સાધના-૯
સાધના-૯
મણીભાઈના ગયા બાદ સાધનાએ પથારી પાથરી, સહુ પોતપોતાના રૂમમાં ગયા. પણ બાપુને આજે નિંદર આવતી ન હતી. સાધના બાપુ પાસે પાણીનો પ્યાલો લઈને ગઈ અને પૂછ્યું,
"બાપુ ! તમને નીંદર નથી આવતી ?”
"ના ના, થોડી ચા પીધીને માટે, તું કેમ જાગે છે ? જાઓ હવે સુઈ જાઓ.
"સારું બાપુ, કહીને સાધના પણ પથારીમાં પડખા ફેરવવા લાગી. તેને તેના બાપુની ચિંતા થવા લાગી."
'તેના ગયા બાદ બાપુની સાર-સંભાળ રાખવાવાળું કોઈ નહિ રહે, ભાભીની અમુક મર્યાદાઓ હોય, તે તો લાજ કાઢે છે, તો બાપુ સંવાદ કેમ સાધશે ? કઈ કામકાજ હોય તો કેમ કરશે ? મારે જતા પહેલા ભાભીને આ લાજની પ્રથામાંથી મુક્ત કરવા છે. જેથી જમાના સાથે તાલ પણ મેળવાય અને બાપુને પણ કામકાજ માટે કોઈ સંકોચ ન રહે. આજે સાંજે મોટાભાઈ આવ્યા બાદ આ વાત બધા સામે મુકીશ. અને ભાભીને પણ સમજાવીશ. 'આવું ક્રાંતિકારી વિચાર વિચારતી સાધના સુઈ ગઈ. પણ બાપુને નીંદર ન આવી તે વિચારવા લાગ્યા, "કાલ સુધીમાં હીરજીભાઈનો પત્ર આવી જવો જોઈએ. જો કાલે નહી આવે તો ઓફીસમાંથી જેન્તીભાઈને ફોન કરીને બધી વિગતવાર વાત કરી દઈશ અને ત્યાના શું સમાચાર છે, તે પણ જાણી લઈશ અને પ્રસંગમાં વેહલા આવવાનું આમંત્રણ પણ આપી મુકીશ." હવે તેને થોડી શાંતિ થઇ અને શાંતિથી સુઈ ગયા.
વહેલી સવારે ઉઠીને બાપુ તેમના પૂજા પાઠમાં લાગી ગયા. છોકરાઓ શાળામાં જતા રહ્યા અને સાધના ને મીના દૈનિક કામોમાં લાગી ગયા. પૂજા પતાવીને બાપુને અડધી ચા પીવાની ટેવ હતી. તેથી સાધના ચાનો કપ લાવી. બાપુ ચા પીને ઓફિસે જવાની તૈયારી કરતા હતા ત્યાં જ પોસ્ટ માસ્ટર આરબભાઈ પત્ર લઈને આવ્યા. આ પત્ર હીરજીભાઈનો હતો. બાપુ પત્ર લઇને તેમની આરામ ખુરશીમાં બેસી ગયા અને ઝટપટ પરબડીયું ખોલ્યું અને વાંચવા લાગ્યા. તે પત્ર વાંચતા હતા અને સાધના તેમનો ચહેરો વાંચતી હતી. બાપુની આંખોની ચમક વધતી જતી હતી તેથી સાધનાએ અનુમાન બાંધ્યું કે કઈક શુભ ખબર હશે હજુ તેના વિચારોની હારમાળા ગુંથાતી હતી ત્યાજ બાપુ એ હાક મારી , “સાધના, દીકરા ! અહી આઓ તો, થોડું પાણી પણ ભરતા આવ જો. સાધના, બાપુએ પત્ર પૂરો કર્યા બાદ અંદર જતી રહી હતી. તે ઝટપટ પાણીનો પ્યાલો ભરીને આવી તેની ચાલ પણ ઉતાવળી હતી. બાપુએ પાણી પીને પોતાની નાનકડી અને લાડકી દીકરીના માથા ઉપર હાથ મુક્યો અને બોલ્યા “દીકરા તારા અંજળ-પાણી હવે થોડા દિવસ. હવે તું અમારી મેહેમાન. સાધના આટલું સાંભળતા જ રડવા લાગી બાપુની આંખોના ખૂણા પણ ભીના થઇ ગયા. મીના પણ રડી પડી થોડીવાર તો વાતાવરણ ભારી થઇ ગયું.
બાપુ સ્વસ્થ થયા અને પત્રની વિગત મીના તથા સાધનાને જણાવી કે હીરજીભાઈ આપણા સહકારથી રાજી થયા છે, તેમને ખુબ ખુબ આભાર માન્યો છે અને વીસમી માર્ચના રેખાબેનના લગ્ન અને ૨૨મી માર્ચના સાધનાને ભરતના લગ્ન નક્કી કર્યા છે. હવે આપણે બધા કામકાજમાં ઉતાવળ રાખવાની છે. હું નારણભાઈને મળતો જઈશ. સોનાની ખરીદી સારા મુહુર્તમાં કરી લેશું અને તેમની જ દુકાનમાં રાખવાનું કહેશું. રંગ-રોગાન પત્યા પછી ઘરે લઇ આવીશું. કાલે ભાઈને ભાભી સાથે તું જઈને નક્કી કરી આવજે. આજે રાતના ભાઈ આવે પછી બેસીને મહેમાનના નામની યાદી તૈયાર કરાવી લઈએ. આટલું ઝપાટાભેર બોલી બાપુ ઓફીસે જવા રવાના થયા.
