Drrenuka Patel

Others

4  

Drrenuka Patel

Others

જન્માક્ષર

જન્માક્ષર

14 mins
14.3K


મનીષભાઈએ ફરી એક વખત ગણતરી માંડી જોઈ. સાવ સાચું જ હતું. ક્યાંય કોઈ ભૂલ નહીં. બારે ખાનામાં બેઠેલો એક-એક ગ્રહ અને તેમની ગોઠવણી સાચી જ હતી. તેમના વચ્ચેની મૈત્રીય સાચી અને દુશ્મનીય સાચી હતી. યુતિમાંય કોઈ ભૂલ નહીં. વિશ્વાસ ન આવતો હોય એમ ફાટી આંખે એ સામે ટેબલ પર પડેલા કાગળને જોઈ રહ્યા. બધાય ગ્રહ કાગળમાંથી નીકળીને ઓરડાની વચ્ચોવચ ભેગા થઈને તેમની સામે ઉપહાસભર્યું નૃત્ય કરતા હોય તેમ તેમને લાગ્યું. બંને હાથ આંખો પર દાબીને તે ધબ દઈને ખુરશી પર બેસી પડ્યા. જીવનનું કડવું સત્ય જે આજે અજાણતાં જ હાથ લાગી ગયું હતું તેનાથી મોઢું ફેરવી લેવું હવે કોઈ કાળે શક્ય ન હતું. તેમણે નજર ઉઠાવીને કૅલેન્ડર સામે જોયું અને સામે પડેલા ચશ્માં પહેરીને ફરી એકવાર ચેક કર્યું. દસમી એપ્રિલ… હા, આજે દસમી એપ્રિલ જ હતી. અને હવે માત્ર દસ દિવસ બાકી હતા. દસ દિવસ પછી વીસમી એપ્રિલ એમના જીવનનાં પાંસઠ વર્ષ પૂરાં થઈ છાસઠમું વર્ષ શરૂ થતું હતું. મનીષભાઈએ ફરી એક વાર સામે ટેબલ પર પડેલું દળદાર પુસ્તક હાથમાં લીધું.

રવિવારે રવિવારી બજારમાં આંટો મારવાની મનીષભાઈને પહેલેથી જ ટેવ. દર રવિવારે સવારે નાસ્તો કરીને તે નીકળી પડતા. રવિવારનું બજાર તેમની ઘરની નજીક જ ભરાતું.

અસંખ્ય જૂની પુરાણી સસ્તી અને ક્યારેક અલભ્ય વસ્તુઓ ત્યાં મળી રહેતી. નજીકના ગામડાના લોકો અને શહેરની ગરીબ વસ્તી પણ પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા દર રવિવારે ત્યાં ઊમટી પડતી. મનીષભાઈ જેવા શોખીન લોકોય ત્યાં આવતા. જૂનાં પુસ્તકો, જૂની મૂર્તિઓ, જૂનું એન્ટીક રાચરચીલું, તો ક્યારેક કોઈ નવી ચીજ પણ સસ્તા ભાવે હાથ લાગી જતી. જોકે મનીષભાઈને તો ત્યાં ફરતાં-ફરતાં બધું જોવાનો જ શોખ. જાતજાતની વસ્તુઓ ફેરવીફેરવીને એ તપાસતા. તે ક્યાંથી મળી હશે અથવા તો તેની મૂળ કિંમત શું હશે તેના વિશે અટકળોય લગાવતા. કોઈ વાર કોઈ વસ્તુ ગમે તો એ ભાવ કરાવીને ખરીદીને ઉપાડીય લાવતા અને સાથેસાથે સવિતાબહેનનો બબડાટ પણ વહોરી લેતા.

‘શી જરૂર હતી આની? તમને એય વિચાર આવતો નથી કે આ ઠોબરાં મૂકશું ક્યાં?’

‘આ ઠોબરું છે? આ ઠોબરું છે? હમણાં આ જ કારીગરીવાળી ટિપોય ચમચમાટ પૉલિશ કરીને કોઈ પોશ એરિયાની હસ્તકલાની દુકાનમાં વેચાવા મૂકો. આના કરતાં પાંચ ગણા ભાવે વેચાય.’

‘તે વેચાય. તમારે શું કામ છે? ઘરમાં ટિપોય નથી? તમને લાખ વાર ના પાડી. તમારે રવિવારીમાં જવું જ નહીં. પણ માનતા નથી. જશે એટલે આવું બધું ઉપાડી આવશે. આ તે ઘર છે કે ભંગારખાનું?’

