્યા કેમ? અને આ સોફા તો બારી પાસે હતો ને? પણ અહીં મૂકવાથી હવે રૂમ કેટલો મોટો લાગે છે કેમ?’
પાણી તો આપવું જ પડશે. અદિતિ પાણીની ટ્રે લઈને ડ્રોઈંગરૂમમાં આવી. મેઘના સોફા પર જ બેસીને કંઈક બોલી રહી હતી. પિન્ક ટી શર્ટ, બ્લુ જીન્સ, પાતળું પણ સપ્રમાણ શરીર, ખભા સુધી કાપેલા વાળ, પ્રવાસનો થાક ખમીનેય ગુલાબી રહેલા ગાલ.
‘થેંક્સ!’ તેણે એક ક્ષણ અદિતિ સામે જોઈ ટ્રેમાંથી પાણીનો ગ્લાસ ઉપાડ્યો.
‘ટ્રેન લેટ હતી કેમ?’ અદિતિને આ ક્ષણે આનાથી વધારે સારું વાક્ય સૂઝ્યું જ નહીં.
‘હા જરાક! બટ ઈટ્સ ઓ.કે..! આવું તો ઑલ્વેઝ હોય છે…’
‘ચા, કોફી કંઈ પીવું છે? મૂકી દઉં?’
‘ના, ના.. અત્યારે નહીં. હું જરા નાહીને ફ્રેશ થઈ જાઉં પછી જમી જ લઈએ. આમેય હું ચા-કોફી પીતી જ નથી. સવારે દૂધ જ પીઉં છું પણ આજે આઈ એમ લેટ!’ તે ઊભી થઈ પોતાની બેગ લઈ પોતાના રૂમમાં પેસી ગઈ. એ નાહીને આવી ત્યારે અદિતિએ ડાઈનિંગ ટેબલ પર જમવાની તૈયારી કરી જ રાખી હતી. સૂર્યકાન્તને પૂછીને જ બધું બનાવ્યું હતું. બધી જ મેઘનાની ફેવરિટ ડિશ – બાસુંદી, પાતરાં, ટીંડોરાંનું શાક, બટાટાની સૂકી ભાજી, પૂરી – બધું જ, પણ જમતી વખતે આડીઅવળી વાતો જ થતી રહી, અને એય સૂર્યકાન્ત અને મેઘનાની વચ્ચે. કૉલેજની, કૉલેજના મિત્રોની, અહીંના મિત્રોની, સૂર્યકાન્તનાં નજીકનાં સગાંઓની, અહીં નવા ખુલેલા શોપિંગ મૉલ કે મલ્ટિપ્લેક્સની કેટલીય વાતો. અદિતિ ત્યાં હોય કે ન હોય જાણે કોઈ ફેર પડતો જ ન હતો. ‘જમવાનું સરસ છે’, ‘કેટલાય દિવસે આવું ટેસ્ટી જમવાનું મળ્યું નહીં તો હોસ્ટેલમાં તો સાવ…’ અથવા ‘બધું જ મને ભાવતું છે. તમને કેવી રીતે ખબર પડી?’ એવું કંઈક સાંભળવા અદિતિનું સ્ત્રીસહજ મન તલસી રહ્યું પણ મેઘના તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો જ નહીં, જ્યારે સૂર્યકાન્ત તો આમેય….