મીનાભાભી સાધનાને પોતાનું ધ્યાન રાખવાની ભલામણ કરવા લાગ્યા અને બોલ્યા કે "કાલથી તમારે કપડા ધોવાના નથી. તમે ફક્ત રસોઈનું કામકાજ સંભાળજો. તમારા હાથનો ખ્યાલ રાખજો, તળવાનું કામ હું કરીશ તમારે ઉપરનું જ કામ કરવાનું રહેશે." "સારું ભાભી" એટલું બોલીને સાધના તેના ભાભીને વળગી પડી. તેને લાગ્યું કે આવા લાડ બસ હવે થોડા જ દિવસના છે, ત્યાં મારાથી કામ માટે થોડી ના પડાશે ? અને તે રસોઈના કામમાં વળગી. બપોરના થોડો આરામ કરી તે અને ભાભી બેડરૂમનો સામાન જે ન જોઈતો હોય તે પેક કરવા લાગ્યા. વધારાનો સામાન મંજુબેન કામવાળાને આપી મુક્યો. હવે નારણભાઈ ગમે ત્યારે આવે તો પણ વાંધો ન આવે. બે નાના રૂમમાં પીળારંગ અને ફળિયામાં છેલ્લે ગુલાબીરંગ મારવાનું નક્કી થયું. સાંજના બાપુએ ઓફિસેથી આવીને કીધું કે,
"નારણભાઈ પરમદિવસે આવી જશે તેથી બધું જ નાના રૂમનું સમેટી લેશો."
"સારું બાપુ" કહીને બધા જમવા બેસી ગયા.
જમીને બાપુ, બંને ભાઈઓ કાગળ પેન લઈને બેસી ગયા અને મહેમાનોની યાદી બનાવી લીધી. બાપુએ હીરજીભાઈનો પત્ર, ભાઈને વંચાવ્યો,તે લોકો પણ જાનમાં એકસો પચીસ મહેમાન અને મીત્ર મંડળ સહ આવશે. હવે આપણે મંડપને દિવસે કેટલા મહેમાનો આવશે તેની યાદી બનાવી પડશે. આગલે દિવસે લગભગ બસો પચાસ માણસો થશે તેથી કુલ ચારસો માણસો થશે. કાલે મણીભાઈને ત્યાં પેલા જઈ આવીશું.
સવાર પડતા જ બાપુ કામ કાજ પતાવીને ભાઈની સાથે મણીભાઈના ઘરેજ ગયા અને વિગતવાર વાત કરી અને લીસ્ટ આપ્યું. મણીભાઈ બોલ્યા કે
"બાવીસ માર્ચના બહુ લગ્ન છે તેથી સ્થાનિક લોકો કદાચ ઘટી પણ જાય માટે આપણે ત્રણસોની જ ગણતરી રાખવાની."
"સારું ત્યારે કોઈને કશી તકલીફ ન પડે તેની સાવચેતી રાખશો. મારા વરંડામાં જમવાનું બનાવ જો" કહીને ભાઈને બાપુ ઉઠયા. ભાઈ બોલ્યો કે "તમારે માલસામાન માટે રોકડની જરૂર પડે ત્યારે લઇ જજો."
આજે ભાઈને રજા હોવાથી જમી કરીને સોનીની દુકાને જઈ આવ્યા. ભરતની ચેઈન, સાધનાની કડી તથા સોનાનો સેટ નક્કી કર્યો. તેના પણ થોડા પૈસા ચૂકવ્યા અને બાકીના હપ્તામાં ચુક્વશું તેવું કીધું. સોનીભાઇ પણ બોલ્યા, "કઈ વાંધો નહિ તમે બે ફિકર રહો. અમે તમારા બાપુને વર્ષોથી ઓળખીએ છીએ."સાધના પોતાના બાપુની આવડી મોટી શાખ જોઇને મનોમન તેમની પૂજા કરવા લાગી.
ભાઈએ કહ્યું કે "અમે બધા જ ઘરેણા પંદર માર્ચની આસપાસ લઇ જશું તો આપ તૈયાર કરાવી રાખશો." આમ ઘરના રંગરોગાનથી લઈને સોની, કાપડીયો, દિલીપભાઈ ગોર અને દરજી એમ બધું જ કામ આસ્તે-આસ્તે પતિ ગયું.
કંકોત્રી પણ છપાઈને આવી ગઈ. મુંબઈથી સાધનાની બહેન પણ વહેલી રોકાવા આવી ગઈ અને સારું મુહુર્ત જોઇને લગ્ન લખવાનું નક્કી થયું. દસ વાનાના લગ્ન લખાયા. આજુબાજુંના બહેનોને સખીઓ રોજ સાંજે લગ્નગીતો ગાવા આવવા લાગી. મુખવાસને રંગબેરંગી બનાવવામાં આવ્યો, પાપડ વણવા માટે પડોશની બહેનોને બોલાવવામાં આવ્યા. જીવલો તરગાળા પણ દાંડી પીટવાનો સમય પૂછવા આવી ચડ્યો. મીનાભાભીએ હરખાતા કહ્યું કે’ “આજથી બાવીસ તારીખ સુધી રોજ સવારના આવજો ને ઢોલ વગાડજો.
આજથી સવારના કંકોત્રી લખવાનું ચાલુ થયું. પેલી કંકોત્રી કુળદેવી, માંગનાથ, તેમજ અંબામાંના મંદિરની લખી. હવે બંને વેવાઈની મુંબઈ ખાતે તેમજ ભાઈના સાસરે એમ બધા મહેમાનોની લખવા બેસી ગયા. નાના ભાઈ બધી કંકોત્રી પોસ્ટ કરી આવ્યો.
(ક્રમશ)