સવિતાબહેનની આવી કચકચ પછી તો એ બપોરે જમીને ઊભા થયા ત્યાં સુધી ચાલ્યા કરી. મનીષભાઈ જમીને બપોરે આડા પડતા ત્યારે મનોમન નક્કી કરતા કે હવે તો રવિવારીમાંથી કશુંય ખરીદવું જ નથી. હંમેશાંની આ શી માથાકૂટ? પણ તોય બીજા રવિવારે કંઈક તો મળી જ જતું. ક્યારેક નકશીવાળી ટ્રે, ક્યારેક સુંદર વૉલપીસ તો ક્યારેક કેટલાય વખતથી શોધતા હોય તેવી જૂની કોઈ ચોપડી અથવા તો મૅગેઝિન!

મનીષભાઈએ હાથમાંના પેલા પુસ્તક પર નજર ઠેરવી. આ વખતે રવિવારીમાંથી એ આ પુસ્તક ઉપાડી લાવેલા. જ્યોતિષ વિશેનું એક જૂનું પુસ્તક હતું. અંદર કંઈ કેટલાય જન્માક્ષર અને એ જન્માક્ષર મુજબ જ એ વ્યક્તિનું આખાય જીવનનું સચોટ ભવિષ્યકથન… મનીષભાઈએ ત્યાં ઊભાઊભા જ પુસ્તક પર નજર દોડાવેલી, તેમને પુસ્તક ગમી ગયેલું અને ભાવ કરાવીને તેમણે એ ખરીદી લીધેલું. જ્યોતિષમાં જોકે મનીષભાઈને પહેલાં તો ખાસ વિશ્વાસ નહીં પણ જ્યારે નોકરી કરતા હતા ત્યારે શોખથી થોડું શીખેલા. એમની ઑફિસમાં એક ત્રિવેદી હતો. લંચ-અવરમાં એ બધાંના જન્માક્ષર જોતો અને જેવું આવડે તેવું ભવિષ્ય પણ કહેતો. એ વખતે ઘણાંને આ જન્માક્ષર શીખવાનો નાદ લાગેલો. મનીષભાઈ તેમાંના એક. એ વખતે થોડું ત્રિવેદી પાસેથી જ શીખેલા અને પછી સમય મળે વાંચીવાંચીને એ જ્ઞાનમાં વધારો કરેલો. છાપાં અને સામયિકોમાં જ્યોતિષ વિશે વારંવાર આવતા લેખોને કારણે આ શોખ જળવાઈ રહેલો. પણ આ પુસ્તક ખરીદીને હવે લાગતું હતું કે એમનાથી ભૂલ થઈ ગયેલી.

મનીષભાઈએ ઓરડામાં નજર દોડાવી. સવિતાબહેનને તો આમેય બપોરે જમીને સૂવાની ટેવ હતી એટલે એ તો બાજુના બેડરૂમમાં સૂઈ જ ગયાં હશે અને કામવાળી બાઈ પણ કામ પતાવીને પાછળનું બારણું સહેજ આડું કરીને જતી રહેલી. મનીષભાઈએ બુકમાર્ક મૂકેલું પાનું ખોલ્યું અને ફરી એકવાર એ પાના પર નજર દોડાવી. તેમના પોતાના જ જન્માક્ષર હતા, માત્ર દોઢ પાનાની અંદર લખનારે જાણે મનીષભાઈના સમગ્ર જીવનનું સરવૈયું ઠાલવી દીધું હતું. તદ્દન સાચું અને સચોટ. એમાં લખ્યું હતું એ જ પ્રમાણે તેમના જન્મ પછી તેમના પિતાની આર્થિક પરિસ્થિતિ સારી થઈ હતી, તેમની કિશોરાવસ્થામાં જ તેમના માતાનું અવસાન થયું હતું. તેમાં લખ્યું હતું એ જ પ્રમાણે મનીષભાઈને કોઈ ભાઈબહેન ન હતાં. તેમાં એ પણ લખ્યું હતું કે જાતકને કોઈ પુત્ર નહીં થાય અને મનીષભાઈને ત્રણ દીકરીઓ જ હતી. જીવનના નાના-મોટા સત્યની અદ્ભુત છણાવટ થઈ હતી અને બધુંય સાચું હતું. ક્યાંય કોઈ ભૂલ નહીં અને જો બધુંય સાચું હોય તો પછી છેલ્લી લીટી ખોટી હોવાને પણ કોઈ કારણ ન હતું. પુસ્તકમાં ચોખ્ખું લખ્યું હતું કે જાતકનું આયુષ્ય ચોસઠ વર્ષનું છે. ચોસઠ વર્ષની વયે ઉત્તમ કૌટુંબિક સુખ ભોગવતાં-ભોગવતાં અચાનક જ તેમનું મોત થશે અને મનીષભાઈને ચોસઠ વર્ષ પૂરાં થવાને માત્ર દસ દિવસની વાર હતી. આ દસ દિવસની અંદર મૃત્યુ ત્રાટકવાનું હતું. ગમે ત્યાંથી… ગમે તે રીતે… તેમણે ફરી એક વાર છેલ્લી લીટી વાંચી અને ધીમેથી પુસ્તક બંધ કર્યું.

