STORYMIRROR

Brijesh Patel

Children Stories Inspirational

4  

Brijesh Patel

Children Stories Inspirational

શિક્ષિકા - વહાલની મૂરત

શિક્ષિકા - વહાલની મૂરત

3 mins
236

મારા બાળપણના વિદ્યાર્થીકાળમાં જ્યારે હું ધોરણ સાતમાં ભણતો હતો. બધા શિક્ષકો સારું ભણાવતા હતા. જેમ દરેક વ્યક્તિના જીવનમાં મનપસંદ વસ્તુ અને વ્યક્તિ હોય તેમ અમારા એ નિર્દોષ વિદ્યાર્થીકાળમાં પણ મોટા ભાગના વિદ્યાર્થીઓના માનીતા શિક્ષિકા શારદાબેન હતા.

શારદાબેન નામ હતું એવા જ એમનું સાદુ અને પ્રેમાળ જીવન હતું. શિક્ષિકાબેન અમારી શાળામાં લગભગ બે વર્ષ પહેલા જ નોકરી લાગ્યા હતાં. જ્યારે બીજા કોઈ શિક્ષક અને શિક્ષિકા કોઈ પણ રીતે અભ્યાસ કે શિસ્ત બાબતે લડતા, ઠપકો આપતાં કે શિક્ષા કરતાં ત્યારે મારા એ આદર્શ બેન કોઈપણ વિદ્યાર્થીને બેટા કહીને સંબોધતા હતા.

જ્યારથી શારદાબેન ગામમાં નોકરીએ આવ્યાં હતાં ત્યારથી તેઓ ગામના ઊંચા ફળિયામાં મકાન ભાડે લઈ એકલા રહેતા હતા. એક બાળક તરીકે મને વિચાર આવતો કે બેન ગામમાં એકલા શા માટે રહે છે ? શું એમનો પરિવાર નહિ હોય ?

ઉપરોક્ત સવાલના જવાબ માટે અમારે વધુ સમય રાહ ન જોવી પડી. રિસેસમાં જ્યારે અમે રમતાં ત્યારે બે શિક્ષિકાઓને મે વાતો કરતા સાંભળેલી કે બિચારા શારદાબેનના જીવનમાં ભર યુવાન વયે જ એમના પતિ અને દીકરાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયેલું. બે શિક્ષિકા બેન વાત કરતી હતી કે તેમના કુટુંબે એમને ઘણીવાર પુન:લગ્ન કરવા જણાવ્યું પણ તેઓ ના પાડતા અને કહેતા કે બસ આ શાળાના બાળકો એ જ મારો પરિવાર અને બાળકો. ભગવાને મારા જીવનમાં એક બાળક લઈને અનેક બાળક આપ્યા છે.

મને યાદ છે કે જ્યારે મહેશ નામનો વિદ્યાર્થી શાળામાં વારંવાર મોડો આવતો ત્યારે બીજા શિક્ષિકા બેન એને અવગણતા અને મોડા આવવા બદલ શિક્ષા કરતાં. એવું જોઈને રિસેસમાં શારદાબેને અમારી હાજરીમાં એને મોડા આવવાનું કારણ પ્રેમપૂર્વક પૂછ્યું હતું. એ સમયે મહેશ એમની સમક્ષ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડેલ અને મહેશ કહેવા લાગ્યો હતો કે મારી મમ્મી બે વર્ષ પહેલાં મરી ગઈ છે અને મારા પપ્પા મને વહેલો સવારમાં ખેતરમાં મજૂરી કરવા મોકલે છે એટલે મારે શાળામાં આવવાનું મોડું થઈ જાય છે.

મહેશના મોઢે આવી વાત સાંભળી હમેશાં શાંત રહેતા શારદાબેનને મહેશના પિતા કરમશીભાઈ પર ગુસ્સે થઈને મહેશને કહે છે કે તું ચિંતા ના કર તારા પપ્પાને કાલે શાળામાં બોલાવી લાવજે. મહેશ ઘરે જઈને બીજા દિવસે એના પપ્પાને શાળામાં લઈને આવે છે.

શારદાબેન થોડાક ગુસ્સે થઈને કરમશીભાઈ ને કહે છે કે શા માટે આ દીકરાને મજૂરી કરાવો છો તમે ? એને નિયમિત પણે શાળામાં મોકલો તમારું અને આ દીકરાનું જીવન સુધરી જશે. મહેશના પપ્પાના દેખાવ અને પહેરવેશ પરથી બેન કહેવા લાગેલ કે આજથી મહેશના ભણવાનો ખર્ચ હું કરીશ અને મહેશને મારા ટિફિનમાંથી જમવાનું આપીશ પણ તમે તમારા દીકરાને શાળામાં મોકલો.

કરમશીભાઈ પણ શારદાબેનની લાગણી અને ભાવ જોઈને કહેવા લાગ્યા કે બેન તમારો હું ઋણી છું. હું હવે રોજ મારા દીકરાને શાળામાં મોકલીશ. શારદાબેન આપેલ વચન પ્રમાણે મહેશનો બધો ખર્ચ ઉઠાવતા હતા, પ્રાથમિક શિક્ષણ બાદ પણ તેઓ મહેશના અભ્યાસનો ખર્ચ ઉઠાવતા એવું મે મહેશના મોઢે સાંભળેલ.

પછી તો મહેશ અને અમે છૂટા પડી ગયેલ. વર્ષો બાદ હું મહેશને મળ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મહેશ બાજુના ગામમાં તલાટી બની ગયેલ. મહેશ કહેતો કે જો શારદાબેનના હોત તો હું પણ કોઈકના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતો હોત. તે કહેવા લાગ્યો કે ખરેખર શારદાબેન મારા જીવનમાં વિદ્યાના દેવી સરસ્વતી માતા બનીને આવ્યા અને મારું જીવન ઉજાગર કર્યું.

હવે તો શારદાબેન નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા છે. આજે પણ જ્યારે અમે ગામ જઈએ છીએ ત્યારે અમારા આદર્શ શિક્ષિકાને મળવા જઈએ છીએ. અમને જોઈને બેનના મોઢેથી ૨૫ વર્ષ પહેલાં સાંભળવા મળતા શબ્દો, ભાવ અને એ જ લાગણી કેમ છો બેટા ?

આવા હતા મારા જીવનમાં આવેલ વાત્સલ્યની મૂર્તિ સમા શિક્ષિકા શારદાબેન અને મહેશના જીવનમાં માતા કરતાં પણ સવાયા એવા શારદાબેન.

શારદાબેન જેવા તમામ શિક્ષિકા બેનને મારા કોટિ કોટિ વંદન.


Rate this content
Log in