ઠંડી ઉપેક્ષાની ચાબુક – એ તો જેની ઉપર વીંઝાય એને જ એની પીડા ખબર પડે. સંદેશ સ્પષ્ટ જ હતો. અદિતિનો મા તરીકે સ્વીકાર તો ઠીક, મેઘના તેની હાજરીની નોંધ લેવાય તૈયાર ન હતી. કોઈ નાનું બાળક હોય તો એને પ્રેમ અને વાત્સલ્યથી વાળી શકાય પણ આ તો પોતાના આગવા સ્વતંત્ર વિચારો ધરાવતી યુવાનીના ઉંબરે ઊભેલી કિશોરી હતી. તેને કઈ રીતે સમજાવી શકાય? એણે તો પોતાના હૃદયનાં દ્વાર એટલી સજ્જડ રીતે બંધ કરી દીધાં છે કે એ અદિતિને ટકોરો મારવા દેવાય તૈયાર નથી. એને સૂર્યકાન્ત પર ગુસ્સો આવ્યો. લગ્ન પહેલાં તેમણે મેઘના સાથે વાત કરવી જોઈતી હતી. કદાચ કરી જ હશે અને જો મેઘના રાજી ન હતી, જે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, તો આ લગ્નનો શો મતલબ હતો? તેને લાગ્યું કે પોતે જાણે-અજાણે મેઘનાએ દોરેલી એક લક્ષ્મણરેખા પાર કરી ગઈ છે. પણ જ્યારે પાર કરી જ ગઈ છે તો મેઘનાનું હૃદય જીતવા શું કરી શકાય? ખોટો દંભ કે કાવાદાવા કરી શકાય એવો તો એનો સ્વભાવ જ નથી. સૂર્યકાન્ત પાસેથી કોઈ મદદ મળે એનો તો સવાલ જ ન હતો. મેઘના સાથે વાત કરી શકાય? પૂર્વગ્રહોથી ગ્રસ્ત એનું મન સમજી શકશે? કે પછી પરિસ્થિતિ જેમ છે તેમ એનો સ્વીકાર કરી આગળ વધી જવાય! સમય જ આગળ જતાં સમસ્યાનું સમાધાન લાવશે? આખો દિવસ વિચારોના આટાપાટામાં એનું મન અટવાયા કર્યું.
મેઘના તો સાંજ સુધી પોતાના રૂમમાં જ ભરાઈ રહી. સૂર્યકાન્ત ઘેર આવ્યા ત્યારે જ બહાર નીકળી. રાત્રે પણ જમતી વખતે એનું એ જ. અદિતિનું મન ખાટું થઈ ગયું. સૂર્યકાન્ત તો રાબેતા મુજબ જ રાત્રે થોડી વાર બિઝનેસ ન્યૂઝ ટી.વી. પર જોઈને, ઓફિસની ફાઈલ ઉથલાવીને, કોઈક મેગેઝિન વાંચતાં વાંચતાં સૂઈ ગયા પણ અદિતિને તો મોડે સુધી ઊંઘ જ ન આવી. તે ઊઠીને બહાર વરંડામાં હીંચકા પર બેઠી. અપમાન, અવહેલના, તિરસ્કાર જેવી કેટલીય લાગણીઓથી ઘવાયેલું હૃદય ભરાઈ આવ્યું અને ધીમે ધીમે આંખો વાટે વહેવા લાગ્યું. મોડી રાતે પારિજાતનાં ફૂલ ખીલ્યાં હતાં અને તેની સુગંધથી વાતાવરણ તરબતર હતું, પણ અદિતિના જીવને ભયંકર ઉચાટ હતો.
‘હું અહીં બેસું ?’ એના કાને અથડાયું.