આખાય ઘરમાં બપોરની નીરવ શાંતિ છવાયેલી. મનીષભાઈએ ઊભા થઈ બેડરૂમમાં ડોકિયું કર્યું. સવિતાબહેન તો આરામથી સૂતાં હતાં. ચા પીવાની ઈચ્છા તો થઈ હતી પણ તેમને જગાડવાનું મન થયું નહીં એ ફરીથી આવીને આરામખુરશી પર બેઠા.

જો સવિતાને કહ્યું હોત તો? એને જો ખબર પડે કે એના કપાળ પરના મોટા રૂપિયા જેટલા ચાંલ્લાનું આયુષ્ય હવે માત્ર દસ જ દિવસ છે તો? તો શું થાય? સવિતાબહેનના ચાંલ્લા વિનાના કપાળની એ કલ્પના કરવા લાગ્યા પણ ખાસ ફાવ્યું નહીં. આટલાં વર્ષોમાં કદી એમનું ચાંલ્લા વિનાનું કપાળ જોયું હોય તેવું યાદ જ ન આવ્યું. જો સવિતાબહેનને ખબર પડે કે હવે મનીષભાઈ દસ જ દિવસના મહેમાન છે તો? તો એ રડે-કકળે? બધાં સગાંવહાલાંને ભેગાં કરે? કે પછી આ વાતને મનીષભાઈના મગજનો વધુ એક તુક્કો ગણીને હસી કાઢે? કદાચ તો હસી જ કાઢે. અને એટલે એને કહેવું જ નહીં. આમેય એને કહેવાથી શો ફેર પડે છે? વાલિયો લૂંટારો વર્ષો પહેલાં શીખવી ગયો કે જીવનમાં કરેલાં પાપમાં કોઈ ભાગીદાર થતું નથી. પત્ની પણ નહીં. પણ પાપ? પાપ તો જીવનમાં કર્યા જ ક્યાં છે? આખુંય જીવન એકાઉન્ટન્ટની નોકરીમાં ઈમાનદારીથી કાઢી નાખ્યું. ગવર્નમેન્ટની નોકરી હતી. પૈસા મારી ખાવા હોત તો આરામથી થાત, પણ એમ કર્યું નથી. સવિતાએ પણ ટૂંકા પગારમાં સહેલાઈથી ઘર ચલાવ્યું. ત્રણ દીકરીઓનાં લગ્ન કર્યા. ક્યારેય કોઈ અપેક્ષા નહીં કે માંગણી નહીં. અરે! ચહેરા પર તનાવ સુદ્ધાં નહીં. હંમેશાં હસતી ને હસતી. એમ તો પોતેય સવિતાને સારી રીતે જ રાખી છે. ક્યારેક મારઝૂડ કરી નથી. ગુસ્સે થઈને ઘાંટા પાડ્યા નથી. કોઈ વ્યસન કર્યુ નથી. આખાય જીવનમાં કોઈ અપલક્ષણ કેળવ્યાં નથી. આખુંય જીવન એકદમ ચકચકાટ-ડાઘરહિત. ભલા કોઈ સ્ત્રીને સુખી થવા માટે એનાથી વધુ શું જોઈએ? કેટલાં વર્ષોનું લગ્નજીવન થયું હશે? તેમણે મનોમન હિસાબ માંડી જોયો. બેંતાળીસ વર્ષનું તો ખરું જ. સાવ સુખી જીવન… પ્રશ્નો વિનાનું… પણ તોય ન જાણે કેમ એવું લાગે છે કે સંતોષ નથી. જાણે હજીય કંઈક જોઈતું હતું જે મેળવ્યું નથી અથવા તો કંઈક કરવું હતું જે થયું નથી. કાલે સાંજે જ સૌથી નાની દીકરી પ્રજ્ઞા આવી હતી. સાવ રમતિયાળ અને સદાની ખુશમિજાજ છોકરી. એ નાની હતી ત્યારે મનીષભાઈ તેને મજાકમાં આનંદી કાગડો કહેતા. આવતા મહિને હવે તેનો ખોળો ભરવાનો