STORYMIRROR

Bhavin Desai

Others

2  

Bhavin Desai

Others

શું ભગવાનને કદી જોયા છે? મને તો મળ્યા છે...

શું ભગવાનને કદી જોયા છે? મને તો મળ્યા છે...

2 mins
14.2K


ના આકારમાં કોઈએ દીઠો તને, ના તને કોઈ જોઈ શકવાનાં છે કદી, છતાં સૌ નમે છે તને ઓ ખુદા! ફકત તારાં હોવાપણાંની એકમાત્ર ચર્ચાથી... તો પછી, કેવી રીતે માનું કે તું અસ્તિત્વમાં છે? કોઈ કહે છે મંદિર, કોઈ કહે તું તરુવરમાં છે. પહોંચ્યો માનવી આકાશ, જયાં દિસ્યો એણે શૂન્યાવકાશ; તો કોણે ફેલાવી અફવા કે તું આભનાં ઘરમાં છે!?

- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

આમ જોવા જાવ તો હું ભગવાનમાં ઘણી જૂજ શ્રધ્ધા ધરાવું છું, પણ મારી પત્ની અત્યંત શ્રદ્ધાળુ છે. કારણ કે, જે નિરાકાર છે, સચોટ કોઈ એનું ઠેકાણું નથી તો પછી ખુદાનાં હોવાપણાની માત્ર અફવામાં હું શ્રદ્ધા ધરાવી શકતો નથી કે ભગવાન હોય. પણ કહેવાય છે કે જે નસીબદાર હોય એને જ ઇશ્વર દેખાય છે અને આજે એમ જ બન્યું કે મારા જેવા નાસ્તિકને ભગવાન મળી ગયા!

આજે સાંજે હું અને મારી પત્ની એક ગેરેજ પર ગયા, જ્યાં મારું એક્ટિવા સર્વિસ માટે આપ્યું હતું. આખા દિવસનાં કામકાજથી થાકેલા પણ ઘણા હતા અને ભૂખ પણ અસહ્ય લાગી હતી. એક્ટિવા લઈને પરત આવતા હતા, ત્યારે એક સાઉથ ઇન્ડિયન હોટલ પર મેં એક્ટિવા ઊભું રાખ્યું કે કાંઈક હળવું ખાઈ લઈએ. એવામાં મારી પત્નીની નજર ત્યાં રમતાં ૩ બાળકો પર પડી, જે ખૂબ ગરીબ જણાતા હતા અને વારંવાર ઈશારા દ્વારા ખાવા માટે કહી રહ્યા હતા. સ્વાભાવિક રીતે અમે એમને પૂછ્યું કે શું ખાવાની ઈચ્છા છે? તો સૌ પ્રથમ એ એકબીજાની સામે જોવા લાગ્યા અને બીજી જ ઘડીએ તેમણે ચોકોબાર કેન્ડી ખાવાની ઈચ્છા દર્શાવી. અમે એ લાવી આપી, પણ કદાચ એમની ભૂખ અમારા કરતા પણ અસહ્ય હોય એમ એમણે ઢોંસાનું ચિત્ર બતાવીએ ખાવાની પણ ઈચ્છા દર્શાવી. ખબર નહિ, આજે અચાનક લાગણીભાવ એ બાળકો પ્રત્યે શું હતો કે એમની એ ઈચ્છા પણ અમે પૂરી કરી.

પણ જ્યારે એ ઢોંસા બાળકોનાં હાથમાં આવ્યા અને જે આપણે ઓછામાં ઓછાં અડધા કલાક સુધી વાતો કરતાં કરતાં ખાઈએ છે એ એમણે માત્ર ગણતરીની ૪ મિનિટમાં જ પૂરાં કરી દીધા! એ બાળકોની આંખમાં જે તૃપ્તિ જોઈ, ચમકદાર મલકાતી આંખો જે આશીર્વાદ આપી રહી હતી ત્યારે અમારી ભૂખ એવી રીતે સંતોષ પામી જાણે એક અઠવાડીયાનું ભોજન તાજ હોટલમાં જમ્યા હોય! બાળકોની નજરમાં અમે ભગવાન હતા અને અમારી નજરમાં એ તૃપ્ત થયેલા બાળકો, જે એમની કોમળ આંખોથી આશીર્વાદ આપી રહ્યા હતા. તેઓ બાળકનાં રૂપમાં ઇશ્વર હતાં. આજે ખરેખર એમ લાગ્યું કે નાહકનું મંદિર, ઉપવાસ કે અવનવા કર્મકાંડ દ્વારા આપણે ભગવાનને શોધીએ છીએ, પણ હકીકતમાં તો એક માણસ બનીને માણસાઇની આંખોથી જોઈએ તો આપણાં દરેક જણમાં ભગવાન વસેલા છે.

किसीको गीता में ज्ञान ना मिला, किसीको कुरआन में ईमान ना मिला, क्या मिलेगा उसे आसमान में भगवान!जिसको इंसान में कभी इंसान ना मिला।- अज्ञात

એટલે જ કહી શકું છું કે તમે કદી ભગવાન જોયા છે? મને તો આજે મળ્યા છે.

 

 


Rate this content
Log in