આંસુ સંતાડવાનો સહેજ પણ પ્રયાસ કર્યા વિના તેણે ઊંચે જોયું. મેઘના જ હતી. અદિતિ થોડી ખસી ગઈ, મેઘના એની પાસે જ હીંચકા પર બેસી ગઈ. ‘મારાથી દુ:ખી થઈને રડો છો ને? હું જાણું છું મારા પર ગુસ્સોય આવ્યો જ હશે. આજે હું તમારી સાથે બરાબર બોલી નથી. મારું વર્તન પણ એવું છે કે જાણે હું મહેમાન હોઉં પણ સાચું કહું? મને પોતાને જ સમજાતું નથી કે હું શું કરું? હું અહીં આવી એના પહેલાં મારી ફ્રેન્ડ્ઝ મને જાત જાતની વાતો કહેતી હતી કે તમે આવાં હશો, તેવાં હશો પણ તમને મળ્યા પછી લાગ્યું કે ધે વેર રોન્ગ. યુ આર વેરી નાઈસ. તમે તો ઘણાં સારા છો. ખબર છે, સવારે હું ઘરમાં આવી ત્યારે સાચે જ મમ્મીનો ફોટો જોઈને એટલી તો ખુશ થઈ ગઈ, મને તો હતું કે ફોટો ત્યાં હશે જ નહીં. મારો રૂમ, મારો બેડ, મારું કોમ્પ્યુટર, મારી મ્યુઝિક સિસ્ટમ, મારી સીડીઝ તમે બધું એવું સરસ રાખ્યું હતું. ઉપરથી રસોઈ પણ કેટલી સરસ હતી? પાતરાં, બાસુંદી, બધું જ મને ભાવે તેવું. અમારી હોસ્ટેલમાં તો આવું કંઈ જ ન મળે. અમે કોઈ વાર બહારથી લઈ આવીએ. તમે આજે મારી નાની નાની વાતોનું કેટલું ધ્યાન રાખ્યું? મને એટલું તો ગમ્યું…. પણ મને જ સમજાતું નથી કે હું શું કરું તો તમને ગમે? મને કંઈ બહુ ખબર નથી પડતી. હું તો ફિફ્થમાં હતી ત્યારથી હોસ્ટેલમાં જ રહું છું. પપ્પા કહે છે હું નાની હતી ત્યારે ખૂબ તોફાની હતી. બહુ તોડફોડ કરતી અને ક્યારેક તો વગાડી બેસતી. પપ્પા બિચારા થાકી જતા, કંટાળી જતા. એમને બીક પણ લાગતી કે કોઈ દિવસ એ ઘેર ન હોય અને મને ક્યાંક આડુંઅવળું વાગી જાય તો મને સાચવેય કોણ? એટલે જ એમણે મને હોસ્ટેલમાં મૂકી દીધી. પણ સાચું કહું? મને ત્યાં સહેજેય ગમતું નથી. ઉપરથી અમારા રેક્ટર? શી ઈઝ વેરી સ્ટ્રિક્ટ. સહેજ પણ ધમાલમસ્તી ચલાવી જ ન લે. આખો દિવસ એમની નજર અમારી ઉપર હોય જ. ત્યાં જઈને તો મારાં બધાંય તોફાન જાણે ખોવાઈ ગયાં. કાલે રાત્રે ટ્રેનમાં મને એ બધું જ યાદ આવતું હતું. આખી કેસેટ જાણે રિવાઈન્ડ થઈને પ્લે થતી હોય. મારી જૂની સ્કૂલ, જૂના ફ્રેન્ડ્ઝ, મારી તોડફોડ, બધાની ફરિયાદો, પપ્પાનો ગુસ્સો, પપ્પાનું વહાલ, બધું જ…..’ તે એક ક્ષણ માટે ખામોશ થઈ ગઈ. અદિતિએ તેની સામે જોયું. કેટલી પારદર્શક હતી તેની આંખો! આંખો સુંદર હોઈ શકે, કાળી હોઈ શકે, ભૂરી હોઈ શકે, અણિયાળી પણ હોઈ શકે… પણ આટલી પારદર્શક હોઈ શકે? ના, એમાં ભય, આશંકા, દયા, લાચારી કંઈ ન હતું. એમાં તો હતું મેઘનાનું હૃદય. જે સ્પષ્ટપણે વાંચી શકાતું હતું.