છે. પોતાના પ્રથમ સંતાનને માટે તે ઘણી ઉત્સાહિત હતી. એમ એની વાતો પરથી લાગ્યું. પણ જો દસ જ દિવસમાં પોતાનું મૃત્યુ થાય તો તેની સીમંતની વિધિ થાય ખરી? ન જ થાય અને એ બિચારી કેટલી નાસીપાસ થઈ જાય? ભગવાન પણ ખરો છે… સીધા માણસોનો છે જ નહીં, પણ હવે જે થવાનું હતું તે તો થવાનું જ હતું. તેનો સ્વીકાર કરે જ છૂટકો. મનીષભાઈએ એક નિઃસાસો નાખ્યો અને ઊભા થઈને સ્ટડીમાં જઈને પોતાનું કબાટ ખોલ્યું. પૂજાના રૂમમાં બારી પાસે ટેબલખુરશી ગોઠવીને તેમણે સ્ટડી જેવું બનાવેલું. કબાટમાંથી પોતાના શેર ઈન્વેસ્ટમેન્ટની અને એલ.આઈ.સી.ની પોસ્ટની બધીય ફાઈલો કાઢીને એક કાગળ લઈને એ નોંધ ટપકાવવા બેઠા. આમ તો પોતાના મરણ પછી સવિતાને અડધું પેન્શન તો મળવાનું એટલે કોઈ વાંધો ન આવે પણ તોય કેટલા પૈસા ક્યાં ફરે છે તેની એક જુદા કાગળમાં નોંધ કરેલી સારી. સવિતાને તો જોકે કાંઈ ખબર ન પડે. એ તો બિચારી ડઘાઈ જ જશે. પણ વ્યવસ્થિત બધું ટપકાવેલું હોય અને એ ઘરમાં કોઈની મદદ લે તો એનેય બિચારીને ખબર પડે. પ્રજ્ઞાના વરમાં તો હજીય છોકરમત છે અને મોટા જમાઈ તો ઓલિયા માણસ. એમનું બધું ઈન્વેસ્ટમેન્ટ તો હજીય એમના બાપુજી સંભાળે છે. સિત્તેર થયાં. પણ હજીય સ્કૂટર લઈને દોડે છે. બૅન્કમાં જવું, પોસ્ટમાં જવું, બિલ ભરવાં એ બધુંય કામ એમનું જ… જ્યારે પોતાને તો હજી પાંસઠ જ થયાં, પણ તોય… તેમનું મન ફરી એક વાર આળું થઈ ગયું. નાનકડી રૂમમાં ગોઠવેલા પૂજાઘરની સામે તે જોઈ રહ્યા… ક્યાંય નખમાંય રોગ નથી. બ્લડપ્રેશર નહીં, ડાયાબિટીસ નહીં અને છેલ્લે ક્યારે તાવ આવેલો હતો એય યાદ નથી. પણ તોય ઈશ્વરને ત્યાંથી ચિઠ્ઠી ફાટી ગઈ હતી. હવે જતા રહેવાનું હતું આ ઘર, સવિતા, ત્રણ દીકરીઓ, તેમનો પરિવાર બધાંને મૂકીને…

‘શું કરો છો ક્યારના? બપોરે સૂતા નથી?’ સવિતાબહેને ડોકિયું કર્યું.

અન્યમનસ્ક શા મનીષભાઈ તેમની સામે જોઈ રહ્યા. કપાળ પરનો મોટો રૂપિયા જેવડો ચાંલ્લો. આછા પીળા રંગની સાડી, થોડા વિખરાયેલા વાળ… હમણાંની સંધીવાની તકલીફ થઈ હતી એટલે એ થોડી લંગડાઈને ચાલતી… વૈદની દવા ચાલુ કરી હતી… સારું હતું પણ એ દવા લેવાની સાવ ચોર… મનીષભાઈએ જ યાદ કરીને હાથમાં આપવી પડતી. પોતે નહીં હોય ત્યારે કોણ આપશે?…

‘તમને કહું છું ભઈસાબ! શું વિચારો છો? શું લઈને બેઠા આ આખી બપોર?’