‘એક વાત કહું?’ મેઘનાએ ફરી કહ્યું, ‘ઈનફેક્ટ કહેવા જ આવી છું કે હવે હું મોટી થઈ ગઈ છું અને સમજુ પણ થઈ ગઈ છું. હવે હું તોફાન, ધમાલ, મસ્તી નથી કરતી. કોઈને હેરાન પણ નથી કરતી. તમને પણ નહીં કરું, પણ હવે હું હોસ્ટેલ ન જાઉં તો ન ચાલે? હું તમને કોઈ પણ રીતે પરેશાન નહીં કરું, આઈ પ્રોમિસ. નો ડિમાન્ડ, નો તોડફોડ, નથિંગ, પણ પ્લીઝ મને હવે હોસ્ટેલ ન મોકલતાં, મને ન તો ત્યાંનું ખાવાનું ભાવે છે ન તો ત્યાંના માણસો ગમે છે. અરે! કામવાળાય અમારી પર દાદાગીરી કરે છે. આઈ હેટ ધેટ પ્લેસ. પણ પપ્પા નહીં માને, તમે પપ્પાને કહેશો ને?’
અદિતિએ ધીમેથી તેનો હાથ પોતાના હાથમાં લીધો. આમ તો વાતાવરણમાં ઠંડક જ હતી, પણ તોય હથેળી ભીની હતી, ‘અહીં રહેવું છે? હોસ્ટેલ નથી જવું?’
‘ના નથી જવું. અહીં જ રહેવું છે. પપ્પા પાસે, તમારી પાસે, મારા ઘરમાં.’
‘સારું હું કહીશ તારા પપ્પાને, તને નહીં મોકલે પણ એક શરતે….’
‘કઈ શરત? આઈ વિલ બી વેરી નાઈસ, આઈ ટોલ્ડ….’
‘ના. એમ નહીં. તું મને પ્રોમિસ આપ કે તું ખૂબ તોફાન કરીશ અને સહેજ પણ ડાહી બનીને નહીં રહે, તારી જૂની બધી ફ્રેન્ડ્ઝને શોધી શોધીને ઘેર બોલાવીશ, પાર્ટી કરીશ, મોટે મોટેથી મ્યુઝિક વગાડીશ, મને રોજ જાત જાતની રસોઈ કરવાની ફરમાયશ કરીશ, મારું ગોઠવેલું ઘર અસ્તવ્યસ્ત કરી નાખીશ, કોઈ વાર મારી મોંઘી ક્રોકરી તોડી પણ નાખીશ, તને વાગેય ખરું. હું થાકી જાઉં, કંટાળી જાઉં, તારી ઉપર ગુસ્સે થાઉં, તને ઘાંટો પાડું, પણ તું મને તોય હેરાન હેરાન કરી મૂકીશ. અને મને ‘તમે’ તો આજ પછી કદીય નહીં કહે. મને ‘તું’ જ કહીશ. બોલ, મેં કહ્યું એ બધું કરીશ?’
‘સાચે જ?’ મેઘના ઊછળી પડી.
‘હા, સાચે જ દીકરા! તારાં ખોવાયેલાં વર્ષો તું ફરીથી જીવી લે….’
‘અને તમે ગુસ્સે નહીં થાઓ?’
‘જો હવે તું મને એકવાર પણ ‘તમે’ કહીશ તો ચોક્કસ થઈશ.’
‘ઓહ! મમ્મા! યુ આર ગ્રેટ!’ તે અદિતિને વળગી પડી. એકબીજા સાથે જડાયેલ તેમનાં હૃદય કેટલીય વાતો કરતાં રહ્યાં. રાત ઘણી વીતી ગઈ હતી અને ચંદ્ર બરાબર ખીલ્યો હતો. બન્ને એકબીજાને વળગીને એની શીતળ ચાંદનીમાં ક્યાંય સુધી નહાતાં રહ્યાં. હવાનું એક ઝોકું આવ્યું અને પેલું પારિજાત ડોલી ઊઠ્યું. ધરતીએ ઝટ દઈને પાલવ પાથર્યો અને તેનાં ઢગલાબંધ ફૂલો ઝીલી લીધાં.