‘કંઈ નહીં… ડિપોઝીટની તારીખો જોતો હતો… પછી એકાદ રીન્યુ કરાવવાની રહી જાય ને ખોટું વ્યાજ જાય…’

‘તે તમારે ક્યાં લાખો-કરોડોનું વ્યાજ જવાનું છે? સો બસો આમ કે તેમ… બપોર થોડીવાર આરામ કરતા હો તો! પણ તમારા જીવને શાંતિ જ નથી. ચાલો હવે આ બધો પથારો મૂકો. હું ચા મૂકું છું. રસોડામાં આવો…’ તે ધીમેધીમે ચાલતાં કંઈક બબડતાં રસોડા તરફ ગયાં… મનીષભાઈએ પાછી બધી ફાઈલો સંકેલી…

‘સવારે સ્મિતાનો ફોન હતો.’ ચા પીતાંપીતાં સવિતાબહેને જ વાત કાઢી.

‘હં…’

‘બધાં આવતા રવિવારે અહીં ભેગાં થઈને સાંજે જમવાનું એવું બધું વિચારે છે.’

‘કેમ ?’

‘શું કેમ? તમારી વરસગાંઠ નથી આવતા રવિવારે? છોકરાં ભેગાં થશે ને મજા કરશે… આમેય બહુ દિવસ થઈ ગયા. બધાં સાથે ભેગાં નથી થયાં. પછી વંદના તો આ વેકેશનમાં કન્યાકુમારી જવાની છે અને સ્મિતા કંઈક દાર્જિલિંગ બાજુ જવાનું કહેતી હતી. પ્રજ્ઞાનો ખોળો ભરાઈ જાય પછી બધાં જવાનાં છે.’

‘હં…’

‘કંઈ થ્યું છે?’

મનીષભાઈ નીચું જોઈને ચાના કપમાં ચમચી હલાવતા રહ્યા. રસોડાની હવામાં એક અવ્યક્ત અજંપો ઘૂમરાઈ રહ્યો. સમય પણ જાણે આ વૃદ્ધ દંપતીના સૌજન્યભર્યા સાથ માટે ક્ષણભર થંભી ગયો. સવિતાબહેને ધીમેથી પોતાનો હાથ મનીષભાઈના હાથ પર મૂક્યો. મનીષભાઈની નજર સવિતાબહેનના હાથ પરથી કરચલીઓમાં અટવાઈ ગઈ. વર્ષો પહેલાં જે વિશ્વાસ, જે પ્રેમથી ચેતના અને તરવરાટથી સભર એક યુવાન હાથ પોતાના હાથને આવી મળ્યો હતો તે વિશ્વાસ અને પ્રેમને છેહ દઈને, તેની સાથેનો નાતો એક જ ઝાટકે તોડીને પોતે ચાલી નીકળવાના હતા. આ વૃદ્ધ કરચલીઓથી સભર હાથને એકલો જ છોડીને… તેમણે નજર ઉઠાવીને સવિતાબહેન સામે જોયું. પોતાના જીવનના સંઘર્ષ, કેટલાય ચડાવ-ઉતાર. કેટલીય સફળતા-અસફળતાની કહાણીઓ સવિતાબહેનના ચહેરા પર પડેલા ચાસ વચ્ચેથી ઊભરાઈ આવી. તે ફટાફટ ઊભા થઈ ગયા…

‘શું થયું છે તને?’

‘શું થાય? કંઈ થયું નથી…’

‘તો ત્રણ-ચાર દિવસથી આમ બેચેન કેમ છે ? સવિતાનો ફોન હતો બપોરે… ચિંતા કરતી હતી. અને હુંય જોઉં છું રોજ… તું આવે છે, વાતો કરે છે, મારી વાત સાંભળે છે પણ ધ્યાન બીજે જ હોય છે. શી વાત છે?’

સુબોધભાઈને સાવ અંગત મિત્ર ગણી શકાય. રોજ સવારે બંને સાથે ચાલવા જતા. અત્યારેય બંને ચાલતા-ચાલતા થાકીને બાંકડે બેઠા હતા. બંનેની કેટલાય વર્ષોથી મિત્રતા હતી. પણ એમને કાંઈ પેલી ચોપડી વિશે કે પછી જન્માક્ષર વિશે કહેવાય નહીં… આખી વાત હસી જ કાઢે. કદાચ ખખડાવીય કાઢે અને સવિતાને ચોક્ક્સ કહી જ દે. એટલે સુબોધભાઈને તો કહેવાય જ નહીં. પણ તોય સુબોધભાઈ વળગણી ખરા. બધીય ચિંતા તેમને થોડી વાર માટે વળગાડી શકાય.

‘વાત તો કાંઈ નથી. બસ, એક દિવસ બપોરે બેઠાબેઠા એક વિચાર આવી ગયો…’

‘કેવો વિચાર?’

‘એ જ કે આપણે નાના હતા ત્યારે જૂની કથાઓમાં જે કાંઈ સાંભળતા એ સાચું હશે?’

‘શું સાંભળતા?’

‘એ કે આ મૃત્યુલોકની દુનિયાથીય દૂર એક બીજી કોઈ દુનિયા છે કે જ્યાં મનુષ્ય મરણ પછી પહોંચે છે… વૈતરણી પાર કરીને… જો સારાં કામ કર્યાં હોય તો સ્વર્ગમાં… અને નહીં તો નરકમાં…’

સુબોધભાઈના હોઠ પર એક અકળ હાસ્ય રેલાઈ ગયું.

‘તે તું કેમ ચિંતા કરે છે? તે ક્યાં કોઈ પાપ કર્યું છે? તું તો સ્વર્ગમાં જ જઈશ… પરીઓના દેશમાં… અપ્સરાઓની વચ્ચે…’

‘ના… ચિંતા નથી કરતો… પણ તોય વિચાર આવે છે… ગમે ત્યાં જાઉં… સ્વર્ગમાં કે નરકમાં… પણ જઈશ તો એકલો ને? કોઈ સાથે નહીં હોય, સવિતાય નહીં…’ ઘરડાં ચશ્માંની પાછળ ક્ષણ માટે વિષાદ ડોકાઈ ગયો.

સુબોધભાઈ પણ બે મિનિટ માટે ખામોશ થઈ ગયા.

‘મૃત્યુ અફર છે… મનીષ… સાવ નિશ્ચિત… એને ટાળી ન શકાય પણ તારો તેમ જ સવિતાનો સાથ પણ એટલો જ નિશ્ચિત છે… એમાં આટલી અવઢવ શી છે?’

‘કોઈ અવઢવ નથી… પણ એ સાચું જ છે કે કાલે ઊઠીને જો હું મરી જાઉં તો મારી પાછળ એ સાવ એકલી…’

‘ના… અમુક સાથ, અમુક સંબંધો હાથ છોડ્યા પછીય છૂટતા નથી… તારા અને એમના સંબંધે સમયની, દુનિયાની, લાગણીઓની કેટલીય થપાટો સહન કરી છે… કંઈ કેટલીય વાર પડુંપડું થઈને એ ફરી ઊભો રહ્યો છે… તારાં સંતાનોના જીવન માટે તારો સંબંધ ઉદાહરણ બન્યો છે અને હવે? હવે આટલાં વર્ષે એ આ પૂરા બ્રહ્માંડમાં કોઈ એક જગ્યાએ સ્થિર થઈ ગયો છે.. કોઈ એક ચટ્ટાનની માફક. એને કશાયની અસર નહીં થાય… ન મૃત્યુની… ન જીવનની…’

‘વાતો છે બધી આ… ત્યારે નજર સમક્ષ સ્વજનનું શબ પડ્યું હોય ત્યારે ભલભલા…’

‘હા… જો તમે શબને સ્વજન માનો તો…’

‘એટલે શું એને મારા મૃત્યુનું દુઃખ નહીં થાય?’

‘ના, હું એમ કહું તો એ ખોટું છે… પણ એય સાચું છે કે તારું મૃત્યુ એટલે માત્ર તારી ગેરહાજરી. કોઈ ક્યાંક ઘરની બહાર ગયું હોય અને હમણાં જ આવી પહોંચશે તેવી લાગણી… મૃત્યુ એટલે તારો અને સવિતાનો સાથ છૂટવો એ નહીં… તું તો એની સાથે જ રહીશ… હંમેશાં… એના પ્રત્યેક ધબકર સાથે ધબકતો… માત્ર એ આંખ બંધ કરે એટલે દૂર…’

મનીષભાઈને દાઝ ચઢી. સુબોધભાઈને શી ખબર પડે? મૂળે તો એ પરણ્યા જ નથી. એટલે જીવનભરનો સાથ શું? એ બાબતે એ મીંડું જ રહેવાના… વળી આખી જિંદગી ગુજરાતીના પ્રોફેસર તરીકે નોકરી કરી તેના પરિણામે આવી ડાહીડાહી ફિલોસોફી અને ડહાપણ ડહોળતાં આવડે છે… પણ મૃત્યુ એ કાંઈ ગુજરાતીના પેપરમાં પૂછાયેલો વિચારવિસ્તાર છે? એ તો પાંચ દિવસ પછી જ ખબર પડશે કે હું નહીં હોઉં ત્યારે સવિતાની શી વલે થાય છે?

 

પછીના દિવસો તો ભારે ઉચાટમાં ગયા. કામ પણ કેટલું બધું હતું. વળી સતત મૃત્યુના ઓથાર હેઠળ રહીને દરેક કામ ચોકસાઈ અને ચીવટાઈથી પાર પાડવાનું હતું. સવિતાને કોઈ શંકા ના જાય એ રીતે… દરેક ફિક્સ ડિપોઝિટ, દરેક પૉલિસી બધાંયની વ્યવસ્થિત નોંધ કરીને મૂકી દીધી. ડિમેટ એકાઉન્ટ ચેક કરીને જરૂર લાગ્યા એટલે શેર ફટકારીય માર્યા. સવિતાને એટલે પળોજણ ઓછી… આ વખતે પેન્શનના પૈસા ઉપાડવા સવિતાનેય જોડે લઈ ગયા. બેન્કમાં એને જવાની ટેવ જ નહીં. એક વખત સાથે આવી હોય તો સાવ નવુંનવું તો ન લાગે… પેલા પંડ્યા સાથે ઓળખાણેય કરાવી દીધી. ભગવાનનો માણસ છે. કંઈ હોય તો તરત મદદ કરે એવો. અમુક વસ્તુની સવિતાબહેનને ટેવ પાડવાની જરૂર હતી. જેમ કે પ્રેશરની ગોળી એ રોજ ભૂલી જતાં. મનીષભાઈ જ યાદ કરીને આપતા. પણ મનીષભાઈએ એ ગોળીનું પત્તું હવે ડાઈનિંગ ટેબલ પર મૂકી દીધું. જુએ, એટલે તરત યાદ આવે… ચેક લખતાં અને સ્લીપ ભરતાંય શીખવી જ દીધું. ટેલિફોનનું બિલ ભરવાય સાથે લઈ ગયા અને એક દિવસ બપોરે પાસે બેસાડીને ડિમેટ એકાઉન્ટ વિષય શીખવવાનો પ્રયત્ન કર્યો પણ ત્યારે તો સવિતાબહેન છણકો કરીને ઊભાં જ થઈ ગયાં…

‘હું તમને કદી રોટલી કરતાં કે ખીચડી મૂકતાં શીખવાનું કહું છું? ઠીક છે. બેન્કનું કામ થોડુંઘણું આવડવું જોઈએ એ તો જાણે સમજ્યા પણ તમે તો આ રોજરોજ નવું નવું લઈને બેસી જાઓ છો… મારી પાસે આવો ફાલતું સમય જ નથી… બે દિવસ પછી તમારી વરસગાંઠ છે. બધાં છોકરાં ભેગાં થવાનાં છે… મારે કેટલું બધું લાવવા-મૂકવાનું હોય? ને તમે રોજ કંઈક નવું લઈને બેસો છો.. મને કામ કરવા દો ભાઈસાબ… આ બધું તો પછીય થશે…’

મનીષભાઈને દયા આવી ગઈ… કેટલી ભોળી છે? જાણતી નથી કે એ સમય કદીય આવવાનો નથી પણ પછી તેમણેય મન વાળ્યું… પાંચ દિવસમાં કેટલું શીખાય? જેટલું શીખી એય બહુ…

એ સાચું હતું કે આ દસ દિવસ દરમિયાન એક ક્ષણ માટેય એ ઈશ્વરને ભૂલ્યા ન હતા… પ્રભુ પાસે બસ આ દસ દિવસનું જ જીવન માંગ્યું હતું.

 

‘હે પ્રભુ! અધવચ્ચે ના ઉપાડી લેતો… છોકરાંઓને મારી વરસગાંઠ ઊજવવાનું મન છે એ મન દુભાય નહીં. જન્મદિવસ એ જ મૃત્યુ દિવસ હોય એવાય દાખલા ક્યાં નોંધાયા નથી? હવે જ્યારે મને મારવો જ છે તો મારાં સંતાનોની લાગણીઓનો ખ્યાલ પણ રાખજે જ.’ અને એમણે સાચા હૃદયની પ્રાર્થના કરી હોય કે ગમે તે પણ પ્રભુએ તે સાંભળીય ખરી. રવિવારે એ બધાંને વળાવીને રાત્રે પથારીમાં આડાં પડ્યા ત્યારે ખરા દિલથી પ્રભુનો આભાર માન્યો. બધી છોકરીઓ ખુશ હતી. પ્રજ્ઞાનો વર તો શોખીન માણસ… કેક પણ લાવેલો. બધાંએ ભેગાં થઈ તાળીઓ પાડી હૅપી બર્થડે પણ ગાયું. છોકરાંઓને મજા પડી ગઈ. બધાંને ખુશ જોઈ લીધાં – સુખી જોઈ લીધાં. મનને શાંતિ થઈ. સવિતાબહેન તો થાકી ગયાં હતાં. તે પથારીમાં પડતાંવેંત સૂઈ ગયાં પણ મનીષભાઈને ઊંઘ ન આવી. જીવનની છેલ્લી રાત હતી, એ તો જાણે નક્કી હતું પણ મૃત્યુ આવશે કેમ કરીને? ઊંઘમાં જ હળવો એટેક આવી જશે? કે પછી એકદમથી પ્રેશર વધી જશે ને મગજની નસ તૂટી જશે? અથવા તો છતનો પંખોય એમની પર તૂટી પડે ને મોત આવી જાય – કાં તો પછી છતમાંથી મોટો પોપડો ઊખડીને સીધો જ તેમના માથે પડે… કંઈ પણ થઈ શકે અને જો એ ઊંઘે જ નહીં અને જાગતા જ રહે તો કાળા ભેંકાર પાડા પર બેસીને આવેલા યમરાજ તેમને દેખાય ખરા? જો ખરેખર દેખાય તો? સવિતા તો ચોક્કસ પેલી સતી સાવિત્રીની જેમ મનીષભાઈના પ્રાણ યમ પાસેથી પાછા લઈ લે અને જો ખરેખર એવું થઈ જાય તો કેટલું સારું થાય? પણ એવું થવાનું નથી. એ તો બિચારી ઊંઘે છે. એની પર કેવી વિપત્તિ તૂટી પડવાની છે તેનાથી અજાણ કેવી ઘસઘસાટ ઊંઘે છે? મનીષભાઈએ સવિતાબહેન સામે જોયું. મોટો લાલચટાક ચાંદલો અને સેંથીમાં સિંદૂર. આજે આસમાની સાડી પહેરી હતી એટલે હાથમાં ડઝનબંધ આસમાની બંગડીઓ પણ ચડાવી હતી. સૂતાં પહેલાં કપડાં તો બદલી કાઢ્યાં હતાં પણ બંગડીઓ કાઢી ન હતી. ગોરા હાથ પર આસમાની બંગડીઓ ખરેખર સરસ લાગતી હતી. અનિમેષ નયને તે સવિતાબહેન સામે તાકી રહ્યા. યમરાજાની રાહ જોવાનો થાક હોય અથવા તો વિચારોથી છૂટા પડવાની માનસિક ચેષ્ટા હોય, જે હોય તે થોડી વારમાં તેમનેય ઊંઘ આવી જ ગઈ.

રોજની જેમ સવારે આંખ ખૂલી ત્યારે સૂરજ ચડી ગયો હતો. બારીના પડદામાંથી પ્રકાશ ચળાઈને સીધો મોં પર આવતો હતો. મનીષભાઈ એકદમ પથારીમાં બેઠા થઈ ગયા. છાસઠમાં વર્ષની પહેલી સવાર આખરે પડી ગઈ હતી. તેમણે પોતાના હાથ-પગ પર નજર ફેરવી. બંને હાથ માથા પર મૂકી માથુંય તપાસી જોયું. બધું સલામત હતું. પથારીની સામેના આયનામાં તેમનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. એ જીવતા જાગતા પથારીમાં બેઠા હતા. પેલા પુસ્તકમાં લખેલી ભવિષ્યવાણી ખોટી પડી હતી. ન તો મૃત્યુ આવ્યું હતું કે ન તો યમરાજા… તેમણે બાજુની પથારીમાં જોયું. સવિતાબહેન હજી સૂતાં હતાં. તેમણે ઉલ્લાસથી સવિતાબહેનને લગભગ હલાવી નાંખ્યાં.

‘સવિતા, સવિતા, જો જો હું હજી જીવું છું… સવિતા…’

સવિતાબહેન ઊઠ્યાં શું હલ્યાં પણ નહીં. મનીષભાઈ બે ઘડી સવિતાબહેન સામે જોઈ રહ્યા પછી તેમની રાડ ફાટી ગઈ.

‘સવિતા…


Rate this content
Log in